રેવડીની લહાણીથી આર્થિક બોઝ હેઠળ કચડાતાં રાજ્યો | મુખપૃષ્ઠ વાર્તા

સરકારની મફતખોરીની સ્કીમથી હિમાચલ પ્રદેશ કંગળ થઈ ગયુ?! વાત મફતખોરી - રેવડી કલ્ચરથી પાયમાલ થઈ ગયેલા દેશોની…

    ૧૬-સપ્ટેમ્બર-૨૦૨૪   
કુલ દૃશ્યો |

himachal pradesh financial crisis
 
 


માની લો કે તમારી પાસે કોઈ એક શહેરમાં નાની દુકાન છે અને તે દુકાન તમે એવા વ્યક્તિને ચલાવવા માટે આપી દો છો, જે રાતો-રાત લોકપ્રિય થવા માંગે છે. તે વ્યક્તિ તમારી દુકાનમાં વેચવા માટે રાખેલો સામાન સાવ નજીવી કમત પર વેચવાનું શરૂ કરી દે છે. તેનાથી દુકાન પર ગ્રાહકોની લાઇનો તો લાગે છે, પરંતુ થોડાક જ દિવસોમાં એ દુકાન દેવાળું ફૂંકશે. હવે આ દુકાનની જગ્યાએ દેશના કોઈ રાજ્યને મૂકીને વિચારો? કે કોઈ રાજ્યમાં એવી સરકાર આવી જાય છે, જે લોકપ્રિય બનવા માટે મફતખોરી (Freebees)ની રાજનીતિ શરૂ કરી દે છે. જનતા માટે વીજળી-પાણી, મહિલાઓ - યુવાનો માટે દર મહિને આર્થિક મદદ શરૂ કરી દે છે. બસ-રેલવેમાં મફતમાં મુસાફરી શરૂ કરી દે છે તે રાજ્યના હાલ પણ પેલી દુકાન જેવા જ થશે કે નહિ? હાલ આપણા દેશમાં કેટલાંક રાજ્યો તથા વિશ્વના કેટલાક દેશોના પણ આવા જ હાલ છે. આ પરિસ્થિતિ આર્થિક અનુશાસનના અભાવ અને સત્તાધીશોની મફત આપવાની કુટેવની લીધે ઉદ્ભવે છે. આપણા દેશની વાત કરીએ તો હાલમાં જ હિમાચલપ્રદેશમાં આવી પરિસ્થિતિ ઉદ્ભવી છે. આપણે આ મુખપૃષ્ઠ વાર્તામાં આપણા દેશના હિમાચલ પ્રદેશ જેવાં આવાં અન્ય રાજ્યો તથા વિશ્વના અન્ય દેશો, જે આર્થિક અનુશાસનના અભાવને કારણે બરબાદ થયા છે તેની છણાવટ કરીશું.
 
 
જ્યાં સત્તા મળે તે પ્રદેશને થોડા જ વખતમાં પાયમાલ કરી દેવાનું હૂન્નર કોંગ્રેસ પાસે છે. ૨૦૧૪ સુધી આપણે કેન્દ્રમાં એ જોયું. હવે તો જોકે આપણાં નસીબ સારાં છે કે પછી એવો વખત આવ્યો નહીં, પણ વચ્ચે-વચ્ચે જે રાજ્યો હાથમાં આવે છે તેમાં કોંગ્રેસ આ ટ્રેલર ફરી બતાવતી રહે છે. તાજું ઉદાહરણ હિમાચલ પ્રદેશનું છે. આ રાજ્ય કોંગ્રેસે ૨૦૨૨માં જીત્યું અને હવે આર્થિક સ્થિતિ એવી કરી દીધી છે કે, મુખ્યમંત્રી અને મંત્રીઓન બે મહિનાના પગાર છોડવાના સ્ટંટ કરવા પડી રહ્યા છે! ૨૯ ઑગસ્ટે હિમાચલના કોંગ્રેસી મુખ્યમંત્રીએ વિધાનસભામાં જાહેરાત કરીને કહ્યું કે, તેઓ અને તેમની કેબિનેટ આગામી બે મહિના સુધી પગાર કે ભથ્થાં નહીં લે. સાથે ધારાસભ્યોને પણ વિનંતી કરી. દેખીતી વાત છે કે બે મહિના કેબિનેટ પગાર છોડી દે તેનાથી રાજ્યની આર્થિક સ્થિતિને લેશમાત્ર ફેર પડતો નથી, પણ એ બહાને લોકોને એમ થાય કે સરકાર કશુંક કરી રહી છે. આ સ્ટંટ જ કહેવાય. 
 
કેમ સર્જાઈ આવી સ્થિતિ?
 
