જમ્મુ-કાશ્મીરની વિધાનસભાની ચૂંટણી ૧૮ સપ્ટેમ્બરથી ૧ ઑક્ટોબર, ૨૦૨૪ દરમિયાન યોજાવાની છે. આ માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. કૉંગ્રેસે નેશનલ કૉન્ફરન્સ સાથે ગઠબંધન કર્યું છે. આની સામે ભારતના નાગરિકોના અનેક પ્રશ્નો છે.
ભારતનો નાગરિક પૂછી રહ્યો છે કે,
* શું કૉંગ્રેસ જમ્મુ-કાશ્મીર માટે અલગ ધ્વજના નેશનલ કૉન્ફરન્સના વચનનું સમર્થન કરે છે?
* શું રાહુલ ગાંધી અને કૉંગ્રેસ અનુચ્છેદ ૩૭૦ અને ૩૫-Aને પાછા લાવવાના નેશનલ કૉન્ફરન્સના નિર્ણયનું સમર્થન કરે છે અને આ રીતે જમ્મુ-કાશ્મીરને ફરી અશાંતિ અને આતંકવાદના યુગમાં પાછું ધકેલવા માગે છે?
* શું કૉંગ્રેસ જમ્મુ અને ઘાટી વચ્ચે ભેદભાવની નેશનલ કૉન્ફરન્સની રાજનીતિનું સમર્થન કરે છે?
* શું કૉંગ્રેસ અને રાહુલ ગાંધી કાશ્મીરને સ્વાયત્તતા દેવાની નેશનલ કૉન્ફરન્સની વિભાજનકારી રાજનીતિનું સમર્થન કરે છે?
* શું કૉંગ્રેસ ઇચ્છે છે કે, `શંકરાચાર્ય હિલ'ને `તખ્ત એ સુલેમાન' અને `હરિ હિલ'ને `કોહ-એ-મારન' નામથી ઓળખવામાં આવે?
ભારતનો યુવાન પૂછે છે કે,
* શું કૉંગ્રેસ કાશ્મીરના યુવાનોના બદલે પાકિસ્તાન સાથે વાતચીત કરીને ફરીથી અલગાવવાદને ઉત્તેજન આપવાનું સમર્થન કરે છે?
આતંક સામે લડનાર સુરક્ષાબળો પૂછી રહ્યાં છે કે,
* શું કૉંગ્રેસ પક્ષ અને રાહુલ ગાંધી પાકિસ્તાન સાથે વેપાર શરૂ કરવાના નેશનલ કૉન્ફરન્સના નિર્ણયનું સમર્થન કરે છે, જેનાથી સીમા પારથી આતંકવાદ અને તેની ઇકૉ સિસ્ટમને ઉત્તેજન મળે છે?
* શું કૉંગ્રેસ આતંકવાદ અને પથ્થરબાજીમાં સમ્મિલિત લોકોના સંબંધીઓને સરકારી નોકરીઓમાં પાછા લાવવાનું સમર્થન કરે છે, જેના કારણે આતંકવાદ, ઉગ્રવાદ અને હડતાળોનો યુગ પાછો આવી શકે છે?
દલિત (SC) સમાજ પૂછી રહ્યો છે કે,
* આ ગઠબંધને કૉંગ્રેસ પક્ષના અનામત વિરોધી વલણને ઉજાગર કર્યું છે. શું કૉંગ્રેસ દલિતો, ગુજ્જરો, બકરવાલો અને પહાડી સમુદાય માટે અનામત સમાપ્ત કરવાના નેશનલ કૉન્ફરન્સના વચનનું સમર્થન કરે છે? જો આમ થશે તો તેમને અન્યાય થશે.
ટેક્સ પેયર પૂછી રહ્યો છે કે,
* શું કૉંગ્રેસ જમ્મુ-કાશ્મીરની અર્થવ્યવસ્થાને ભ્રષ્ટાચારમાં ધકેલવા અને તેને ગણતરીના પાકિસ્તાન સમર્થિત પરિવારોને સોંપવાની રાજનીતિનું સમર્થન કરે છે?
