૨૨થી ૨૪ જાન્યુઆરી ૧૯૬૬ દરમિયાન, પ્રયાગમાં યોજાયેલા કુંભમેળામાં ૧૨ દેશોના ૨૫ હજાર પ્રતિનિધિઓની ભાગીદારી સાથે પ્રથમ વિશ્વ હિંદુ સંમેલન યોજાયું હતું, જેમાં પ્રથમ વખત ૩૦૦ પ્રમુખ સંતોની સાથે પ.પૂ. શંકરાચાર્યજી ઉપસ્થિત રહ્યા હતા.
# વર્તમાનમાં વિ.હિં.પ. દ્વારા સમાજના સહયોગથી દેશભરમાં ૪૫૦૦થી વધુ સેવા યોજનાઓ ચાલે છે.
# ૩૧ પ્રાંતોમાં ૯૩ હજાર સ્થાનો પર ૮૪૦ સંસ્કાર શાળાઓમાં ૧૭ હજાર બાળકો અભ્યાસ કરી રહ્યાં છે.
# વિશ્વ હિંદુ પરિષદે લગભગ ૬૫ લાખ હિંદુઓનું ધર્માંતરણ રોકવાની સાથે લગભગ ૧૦ લાખ લોકોની ઘરવાપસી પણ કરાવી છે.
# વિહિપે ગેરકાયદેસર ધર્માંતરણને રોકવા અને ધર્માંતરિત હિંદુ ભાઈઓ અને બહેનોને તેમના મૂળ સાથે ફરીથી જોડવાની દિશામાં પણ મહત્ત્વનું કાર્ય કર્યું છે.
# શ્રી રામજન્મભૂમિ નિધિ સમર્પણમાં ૫ લાખ ગામ સુધી સંપર્ક તેમજ ૧૨.૫ કરોડ પરિવાર સંપર્ક ૪૧૦૦ કરોડથી વધુ નિધિ એકત્રિત થઈ.
# ૧૯૮૪માં શરૂ થયેલ શ્રી રામજન્મભૂમિ મુક્તિ આંદોલને દેશનાં લાખો ગામોના ૬૫ કરોડ લોકોને જોડ્યા હતા. વિ.હિ.પરિષદે આદરેલા લાંબા અને અવિરત સંઘર્ષ બાદ ૨૨ જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ અયોધ્યામાં શ્રીરામલલ્લાની ઐતિહાસિક પ્રાણપ્રતિષ્ઠા થઈ.
ભારતભૂમિ પર છેલ્લાં બારસો વર્ષોથી અન્ય વિચારધારાના લોકોનાં આગમન અને આક્રમણ થયાં. નુકસાનની તો કોઈ સીમા રહી નહિ. હિંદુ વિચારધારાનાં ઉદાત્ત મૂલ્યોની કલ્પનાતીત દુર્દશા થઈ. જીવનમૂલ્યોનું અનહદ ધોવાણ થયું. ભારતના સમાજજીવન ઉપર બેહદ આઘાતો થયા. સંસ્કૃતિ, સભ્યતા, અર્થવ્યવસ્થા તથા જીવનપદ્ધતિ સતત પછડાતાં રહ્યાં.
દેશની રાજકીય સ્વતંત્રતા બાદ, હિંદુ સમાજ પર વધી રહેલા અન્યાય અને કહેવાતા સેક્યુલરવાદના નામે ખ્રિસ્તીઓ અને મુસ્લિમોના તુષ્ટીકરણ વચ્ચે ૧૯૫૭માં નિયોગી કમિશનનો રિપોર્ટ આવ્યો, જેમાં દેશભરમાં ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા છળ, કપટ, લોભ, લાલચ અને છેતરપિંડી દ્વારા હિંદુઓનું ધર્માંતરણ થઈ રહ્યું હોવા છતાં તત્કાલીન કેન્દ્ર સરકારે ધર્માંતરણ સામે કેન્દ્રીય કાયદો બનાવવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. બીજી તરફ વિદેશમાં વસતો હિંદુ સમુદાય પણ પોતાની વિવિધ સમસ્યાઓના નિરાકરણ માટે ભારત તરફ નજર કરી રહ્યો હતો, પરંતુ તેમાં પણ કેન્દ્ર સરકારના ઉદાસીન વલણે નિરાશ કર્યાં. આવી સ્થિતિમાં હિંદુ સમાજને સંગઠિત કરવા, હિન્દુ ધર્મની રક્ષા કરવા અને જીવનના ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક મૂલ્યોનું રક્ષણ કરવા માટે સંવત ૨૦૨૧ના શ્રાવણ વદ આઠમ - શ્રીકૃષ્ણ જન્માષ્ટમી (તા. ૨૯ ઓગસ્ટ, ૧૯૬૪)ના દિવસે મુંબઈ મુકામે વિશ્વ હિંદુ પરિષદ નામના સંગઠનની સ્થાપના કરવામાં આવી. પરમ પૂજ્ય સ્વામી ચિન્મયાનંદજીના વસઈ સ્થિત સાંદીપનિ આશ્રમમાં આ સંગઠનની સ્થાપના થઈ. હિંદુ સમાજ માટે આ એક ઐતિહાસિક ઘટના બની.