હિમાચલ સરકારનું વાર્ષિક બજેટ ૫૮,૪૪૪ કરોડ જેટલું છે, જેમાંથી માત્ર પગાર, પેન્શન અને જૂની લોન ચૂકવવામાં જ ૪૨,૦૭૯ કરોડ ખર્ચાઈ જાય છે. જેમાંથી ૨૦,૦૦૦ કરોડ રૂપિયા તો માત્ર ઓલ્ડ પેન્શન સ્કીમ પાછળ ખર્ચ થઈ રહ્યા છે, જે લાગુ કરવા માટે કોંગ્રેસ દરેક રાજ્યમાં ફરીને વાયદો કરતી રહે છે અને કેન્દ્રમાં પણ લાગુ કરવાની વાતો કરતી રહે છે. પરંતુ તેનાં પરિણામો શું આવી શકે, તેનું આ જીવતું અને જાગતું ઉદાહરણ છે. બજેટનો મોટો હિસ્સો તો માત્ર રાજ્યના કર્મચારીઓનાં પેન્શન અને પગાર આપવામાં જ જશે. લગભગ ૫૪૭૯ કરોડ જૂની લોન ચૂકવવા અને ૬,૨૭૦ કરોડ વ્યાજ ચૂકવવા માટે ખર્ચવામાં આવે. એટલે જોવા જઈએ તો ૨૦% હિસ્સો આ બધામાં જ પૂરો થઈ જાય છે. પેન્શન ઉપર બીજા ૨૭,૦૦૦ કરોડ ખર્ચાશે. આ બધું મળીને કુલ બજેટનો હિસ્સો લગભગ ૬૬% જેટલો થવા જાય છે. તમે ૧૦૦ રૂપિયાનું ઉદાહરણ લઈને સમજો તો ૨૫ રૂપિયા પગાર આપવામાં, ૧૭ રૂપિયા પેન્શનમાં, ૧૧ રૂપિયા વ્યાજ ચૂકવવામાં, ૯ રૂપિયા લોન ચૂકવવામાં અને ૧૦ રૂપિયા ગ્રાન્ટ આપવામાં ખર્ચાય છે. હવે બાકી રહ્યા ૨૮ રૂપિયા. તેનો ઉપયોગ રાજ્ય સરકારે વિકાસકામોમાં કરવાનો રહે છે. એટલું જ નહીં, તેમણે મફતના વાયદાઓ પણ પૂરા કરવાના રહે છે, જે ચૂંટણી જીતવા માટે પાર્ટીએ ઢંઢેરો પીટીને હિમાચલની જનતાને કર્યા હતા.
 
મફતના વાયદા પૂરા કરવામાં ખર્ચાય છે રૂપિયા
 
એક તરફ પરિસ્થિતિ આવી છે અને બીજી તરફ કોંગ્રેસ પાર્ટી સરકાર બન્યા પહેલાં જે મફતના વાયદા કરી ચૂકી હતી, તેને પૂર્ણ કરવા માટે હજારો કરોડ ખર્ચાઈ રહ્યા છે. રાજ્યની આર્થિક સ્થિતિ ઠીક ન હતી છતાં લોકસભા ચૂંટણીની તરત પહેલાં હિમાચલ પ્રદેશ રાજ્ય સરકારે ચૂંટણી વાયદો પૂર્ણ કરવાના નામે મહિલાઓને દર મહિને ૧૫૦૦ રૂપિયા આપવાની યોજના અમલી બનાવી દીધી હતી. `ઇન્દિરા ગાંધી પ્યારી બહેના સુખ સમ્માન નિધિ યોજના' પાછળ રાજ્ય સરકારે વર્ષના ૮૦૦ કરોડ ખર્ચવાનું નક્કી કર્યું છે અને ૧૮ થી ૬૦ વર્ષની વયની પાંચ લાખ મહિલાઓને યોજનાનો લાભ આપવામાં આવે છે.
 
બીજી તરફ, જૂની પેન્શન યોજના લાગુ કરવા ગયા ત્યાં ૧૦૦૦ કરોડનો વધારાનો ખર્ચ આવ્યો છે. ૧૮ હજાર કરોડ સરકારે મફત વીજળી માટે સબસિડી આપવામાં ખર્ચ્યા. જોકે, મફત વીજળી માટે તો હિમાચલ સરકારે ૩૦૦ યુનિટ ફ્રી આપવાનો વાયદો કર્યો હતો, પણ પરિસ્થિતિ એ આવીને ઊભી રહી કે પહેલાંથી જે ૧૨૫ યુનિટ વીજળી આપવામાં આવતી હતી, તેમાં પણ નિયંત્રણો લાદીને નક્કી કર્યું કે ઇન્કમ ટેક્સ પેયરોને ૧૨૫ યુનિટ પણ ફ્રી વીજળી આપવામાં નહીં આવે.
 
