QUIT INDIA - અંગ્રેજો પાછા જાવ - અંગ્રેજો તો ગયા, પરંતુ અંગ્રેજીયત ક્યારે જશે?

ભારતે પણ માનવતા નો-માંગલ્યનો દ્યોતક `સ્વ" સૂચકાંક પ્રસ્તુત કરવાનો સમય પાકી ગયો છે.

    ૦૩-ઓગસ્ટ-૨૦૨૪   
કુલ દૃશ્યો |

india bharat
 
 
૮ ઓગસ્ટ, ૧૯૪૨થી QUIT INDIA આંદોલન શરૂ થયું. ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ અંગ્રેજોએ ભારત છોડ્યું, તેની સાથે જ અંગ્રેજીયત જવી જોઈતી હતી, પરંતુ તે ગઈ તો નહીં ઉલટાની વધુ હાવિ બની. અંગ્રેજી ભાષા-ભૂષા-ભોજન નહીં અપનાવનાર જાણે ભોટ-અભણ હોય તેવો મનોરોગ તે વખતના તથાકથિત ઉચ્ચ નેતાઓના મગજમાં હતો, તે છેક નીચે સુધી પ્રસર્યો. `સ્વ'ની બાહ્ય ઓળખ એવી ભાષા-ભૂષા-ભોજન વગેરેની ઓળખની સાથે સાથે તેમના તરફથી અપાતો ભારતીય ભાવ ભૂલાવાયો. ઉદા. ન્યાયાલયોમાં લોર્ડ યથાવત્ રહ્યા. ન્યાય રાજ્ય-રાષ્ટની ભાષામાં શક્ય જ નથી?
 
આવાં અનેક ઉદાહરણો આપણી આજુબાજુમાં ફેલાયેલાં છે. ભાષાશાસ્ત્રીઓ ગઈવગાડીને કહે છે કે, પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં હોવું જોઈએ, કારણ કે સમ્યક બાળવિકાસ માટે તે માત્ર જરૂરી નહિ, અનિવાર્ય છે. તો પણ અંગ્રેજી માધ્યમની શાળાઓમાં ધસારો ઉત્તરોત્તર વધી રહ્યો છે.
 
આ બધી બાબતોથી ઊંડી મનોવૈજ્ઞાનિક અસર એ થઈ કે, ભારતનાં લોકો ભારત કરતાં પશ્ચિમ ઉપર ભરોસો રાખતાં થઈ ગયાં. પશ્ચિમ તેનો ગેરફાયદો ઉઠાવી રહ્યું છે. ઉદા. પશ્ચિમ દ્વારા મનફાવે તેમ કરવામાં આવતું આંતરરાષ્ટ્રીય રેટિંગ (દેશોનું રેન્કિંગ). સ્વીડનની વી-ડેમ સંસ્થાએ પ્રકાશિત કરેલ `ડેમોક્રેસી ઇન્ડેક્સ'ની દૃષ્ટિએ ભારતનો રેન્ક ૧૦૪ છે. તેનાથી ઉપર નાઈજીરિયા છે, જ્યાં લશ્કરી શાસન છે, જ્યાંના રાષ્ટ્રપતિ જુલાઈ, ૨૦૨૩થી નજરકેદ છે. કુવૈતના અમિરનું અપમાન કેટલાક સાંસદોએ કરતાં તેની સંસદ ભંગ કરી દેવામાં આવેલી, એવા કુવૈતનું રેન્કિંગ આપણા કરતાં સારું છે. ખનીજતેલના ખજાનાની લાલચ જંગલશાહીને આદર્શ લોકશાહી તરીકે પ્રચારિત કરી શકે છે! આવી જ વાત `સુખ'ના સૂચકાંક (`હેપ્પીનેશ ઇન્ડેક્સ')ની છે, જેમાં ભારત ૧૨૦મા સ્થાને અને પાકિસ્તાન ૧૦૮મા સ્થાને છે. અરે! ભારતથી ઉપરનો રેન્ક દાયકાઓથી ગૃહયુદ્ધથી ત્રસ્ત મ્યાનમારને મળેલ છે. `પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ'માં ભારતથી આગળ તાલિબાની અફઘાનિસ્તાન છે. બોલો, હવે તો હદ થઈ ગઈ ને!
 
