પ. બંગાળમાં એક બાજુ ન્યાય માટે તડપતાં ડૉ. પુત્રીનાં મા-બાપ, બીજી તરફ મુસ્લિમ જાતિઓને અનામત આપવાની બ્હાવરી ઉતાવળ

એક બાજુ બળાત્કાર કરીને હત્યા કરી નાંખવામાં આવેલ દીકરીનું પોસ્ટમોર્ટમ પત્યા પછી કલાકો પછી FIR કરતી મમતા સરકાર માત્ર એક દિવસથી ય ઓછા સમયમાં વેરિફિકેશન નિપટાવી દઈને મુસ્લિમોને ઓબીસીના લાભ પધરાવીને શું સાબિત કરવા માંગી રહી છે?

    ૩૧-ઓગસ્ટ-૨૦૨૪   
કુલ દૃશ્યો |

west bengal mamata banerjee
 
પશ્ચિમ બંગાળ સરકારે અરજીના માત્ર ૨૪ કલાકની અંદર અંદર જ જથ્થાબંધ ૭૭ મુસ્લિમ જાતિઓને ઓબીસી આરક્ષણ આપી દીધું. અનામત આપવા માટે થ્રી-સ્ટેજ વેરિફિકેશન પણ એક દિવસથી ય ઓછા સમયમાં સમેટી લીધું. આ ખુલાસો ખુદ પશ્ચિમ બંગાળની મમતા સરકારે સુપ્રીમ કોર્ટમાં આપેલી એફિડેવિટમાં કર્યો છે.
 
૨૪ કલાકની અંદર અનામત આપી દેવાના આ પગલા પર મૂળભૂત વૈધાનિક સવાલો ઊભા થયા છે. નિયમો મુજબ, જ્યારે કોઈ જાતિ અનામત માટે અરજી કરે છે, ત્યારે તેણે તેની વસ્તી, તેની વસ્તીનો વિસ્તાર અને તેની જાતિના ઇતિહાસ સહિત તેની સામાજિક-આર્થિક સ્થિતિને લગતા પૂરાવા આપવાના હોય છે. આ પછી પછાત આયોગ અથવા રાજ્યની CRI તેનો સર્વે કરે છે. ઉપરાંત નૃવંશશાસ્ત્રી (એંથ્રોપોલૉજિસ્ટ) દ્વારા પણ સર્વે કરવામાં આવે છે.
 
આ બંને સર્વે પૂર્ણ થયા બાદ આવેલા વાંધાઓ ધ્યાને લઈ, પછાત પંચ આ અંગે સુનાવણી હાથ ધરે છે. આ સર્વેમાં અનામત સંબંધિત દાવા-પ્રતિદાવાઓની ચકાસણી કરવામાં આવે છે. પૂરતા પુરાવા તપાસ્યા બાદ સંતોષકારક લાગે તો જ તે જાતિને અનામત આપવાની ભલામણ કરવામાં આવે છે.
 
અત્રે ઉલ્લેખનીય છે કે, મે ૨૦૨૪માં, કલકત્તા હાઈકોર્ટે પશ્ચિમ બંગાળમાં ૨૦૧૦ પછી ઓબીસી તરીકે જાહેર કરાયેલી ૭૭ જાતિઓનાં પાંચ લાખથી ય વધુ ઓબીસી પ્રમાણપત્રો રદ કર્યાં હતાં. જેમાં ૭૫ જાતિઓ મુસ્લિમ હતી. હાઇકોર્ટે કહ્યું હતું કે, આ અનામત આપવામાં પ્રક્રિયાનું પાલન જ કરવામાં આવ્યું નથી. સુપ્રીમ કોર્ટે પણ હાઇકોર્ટના નિર્ણયને ગ્રાહ્ય રાખ્યો હતો. પુનઃ પ્રક્રિયા પર જ પ્રશ્નો ખડા થયા છે.
 
૩૯% મુસ્લિમો માટે (કુલ ઓબીસીની જાતિઓ પૈકી મુસ્લિમ જાતિઓનું) ઓબીસીમાં પ્રમાણ ૬૫% કરતાં વધુ થઈ જઈ રહ્યું છે.
 
