શું ભારત પર પણ ડીપ સ્ટેટ લોબીનો ભય તોળાઈ રહ્યો છે?

12 Sep 2024 14:36:28

deep state vishe mahiti
 
 
મેટા સંસ્થાપક માર્ક ઝુકરબર્ગનો સનસનીખેજ દાવો બાઈડન પ્રશાસને તેમના પર અનેક સૂચનાઓ દબાવવાનું દબાણ કર્યું હતું
 
ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વ્હોટ્સએપ જેવા પ્લેટફોર્મના માલિક મેટાના સીઈઓ ઝુકરબર્ગે સનસનીખેજ ખુલાસા કરી અમેરિકા અને બાઇડન પ્રશાસનના વટાણા વેરી નાખ્યા છે. માર્ક ઝુકરબર્ગે અનેક પ્રસંગોએ અમેરિકાનાં દબાણ હેઠળ કામ કર્યું હોવાના પણ ખુલાસા કર્યા છે. ૨૬ ઓગસ્ટે એક પત્ર જાહેર કરીને ઝુકરબર્ગે કહ્યું હતું કે, કોવિડ મહામારી દરમિયાન બાઈડન પ્રશાસને તેમના પર અનેક સૂચનાઓને દબાવી દેવાનું દબાણ કર્યું હતું. આ દરમિયાન અનેક વ્યંગ હટાવવાનું પણ તેમના પર દબાણ કરવામાં આવ્યું હતું. માર્ક ઝુકરબર્ગે એવો પણ ખુલાસો કર્યો છે કે, ૨૦૨૦માં અમેરિકાની રાષ્ટપતિની ચૂંટણી દરમિયાન બાઇડન પરિવાર અંગે છાપવામાં આવેલી એક સ્ટોરી પણ રોકી દેવામાં આવી હતી. અને આવું કરવા માટે અમેરિકન એફબીઆઈ એટલે કે અમેરિકાની આંતરિક જાસૂસી એજન્સીનું દબાણ હતું. માર્ક ઝુકરબર્ગે આ તમામ વાતો અમેરિકન સંસદની ન્યાયપાલિકા કમિટીને લખવામાં આવેલ પત્રમાં લખી છે. આ કમિટી સોશિયલ મીડિયા જાણકારીઓનો યોગ્ય રીતે પ્રસાર કરવામાં આવે તેના પર કામ કરી રહી છે. કમિટિ સોશીયલ મીડિયા પર દબાણ અને તેના પર ફેલાવામાં આવતી ભ્રામક સૂચનાઓ સંબંધિત બાબતોની તપાસ કરી રહી છે.
 
માર્ક ઝુકરબર્ગના ખુલાસા બાદ એ સાબિત થઈ ગયું છે કે, તેઓ અન્ય મોટી કંપનીઓ સાથે અમેરિકન ડીપ સ્ટેટ માટે કામ કરતા હતા. એટલે કે તેઓ અને તેમના જેવી અનેક કંપનીઓ સીઆઈએ, એફબીઆઈ સહિત અમેરિકન સરકારની સંસ્થાઓના દબાણ હેઠળ કામ કરવું પડે છે. અને આ કંપનીઓ અમેરિકન ડીપ સ્ટેટનાં હિતોને આગળ વધારવા દરેક દેશમાં સક્રિય છે. બાંગ્લાદેશમાં હાલમાં જે કાંઈ થયું તેમાં પણ અમેરિકન `ડીપ સ્ટેટ'નો હાથ હોવાનું હવે જગજાહેર થઈ ચૂક્યું છે. સૌ કોઈને ખબર છે કે, બાંગ્લાદેશના વચગાળાના પ્રધાનમંત્રી મોહમ્મદ યુનુસ અને અમેરિકા વચ્ચે વર્ષોથી ઘનિષ્ઠ સંબંધો છે. આ સંબંધોને ઉજાગર કરતાં બંને વચ્ચે થયેલાં પત્રચારો પણ વિકિલિક્સ દ્વારા જાહેર કરવામાં આવ્ યા છે. વિશેષ કરીને હિલેરી ક્લિન્ટન જ્યારે વિદેશમંત્રી હતાં ત્યારે અમેરિકાએ મોહમ્મદ યુનુસને ગ્રામીણ બેંક સ્થાપવા માટે ખૂબ મદદ કરી હતી. આ મદદ હકીકતમાંં બાંગ્લાદેશની રાજનીતિમાં અમેરિકા તરફી મહંમદ યુનુસvs રાજકારણમાં પ્રવેશ મળે તે માટે જમીન તૈયાર કરવાનું હતું. વિકિલિક્સે જે ઇ-મેલ, પત્રાચાર બહાર પાડ્યાં છે તે મુજબ આ પ્રયાસ છેક ૨૦૦૭થી ચાલી રહ્યા હતા. મતલબ કે બાંગ્લાદેશ પર અમેરિકાની નજર છેક ૨૦૦૭થી મંડાયેલી હતી.
 
