આસામની વિધાનસભામાં એક બિલ પસાર થયું છે. આ બિલ પ્રમાણે હવે મુસ્લિમ સમાજના લગ્ન અને છૂટાછેડાની સરકારી નોંધણી ફરજિયાત બની ગઈ છે. આસામ કમ્પલસરી રજીસ્ટ્રેશન ઓફ મુસ્લિમ મેરેજ એન્ડ ડિવોર્સ બિલ- ૨૦૨૪ (The Assam Compulsory Registration of Muslim Marriages and Divorces Bill, 2024,), ૨૯ ઓગસ્ટના રોજ વિધાનસભામાં મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન મંત્રી જોગેન મોહન દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. આ બિલ હવે મુસ્લિમ મેરેજ એન્ડ ડિવોર્સ એક્ટ 1935નું સ્થાન લેશે. જૂનો કાયદો બાળ લગ્નને અને બહુપત્નીત્વને મંજૂરી આપતો હતો. આ સાથે આસામ સરકારે મુસ્લિમોના લગ્ન અને તલાકમાં કાઝીઓની ભૂમિકાને પણ નાબૂદ કરી દીધી છે.
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ આ બિલ પાસ થવા પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે ગુરુવારના દિવસને ઐતિહાસિક ગણાવ્યો અને કહ્યું કે તેમનું આગામી લક્ષ્ય બહુપત્નીત્વ પર પ્રતિબંધ મૂકવાનું છે.
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ ટ્વિટર (X) પર લખ્યું કે, “આજે આસામની દીકરીઓ માટે ઐતિહાસિક દિવસ છે. આસામ વિધાનસભાએ
Muslim Marriages and Divorces Bill, 2024 પસાર કરી દીધું છે. આ નવો કાયદો લાગુ થયા પછી, સગીર સાથે લગ્નની નોંધણી કાનૂની અપરાધ ગણવામાં આવશે. આ ઉપરાંત મુસ્લિમ લગ્નની નોંધણી હવે કાઝી દ્વારા નહીં પણ સરકાર દ્વારા કરવામાં આવશે. અમારી સરકારનો એક જ ઉદ્દેશ્ય છે કે દીકરી મુસ્લિમ હોય કે હિંદુ, તેની સાથે અન્યાય ન થવો જોઈએ. હું આસામના લોકોને વિનંતી કરું છું કે અમારું સમર્થન કરે અને જૂની પ્રથાને ઇતિહાસના પાનાઓ સુધી સીમિત રાખે. આધુનિક આસામમાં આ પ્રથાને કોઈ સ્થાન નથી
નવા કાયદાની વિશેષતાઓ
આસામ મુસ્લિમ મેરેજ એન્ડ ડિવોર્સ કમ્પલસરી રજીસ્ટ્રેશન બિલ, 2024 નામનો નવો અધિનિયમ અસ્તિત્વમાં આવવાથી મુસ્લિમોના લગ્ન અને છૂટાછેડામાં કાઝીઓની ભૂમિકા ખતમ થઈ ગઈ છે. હવે આ કામગીરી સબ રજીસ્ટ્રાર કરશે.
નવા કાયદામાં નિકાહ માટે મુખ્યત્વે 7 બાબતો છે-
#1 નિકાહ સમયે છોકરીની ઉંમર 18 વર્ષ અને છોકરાની ઉંમર 21 વર્ષની હોવી જોઈએ.
#2 લગ્ન બંને પક્ષોની સંમતિથી જ થવા જોઈએ, જો બળજબરીવી વાત આવે તો 1 મહિનાની અંદર ફરિયાદ કરી શકાય છે.
#૩ જે જિલ્લામાં નિકાહ થવાના છે તે જિલ્લામાં છોકરી અને છોકરોનો ઓછામાં ઓછા ૩૦ દિવાસનો નિવાસ જરૂરી છે. એટલે બીજા જિલ્લામાં રહેતા હોય અને માત્ર લગ્ન માટે જે તે જિલ્લામાં આવવાની જે પ્રથા હતી તે હવે નાબૂદ થઈ છે. છોકરો અને છોકરી બંને અલગ-અલગ જિલ્લામાં લગ્ન કરી શકતા નથી, આ માટે છોકરો કે છોકરીએ તે જિલ્લામાં 30 દિવસ રહેવું જરૂરી છે.
#૪ છોકરો અને છોકરી - બંને પક્ષોએ લગ્નની નોંધણીના ઓછામાં ઓછા 30 દિવસ પહેલા ઓળખ, ઉંમર અને રહેઠાણના સ્થળને લગતા દસ્તાવેજો રજૂ કરવા પડશે. એટલે કે નિકાહની નોટિસ એક મહિના પહેલા આપવી પડશે, આ શરત સ્પેશિયલ મેરેજ એક્ટ જેવી જ છે.
#૫- બળજબરી, સગીર અથવા વિદેશી નિવાસ જેવી કોઈપણ શરતના ઉલ્લંઘનના કિસ્સામાં, 30 દિવસની ફરિયાદ નોંધાવી શકાય છે. રજિસ્ટ્રાર તેની તપાસ કરશે. જો તપાસ બાદ કોઈ ગેરરીતિ જણાઈ આવે તો નિકાહને પણ નકારી શકાય છે. આવી સ્થિતિમાં ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર અથવા રજિસ્ટ્રાર જનરલ ઑફ મેરેજ સમક્ષ અપીલ કરી શકાય છે.
#૬ જો દસ્તાવેજોની ચકાસણી દરમિયાન છોકરી કે છોકરો સગીર હોવાની માહિતી બહાર આવે છે, તો અધિકારીએ તરત જ ઉચ્ચ અધિકારી (મેરેજ પ્રોટેક્શન ઓફિસર)ને જાણ કરવી પડશે. આ બાબત બાળ લગ્ન નિષેધ અધિનિયમ-2006 હેઠળ ફરજિયાત છે. આ બાબતે સક્ષમ અધિકારી કાયદેસરની કાર્યવાહી કરશે.
#૭ જો કોઈ અધિકારી 'ઇરાદા પૂર્વક' ખોટી રીતે નિકાહને મંજૂરી આપે છે અને નોંધણી કરાવે છે, તો તેને 1 વર્ષ સુધીની જેલ અને 50,000 રૂપિયાનો દંડ થઈ શકે છે. એટલે કે જે અધિકારી ખોટી રીતે નિકાહ મંજૂર કરશે તેને સીધો જવાબદાર ગણવામાં આવશે.