કોંગ્રેસના OPS (વન પેન્શન સ્કીમ)ના વાયદાના કારણે વિકાસકામોના બજેટમાં પણ ધરખમ કાપ આવશે તેવું હાલ લાગી રહ્યું છે, કારણ કે પહેલાં પેન્શનનો બજેટમાં હિસ્સો ૧૩% જેટલો હતો, જે હવે OPS લાગુ કરવામાં આવ્યા બાદ ૧૭% જેટલો થઈ ગયો છે. ટકાવારીમાં આ ફેર ચાર જ ટકાનો છે, પણ આંકડાઓ જોવા જઈએ ત્યારે તે કૂદકે ને ભૂસકે વધતા હોય છે. ઉપરાંત, ભવિષ્યમાં એવું પણ થવાની શક્યતા છે કે રાજ્યમાં ચાલુ નોકરીના કર્મચારીઓ કરતાં પેન્શનરોની સંખ્યા વધી જાય. જો ભરતી થનારા કરતાં નિવૃત્ત થનારા કર્મચારીઓની સંખ્યા વધી જાય તો એક અનુમાન મુજબ ૨૦૩૦-૩૧ સુધીમાં રાજ્યમાં ૨.૩૮ લાખ પેન્શનરો થઈ જશે. જેના કારણે ૨૦૨૬-૨૭ સુધીમાં પગાર-પેન્શન પર કુલ ૨.૧૧ લાખ કરોડ ખર્ચવા પડશે. આ બોજ સરકાર સહન કરી શકે તેવી તેની ક્ષમતા નથી.
 
 
હિમાચલ પર ૮૭ હજાર કરોડનું દેવું
 
અહેવાલોનું માનીએ તો હિમાચલ પ્રદેશ પર હાલ ૮૭ હજાર કરોડ રૂપિયાનું દેવું છે. વર્ષ ૨૦૨૨-૨૩ માટે CAGનો એક અહેવાલ જણાવે છે કે, હિમાચલની કોંગ્રેસ સરકારે ૨૦૨૨-૨૩માં એક જ વર્ષમાં દેવું ૧૩,૦૫૫ કરોડ જેટલું વધારી દીધું, જેના કારણે ૨૦૨૧-૨૨માં જે દેવું ૭૩,૫૩૪ કરોડ હતું તે વધીને ૮૬,૫૮૯ કરોડ પર પહોંચી ગયું હતું. દેશમાં નવ પહાડી રાજ્યો છે અને તેમાં સૌથી વધુ દેવું હિમાચલનું જ છે. ૩૧ માર્ચ, ૨૦૨૫ સુધીમાં આ દેવું વધીને ૯૪,૯૯૨ કરોડ રૂપિયા થવાનું અનુમાન છે. આ પરિસ્થિતિમાં જૂનું દેવું ચૂકવવા માટે નવી લોન લેવી પડે એવી પરિસ્થિતિ સર્જાશે. એ પણ નોંધવું રહ્યું કે CAGનો રિપોર્ટ વિધાનસભામાં રજૂ કરતી વખતે CM સુક્ખુએ પણ સ્વીકાર્યું હતું કે, વર્ષમાં જેટલા રૂપિયા ખર્ચવામાં આવે છે તેમાંથી ૫૦% રકમ તો પગાર અને પેન્શનમાં જ ઘૂસી જાય છે.
 