વિશ્વ હિંદુ પરિષદની સ્થાપના કરવામાં અનેક મહાનુભાવો, વિદ્વતજનો, સંતો, મહંતો પોતે ઉપસ્થિત રહી સક્રિય બન્યા. જેમાં રા.સ્વ.સંઘના તત્કાલિન પ.પૂ. સરસંઘચાલક શ્રી ગુરુજી, રાષ્ટીય સ્વયંસેવક સંઘના પ્રચારક અને હિંદુસ્થાન સમાચારના સ્થાપક શ્રી દાદાસાહેબ આપ્ટેજી, સાંદીપનિ સાધનાલયના પૂજ્ય સ્વામી ચિન્મયાનંદજી, પૂ. રાષ્ટસંત તુકડોજી મહારાજ, શીખ સમુદાયના માનનીય માસ્ટર તારાસિંહ, જૈન સંપ્રદાયના પૂજ્ય સુશીલમુનિજી, ગીતા પ્રેસ ગોરખપુરના હનુમાનપ્રસાદ પોદ્દાર અને ઉપરાંત ૪૦-૪૫ અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આપણા ગુજરાતના મૂર્ધન્ય વિદ્વતજનો કનૈયાલાલ મુન્શી, પદ્મ શ્રી કે. કા. શાસ્ત્રી અને ડૉ. વણીકરજી પણ આ અવસરે ઉપસ્થિત હતા. આ બેઠકમાં વિશ્વ હિંદુ પરિષદના ત્રણ મુખ્ય ઉદ્દેશો નક્કી કરવામાં આવ્યા હતા. જેમાં હિંદુ સમાજને સંગઠિત અને જાગૃત કરવો, તેની સંપત્તિઓ, મૂલ્યો અને જીવનમૂલ્યોનું રક્ષણ અને સંવર્ધન કરવું અને વિદેશમાં હિંદુઓની સાથે સંપર્ક સ્થાપિત કરીને તેમને સુદૃઢ કરવા અને તેમની મદદ કરવી - જેવાં ઉદ્દેશ્યોનો સમાવેશ થાય છે.
આ અવસરે હિંદુની વ્યાખ્યા કરતી વખતે એવું કહેવામાં આવ્યું હતું કે, `જે વ્યક્તિ ભારતનાં વિકસિત જીવનમૂલ્યોમાં આસ્થા રાખે છે અથવા જે વ્યક્તિ પોતાને હિંદુ કહે છે તે હિંદુ છે.'
`ધર્મો રક્ષતિ રક્ષિતઃ' સૂત્ર બન્યું
સ્થાપનાનાં બે વર્ષ બાદ ૨૨થી ૨૪ જાન્યુઆરી ૧૯૬૬ દરમિયાન, પ્રયાગમાં યોજાયેલા કુંભમેળામાં ૧૨ દેશોના ૨૫ હજાર પ્રતિનિધિઓની ભાગીદારી સાથે પ્રથમ વિશ્વ હિંદુ સંમેલન યોજાયું હતું, જેમાં પ્રથમ વખત ૩૦૦ પ્રમુખ સંતોની સાથે પ.પૂ. શંકરાચાર્યજી ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે એ વખતે ધર્માંતરણ અટકાવીને તેમને પરત લાવવાનો (અત્યારના શબ્દોમાં ઘરવાપસીનો) સંકલ્પ કરવામાં આવ્યો હતો.
મૈસૂરના મહારાજા શ્રી ચામરાજજી વાડિયારને પ્રથમ પ્રમુખ અને દાદાસાહેબ આપ્ટેને પ્રથમ મહાસચિવ તરીકે જાહેર કરીને વિહિપની વ્યવસ્થાપન સમિતિની પણ જાહેરાત કરવામાં આવી હતી. આ પરિષદમાં પરાવર્તન (ઘરવાપસી)ને માન્યતા આપવાનો ઐતિહાસિક પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો, અને સાથે સાથે વિહિપનાં સૂત્ર `ધર્મો રક્ષતિ રક્ષિતઃ' અને લોગો `અક્ષય વટવૃક્ષ' પણ નક્કી કરવામાં આવ્યાં હતાં.
૧૯૬૬માં પ્રયાગરાજમાં આયોજિત પ્રથમ સંમેલનમાં ચારે પ.પૂજ્ય શંકરાચાર્ય તથા તમામ ધર્મ સંપ્રદાય પંથોના સંતોની હાજરીમાં ઐતિહાસિક ઠરાવ કરવામાં આવ્યો કે 'જે વ્યક્તિઓ પોતાના પૂર્વજોના મૂળ ધર્મમાં પરત આવવા માગતા હોય તેમને આત્મસાત કરવામાં આવે'. આમ સ્વધર્મમાં પરત ફરવાની વાતને સૌ પ્રથમ વાર પૂ. સંતોની માન્યતા મળી.
ગૌરક્ષાના પવિત્ર ઉદ્દેશ્યથી ૧૯૬૬માં ગૌમાતા અને સંતો સાથે સંસદ તરફ કૂચ કરનાર પૂજ્ય કરપાત્રીજી મહારાજને ગોળીઓનો સામનો કરવો પડ્યો હતો. આજે વિશ્વ હિંદુ પરિષદ દ્વારા કરવામાં આવેલ જન જાગરણના પરિણામે દેશના અનેક રાજ્યોમાં ગૌહત્યા વિરુદ્ધ કડક કાયદો અમલમાં છે. વિશ્વ હિન્દુ પરિષદ દેશમાં ૭૦૦થી વધુ ગૌશાળાઓ ચલાવવા મદદરૂપ થાય છે તથા ગૌઆધારિત ખેતીને પ્રોત્સાહન આપે છે.
સામાજિક સમરસતા માટેનો ઐતિહાસિક ઠરાવ
ડૉ. આંબેડકરજીનું માનવું હતું કે, જો દેશના સંતો અને મહાત્માઓ ભેગા થઈને જાહેર કરે કે, અસ્પૃશ્યતાને હિંદુ ધર્મગ્રંથોમાં કોઈ સ્થાન નથી, તો આ શ્રાપનો અંત આવી શકે છે. તેને ધ્યાનમાં રાખીને, ૧૩-૧૪ ડિસેમ્બર, ૧૯૬૯ના રોજ યોજાયેલી ઉડૂપી ધર્મ સંસદમાં, સંઘના તત્કાલીન પ.પૂ. સરસંઘચાલક શ્રી ગુરુજીના વિશેષ પ્રયત્નોના પરિણામે, ભારતના અગ્રણી સંતોએ સર્વસંમતિથી હિંદવઃ સર્વે સોદરા સર્વ, ન હિંદુ પતિતો ભવેત્ની ઘોષણા સાથે સામાજિક સમરસતા માટેનો ઐતિહાસિક ઠરાવ પસાર કર્યો.
