તંત્રીસ્થાનેથી । સંઘ સમન્વય બેઠકનો જાતિજનગણના મુદ્દે સ્પષ્ટ સંદેશ

શ્રી સુનીલ આંબેકરજીના વક્તવ્યનો મુખ્ય સ્વર એ હતો કે સંઘ સમાજના પછાતો-વંચિતોને આરક્ષણ સહિતના બધા પ્રકારના ઉપાયોનું સમર્થન કરે છે.

    ૧૬-સપ્ટેમ્બર-૨૦૨૪   
કુલ દૃશ્યો |

Rashtriya Swayamsevak Sangh Palakkad
 
 
આપણે ત્યાં અનેક જાતિઓ હોવાથી પ્રશ્ન ઉભા થયેલા છે, એવું કહેવા કરતાં જાતિવાદ હોવાથી પ્રશ્નો ઉભા થયેલા છે, એવું કહેવું વધુ યોગ્ય છે. જાતિવાદ વકરે છે ત્યારે સામાજિક તાણા-વાણા વિંખાઈ જાય છે. ચૂંટણીઓ વખતે આ જાતિવાદને બહેકાવીને તેને સપાટીએ લાવવાના પ્રયત્નો થાય છે. જાતિગત ધ્રુવીકરણની આ શતરંજી ચાલ પર રાષ્ટની અંતઃનિહિત એકતા, સામાજિક ઐક્ય અને સામાજિક સદ્ભાવને દાવ ઉપર લગાવાય છે.
 
જ્યારે સામાજિક સમસ્યાઓને પહેરાવાતા રાજકીય વાઘાથી સામાજિક સમસ્યાઓ વિકૃત રૂપ ધારણ કરે છે, ત્યારે વાઘા પહેરાવવાના એ અપકૃત્યને રાષ્ટ્રદ્રોહથી સ્હેજે ઉતરતી કક્ષાનું ન ગણી શકાય. રાજકારણીઓ ચૂંટણી જીતવા અંદરખાને જાતિ આધારિત ગણત્રીઓ માંડતા હશે, પરંતુ મીડિયા તો માત્ર સર્ક્યુલેશન/ટીઆરપીની લ્હાયમાં ખુલ્લેઆમ ક્યાં કઈ જાતિના-પેટાજાતિના કેટલા લોકો અને તેને લગતાં કેવાં સમીકરણો છે, તે અંગે સાવ છેલ્લી કક્ષાએ જઈને (સામાજિક સંદર્ભમાં શબ્દ વપરાય છે- છાકટા થઇને) આખો ચિતાર આપતું હોય છે, તે ચિતાર ચિત્કારનાં બીજ વાવતો હોય છે. છતાં એ જ મીડિયા જાતિવાદના મુદ્દે નેતાઓને ઘેરવામાં પાછી પાની કરતું નથી. દંભ એ કોઈનો ઈજારો નથી.
 
સામાન્યતઃ સંવેદનશીલ હોવું, એ ગુણ છે, છતાં પણ તોફાનોથી ગ્રસ્ત વિસ્તારોને સંવેદનશીલ કહેવામાં આવે છે. સંવેદનશીલતા શબ્દના અર્થનો અનર્થ એકસો એંસી અંશે થઈ જાય છે. જાતિ શબ્દનું પણ આવું જ છે. જાતિ આધારિત વાતો કર્યા કરવી તેને હિતકારી ગણવી કે અહિતકારી? અહીં વિવેક કસોટી પર છે. આવી વિવેકપૂર્ણતા સાથે રા.સ્વ.સંઘે જાતિજનગણનાના મુદ્દે પોતાની વાત કરી છે.
 