ભારતમાં ડીપસ્ટીટ લોબી સક્રિય કરવાનું ષડયંત્ર?
 
મજાની વાત એ છે કે, જે રીતે અમેરિકા બાંગ્લાદેશમાં મહંમદ યુનુસ જેવા તદ્દન અનુભવહીન અને બીનરાજકિય અને ડીપ સ્ટેટ સમર્થિત વ્યક્તિને સીધેસીધા પ્રધાનમંત્રી બનાવી દેવામાં સફળ રહ્યું છે. તે જોતાં છેલ્લાં એક દાયકાથી ભારતના પ્રધાનમંત્રી બનવાનાં સ્વપ્ન જોતા રાહુલ ગાંધી પણ ઉત્સાહમાં આવી ગયા છે. કારણ કે, છેલ્લા કેટલાક સમયથી રાહુલ ગાંધી પણ મહંમદ યુનુસની રાહે અમેરિકનો સાથે ગાઢ સંપર્કમાં છે અને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અમેરિકાને ભારતીય રાજનીતિમાં પ્રવેશ કરાવવાની અને રાજનીતિને પ્રભાવિત કરવા અનુરોધ કરી ચૂક્યા છે. એટલું જ નહિ, બાંગ્લાદેશમાં તખ્તાપલટ બાદ અનેક કોંગ્રેસી નેતાઓ ભારતમાં પણ બાંગ્લાદેશવાળી થવાનાં નિવેદન કરી ચૂક્યા છે. ભારત સરકાર જે રીતે રાષ્ટપ્રથમની નીતિ અપનાવી અમેરિકાનાં દબાણને વશ થયા વગર ધડાધડ નિર્ણયો લઈ રહી છે તે જોતાં અમેરિકન ડીપ સ્ટેટ સક્રિય બન્યું છે અને વર્તમાન સરકારને નિશાન બનાવવા માટે સ્પષ્ટ નિર્દેશો પણ મળી ગયા હોવાના અહેવાલો છે. આ મુદ્દે રશિયાની ન્યુઝ એજન્સી સ્પૂતનિકે પણ ઘટસ્ફોટ કર્યો છે. તાજેતરમાં જ જે રીતે અમેરિકાના વાણિજ્યિક દૂત જેનિફર લાર્સન, ચંદ્રબાબુ નાયડુ, ઓમર અબ્દુલ્લા, ઓવૈસી અને તેલંગાના મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડીને મળ્યા તે પણ અનેક શંકાઓ ઉપજાવે છે કારણ કે, વકફ બોર્ડ બિલને લઈ દેશની રાજનીતિમાં ઘમસાણ ચાલી રહ્યું છે ત્યારે અમેરિકન રાજનયિક પ્રભાવશાળી લોકો ભારતીય લોકોને મળી-મળીને અમેરિકન સર્મથક લાઈન, અમેરિકન વિદેશવિભાગ સમર્થક લાઈન, અમેેરિકન સમર્થક ડીપ સ્ટેટ લાઈન અપનાવવા માટે તૈયાર કરી રહ્યા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.
 
પ્રભાવશાળી ચર્ચ લોબી મારફતે દબાણ
 
વર્તમાન સરકાર વિરોધી આ ષડયંત્ર આટલેથી જ અટકતું નથી. છેલ્લા સમાચાર મુજબ અમેરિકાની સીઆઈએએ પણ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુને એનડીએ છોડવા દબાણ કરવા માટે આંધ્રપ્રદેશના સૌથી મોટા ચર્ચ બાપ્ટિસ્ટ ચર્ચને આગળ કર્યું છે. અમેરિકા તરફથી સૌથી વધુ નાણાં મેળવતું આ ચર્ચ હવે ચંદ્રબાબુ નાયડુને એનડીએ છોડવાનું દબાણ કરી રહ્યું છે.
 