૧૯૬૯માં ઉડુપી સંમેલનમાં ઉપસ્થિત સૌ જગતગુરુ અને ધર્માચાર્યોએ સમાજમાંથી અસ્પૃશ્યતાની નાબૂદી માટે આવાહન કર્યું. હિંદવઃ સર્વે સોદરા સર્વ, ન હિંદુ પતિતો ભવેત્નો મંત્ર વિશ્વ હિન્દુ પરિષદના માધ્યમથી સમગ્ર ભારતમાં ગુંજી ઉઠ્યો. અનુસુચિત જાતિ - જનજાતિના ભાઈબહેનોને સમાનતાનો હક અપાવવા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વ્યાપક પ્રયત્નો થયા છે અને જેના પરિણામે અનેક ગામડાં - શહેરોમાં સમરસતાનું નિર્માણ થયું છે.
કુંભના રૂપમાં દેશના વનવાસી, ગિરીવાસીઓ અને નગરવાસીઓ ૨૭ થી ૨૯ માર્ચ, ૧૯૭૦ દરમિયાન આસામના જોરહાટમાં યોજાયેલા કાર્યક્રમમાં એકઠાં થયાં હતાં. તમામ મુખ્ય તીર્થસ્થળો અને ૪૫ નદીઓના જળથી એકાત્મ થયેલા આ સંમેલનમાં ઘણા આદરણીય સંતો, મહાત્માઓ અને પૂર્વોત્તરના વિચારકોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે નાગાલેન્ડનાં રાણીમા ગાઇડિન્લ્યુએ એવી ઘોષણા કરી હતી કે, `પ્રકૃતિપૂજક વનવાસી સમાજ, જેને ઈસાઈ મિશનરીઓ પોતાની ચુંગાલમાં ફસાવે છે તેઓ હિંદુ સમાજનું અભિન્ન અંગ છે.'
પ્રયાગની પવિત્ર ભૂમિ પર ૨૭થી ૨૯ જાન્યુઆરી, ૧૯૭૯ દરમિયાન ૧૮ દેશોના ૬૦ હજાર પ્રતિનિધિઓની ભાગીદારી સાથે બીજું વિશ્વ હિંદુ સંમેલન યોજાયું હતું, જેનું ઉદઘાટન આદરણીય દલાઈ લામાએ કર્યું હતું. અને જ્યોતિષ પીઠના પ.પૂ. શંકરાચાર્યજી દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પણ એક ઐતિહાસિક ઘટના હતી.
૧૯૮૨માં શ્રી અશોક સિંઘલ વિશ્વ હિંદુ પરિષદના પદાધિકારી બન્યા. વ્યાપક જનજાગૃતિના કાર્યક્રમો થવા લાગ્યા. ૧૯૮૩માં યોજાયેલી એકાત્મતા યાત્રામાં દેશના ૬ કરોડ લોકોએ ભાગ લીધો હતો.
૫૧ હજાર બજરંગી અને અન્ય એક લાખ શિવભક્તોની યાત્રા
૧૯૮૪માં દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આયોજિત સંમેલનમાં ૫૫૮ ધર્માચાર્યોની ઉપસ્થિતિમાં સાંસ્કૃતિક ગુલામીનું પ્રતીક મિટાવી શ્રી રામજન્મભૂમિ પર ભવ્ય મંદિર નિર્માણનો સંકલ્પ કરવામાં આવ્યો.
૧૯૮૬માં જ્યારે પંજાબમાં આતંકવાદ ચરમસીમાએ હતો ત્યારે અનેક સાધુ-સંતોને લઈ હિંદુ અને સિખો વચ્ચે સદભાવના જાળવી રાખવા માટે સફળ `સદભાવના યાત્રાનું' આયોજન કરવામાં આવ્યું.
૧૯૮૯માં સમગ્ર દેશના હિંદુઓના હૃદયસ્થ એવા રામજન્મભૂમિ મંદિર નિર્માણ માટેની પહેલી ઇંટ બિહારના અનુસુચિત જાતિના બંધુ શ્રી કામેશ્વર ચૌપાલજીના હસ્તે મુકવામાં આવી. ઉપરાંત વિ.હિ.પ. દ્વારા અનેક યોજનાઓ જેવી કે સમરસતા યજ્ઞ, સમરસતા યાત્રાઓ, સમરસતા ગોષ્ઠિઓ, હિંદુ પરિવાર મિત્ર યોજના અમલમાં મુકાઈ હતી. તે ઉપરાંત અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે છાત્રાલયો વગેરે ઉપક્રમો દ્વારા સમગ્ર દેશમાં હિંદુ સમાજને અસ્પૃશ્યતાના અભિશાપમાંથી મુક્ત કરવાનું અભૂતપૂર્વ કાર્ય કરવામાં આવ્યું છે.
૧૯૯૪માં કાશીમાં આયોજિત ધર્મસંસદમાં મહા દલિત તરીકે ગણના થાય છે તેવા ડોમરાજાને આમંત્રણ આપવા પૂજ્ય સંતો સ્વયં ગયા અને તેમના ઘરે ભોજન-પ્રસાદ ગ્રહણ કર્યો હતો. બીજા દિવસે ધર્મસંસદના સત્રમાં ડોમરાજા સંતોની વચ્ચે બેઠા હતા અને સંતોએ તેમનું ફૂલોના હારથી સ્વાગત કર્યું હતું. આ ધર્મસંસદમાં ૩૫૦૦ સંતો હાજર રહ્યા હતા. હજારો આદિવાસીઓ અને અત્યંત પછાત જાતિના હજારો લોકોને ગામના પૂજારી તરીકે તાલીમ આપવી, સમયાંતરે તેમનું સન્માન કરવું અને મંદિરોમાં પૂજારી તરીકે નિમણૂક કરવી, આ બધું માત્ર વિહિપના ગ્રામપૂજારી તાલીમ અભિયાનને કારણે જ શક્ય બન્યું છે.