તાજેતરમાં સપ્ટેમ્બર માસના પ્રારંભે કેરળના પલક્કડ ખાતે ૩૨ સંગઠનો અને ૩૨૦ પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં રાષ્ટીય સ્વયંસેવક સંઘની અ.ભા. સમન્વય બેઠક સંપન્ન થઈ તેમાં જાતિજનગણના મુદ્દે પણ ચર્ચા થઈ. આપણા હિન્દુસમાજમાં જાતિ, એક સંવેદનશીલ મુદ્દો છે. એ આપણી રાષ્ટીય એકતા-અખંડિતતા માટેનો મહત્ત્વપૂર્ણ મુદ્દો પણ છે. માટે તેને ખૂબ જ ગંભીરતાપૂર્વક લેવો જોઈએ. તમામ કલ્યાણકારી ગતિવિધિઓ માટે, વિશેષરૂપે કોઈ વિશેષ સમુદાય કે જાતિ જે પછાત રહ્યાં છે તેના પર વિશેષ ધ્યાન આપવું અનિવાર્ય છે. અને આને માટે સરકારને આંકડાઓની જરૂર પણ પડે છે.
 
તાજેતરમાં રાષ્ટીય સ્વયંસેવક સંઘની અ.ભા. સમન્વય બેઠક પૂર્ણ થયા પછી આ મુદ્દે સ્પષ્ટતા કરતાં સંઘના પ્રચારપ્રમુખ શ્રી સુનીલ આંબેકરજીએ પત્રકારપરિષદમાં કહ્યું હતું કે, સમાજના પાછળ રહી ગયેલા વર્ગની ભલાઈ માટે જનકલ્યાણકારી કાર્યો માટે જાતિજનગણનાના ડેટા (વિગતો)નો ઉપયોગ થવો જોઈએ, પરંતુ સામાજિક વિઘટન કરવા અથવા ચૂંટણીમાં લાભ મેળવવાના સ્વાર્થ માટે આનો ઉપયોગ કરવામાં આવવો જોઈએ નહિ.
 
શ્રી સુનીલ આંબેકરજીના વક્તવ્યનો મુખ્ય સ્વર એ હતો કે સંઘ સમાજના પછાતો-વંચિતોને આરક્ષણ સહિતના બધા પ્રકારના ઉપાયોનું સમર્થન કરે છે. જાતિજનગણનાના મુદ્દે રાજકીય પક્ષોએ જે ઉગ્રતાથી સમાજના વાતાવરણને ડહોળવાનો પ્રયત્ન કર્યો, તણાવ ઊભો કર્યો, ત્યારે રા.સ્વ. સંઘ જેવા પૂર્ણતઃ રાષ્ટહિતમાં કાર્યરત સંગઠને આ મુદ્દે પોતાનો મત સ્પષ્ટ કરીને ઊભો કરવામાં આવેલો ભ્રમ દૂર કરી દીધો છે.
 

શ્રી ભાનુભાઈ ચૌહાણ

ભાનુભાઈ ચૌહાણ ‘સાધના’ સાપ્તાહિકના તંત્રીશ્રી તથા ટ્રસ્ટ્રીશ્રી છે. તેમણે "એલ.ડી. એન્જિનિયરિંગ" કોલેજમાંથી બી.ઈ.(સિવિલ) નો અભ્યાસ કર્યો છે તથા "સેપ્ટ યુનિવર્સિટી - અમદાવાદ"માંથી અર્બન એન્ડ રીજીયોનલ પ્લાનિંગમાં એમ. ટેક. કર્યુ છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ડાયરેક્ટર તરીકે પણ તેમણે જવાબદારી નિભાવી છે. રા.સ્વ.સંઘમાં તેઓ કર્ણાવતી મહાનગરના સહ કાર્યવાહ તથા ગુજરાત પ્રાંતના કાર્યકારીણી સદસ્ય છે. તેમણે કર્ણાવતી કો. ઓપ. બેંક તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડમાં ડિરેક્ટરનું દાયિત્વ સંભાળ્યું છે. તેઓ વિચારક અને લેખક છે. સાધનામાં "અવલોકન" અને "વિચારવિમર્શ" શીર્ષક હેઠળ વિવિધ વિચારપ્રેરક લેખો તેઓ નિયમિત લખે છે.