સવારમાં સવારમાં શિવનું સ્મરણ કરવાથી આખા દિવસમાં આપણા હાથે કોઈનું ખરાબ થતું નથી. શિવ જે સહજતાથી નગરમાં વસે છે એ જ સહજતાથી વનમાં પણ વસે છે. શ્રાવણ મહિનામાં શિવમંદિરે જવાથી દસગણું પુણ્ય મળે છે. દેવોના દિવસ હોય છે અને મહાદેવનો મહિનો. શ્રાવણની ભક્તિનો પાક આખું વર્ષ લણવાનો હોય છે. આ મહિનામાં આવતા અનેક તહેવાર આપણા વહેવારને સુધારે છે. ભોળાનાથનો ભક્ત કદી કોઈને અન્યાય કરતો નથી. શિવ જેવી સહજતા જીવનમાં આવી જાય તો માણસ તરીકેનો ફેરો સફળ. દરેક મંદિરમાં એક ભવ્ય અને દિવ્ય વારસો સચવાયેલો છે. બધાં મંદિરોનું અલગ અલગ માહાત્મ્ય અને મહિમા છે. મંદિરનું હકારાત્મક અને ઊર્જાવાન વાતાવરણ આદર્શ જીવનનું નિર્માણ કરે છે.
પાલનપુરની નજીક ચિત્રાસણી ગામ આવેલું છે. નાના એવા ગામની મોટી વિશેષતા એ છે કે, અહીં બાલારામ મંદિર આવેલું છે. અન્ય મંદિર કરતાં આ મંદિર વિશિષ્ટ છે. અહીં શિવલિંગ પર ગૌમુખમાંથી જળાભિષેક થાય છે. ગૌમુખમાં જળ ક્યાંથી આવે છે તે મોટું રહસ્ય છે. આમ પણ શિવના રહસ્યને હજુ સુધી કોઈ પામી શક્યું નથી. અહીંનું શિવલિંગ સ્થાપિત નથી પણ સ્વયંભૂ શિવલિંગ છે. સ્વયંભૂ શિવલિંગના આભામંડળની આસપાસ તેજનક્ષત્રોના વલય હોય છે. શિવલિંગને વધુ સમય સુધી નિહાળી શકાતું નથી, આંખમાં રિફ્લેક્શન આવે છે.
મંદિરનાં દર્શન કરતાં પરમ શાંતિનો અનુભવ થાય છે. મંદિરમાં મૌન ધારણ કરીને બેસો તો જુદી જ દુનિયામાં સરી ગયા હો એવું લાગે. બાળકો સાથે દર્શન કરશો તો વળી એક નવી અનુભૂતિ મળશે. અહીં અન્ય મંદિરો પણ જોવાલાયક છે. આબુ રોડનું પ્રાકૃતિક સૌન્દર્ય વાતાવરણને મોહક બનાવે છે. શિવને આમ પણ પ્રકૃતિ પ્રિય છે. પ્રકૃતિનું પૂજન કરો તો પણ શિવ પ્રસન્ન થાય છે.
એકવાર અહીં ભયંકર દુષ્કાળ પડેલો. લોકો અન્ન અને પાણી માટે તરસવા લાગ્યા. રહેવાય અહીં અને સહેવાય નહીં એવી વિકટ પરિસ્થિતિ સામે આવીને ઊભી રહી. કેટલાક લોકો તો અહીં નાનાં બાળકોને છોડીને જતાં રહ્યાં હતાં. માતા-પિતાના વિરહમાં રઝળતાં બાળકોને જોઈ એક તપસ્વીને કરુણા ઊપજી. તપસ્વીએ અહીં પોતાના તપોબળથી જળ ઉત્પન્ન કર્યું અને આ જળથી બાળકોને જળપાન કરાવ્યું તથા ગાય બોલાવી બાળકોને દૂધ પીવડાવીને જીવનદાન આપ્યું હતું. બાળકો સુખેથી રહેવા લાગ્યાં. આ તપસ્વી જાણે શિવે મોકલ્યા ન હોય! આ ચમત્કારની વાત સાંભળી ગામ છોડીને ગયેલા લોકો પરત ફર્યા. બાળકોને છોડી જવાની ભૂલની મનોમન શિવની માફી માંગી. તેથી તેમને બાલારામ મહાદેવ કહેવામાં આવે છે. જીવનમાં કોઇ ભૂલ થઇ હોય અને બાલારામ મંદિરમાં આવી એનો એકરાર કરવાથી માફી મળે છે. ફરી એ ભૂલ ન કરવાની ટેક લેવાની હોય છે. ટેક લીધા પછી ભૂલ થાય તો પાપના ભાગીદાર બનીએ છીએ.
મહાભારત કાળનું ૫૦૦૦ વર્ષ પ્રાચીન શિવમંદિર કહેવાય છે. એક માન્યતા પ્રમાણે પાંડવો પણ આ સ્થળે થોડો સમય રોકાયા હતા. પાંડવો અહીંની પ્રકૃતિથી પ્રભાવિત થયા હતા. જ્યારે કૌરવોની વાતથી તેઓ વ્યગ્ર હતા ત્યારે આ ભૂમિ પર એમને શાંતિ મળી હતી. આ મંદિર તેની સુંદરતા માટે જાણીતું છે, લીલીછમ હરિયાળીથી ઘેરાયેલું છે અને તેની બાજુ વહેતી નદી છે. પિકનિક માટેનું પણ આદર્શ સ્થળ છે. આવા સ્થળની મુલાકાતથી આનંદ સાથે આપણી પ્રાણવાન પરંપરાને પણ પ્રમાણી શકીએ છીએ. ઉત્તર ગુજરાતના લઘુ કાશ્મીર તરીકે ગણાતા આ સ્થળ પર વરસાદી મોસમમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠે છે. જાણે ડાળ ડાળ અને પાન પાન શિવસ્વરૂપ બની જાય છે. ચોમાસામાં એકવાર તો ત્રિશૂલ આકારની વીજળી જોવા મળે છે. ભાગ્યશાળીને જ એનાં દર્શન થાય છે. ચોમાસામાં કેટલાક સાધકો મંદિરમાં સાધના કરવા આવે છે. આ મંદિરમાં બાળકોને ભોજન કરાવવાથી ગમે તેવી મોટી સમસ્યા દૂર થાય છે, સવાલ થોડો સમય ધૈર્ય રાખવાનો હોય છે. ધૈર્ય અને ધ્યાનનું ફળ હંમેશાં મીઠું હોય છે.
જયહિન્દ : પક્ષીઓની જેમ હવામાં ઊડતાં ને માછલીની જેમ પાણીમાં તરવાનું શીખી લીધા પછી માણસને હવે પૃથ્વી ઉપર ચાલતાં શીખવાની જરૂર છે : -સર્વપલ્લી રાધાકૃષ્ણન