૧૯૯૫માં જ્યારે આતંકવાદીઓએ બાબા અમરનાથ યાત્રાને રોકવાની ધમકી આપીને કહ્યું હતું કે, જો કોઈ આવશે તો તે પાછા નહીં જાય. બજરંગ દળના આહ્વાન પર, ત્યારે ૫૧ હજાર બજરંગી અને અન્ય એક લાખ શિવભક્તોએ `જય ભોલે'ના નાદ સાથે એ દુર્ગમયાત્રા તરફ કૂચ કરી રહી હતી. ત્યારથી આજ સુધી કોઈએ એ યાત્રાને રોકવાની હિંમત કરી નથી. આમ જ્યારે જ્યારે દેશની એકતાની વાત આવી ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ પ્રથમ હરોળમાં ઊભી રહી.
જેમણે દેશને સમરસતાથી વ્યાપ્ત કરવામાં યોગદાન આપ્યું હતું તેવા ભગવાન વાલ્મીકિ, સંત રવિદાસ અને બંધારણના ઘડવૈયા ડૉ. ભીમરાવ આંબેડકર જેવા મહાપુરુષોની જન્મજયંતી પણ વિહિપ દ્વારા દેશભરમાં વ્યાપકપણે ઉજવવામાં આવે છે. આ તમામ કાર્યક્રમોના પરિણામે, હવે સંતસમાજ સરળતાથી વંચિત વિસ્તારોમાં પ્રવાસ કરે છે, માર્ગદર્શન આપે છે અને સૌ લોકો સાથે ભોજન પણ કરે છે.
પુંછ જિલ્લાના સરહદી વિસ્તારોને હિંદુઓથી વંચિત બનાવવાના જેહાદી કાવતરાની જાણ થતાં, જ્યારે બજરંગ દળે ૨૦૦૫માં બાબા બુઢા અમરનાથની યાત્રાનો પુનઃ પ્રારંભ કર્યો ત્યારથી હિંદુઓની હિજરત અટકી ગઈ અને સમાજ અને સુરક્ષાકર્મીઓનો આત્મવિશ્વાસ પણ વધ્યો. આ ઉપરાંત મેવાતમાં મહાદેવની યાત્રા, કર્ણાટકમાં દત્ત પીઠની યાત્રા અને અયોધ્યાથી જનકપુર જતી શ્રીરામ-જાનકી બારાતયાત્રાએ પણ સામાજિક સમરસતા અને એકતાની લાગણી જાગૃત કરી છે. ભગવાન શ્રીરામના આદેશ પર નળ અને નીલ દ્વારા દક્ષિણમાં બનેલા શ્રીરામસેતુને તત્કાલીન સરકારના હુમલાથી બચાવવા માટે વિહિપે એક મોટું જન આંદોલન પણ શરૂ કર્યું હતું. જ્યારે તત્કાલીન કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં શ્રીરામના અસ્તિત્વનો ઇનકાર કર્યો હતો, ત્યારે વિહિપના માત્ર ચાર કલાકના સફળ રાષ્ટવ્યાપી ચક્કાજામથી તે જ દિવસે સરકારને નમવાની ફરજ પડી હતી. દિલ્હીના ગોલ્ડન જ્યુબિલી પાર્કમાં ઉપસ્થિત લાખો રામભક્તોના પૂર સામે સરકારની જીદ ઢીલી પડી ગઈ.
લાખો હિન્દુઓનું ધર્માંતરણ અટકાવ્યું
વિશ્વ હિંદુ પરિષદ દ્વારા સમાજના સહયોગથી દેશભરમાં ૪૫૦૦થી વધુ સેવા યોજનાઓ પણ ચલાવવામાં આવી રહી છે, જેમાં ૩૧ પ્રાંતોમાં ૯૩ હજાર સ્થાનો પર ૮૪૦ સંસ્કાર શાળાઓમાં ૧૭ હજાર બાળકો અભ્યાસ કરી રહ્યા છે. આ ઉપરાંત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સ્વાવલંબન કેન્દ્રો, રહેણાંક છાત્રાલયો, અનાથાશ્રમ, તબીબી કેન્દ્રો, કોમ્પ્યુટર, સિલાઈ, ભરતકામ તાલીમ કેન્દ્રો, લગ્ન કેન્દ્રો વગેરે મહત્ત્વનાં છે. વિશ્વ હિંદુ પરિષદ દ્વારા ગો-સંરક્ષણ, ગો-ઉછેર અને ગાય સંવર્ધન ક્ષેત્રે અનેક કાર્યો ચાલુ કર્યાં છે. પશુઓની સ્વદેશી જાતિઓને પ્રોત્સાહન, ૪૦ સ્થળોએ પંચગવ્ય આધારિત દવા ઉત્પાદન કેન્દ્રો અને પંચગવ્ય સંશોધન કેન્દ્રો હાલમાં દેશમાં ૬૦ સ્થળોએ કાર્યરત છે. ૨૫ લાખ ગાયોની કતલથી મુક્તિ, ઘણાં રાજ્યોમાં ગાયોની કતલ સામે કડક કાયદાની જોગવાઈ અને `ગોપાલનથી સ્વાવલંબન' તરફ યોજના હેઠળ, પાંચ ગાયોમાંથી માસિક રૂ. ૫૦,૦૦૦ની આવક અને ગોવંશ આધારિત ઋણમુક્તિ, કૃષિ અને રોજગાર ધરાવતા યુવાનો માટે વિહિપે મહત્ત્વપૂર્ણ પગલાં લીધાં છે. ઘણાં રાજ્યોમાં ગો-સંરક્ષણ માટે કડક કાયદા પણ બનાવવામાં આવ્યા છે.
વિહિપે ગેરકાયદેસર ધર્માંતરણને રોકવા અને ધર્માંતરિત હિંદુ ભાઈઓ અને બહેનોને તેમના મૂળ સાથે ફરીથી જોડવાની દિશામાં પણ મહત્ત્વનું કાર્ય કર્યું છે. અત્યાર સુધીમાં લગભગ ૬૫ લાખ હિંદુઓનું ધર્માંતરણ રોકવાની સાથે લગભગ ૧૦ લાખ લોકોની ઘરવાપસી પણ થઈ છે. અનુસૂચિત જાતિ, જનજાતિ અને ગિરીવાસીઓમાં સમુદાયોમાં સેવા, સમર્પણ અને આત્મનિર્ભરતાના મંત્રની સાથે, ઘણા રાજ્યોમાં છેતરપિંડી તથા ધર્માંતરણ કરાવનાર સામે સખત સજાની જોગવાઈ કરતા કાયદાઓ માત્ર વિહિપના સતત પ્રયાસોને કારણે જ બન્યા છે અને લવ જેહાદના કાવતરામાંથી ૮ હજાર દિકરીઓ-બહેનોને બચાવી.