કર્ણાટક પણ હિમાચલ પ્રદેશની રાહે
 
આર્થિક અનુશાસનમાં અભાવ અને મફતની લ્હાણીએ દેશના બીજા એક મહત્ત્વના રાજ્યને પણ બરબાદીના આરે પહોંચાડી દીધું છે. કોંગ્રેસના રાજમાં અહીં મોંઘવારી ચરમસીમા પર છે. કર્ણાટક વિધાનસભાની ચૂંટણીઓ દરમિયાન કોંગ્રેસે વચન આપ્યું હતું, જો તેમની સરકાર બનશે તો મહિલાઓ માટે મફત બસયાત્રાની સુવિધા શરૂ કરશે. તેનો બોજ હવે રાજ્ય પરિવહન નિગમ પર પડી રહ્યો છે. અને નિગમને મહિને લગભગ ૧૦૦ કરોડની ખોટ જઈ રહી છે. આ ઉપરાંત કોંગ્રેસ દ્વારા રાજ્યના પ્રત્યેક પરિવારોને ૨૦૦ યુનિટ વીજળી મફત આપવાનું પણ વચન આપવામાં આવ્યું હતું, જેને કારણે રાજ્ય પર દર વર્ષે ૧૪ હજાર કરોડ રૂપિયાનો બોજ પડવાનું અનુમાન છે. સ્નાતક બેકાર વ્યક્તિને ત્રણ હજાર માસિક આપવાને કારણે પર રાજ્ય પર લગભગ ત્રણ હજાર કરોડનો બોજ પડશે. એક અનુમાન મુજબ કર્ણાટક સરકારને પાંચ લ્હાણીઓને કારણે રાજ્ય સરકારમાં ૫૩ હજાર કરોડનો ખર્ચ ઉઠાવવો પડી શકે છે. કોંગ્રેસ સરકારની આ મફતની લ્હાણીને કારણે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે, રાજ્યમાં વિકાસના કામો ઠપ્પ થઈ ગયાં છે. રાજ્યના મુખ્યમંત્રી સિદ્ધરમૈયાએ સ્પષ્ટ કહી દીધું છે કે, રાજ્ય પાસે વિકાસનાં કામો કરવા માટે પૈસા બચ્યા નથી. કોંગ્રેસ સરકાર પોતાની ગેરંટીઓ પૂર્ણ કરવા માટે દલિત સમાજ સાથે પણ અન્યાય કરી રહી છે. સરકારે અનુસૂચિત જાતિ અનેે અનુસૂચિત જનજાતિ કલ્યાણ યોજનાઓ માટે નિર્ધારિત ૧૪,૦૦૦ કરોડ રૂપિયા પણ વધારેની લોકલ્હાણી કરવામાં ખર્ચી નાખવાનું નક્કી કર્યું છે. છતાં પનો ટૂંકો પડી રહ્યો છે તેને પહોંચી વળવા હવે રાજ્ય સરકારે વીજળીથી લઈ દૂધ, પેટ્રોલ સહિતની અનેક ચીજવસ્તુ માંડી પાણીવેરો પણ વધારે દીધો છે. પર કર વધારી દીધા છે, એટલું જ નહીં પરિણામે મોંઘવારીથી જનતા ત્રાહિ ત્રાહિ પોકારી ઊઠી છે.
 

himachal pradesh financial crisis 
 
માત્ર હિમાચલ અને કર્ણાટક જ નહિ અન્ય રાજ્યોના હાલ પણ બેહાલ
 
અર્થશાસ્ત્રનો એક સાદો નિયમ છે. કમાણી ઓછી અને ખર્ચ વધારે હશે તો આર્થિક સંકટ ઊભું થવાનું જ છે. ભારતનાં અનેક રાજ્યો હાલ આ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યાં છે. હિમાચલ હોય કે કર્ણાટક કે પછી પશ્ચિમ બંગાળ, પંજાબ, મહારાષ્ટ, દિલ્હી, કેરળ કે આંધ્રપ્રદેશ. રાજ્ય સરકારો પર આર્થિક બોજ સતત વધી રહ્યો છે, કારણ કે આ રાજ્ય સરકારો સબસિડીના નામે પોતાની આવકથી વધારે ભાગ ઉડાવી રહી છે. પરિણામે આ રાજ્યોમાં વિકાસના કાર્યો ઠપ્પ થઈ ગયાં છે. અને બજેટનો મોટો ભાગ લ્હાણીમાં વપરાઈ રહ્યો છે. જેથી સરકારી કર્મચારીઓને પગાર ચૂકવવાના પૈસા પણ આ રાજ્ય સરકારો પાસે બચ્યા નથી. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા આવેલા તાજેતરના એક અહેવાલમાં પણ આ અંગે ગંભીર ચેતવણી આપવામાં આવી હતી અને કહેવામાં આવ્યું છે કે, દેશની અનેક રાજ્ય સરકારો સબસિડીને બદલે તમામ વસ્તુઓ મફતમાં આપી રહી છે, એટલે કે સરકારો એવા સ્થાને ખર્ચ કરી રહી છે. જ્યાંથી તેને કોઈ જ વળતર મળવાનું નથી.
 
પંજાબની હાલત ડરાવી રહી છે
 
દેશમાં એક વખતનું સૌથી સમૃદ્ધ રાજ્ય ગણાતા પંજાબને પણ મફતની લ્હાણીએ બરબાદીના આરે લાવીને મૂકી દીધું છે. પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે, પંજાબ પર તેની જીડીપીના ૫૩ ટકા જેટલું માતબર દેવું થઈ ગયું છે, જે સમગ્ર દેશમાં સૌથી વધુ છે. આમ છતાં, પણ પંજાબની આમ આદમી સરકાર ચૂંટણી દરમિયાન મફતમાં અપાયેલાં વચનો પૂર્ણ કરવામાં વ્યસ્ત છેે. પંજાબ સરકાર ૩૦૦ યુનિટ સુધી વીજળી મફત આપી રહી છે. પરિણામે પંજાબ પર દર વર્ષે ૧૮૦૦ કરોડ રૂપિયાનો વધારાનો બોજ પડી રહ્યો છે. ૧૮ વર્ષથી ઉપરની તમામ મહિલાઓને ૧ હજાર રૂપિયાની મદદના નામે પણ એક હજાર કરોડ રૂપિયા ખર્ચ થશે. મજાની વાત એ છે કે મહિલાઓને મફતમાં જેટલી લ્હાણી કરાઈ રહી છે તેનું બજેટ પંજાબ પોલીસના વાર્ષિક બજેટ ૮૫ હજાર ૭૦૦ કરોડથી પણ વધારે છે. આ સિવાય ૪૦૦ યુનિટ સુધીના વીજળી બિલ પર ૫૦ ટકાની છૂટ, ખેડૂતોને ૧૨ કલાક મફત વીજળી જેવા વાયદા પૂરા કરવા પાછળ પણ પાંચથી આઠ હજાર કરોડ રૂપિયાનો વધારાનો બોજ પડે છે.
 