થોડા સમય પહેલાં દેશનું કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવ્યું. પશ્ચિમી આયાતી માપદંડ- GDP (Gross Domestic Product)થી અર્થતંત્રને માપવું એ સાવ ભૂલ ભરેલું છે. આપણા `સ્વ' સાથે સુસંગત નથી. છતાં એ જ ચાલે છે. ઉદા. ગામડામાં રહેતો એક યુવાન ભણીને નોકરી અર્થે શહેરમાં આવ્યો. કંપની તરફથી ઘર તો મળી ગયું. રસોઈ કરવા બાજુમાં રહેતા એક જરૂરિયાતમંદ મધ્યમ વર્ગના પરિવારની દીકરી આવતી. આ યુવતી કૉલેજ પૂર્ણ કર્યા પછી નોકરીની શોધમાં હતી. થોડા સમય પછી આ યુવકને રસોઈ કરવાવાળી યુવતી સાથે પ્રેમ થયો. બંને પરણી ય ગયાં. હવે યુવતીએ રસોઈ ઉપરાંત નાનાં મોટાં કામ પણ સંભાળી લીધાં. લગ્ન પહેલાં એ યુવતીને રસોઈ બનાવવા માટે તથા નાનાં-મોટાં કામ માટે પણ અન્ય વેતન મળતું હતું. અને તેથી GDP વધતો હતો, પરંતુ હવે લગ્ન પછી એ યુવતી તમામ કામો પણ પૂરી લગનથી કરવા લાગી, છતાં GDP ઘટ્યો. એક પણ રજા પાડ્યા વિના કામ કરવામાં આવ્યું તો પણ GDP ઘટ્યો. સતત ૨૪ કલાક જવાબદારી નિભાવી છતાં પણ GDP ઘટ્યો. અરે! બધાં કામોની ગુણવત્તા સુધરી છતાં GDP ઘટ્યો. આવી ઊણપોથી મુક્ત હોય તેવો સૂચકાંક જરૂરી છે.
 
એક સૂચકાંક, જેની ચર્ચા વિશ્વ કરી રહ્યું છે, તે ભૂતાને શરૂ કર્યો છે- GNH (Gross National Happiness), જેમાં જીવનની ગુણવત્તાને માપવા માટે નવ આયામોને આવરી લેવામાં આવ્યા છે.
 
૧) માનસિક સુખ, ૨) સ્વાસ્થ્ય, ૩) સમય-વિરામનો સદુપયોગ, ૪) શિક્ષણ, ૫) સાંસ્કૃતિક વૈવિધ્ય,
૭) સામુદાયિક ચૈતન્ય-પૌરુષ, ૮) પર્યાવરણીય વૈવિધ્ય અને ૯) જીવનસ્તર.
 
ભારતે પણ क) ન્યાયસંગત અને ધારણક્ષમ સામાજિક-આર્થિક વિકાસ, ख) સાંસ્કૃતિક મૂલ્યોનું સંરક્ષણ-સંવર્ધન, ग) પર્યાવરણનું સંરક્ષણ-સંપોષણ અને घ) સુશાસન, આ ચારેયના આધારે માનવતાનો-માંગલ્યનો દ્યોતક `સ્વ' સૂચકાંક પ્રસ્તુત કરવાનો સમય પાકી ગયો છે.
 

શ્રી ભાનુભાઈ ચૌહાણ

ભાનુભાઈ ચૌહાણ ‘સાધના’ સાપ્તાહિકના તંત્રીશ્રી તથા ટ્રસ્ટ્રીશ્રી છે. તેમણે "એલ.ડી. એન્જિનિયરિંગ" કોલેજમાંથી બી.ઈ.(સિવિલ) નો અભ્યાસ કર્યો છે તથા "સેપ્ટ યુનિવર્સિટી - અમદાવાદ"માંથી અર્બન એન્ડ રીજીયોનલ પ્લાનિંગમાં એમ. ટેક. કર્યુ છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ડાયરેક્ટર તરીકે પણ તેમણે જવાબદારી નિભાવી છે. રા.સ્વ.સંઘમાં તેઓ કર્ણાવતી મહાનગરના સહ કાર્યવાહ તથા ગુજરાત પ્રાંતના કાર્યકારીણી સદસ્ય છે. તેમણે કર્ણાવતી કો. ઓપ. બેંક તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડમાં ડિરેક્ટરનું દાયિત્વ સંભાળ્યું છે. તેઓ વિચારક અને લેખક છે. સાધનામાં "અવલોકન" અને "વિચારવિમર્શ" શીર્ષક હેઠળ વિવિધ વિચારપ્રેરક લેખો તેઓ નિયમિત લખે છે.