ભારત ધાર્મિક યાત્રાધામોનો દેશ છે, જેનો આત્મા તીર્થધામોમાં રહે છે. તેની યાત્રાઓ દ્વારા જ દેશ, ધર્મ અને સમાજની એકતા, અખંડિતતા અને સમરસતા પ્રતિબિંબિત થાય છે. કાવડ યાત્રા હોય, કૈલાશ માનસરોવર યાત્રા હોય, અમરનાથ યાત્રા હોય, ગોવર્ધન પરિક્રમા હોય, જગન્નાથની નવ કલેવરયાત્રા હોય, સિંધુયાત્રા હોય, શ્રીરામ જાનકી વિવાહયાત્રા હોય કે બાબા અમરનાથયાત્રા હોય આ બધાંને સફળ, સુખદ અને સંસ્કારિત બનાવવામાં વિશ્વ હિંદુ પરિષદના ધર્મયાત્રા મહાસંઘે ૧૯૯૫થી એક મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. વહીવટીતંત્ર અને સંબંધિત સરકારો સાથે સતત સંપર્ક દ્વારા પણ આ વ્યવસ્થા કરવામાં આવી છે. કાળક્રમે મૃતઃપ્રાય થયેલી અનેક યાત્રાઓને પણ ફરી જીવંત કરી.
ગુજરાતમાં વિશ્વ હિંદુ પરિષદ પાલ (ચિતરીયા)માં ધર્મજાગરણ કર્યું
૧૯૬૪માં વિ.હિ.પ.ની સ્થાપના થઈ તે પછી માત્ર આઠ વર્ષ બાદ જ ૧૯૭૨માં વિ.હિ.પ. દ્વારા વિજયનગર તાલુકામાં પાલ (ચિતરિયા)માં કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું. પાલ ખાતે શ્રી સરસ્વતી વિદ્યાલય (કૃષિ) શરૂ કરવામાં આવી. જેનું હાલમાં નામ ડૉ. વિ. એ. વણીકર વિદ્યાલય પાલ છે.
આ કેન્દ્રમાં વનવાસી બાળકો માટે એક હાઈસ્કૂલ અને એક છાત્રાલય શરૂ કરવામાં આવ્યાં. આ બધાંની પાછળ વિ.હિ.પના. અધ્યક્ષ ડૉ. વિ. એ. વણીકરજીનું મોટું માર્ગદર્શન રહ્યું હતું. ડૉ. વણીકરજીના અધ્યક્ષસ્થાને ગુજરાતભરમાં વિ.હિ.પ.ની પ્રવૃત્તિ ધમધમવા લાગી. તે સમયે ભિલોડા-વિજયનગર વિસ્તારમાં ચર્ચ દ્વારા વનવાસીઓને ધર્માંતરિત કરવાની પ્રવૃત્તિઓ ચાલતી હતી. લુસડિયા ગામમાં ચર્ચ અને ચર્ચ સંચાલિત હોસ્પિટલની પ્રવૃત્તિઓથી વનવાસી બંધુમાં ધર્માંતર થવાની ઘટનાઓ બની રહી હતી. પણ પાલમાં વિ.હિ.પ. દ્વારા કેન્દ્ર શરૂ થતાં ધર્માંતરણની ઘટનાઓ પર અસર થવા લાગી. પાલના આ કેન્દ્રમાં સ્વામી નિત્યાનંદજી નામના સંન્યાસી ધર્મજાગરણ માટે રોકાયા. તેમણે સતત વિજયનગરના ગામોમાં લોકો વચ્ચે જઈને ધર્મજાગરણના પ્રયાસો શરૂ કર્યાં. પરિણામે તે વિસ્તારમાં ધર્માંતરણની પ્રવૃત્તિઓને ફટકો પડ્યો. એટલું જ નહીં પણ ૧૦૦ વર્ષ કરતાં પણ વધારે વર્ષોથી ચાલતા લુસડિયા કેન્દ્રની પ્રવૃત્તિ પર અસર પડી. ખ્રિસ્તી મિશનરીના કામ પર રોક લાગી ત્યારબાદ આ વિસ્તારમાં ધર્મ પરિવર્તનની ઘટનાઓ પણ અટકી ગઈ.
એક વખત ડૉ. વણીકરજી પરિષદના કામ માટે ભરૂચ બાજુ ગયા હતા. વળતાં રાત્રે નેશનલ હાઈવે પર તેમનું અકસ્માત થતા અવસાન થયું. અમદાવાદમાં સાબરમતી ખાતે તેમની સ્મશાનયાત્રા યોજાઈ હતી. તેમાં કે. કા. શાસ્ત્રીએ શ્રદ્ધાંજલિ આપતાં કહેલું કે, `આજે મારી ઉંમર ૧૨ વર્ષની થઈ છે તેથી ડૉ. વણીકરજીને શ્રદ્ધાંજલિ આપવા માટે હું ઘણો નાનો ગણાઉં. આ સાંભળી બધાંને આશ્ચર્ય થયેલું. પછીથી તેમણે ચોખવટ કરેલી કે, હું પંડિત છું. ઘણા પુસ્તકો લખ્યાં છે પરંતુ ડૉ. વણીકરજી એ જે સનાતન ધર્મ રાષ્ટધર્મનું સેવાકાર્ય કર્યું છે તે મેં તેમની પાસેથી શીખ્યું છે. અને તેને આજે ૧૨ વર્ષ થયાં છે તેથી મારી ઉંમર ૧૨ વર્ષની છે.'
સ્વ. વણીકરજીના અવસાન બાદ મહામહોપધ્યાય કે.કા. શાસ્ત્રીજી, વિ.હિ.પના અધ્યક્ષ બન્યા અને વિ.હિ.પ.નો વ્યાપ વધવા લાગ્યો.