આરબીઆઈ મુજબ ૨૦૧૮-૧૯માં દેશની તમામ રાજ્ય સરકારોએ સબસિડી પર ૧.૮૭ લાખ કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા. તે ખર્ચ ૨૦૨૨-૨૩માં વધીને ૩ લાખ કરોડ સુધી પહોંચી ગયો છે. આવી જ રીતે માર્ચ ૨૦૧૯ સુધી તમામ રાજ્ય સરકારો પર ૪૭.૮૬ લાખ કરોડનું દેવું હતું જે માર્ચ ૨૦૨૪ સુધી વધીને ૭૫ લાખ કરોડ સુધી પહોંચી ગયું છે. અને માર્ચ ૨૦૨૫ સુધી તો આ દેવું ૮૩ લાખ કરોડને આંબી જશેની શક્યતા છે.
 
તો શું પરિસ્થિતિ હજી વધુ વણસશે?
 
નેતૃત્વમાં આર્થિક નિર્ણયની અક્ષમતા અને મફતનું આપીને સત્તા લઈ લેવાની ખેવના કોઈપણ રાજ્યને ચીંથરેહાલ કરી દે છે. હિમાચલ સરકાર તથા કર્ણાટક અને પંજાબ સરકારના દાખલા આપણી સમક્ષ છે. આરબીઆઈએ ચેતવણી ઉચ્ચારી છે કે, બિનજરૂરી અને મફતમાં આપવાની રાજનીતિથી રાજ્યોની આર્થિક સ્થિતિ બગડી શકે છે. ૨૦૨૨ના પોતાના અહેવાલમાં આરબીઆઈએ અરુણાચલ પ્રદેશ, બિહાર, ગોવા, હિમાચલ, કેરળ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, પંજાબ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ સરકાર પર આર્થિક સંકટ શરૂ થવાની ચેતવણી આપી હતી.
 
આરબીઆઈએ ચેતવણી આપી હતી કે, દેશનાં કેટલાંક રાજ્યોનું દેવું ૨૦૨૬-૨૭ સુધી જીડીપીના ૩૦ ટકાથી પણ વધુ થઈ શકે છે. એમાં પણ પંજાબની હાલત સૌથી વધુ ખરાબ થઈ શકે છે. ૨૦૨૬-૨૭ સુધી પંજાબ સરકાર પર કુલ જીડીપીના ૪૫%થી વધારે દેવું થઈ શકે છે. તો કેરળ, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળ પર રાજ્યનું દેવું જીડીપીના ૩૫% સુધી પહોંચવાની સંભાવના છે. અને કોઈ રાજ્ય સરકાર પર વધારે દેવું હોવાને કારણે તે પોતાની આવકનાં નાણા વિકાસલક્ષી યોજનાઓ પાછળ ખર્ચ કરી શકતી નથી. જ્યાંથી તેને ભવિષ્યમાં આવક થઈ શકે. દા.ત., હાલ પંજાબ તેના કુલ ખર્ચના ૨૨ ટકા તો માત્ર વ્યાજ ચૂકવવા પાછળ જ ખર્ચી નાંખે છે. તો હિમાચલ પ્રદેશ સરકાર પણ ૨૦ ટકા વ્યાજ ચૂકવવા ખર્ચી નાંખે છે. પરિણામે આ બંને રાજ્યોનો કેપિટલ ખર્ચ સતત તળિયે જઈ રહ્યો છે. અને પરિસ્થિતિ રોકેટ ગતિએ નીચેની તરફ ધસી રહી છે.
 