૨૦૨૪ ચૂંટણીઓપહેલાં અમેરિકન ડીપ સ્ટેટ આમ આદમી પાર્ટીનું સમર્થ કરી રહ્યું હતું. દારૂ કૌભાંડથી લઈ અરવિંદ કેજરીવાલની ધરપકડ સુધી અમેરિકા અને તેના સમર્થિત ડીપ સ્ટેટ લોબીએ જે વલણ અપનાવ્યું હતું તે જગજાહેર છે. પરંતુ ચૂંટણીઓમાં કેજરીવાલના સમર્થનમાં મોટી જહેમત ઉઠાવ્યા છતાં પણ ચૂંટણીઓમાં કેજરીવાલની આમ આદમી પક્ષનો ગજ વાગ્યો નહિ. અને અપેક્ષાઓથી વિપરિત કોંગ્રેસનું પ્રદર્શન પ્રભાવી રહ્યું. પરિણામે અમેરિકન ડીપ સ્ટેટ લોબીએ કોંગ્રેસ અને તેના સાથી પક્ષો તરફ નજર દોડાવી છે અને પોતાની તમામ તાકાત એનજીઓ, કોંગ્રેસના પારિસ્થિતિક તંત્રને મજબૂત કરવામાં લગાડી દીધી છે.
 
જોકે અમેરિકા એ વાતને સારી રીતે જાણે છે કે, ભારત એ કોઈ બાંગ્લાદેશ નથી. કદ-આકારથી માંડી લોકશાહી મૂલ્યો તમામ ક્ષેત્રે ભારત સમગ્ર એશિયામાં સૌથી મજબૂત દેશ છે. વળી ભારતમાં વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની લોકપ્રિયતા અકબંધ છે. લાખ ષડયંત્રો છતાં તેમના વિરુદ્ધ જનતામાં સહેજ પણ અસંતોષ ઊભો થઈ શક્યો નથી. માટે અમેરિકાના નાના અમથા ધક્કાથી ભારતની લોકશાહી પડી ભાગવાની નથી. માટે અમેરિકા અને અમેરિકા સમર્થિત ડીપ સ્ટેટ લોબી ધીરે ધીરે ભારતમાં અરાજક્તા ફેલાવવાનું ષડયંત્ર કરી રહી છે અને તે માટે કોંગ્રેસ જેવા એવા રાજકીય પક્ષોને પોતાના પ્યાદા તરીકે ઉપયોગ કરી રહ્યું છે. કોંગ્રેસ લાંબા સમયથી સત્તાથી દૂર છે અને વર્તમાન પરિસ્થિતિમાં તેની સત્તામાં આવવાની કોઈ જ શક્યતા નથી. હવે આ લોકો અમેરિકન ડીપ સ્ટેટનાં પ્યાદાં બની ભારતમાં લોકશાહી ઢબે ચૂંટાયેલ સરકારને પલટાવવાનું ષડયંત્ર કરી રહ્યાં છે.
 ત્યારે ભારતના જાગૃત નાગરિકોએ અમેરિકન ડીપ સ્ટેટનાં આ ષડયંત્રને નિષ્ફળ બનાવવા સક્રિય થવાની જરૂર છે. સરકારથી માંડી જવાબદાર નાગરિકો સૌએ સાથે મળી અમેરિકાના આ રાષ્ટવિરોધી ષડયંત્રને જડબાતોડ જવાબ આપે. સમય છે કે અમેરિકા અને તેને સમર્થિત ડીપ સ્ટેટ લૉબીને એવો સ્પષ્ટ સંદેશ આપવાનો છે. અમેરિકા ભારતને બાંગ્લાદેશ સમજવાની અને ભારતની જનતાને બાંગ્લાદેશની જનતા સમજવાની ભૂલ ન કરે. એટલું જ નહિ અમેરિકન ડીપ સ્ટેટના સાક્ષાત્ એજન્ટ બની ગયેલ સંસ્થાઓ રાજનૈતિક પક્ષોને ઉઘાડા પાડી તેમને લોકશાહી ઢબે એવો પાઠ ભણાવવો જોઈએ કે ફરી ક્યારેય તેઓ ભારત વિરોધી શક્તિઓ સાથે મળી ભારતું અહિત કરતાં ૧૦૦ વાર વિચારે.
 
 
Powered By Sangraha 9.0