અનુચ્છેદ ૩૭૦ જેને ભારે ચુસ્તી અને સતર્કતા સાથે મહા મહેનતે ૨૦૧૯માં દૂર કરવામાં આવી તે લાવવામાં અલબત્ત, વર્તમાન કૉંગ્રેસના નેતા અને પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુ જ રહેલા છે. સરદાર પટેલ, ડૉ. બાબાસાહેબ આંબેડકર અને કૉંગ્રેસના નહેરુ સિવાયના નેતાઓ અનુચ્છેદ ૩૭૦ના વિરોધી હતા. પરંતુ પોતાના માનીતા શૈખ અબ્દુલ્લાને એક અલગ દેશ જેવું રાજ્ય આપી દેવા નહેરુ, બધાંનો વિરોધ છતાં અનુચ્છેદ ૩૭૦ લાવ્યા. અને તે માટે એવી બંધારણીય વ્યવસ્થા કરી દીધી કે, આ અનુચ્છેદ ક્યારેય હટાવી ન શકાય.
જમ્મુ-કાશ્મીર જાણે અલગ દેશ હોય તેમ તેની બંધારણ સભા રચવામાં આવી હતી. આ બંધારણ સભાએ જમ્મુ-કાશ્મીર (૨૦૧૯ સુધી લદ્દાખ પણ આ રાજ્યમાં જ હતું)નું અલગ બંધારણ રચ્યું. પરંતુ ભારતના બંધારણમાં પં. નહેરુએ એવી જોગવાઈ ઘૂસાડી દીધી કે જમ્મુ-કાશ્મીરની બંધારણ સભા જ અનુચ્છેદ ૩૭૦ને હટાવી શકે. જમ્મુ-કાશ્મીરનું બંધારણ ઘડાઈ ગયા પછી તેની બંધારણ સભા તો વિખેરી નાખવામાં આવી હતી અને તેણે અનુચ્છેદ ૩૭૦ હટાવવા કોઈ ભલામણ કરી નહોતી. તો અનુચ્છેદ ૩૭૦ હટે કેવી રીતે?
જોકે મોદી સરકારે ભારે અભ્યાસ બાદ આને હટાવી દીધી અને સર્વોચ્ચ ન્યાયાલયમાં પણ ભારે ચર્ચા (ખાસ તો પૂર્વ કૉંગ્રેસી નેતા અને વકીલ કપિલ સિબલની દલીલો પરત્વે પછી મોદી સરકારના નિર્ણયને માન્ય રાખ્યો. (એટલો તેનો પાડ!)
પરંતુ વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં તેના ચૂંટણી ઢંઢેરામાં નેશનલ કૉન્ફરન્સે અનુચ્છેદ ૩૭૦ ફરી લાગુ કરી તેને અલગ દેશ જેવો દરજ્જો આપવા વચન આપ્યું છે. તેની સાથે કૉંગ્રેસે ગઠબંધન કર્યું છે, તેનો સીધો અર્થ એ થાય કે, બંને પક્ષોની યુતિ જો ચૂંટાઈને આવશે તો વિધાનસભામાં અનુચ્છેદ ૩૭૦ માટે પ્રસ્તાવ કરાશે.
કલમ ૩૭૦ હટી તે દિવસને કાળા દિવસ તરીકે ઉજવતી કોંગ્રેસને કલમ ૩૭૦ માટે એટલો બધો પ્રેમ છે કે તે કોઈપણ ભોગે SCના ભોગે પણ કલમ ૩૭૦ પરત લાવવા માંગે છે.