આમ દિલ્હીથી માંડી હિમાચલ પ્રદેશ, કર્ણાટકથી લઈ પંજાબ સુધી, ભારતના આમ નાગરિકના પરસેવાનાં પૈસા જરૂર ક્યાંક મફતમાં વીજળી આપવા માટે તો ક્યાંક મફતમાં મુસાફરીના નામે વેડફાઈ રહ્યા છે. ખરેખર તો આ નાણાં તમામ લોકોની સુવિધા અને વિકાસ માટે વપરાવવા જોઈએ તેને બદલે મતબેંકની રાજનીતિ પાછળ વેડફાઈ રહ્યા છે. એમાં પણ કર્ણાટક જેવા રાજ્યમાં તો દલિતો માટે ફાળવવામાં આવેલા ફંડનો ઉપયોગ મુસ્લિમોને લ્હાણી કરવા માટે થઈ રહ્યાં હોવાના આરોપ લાગે તે ખરેખર પ્રત્યેક સમાજ માટે લાલબત્તી સમાન છે. આથી રાજનીતિનો સંગઠિત વિરોધ જ મતબેંકની આ અરાજક રાજનીતિ પર લગામ લગાવશે.
 
રેવડી કલ્ચરથી કેવી તબાહી સર્જાય છે - વેનેઝુએલા, શ્રીલંકા તેના દાખલા
 
આર્થિક અનુશાસનહીનતા અને લ્હાણી કરવાની સંસ્કૃતિ કોઈ દેશની અર્થવ્યવસ્થા માટે વિનાશક સાબિત થઈ શકે છે તેના સૌથી મોટા દાખલા વેનેઝુએલા, શ્રીલંકા અને પાકિસ્તાન જેવા દેશો છે. દ. અમેરિકાના મહાદ્વીપના વેનેઝુએલાની ગણતરી સૌથી અમીર દેશોમાં થતી હતી. પરંતુ આજે અહીંના લોકો પાઈ-પાઈ માટે તલસી રહ્યા છે. વિશ્વમાં સૌથી વધુ તેલભંડાર ધરાવનારા દેશોમાં સ્થાન પામનાર આ દેશની આવકનો મોટોભાગ મફત, પાણી, વીજળી સહિતની લ્હાણીઓમાં બરબાદ થઈ ગયો. પરિણામે અહીંના યુવાનો ખેડૂતોએ કામ-ધંધો કરવાનું જ છોડી દીધું. પરિણામે ૯૫% વસ્તુઓ આયાત કરવાની નોબત આવી ગઈ અને સરકારી ખજાના પર દબાણ વધ્યું અને મોંઘવારી વિકરાળ બની. એક સમયે અહીં ૧૦૦ ટકાથી વધારે મોંઘવારી દર થઈ ગયો હતો. બજાર અને ત્યાંનું ચલણી નાણું ૧૦૦૦ ટકા નીચે પટકાઈ ગયું હતું. હાલત એ થઈ ગઈ કે એક કૉફીની કમત ૨૫ લાખ થઈ ગઈ અને એક બ્રેડ ખરીદવા માટે ચાર કલાક લોકો હરોળમાં ઊભા રહેવું પડતુ એવાં ચિત્રો આપણી નજરથી હટતાં નથી અને દર ૨૬ દિવસે મોંઘવારી બમણી થઈ જાય છે.
 
આવો જ દાખલો શ્રીલંકાનો પણ છે. શ્રીલંકાના દેવાળિયા બનવા પાછળ પણ મફતખોરીની રાજનીતિ જ છે. ૨૦૧૯માં રાષ્ટપતિની ચૂંટણીઓ વખતે રાજપક્ષે પરિવારે વચન આપ્યું હતું કે, જો તેમનો પક્ષ સત્તામાં આવશે તો દેશમાં વસ્તુઓ અને સેવાઓ પર લગાવવામાં આવતો કર (VAT) અડધો કરી દેશે. ચૂંટણી જીત્યા બાદ VATને ૧૫ ટકાથી ઘટાડી ૮ ટકા કરી દેવામાં આવ્યો, જેથી તેની જીડીપી બે ટકાએ પહોંચી ગઈ અને દેશ દેવાળિયો બની ગયો.
 
પાકિસ્તાન પણ દેવાળુ ફૂંકવાના આરે
 
આર્થિક અનુશાસનહિનતા કોઈ દેશને કેવી રીતે બરબાદીના દલદલમાં ધકેલી દે છે તેનો એક દાખલો પાડોશી દેશ પાકિસ્તાન પણ છે પોતાની ક્ષમતા કરતાં વધારે ખર્ચ સૈન્ય ખર્ચ અને સરકારી વિકાસ કામોમાં ભ્રષ્ટાચાર અને રાજનૈતિક અસ્થિરતાને કારણે અહીં ફુગાવો આસમાને પહોંચી ગયો છે. દાળ અને રોટલી જેવી ચીજવસ્તુઓ પણ લોકોની થાળીઓમાંથી અદૃશ્ય થઈ ગઈ છે. વીજળી, પાણી અને ગેસ માટે લોકો રીતસરના ટળવળી રહ્યા છે. લોટની બોરીઓ માટે લોકો એકબીજાની હત્યા કરી રહ્યાં છે. પાટનગર કરાંચીમાં એક મોલ તેના ઉદઘાટનના દિવસે જ લોકોએ લૂંટી લીધો. અહીં એક કિલો લોટની કમત ૮૦૦ રૂપિયાએ પહોંચી છે. પાકિસ્તાની દૈનિક ડૉન મુજબ પાકિસ્તાનમાં મોંઘવારી દર ૩૮ ટકાએ પહોંચી ગયો છે અને ખાદ્ય ચીજો ૪૮ ટકા મોંઘી થઈ ગઈ છે. પરિસ્થિતિ એવી છે કે ત્યાં પણ હિમાચલ પ્રદેશની જેમ સરકારી કામકાજ માટે પૈસા બચ્યા નથી અને સરકાર સરકારી કંપનીઓ વેચી રહી છે. અનેક સરકારી વિભાગો પણ બંધ કરી દીધા છે. અને સરકારી અધિકારીઓને પગાર ચૂકવવાના પૈસા પણ બચ્યા નથી.
 