૧૯૯૪માં પહેલીવાર ડાબેરી સરકારે મુસ્લિમ જાતિને ઓબીસીમાં સામેલ કરીને આરક્ષણ આપ્યું હતું. ૧૯૯૬માં, ડાબેરી સરકારે વધુ એક મુસ્લિમ જાતિ- ફકીર/સેનને ઓબીસી આરક્ષણ આપ્યું. આ પછી ૧૯૯૭માં વધુ ૪, ૧૯૯૯માં વધુ ૨, ૨૦૦૨માં વધુ ૨ અને ૨૦૦૯માં વધુ ૨ મુસ્લિમ જાતિઓને અનામત આપવામાં આવી હતી. અને છેલ્લે ૨૦૧૦માં ડાબેરી સરકારે એકાએક ૪૧ મુસ્લિમ જાતિઓને ઓબીસીમાં સામેલ કરી હતી. મમતા સરકારે ૨૦૧૧થી ૨૦૧૩ દરમિયાન ૩૩ વધુ મુસ્લિમ જાતિઓને ઓબીસીમાં સામેલ કરી. ૨૦૧૪થી ૨૦૨૨ સુધી મમતા સરકારે ૩૬ વધુ જાતિઓને ઓબીસીમાં સામેલ કરી. જેમાંથી ૩૨ મુસ્લિમ જાતિઓ હતી. પશ્ચિમ બંગાળમાં હાલમાં ૧૭૯ જાતિઓને ઓબીસી અનામત મળે છે, જેમાંથી ૧૧૭ જાતિઓ મુસ્લિમ છે.
 
બધાં ધારા-ધોરણો કોરાણે મૂકીને એક દિવસથી ય ઓછા સમયમાં થ્રી-સ્ટેજ વેરિફિકેશનની કાર્યવાહી આટોપી દેવામાં આવી તે પ્રાથમિક દૃષ્ટિએ આપત્તિજનક લાગતાં સુપ્રીમ કોર્ટમાં અનેક પ્રશ્નો ઉપસ્થિત થયા. સુપ્રીમ કોર્ટમાં મમતા સરકારના વકીલે `વિક્ટિમ કાર્ડ' ઉતરતાં કહ્યું કે, મુસ્લિમો છે માટે, આરોપો લગાવવામાં આવી રહ્યા છે. તેની સામેના પક્ષેથી દલિલ કરતાં એડ. મુકુલ રોહતગીએ કહ્યું, આ પ્રક્રિયા `ધોખાઘડી' છે. કોઈ જ પ્રકારના અભ્યાસ વગર ફાયદાઓ આપવામાં આવી રહ્યા છે.
 
એક બાજુ બળાત્કાર કરીને હત્યા કરી નાંખવામાં આવેલ દીકરીનું પોસ્ટમોર્ટમ પત્યા પછી કલાકો પછી FIR કરતી મમતા સરકાર માત્ર એક દિવસથી ય ઓછા સમયમાં વેરિફિકેશન નિપટાવી દઈને મુસ્લિમોને ઓબીસીના લાભ પધરાવીને શું સાબિત કરવા માંગી રહી છે? વિપક્ષ કેમ ચૂપ છે? 
 
 
 
 

શ્રી ભાનુભાઈ ચૌહાણ

ભાનુભાઈ ચૌહાણ ‘સાધના’ સાપ્તાહિકના તંત્રીશ્રી તથા ટ્રસ્ટ્રીશ્રી છે. તેમણે "એલ.ડી. એન્જિનિયરિંગ" કોલેજમાંથી બી.ઈ.(સિવિલ) નો અભ્યાસ કર્યો છે તથા "સેપ્ટ યુનિવર્સિટી - અમદાવાદ"માંથી અર્બન એન્ડ રીજીયોનલ પ્લાનિંગમાં એમ. ટેક. કર્યુ છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ડાયરેક્ટર તરીકે પણ તેમણે જવાબદારી નિભાવી છે. રા.સ્વ.સંઘમાં તેઓ કર્ણાવતી મહાનગરના સહ કાર્યવાહ તથા ગુજરાત પ્રાંતના કાર્યકારીણી સદસ્ય છે. તેમણે કર્ણાવતી કો. ઓપ. બેંક તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડમાં ડિરેક્ટરનું દાયિત્વ સંભાળ્યું છે. તેઓ વિચારક અને લેખક છે. સાધનામાં "અવલોકન" અને "વિચારવિમર્શ" શીર્ષક હેઠળ વિવિધ વિચારપ્રેરક લેખો તેઓ નિયમિત લખે છે.