અને આથી અનુચ્છેદ ૩૭૦ના આધાર પર કેન્દ્ર સરકારના દલિતો (SC)ને અનામત સહિતના કાયદા જમ્મુ-કાશ્મીરમાં લાગુ નહીં પડે. કેન્દ્ર સરકારની ગરીબો માટે કલ્યાણકારી યોજનાઓ (જેવી કે આયુષમાન યોજના) ત્યાં લાગુ કરવાનો આધાર મુખ્ય પ્રધાનની ઇચ્છા પર રહેશે. એટલું જ નહીં, દલિતોનાં દીકરા-દીકરી ઉચ્ચ અભ્યાસ ધરાવતાં હોવા છતાં સફાઈ કામ સિવાય કોઈ સરકારી નોકરી નહોતા કરી શકતા, એ ભેદભાવ પણ પુનઃ ચાલુ થશે. જમ્મુ-કાશ્મીરની મુસ્લિમ યુવતી જો રાજ્ય બહાર પરણશે તો તેનો સંપત્તિમાં અધિકાર દૂર થઈ જવાની જોગવાઈ પણ ફરી લાગુ થશે.
કૉંગ્રેસે જેની સાથે ગઠબંધન કર્યું છે તે નેશનલ કૉન્ફરન્સના નેતા ફારુક અબ્દુલ્લા ચોખ્ખી રીતે પાકિસ્તાનની તરફેણ કરવા માટે જાણીતા છે. સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરના ભારતમાં વિલય મુદ્દે નિવેદન આપ્યું ત્યારે ફારુકે કહ્યું હતું કે, પાકિસ્તાને બંગડી નથી પહેરી, તેની પાસે અણુ બૉમ્બ છે. પાકિસ્તાન તરફથી આવું નિવેદન આવે તો માની શકાય, પરંતુ ભારતમાં રહીને, ભારતનું ખાતા ફારુકે આવાં નિવેદનો અનેક વાર આપ્યાં છે.
ભાજપે જ્યારે નેશનલ કૉન્ફરન્સ અને કૉંગ્રેસના ગઠબંધન પર પ્રશ્નો કર્યા ત્યારે તેમણે કહ્યું હતું કે, હું ખાલિસ્તાની પણ છું અને પાકિસ્તાની પણ છું. હું અમેરિકી એજન્ટ પણ છું. કંઈ બાકી રહી ગયું હોય તો હું તે પણ છું.
જે કાશ્મીરિયતના મુદ્દે લડતા હોવાનો દાવો ફારુક અબ્દુલ્લા કરે છે તેના મુદ્દે તેમણે એકાદ વર્ષ પહેલાં એમ કહ્યું હતું કે, જમ્મુ-કાશ્મીર જહન્નુમમાં જાય.
માત્ર નિવેદન નહીં, ફારુક અબ્દુલ્લા અને તેમના પિતા શૈખ અબ્દુલ્લાએ જમ્મુ-કાશ્મીરમાં કુશાસન જ એવું કર્યું કે, તેને ખરેખર નરક બનાવી દીધું. ત્યાં કોઈ ધંધો-વ્યવસાય-ઉદ્યોગ વિકસવા ન દીધા. રાજ્યનું ઇસ્લામીકરણ કરી નાખ્યું. રાજ્યની કાશ્મીરી ભાષાના બદલે ઉર્દૂકરણ કરી નાખ્યું. જમ્મુમાં હિન્દુઓ રહેતા હોવાથી જમ્મુને સતત અન્યાય કર્યો. ૧૯૮૦ના દાયકામાં ખાલિસ્તાનીઓને આશ્રય આપ્યો. ચૂંટણીમાં ગરબડ કરી જીતતા રહ્યા જેના કારણે યાસીન મલિક જેવા ખૂંખાર ત્રાસવાદીઓ જન્મ્યા.