ડાંગમાં વિશ્વ હિન્દુ પરિષદે ધર્માંતરણની પ્રવૃત્તિઓ અટકાવી
૧૯૯૯માં ગુજરાતનાં ડાંગમાં વિશ્વ હિંદુ પરિષદના હિંદુ જાગરણ મંચ દ્વારા એક રેલીનું આયોજન થયું હતું. તેના પર ખ્રિસ્તીઓએ પથ્થરમારો કર્યો અને હિંદુ આદિવાસીઓ તથા ધર્માંતરિત આદિવાસીઓ વચ્ચે તોફાનો શરૂ થયાં. મામલો છેક કેન્દ્ર સુધી પહોંચ્યો. એ સમયે કેન્દ્રમાં અટલજીની સરકાર હતી. આ તોફાનોનું સત્ય શોધવા માટે હ્યુમન રાઇટ્સ કમિશન નિમાયું, પણ તેમણે સત્ય ઉજાગર ન કર્યું અને હિન્દુઓને દોષિત ગણાવ્યા.
પરંતુ એ વખતે સર્વોદય નેતા આદરણીય ઘેલુભાઈ નાયક અને તેમના મોટાભાઈ છોટુભાઈ આગળ આવ્યા. આ બંને ભાઈઓ આ પછાત પ્રદેશમાં આદિવાસી કલ્યાણની પ્રવૃત્તિઓ કરવા માટે સરદાર વલ્લભભાઈ પટેલના કહેવાથી ૧૯૪૮માં ડાંગના આહવામાં આવ્યા અને સર્વોદય આશ્રમ ચાલુ કર્યો. ઘેલુભાઈએ ડાંગમાં બનેલી ઘટનાની સાચી પરિસ્થિતિનું વર્ણન કરતાં કહેલું કે, `અહીં બનેલી સાચી ઘટના સામે આવી નથી. આ હિંસા એ વિસ્તારમાં ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા ઘણા સમયથી ચાલતી ધર્માંતરણની પ્રવૃત્તિઓની પ્રતિક્રિયા છે, જે સ્પષ્ટપણે શંકાસ્પદ અને ગેરકાયદેસર છે. મિશનરીઓનો સિંગલ પોઇન્ટ એજન્ડા આદિવાસીઓને ધર્માંતરિત કરવાનો છે... અહીં કેટલાક ખ્રિસ્તી યુવાનોએ હિન્દુ જાગરણ મંચની રેલી પર પથ્થરમારો કર્યો હતો અને હિંદુ આદિવાસીઓની જીપને સળગાવી દીધી હતી. આ ઘટના નાતાલના દિવસે જ બની હતી. ડાંગમાં છેલ્લાં ત્રણ વર્ષમાં આવી ઓછામાં ઓછી ૧૫ ઘટનાઓ બની છે, જેમાં ખ્રિસ્તીઓએ ભગવાન હનુમાનની મૂર્તિ સાથે અભદ્ર વ્યવહાર કર્યો હોય. હું તમને યાદ અપાવી દઉં કે રાષ્ટપિતા મહાત્મા ગાંધીએ પણ ખ્રિસ્તી મિશનરીઓની ધર્માંતરણની પ્રવૃત્તિને `સમાજ સેવાના નામે માનવતા પર કલંક' કહીને વખોડી નાંખી હતી. વિનોબા ભાવેએ પણ ધર્માંતરણની પ્રવૃત્તિને વખોડી કાઢી હતી.'
આમ સર્વોદયવાદી ઘેલુભાઈએ સત્ય સમાજની સામે મુક્યું. સાથે સાથે વિશ્વ હિંદુ પરિષદે પણ હિંદુ આદિવાસીઓની પડખે રહી ધર્માંતરણ અટકાવવા અવિરત કાર્ય કર્યું. જેથી ડાંગમાં આ પ્રવૃત્તિ પર રોક લાગી.
વિશ્વ હિન્દુ પરિષદે અંધશ્રદ્ધા દૂર કરી
એક વાર ગુજરાતમાં બહોળો ફેલાવો ધરાવતા ગુજરાતના એક વર્તમાનપત્રે `ખેરાલુના બાપુ'ની મોટી સ્ટોરી છાપીને લખ્યું કે, `ખેરાલુના આ બાપુ પાણીની બોટલમાં ફૂંક મારે છે અને તે પાણી પીવાથી અસાધ્ય રોગો પણ મટી જાય છે.' આ સમાચારે ગુજરાતમાં તહેલકો મચાવી દીધેલો. રાજ્યભરના દર્દીઓ દવા કરાવવાને બદલે બાપુની ફૂંક મારેલું પાણી પીવા તેમના નિવાસસ્થાને ટોળા વળ્યા. તે પછી તો ગુજરાત બહારના પ્રદેશોમાંથી વાહનો ભરાઈને, દર્દીઓ બાપુનું પાણી લેવા માટે ખેરાલુમાં ટોળે વળ્યા. પરિણામે હવે સ્થળ બદલાયું અને જાહેર ચોકમાં હજારોની સંખ્યામાં દર્દીઓ પાણી ભરેલી બાટલીઓ પકડી ભેગા થતા અને ત્યારબાદ સ્ટેજ પરથી બાપુ ફૂંક મારી જતા રહેતા. આનો લાભ લેવા હવે પ્રતિદિન સભાસ્થાને મેળા જેવું વાતાવરણ બની ગયું. દુકાનો ઉભી થઈ ગઈ, જેમાં બાપુના નામનાં તાવીજ, બાપુના ફોટા, બાપુના નામની અગરબત્તી, બાપુના નામના દોરા-ધાગા વેચાતા થઈ ગયા. લોકો રોગ મટાડવા ડોક્ટરોને ત્યાં જવાને બદલે બાપુની ફૂંક મારેલું પાણી લેવા ખેરાલુ આવવા લાગ્યા. પરિણામે ગામમાં અરાજક્તા થવા લાગી. અંધશ્રદ્ધા વધવા લાગી, ધર્માંતરણની શક્યતાઓ દેખાવા લાગી. આવું અનેક દિવસો સુધી ચાલતા વિશ્વ હિંદુ પરિષદ, ગુજરાતના મા. વણીકરજી સાથે વિ.હિ.પ.ના પ્રાંતિય અધિકારીઓએ આ ગેરમાન્યતા અને અંધશ્રદ્ધા ફેલાવતા કાર્યક્રમ પર પ્રતિબંધ લાવવા ગુજરાતની સરકાર સમક્ષ પ્રભાવી રીતે ફરિયાદ કરી. અને જાહેર નિવેદન કર્યું કે, `આ રીતે રોગ મટાડી શકાતા હોય તો ખેરાલુના બાપુ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આવે અને અસંખ્ય દર્દીઓને ફૂંક મારેલું પાણી પાઈને તેમને સાજા કરે.' ખેરાલુમાં વિ.હિ.પ.ના સ્થાનિક કાર્યકર્તાઓ શ્રી હીરુભાઈ ખમાર તથા શ્રી જયંતિભાઈ સોલંકી સહિતના કાર્યકર્તાઓએ પણ આ અંધશ્રદ્ધાનો સખત વિરોધ કર્યો હતો.