અન્ય દેશો પણ દેવાળુ ફૂંકવા તરફ
 
માત્ર વેનેઝુએલા, શ્રીલંકા કે પાકિસ્તાનના જ આવા હાલ નથી પરંતુ, વિશ્વના અનેક દેશોમાં આર્થિક અનુશાસનહીનતાને કારણે પરિસ્થિતિ બેકાબુ બની રહી છે. મધ્યપૂર્વી એશિયાઈ દેશ લેબેનોનમાં ફુગાવો વધીને ૨૧૫ ટકાએ પહોંચી ગયો છે. પરિણામે લોકોનું જીવવું દુષ્કર બન્યું છે. ત્યાર બાદ આર્જેન્ટિનાની પણ આવી જ હાલત છે, ૧૪૩ ટકા મોંઘવારી દરે અહીંની જનતા માટે પ્રાથમિક જરૂરિયાતની ચીજવસ્તુઓ જેવી કે રોટી, કપડાં, મકાનને એક સ્વપ્નસમાન બનાવી દીધાં છે, વિશેષજ્ઞોએ એવી પણ ચેતવણી આપી છે કે, જો સરકારની અર્થને લઈને આવી જ અનર્થભરી નીતિ રહી તો આગામી સમયમાં અહીં મોંઘવારી દર ૧૫૦૦૦ ટકા સુધી સુધી થઈ શકે છે. આતંકવાદ સામેની રણનીતિ અને આર્થિક આયોજનના અભાવે સિરીયાના પણ ચીંથરેહાલ થઈ ગયા છે. ત્યાં ૭૯ ટકા સાથે મોંઘવારીએ ત્રાહિમામ વર્તાવ્યો છે.
 
ત્યારબાદ તુર્કી ૬૯.૮, ઈરાન ૩૯.૨ ટકા સાથે મોંઘવારીએ ત્રાહિમામ વર્તાવ્યો છે. વાચકોને જણાવી દઈએ કે તુર્કિસ્તાન અને ઇરાન પણ વેનેઝુએલાની જેમ આર્થિક રીતે ખૂબ જ સંપન્ન દેશોમાંના હતા, પરંતુ હાલ ત્યાં સરકારી ખર્ચા કાઢવાની વાત તો દૂર, પ્રજાના બે ટંકના ખાવાના પણ ફાંફા પડી રહ્યા છે. આ દેશોમાં માઝા મૂકેલી મોંઘવારી માટે એક કારણ ત્યાંની સરકારની આર્થિક નીતિઓ પણ મનાઈ રહ્યું છે.
 
મફતનું રાજકારણ દેશના વિકાસ માટે કેન્સર સમાન! સ્વદેશી જાગરણ મંચ
 
દેશમાં વ્યાપ્ત આ લ્હાણી કલચર વિશે સ્વદેશી જાગરણ મંચે ઘણા સમય પહેલાં ધ્યાન દોર્યું હતું. સ્વદેશી જાગરણ મંચના સહસંયોજક અશ્વિની મહાજન જણાવે છે કે, દેશમાં વિકરાળ બનેલા લ્હાણીવાળા રાજકારણ અંગે સ્વદેશી જાગરણ મંચે પહેલેથી જ ચેતવણી આપી દીધી હતી. સ્વદેશી જાગરણ મંચના મફત વીજળી જેવી સુવિધાઓ દેવી એ અર્થવ્યવસ્થા માટે કેન્સર સમાન છે. રાજ્ય સરકારો મફતમાં સુવિધાઓ આપી સંસાધનોનો દુરુપયોગ કરે છે. વિકાસ માટે નિર્ધારિત સંસાધનોનો દુરુપયોગ વિકાસમાં મહાઅવરોધ સાબિત થઈ રહ્યો છે. દેશનાં રાજ્યો ખર્ચ બાબતે અનુશાસનહીન થતાં જઈ રહ્યાં છે. પરિણામે ન માત્ર રાજ્ય સરકાર બલ્કે કેન્દ્ર સરકાર પર પણ ખર્ચ વધી રહ્યો છે. પરિણામે આંતરરાષ્ટિય રેટગ એજન્સીઓ આપણું રેટગ નીચે આંકી રહી છે, જેના પરિણામે આપણી અર્થવ્યવસ્થા માટે ઓછા વ્યાજ દરે રોકાણ આકર્ષિત કરવાનું મુશ્કેલ બન્યું છે અને દેશને ઊંચા દરે કરજ લેવું પડી રહ્યું છે, ત્યારે રાજ્ય સરકારોએ પોતાના અનુશાસનહીન ખર્ચ પર રોક લગાવવાની જરૂર છે.
 