રાજીવ ગાંધી ૧૯૮૪માં સત્તામાં આવ્યા પછી આ પ્રક્રિયા વેગવંતી બની હતી. રાજ્યપાલ જગમોહને પત્ર લખી ધ્યાન દોરતાં લખ્યું હતું કે, અહીં પરિસ્થિતિ વણસતી જાય છે. ત્રાસવાદ વધતો જાય છે. આ અંક તમારા હાથમાં આવશે ત્યારે સાત સપ્ટેમ્બર હશે અને સૌથી પહેલી કાશ્મીરી પંડિતની હત્યાનો ક્રમ ૧૩ સપ્ટેમ્બર ૧૯૮૯એ ભારતીય જન સંઘના નેતા ટીકાલાલ ટપલૂની હત્યાથી થયો હતો. પરંતુ રાજીવ ગાંધી તેમના પરિવારના મિત્ર ફારુક અબ્દુલ્લાના કુશાસન પ્રત્યે આંખ મીંચામણા કરતા રહ્યા.
૧૯૭૧માં પાકિસ્તાન સામે યુદ્ધ જીત્યું અને બાંગ્લાદેશની રચના થઈ તે પછી ભારતનું વિશ્વમાં ખૂબ મજબૂત સ્થાન હતું. ઈન્દિરા ગાંધી વડાં પ્રધાન હતાં. તેથી તેમનો દબદબો પણ ભારતમાં ખૂબ જ હતો. તે વખતે જમ્મુ-કાશ્મીરમાં કૉંગ્રેસની સરકાર હતી. પરંતુ ૧૯૭૧ના યુદ્ધ પછી ટેબલ પર પાકિસ્તાનના વડા પ્રધાન ઝુલ્ફીકાર અલી ભુટ્ટો સાથે મંત્રણામાં આપણું કાશ્મીર (જે અત્યારે પીઓકે તરીકે ઓળખાય છે) પાછું લેવાનું તો દૂર રહ્યું, આપણે બંદી બનાવેલા પાકિસ્તાનના ૯૦,૦૦૦ સૈનિકો અને જીતેલી ભૂમિ પણ પાછી આપી દીધી. એટલું જ નહિ તે વખતે પાકિસ્તાને પકડી લીધેલા આપણા સૈન્ય અધિકારીઓને તે સરકાર ઘોડાવી શકી નહિ અને ખૂબ કરૂણતાથી જેલોમાં સબડ્યા - મૃત્યુ પામ્યા. અને સિમલા સમજૂતીમાં કાશ્મીર મુદ્દે યથાવત્ સ્થિતિ રાખવાનું નક્કી કરી લીધું!
આનાથી પણ આઘાતજનક નિર્ણય ઈન્દિરાજીએ એ કર્યો કે રાજ્યમાં કૉંગ્રેસની સરકારને કહ્યું કે, શૈખ અબ્દુલ્લાને મુખ્ય પ્રધાન બનાવો. તે વખતે શૈખ અબ્દુલ્લા જમ્મુ-કાશ્મીરના રાજકારણમાંથી ફેંકાઈ ગયા હતા (જેનો શ્રેય લાલબહાદુર શાસ્ત્રીને જાય છે. તેમણે તેમની ધરપકડ કરી હતી) શૈખ અબ્દુલ્લાની નેશનલ કૉન્ફરન્સનો એક પણ નેતા ચૂંટાયો નહોતો. શૈખ અબ્દુલ્લા પોતે પણ ચૂંટાયા નહોતા. તો એવી કઈ વિવશતા હતી કે, શૈખ અબ્દુલ્લાને મુખ્ય પ્રધાન બનાવી દીધા? તેના પછી શૈખ અબ્દુલ્લાએ કૉંગ્રેસને તોડવાની શરૂ કરી અને નેશનલ કૉન્ફરન્સને મજબૂત બનાવી દીધી. એટલું જ નહીં, અગાઉ કહ્યું તેમ, રાજ્યનું ઇસ્લામીકરણ કરી નાખ્યું. એટલે સુધી કે પછી શિયા મુસ્લિમો પણ સુરક્ષિત નહોતા રહ્યા. પાકિસ્તાનના રાષ્ટ્ર પ્રમુખ ઝિયા ઉલ હકના વિમાન દુર્ઘટનામાં મૃત્યુ સમયે પાકિસ્તાનમાં જેમ ગિલગિટમાં શિયા મુસ્લિમોનો નરસંહાર સુન્ની મુસ્લિમોએ ચાલુ કર્યો હતો તેમ જમ્મુ-કાશ્મીરમાં ફારુક અબ્દુલ્લાની મીઠી નજર હેઠળ શિયા મુસ્લિમો પર આક્રમણો થવા લાગ્યાં હતાં. અને તેથી જ ૧૯૮૮માં શિયાઓના મુહર્રમ મનાવવા પર પ્રતિબંધ મૂકાયો હતો.