આની અસર થઈ અને અંતે સરકારે ખેરાલુમાં થતા આ કાર્યક્રમ પર પ્રતિબંધ મૂક્યો. કલેક્ટર શ્રી બૂચ સાહેબે સ્વયં આ અંધશ્રદ્ધાના કેન્દ્રને બંધ કરાવ્યું. આમ, લોકોને અંધશ્રદ્ધામાંથી બચાવવાનું કાર્ય વિશ્વ હિંદુ પરિષદ, ગુજરાતે કર્યું.
અનેક વૈશ્વિક કીર્તિમાન
આજે ભારતના લાખો ગામડાઓ અને શહેરોમાં વિશ્વ હિંદુ પરિષદની મજબૂત, અસરકારક અને સતત વધતી ઉપસ્થિતિ જોઈ શકાય છે. ભારત ઉપરાંત કુલ ૮૦ દેશોમાં વિશ્વ હિન્દુ પરિષદનું કાર્ય છે. બજરંગ દળ, દુર્ગાવાહિની, માતૃશક્તિ, ગૌરક્ષા, સેવા, સામાજીક સમરસતા, ધર્મપ્રસાર જેવા આયામોના માધ્યમથી પાછલા ૬૦ વર્ષમાં વિશ્વ હિન્દુ પરિષદ એક મજબૂત અને આત્મવિશ્વાસથી ભરપૂર હિન્દુ સંગઠન આકાર લઈ રહ્યું છે. વિહિપની યુવા પાંખ બજરંગ દળ અને દુર્ગાવાહિનીએ ૧૯૮૪થી આજ સુધી દેશ, ધર્મ, સંસ્કૃતિ અને રાષ્ટની રક્ષા માટે હંમેશા અગ્રેસર ભૂમિકા ભજવી છે. સેવા, સુરક્ષા અને મૂલ્યો તેમના મૂળ મંત્ર રહ્યા છે. વિહિપે સંસ્કૃત ભાષા, વેદ પાઠશાળા અને મૂલ્યોના સંવર્ધન માટે પણ ઘણાં પગલાં લીધાં છે. આ બધું હોવા છતાં, આજે ધર્મ પરિવર્તન, લવજેહાદ, સામાજિક સમરસતા, ધાર્મિક સ્થળોની સુરક્ષા અને સરકારી અધિગ્રહતાથી મુક્તિ, સંસ્કૃતિ અને સંસ્કારોનું ધોવાણ, ધાર્મિક શિક્ષણ અને જાગૃતિનો અભાવ, વિદેશી ઘૂસણખોરી, વસ્તી અસંતુલન વગેરે જેવા અનેક પડકારોનો સામનો કરી રહ્યા છીએ. હિંદુ સમાજને આ પડકારોથી મુક્ત કરવાની આવશ્યક્તા છે અને એ કાર્ય વિશ્વ હિન્દુ પરિષદ છેલ્લાં છ દાયકાથી પૂરા તન-મન-ધનની પૂરા મનોયોગથી કરી રહ્યું છે.
વિહિપે તેની ૬૦ વર્ષની વિકાસયાત્રામાં અનેક જાગરણ અભિયાનો હાથ ધર્યાં છે, જે વૈશ્વિક કીર્તિમાન બન્યાં છે. ૧૯૮૪માં શરૂ થયેલ શ્રી રામજન્મભૂમિ મુક્તિ આંદોલને દેશનાં લાખો ગામોના ૬૫ કરોડ લોકોને જોડ્યા હતા. ૫૦૦ વર્ષના સંઘર્ષ બાદ શેરીઓથી સંસદ અને સુપ્રીમ કોર્ટ સુધી હિંદુઓએ પોતાનો અવાજ બુલંદ કર્યો અને તેના કારણે જ, દેશના સ્વાભિમાનને પુનર્જીવિત કરીને, ૨૨ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ અયોધ્યામાં શ્રીરામલલ્લાની ઐતિહાસિક પ્રાણપ્રતિષ્ઠા થઈ. આ ઐતિહાસિક દિવસ સુવર્ણઅક્ષરોમાં નોંધાયેલ છે.
# ૧૯૯૦માં સરકારે જ્યારે ઐતિહાસિક રથયાત્રા રોકવાનો પ્રયત્ન કર્યો ત્યારે તે તમામ પ્રયત્નોને વિફળ બનાવી મોટીમસ ખડકેલી પોલીસ છાવણીનો અભેદ્ય કિલ્લો ભેદીને રથયાત્રા કાઢવામાં વિ.હિ.પ.નો મોટો ફાળો હતો.
#૫ ફેબ્રુઆરી, ૧૯૯૯ના રોજ ગુજરાતના કર્ણાવતી ખાતે વિ.હિ.પ.ની આઠમી ધર્મસંસદ યોજાઈ હતી. ગૌરવની વાત એ છે કે, આ ધર્મ સંસદમાં અયોધ્યા ખાતે શ્રીરામમંદિર નિર્માણનો ઠરાવ પસાર કરી સંકલ્પ કરવામાં આવ્યો હતો. જે લાંબા સંઘર્ષ બાદ સાર્થક થયો.
#શ્રીરામજન્મભૂમિ આંદોલન વખતે સાધ્વી ઋતંભરાજી અને આચાર્ય ધર્મેન્દ્રજીએ વીરવાણીથી સમાજમાં વર્ષોથી સુષુપ્ત હિન્દુ-ચેતનાને જગાડી.
# ગોધરાના કારસેવકોનાં બલિદાન સામે લોકતાંત્રિક પદ્ધતિએ જનજાગરણ કરીને ગુજરાતને હિંદુપ્રભાવી રાજ્ય બનાવવામાં વિ.હિ. પરિષદ સફળ રહી.
# શ્રી રામજન્મભૂમિ નિધિ સમર્પણમાં દેશમાં ૫ લાખ ગામ સુધી સંપર્ક તેમજ ૧૨.૫ કરોડ પરિવાર સંપર્ક ૪૧૦૦ કરોડથી વધુ નિધિ એકત્રિત થઈ.
# અંબાજી માતા ટ્રસ્ટ દ્વારા હિન્દુઓની શ્રદ્ધા સામે મોહનથાળ પરંપરા બંધ કરી ચીકીનો પ્રસાદ ચાલુ કર્યો ત્યારે વિશ્વ હિન્દુ પરિષદે જનજાગરણ કરી ફરી વખત મોહનથાળનો પ્રસાદ ચાલુ કર્યો.
વિશ્વ હિંદુ પરિષદના મુખ્ય ઉદ્દેશો
# ચિરંતન અને શાશ્વત હિંદુ જીવનમૂલ્યોની રક્ષા તથા પ્રસાર તથા પ્રચાર કરવો.
# આપણા ધર્મના વિવિધ પંથ, સંપ્રદાય, જાતિ-ઉપજાતિમાં સમન્વય અને સહકાર વધારી બધાંમાં એકાત્મતાની ભાવના નિર્માણ કરવી તથા વધારવી.
# સામાજિક ભેદ, વિષમતા, અસ્પૃશ્યતા જેવી અનિષ્ટ પ્રથાઓને નિર્મૂળ કરી `સામાજિક સમરસતા' નિર્માણ ક૨વી તથા સમાજ સંગઠિત, સશક્ત બને તે માટે પ્રયત્ન કરવો.
# ગિરિવાસી, વનવાસી, નિરાધાર, અનુસૂચિત જાતિ આદિ ઉપેક્ષિત બંધુઓ માટે સેવાકાર્ય પ્રારંભ કરવાં તથા તેમના સામાજિક સર્વાંગી વિકાસ માટે પ્રયત્ન કરવો.
# ધર્માંતરણ સમાપ્ત થાય તે માટે જનજાગૃતિ કરવી તથા અન્ય ધર્મમાં ગયેલા આપણા બાંધવોને ફરીથી હિંદુ ધર્મમાં પાછા લાવવા.
# મઠ-મંદિરોનું સુવ્યવસ્થાપન કરીને તેમને સમાજની શક્તિ તથા સ્ફૂર્તિકેન્દ્ર બનાવવા પ્રયત્ન કરવો.
# વિદેશસ્થિત હિંદુ બંધુઓ સાથે સંપર્ક પ્રસ્થાપિત કરી તેમની ધાર્મિક, સાંસ્કૃતિક સમસ્યાઓનું નિરાકરણ કરવું.
# હિંદુ સમાજ પર કોઈ અન્યાય કે આક્રમણ થાય તો તેની વિરુદ્ધ જનજાગરણ કરી, આંદોલન કરી, તે અન્યાય- આક્રમણને દૂર કરવાં.
દેશ-વિદેશના હિન્દુઓના અંતઃકરણમાં નવજાગરણ થાય : પ.પૂ. શ્રી ગુરુજી
વિશ્વ હિન્દુ પરિષદના સ્થાપના દિને યોજાયેલ સમારોપ કાર્યક્રમમાં પ.પૂ. શ્રી ગુરુજીએ સારગર્ભિત શબ્દોમાં માર્ગદર્શન આપતાં કહ્યું હતું કે, આપણે એક વિરાટ વિચાર લઈને અહીં એકત્રિત થયા છીએ. સંપૂર્ણ સમાજનું એકીકરણ થાય, સમગ્ર દેશ-વિદેશના હિન્દુઓના અંતઃકરણમાં નવજાગરણ થાય, તેમને નવચેતના પ્રાપ્ત થાય, પોતાના ધર્મની ધ્વજા ચારે તરફ ફરકાવવાનો દૃઢ નિશ્ચય તેમના અંતઃકરણમાં પ્રબળ બને, તેઓ પૂર્ણ રૂપે યશસ્વી ન બને ત્યાં સુધી જંપે નહીં, ઉપરાંત સંપૂર્ણ જગતમાં રહેનારા બંધુઓને એક કરવા માટે સ્થાયી કાર્યની રચના બનાવીને એવા પોષણકર્તાઓની પરંપરા ઊભી કરે કે જે લોકો પોતાનાં ઘરબાર છોડીને ભિન્ન-ભિન્ન ક્ષેત્રોમાં પોતાના બંધુઓના ધર્મના પુનઃ જાગરણ માટે નિત્ય કટિબદ્ધ બને. આ પ્રકારે આપણું કાર્ય આગળ ના વધે ત્યાં સુધી આપણે સૌએ એક-એક ડગલું આગળ વધતાં જવાનું છે. અને એ માટે અથાગ પરિશ્રમ પણ કરવાનો છે.
પરિષદનું આ સંમેલન પૂર્ણ થવા સુધી તથા તેના ઉપરાંત પણ આપણા આ અખિલ જગતમાં રહેનારા સમાજની, પરિપૂર્ણ સેવા કરવાનો નિશ્ચય, જે આપણા સૌનો છે તેને સફળ બનાવવામાં આપણા તરફથી કોઈ કસર ના રહી જાય એ વિચાર આજે હું મારા તરફથી અહીં ઉપસ્થિત આપ સૌ મહાનુભાવો સન્મુખ મૂકી રહ્યો છું.