અનુચ્છેદ ૩૭૦ દૂર થયા પછી આ પ્રતિબંધ ઉઠ્યો અને શિયાઓ ત્રણ દાયકા પછી મુહર્રમ મનાવી શક્યા. એનસી અને કૉંગ્રેસનું શાસન આવશે અને અનુચ્છેદ ૩૭૦ લાગુ થશે તો ફરીથી શિયાઓ પર પણ તવાઈ આવશે અને તેઓ મુહર્રમ નહીં મનાવી શકે.
શ્રીનગરના લાલ ચોકમાં તિરંગો પણ ફરકાવી શકાતો નહોતો. જે તિરંગો ફરકાવે તેને ગોળીએ વિંધવામાં આવતા હતા. પરંતુ અનુચ્છેદ ૩૭૦ હટ્યા પછી ૧૫ ઑગસ્ટ અને ૨૬ જાન્યુઆરીએ કાશ્મીરીઓ નિડર થઈને તિરંગો ફરકાવવા લાગ્યા. અરે! રાહુલ ગાંધી પણ ૭૫ વર્ષ પછી એટલે કે નહેરુએ તિરંગો ફરકાવ્યો હતો તેનાં ૭૫ વર્ષ પછી ભારત જોડો યાત્રામાં શ્રીનગરમાં તિરંગો ફરકાવી શક્યા હતા તે વાત તેઓ ભૂલી જાય છે. અનુચ્છેદ ૩૭૦ હટ્યા પછી મીરા ઘાટીમાં શ્રી શંકરાચાર્ય મંદિરમાં મહા શિવરાત્રિની પણ ધૂમધામથી ઉજવણી થઈ શકી.
જોકે માત્ર નેશનલ કૉન્ફરન્સ જ નહીં, પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી)એ પણ ચૂંટણી ઘોષણાપત્રમાં અનુચ્છેદ ૩૭૦ અને ૩૫-એ લાગુ કરવાની, રાજ્યને વિશેષ દરજ્જો આપવાની, પાકિસ્તાન સાથે રાજદ્વારી સંવાદો શરૂ કરવાની અને કાશ્મીરી પંડિતોની માનવીય કટોકટીને હલ કરવાની વાત કરી છે. પરંતુ પીડીપી પણ નેશનલ કૉન્ફરન્સનું જ બીજું રૂપ છે. બંનેની ત્રાસવાદીઓને સમર્થન, ઇસ્લામીકરણ અને ભ્રષ્ટાચારમાં નીતિ એક સમાન જ છે.
વિચારવાનું જમ્મુ-કાશ્મીરની પ્રજાએ છે. જ્યાં અનુચ્છેદ ૩૭૦ હટ્યા પછી થિયેટરો ખુલી શક્યાં છે. યુવાનો ક્રિકેટર બની રહ્યા છે. રમતગમતમાં ભાગ લઈ રહ્યા છે. શાળાઓ ફરી ખુલી છે. પથ્થરબાજી બંધ થઈ છે. લોકસભા ચૂંટણી ૨૦૨૪માં પણ તેઓ નિડર બનીને મોટી સંખ્યામાં નિશ્ચિંત રીતે મતદાન કરી શક્યા હતા. આ પરિસ્થિતિ જોઈએ છે કે પછી ૨૦૧૫ પહેલાંની?