મફતનું રાજકારણ દેશના વિકાસ માટે કેન્સર સમાન! સ્વદેશી જાગરણ મંચ
 
દેશમાં વ્યાપ્ત આ લ્હાણી કલચર વિશે સ્વદેશી જાગરણ મંચે ઘણા સમય પહેલાં ધ્યાન દોર્યું હતું. સ્વદેશી જાગરણ મંચના સહસંયોજક અશ્વિની મહાજન જણાવે છે કે, દેશમાં વિકરાળ બનેલા લ્હાણીવાળા રાજકારણ અંગે સ્વદેશી જાગરણ મંચે પહેલેથી જ ચેતવણી આપી દીધી હતી. સ્વદેશી જાગરણ મંચના મફત વીજળી જેવી સુવિધાઓ દેવી એ અર્થવ્યવસ્થા માટે કેન્સર સમાન છે. રાજ્ય સરકારો મફતમાં સુવિધાઓ આપી સંસાધનોનો દુરુપયોગ કરે છે. વિકાસ માટે નિર્ધારિત સંસાધનોનો દુરુપયોગ વિકાસમાં મહાઅવરોધ સાબિત થઈ રહ્યો છે. દેશનાં રાજ્યો ખર્ચ બાબતે અનુશાસનહીન થતાં જઈ રહ્યાં છે. પરિણામે ન માત્ર રાજ્ય સરકાર બલ્કે કેન્દ્ર સરકાર પર પણ ખર્ચ વધી રહ્યો છે. પરિણામે આંતરરાષ્ટિય રેટગ એજન્સીઓ આપણું રેટગ નીચે આંકી રહી છે, જેના પરિણામે આપણી અર્થવ્યવસ્થા માટે ઓછા વ્યાજ દરે રોકાણ આકર્ષિત કરવાનું મુશ્કેલ બન્યું છે અને દેશને ઊંચા દરે કરજ લેવું પડી રહ્યું છે, ત્યારે રાજ્ય સરકારોએ પોતાના અનુશાસનહીન ખર્ચ પર રોક લગાવવાની જરૂર છે.
 
આવો, આર્થિક અનુશાસન દ્વારા ઉન્નતિ કરીએ...
 
ઉપરોક્ત મુખપૃષ્ઠ વાર્તામાં અનેક ઉદાહરણો એવાં જોયા જેમાં, આર્થિક અનુશાસનહીનતા અને મફતનું આપવાની નેતાઓની ટેવને કારણે રાજ્યો કે દેશો બરબાદી તરફ ધકેલાઈ જાય છે. એક વાત એ પણ છે કે, જે રાજ્યોમાં આવું બને છે તે માટે માત્ર તેના નેતાઓ જ જવાબદાર નથી, ત્યાંના લોકોની મનોવૃત્તિ પણ પણ થોડા ઘણાં અંશે જવાબદાર છે. નેતાઓ મફત આપવા ભલે માંગે પણ નાગરિકોએ એમને તાબે ન થવું જોઈએ. જો એવું થશે તો આ મફતની રેવડી કલ્ચરને બદલે નાગરિકો પોતાના પરસેવાની કમાણીને આધારે શાંતિથી જીવન ચલાવી શકશે. નિષ્ણાતો કહે છે કે ખરેખર તો નાગરિકોનું ઘડતર નેતા જ કરતા હોય છે. નાગરિકને કેવી ટેવો પાડવી છે તે જે તે રાજ્યના નેતૃત્વો પર આધાર રાખે છે. રાજ્ય ચલાવનારાઓ પોતાના નાગરિકોને સ્વાવલંબી બનાવવા માગે છે કે પરાવલંબી? એને મહેનત કરીને રોટલો કમાતા શીખવવા માગે છે કે મફતનું લઈને ખાતાં? સાચું નેતૃત્વ એ છે જે પોતાના નાગરિકોને સ્વાવલંબી બનાવે. આ સમસ્યાને દૂર કરવા માટે એક રાષ્ટીય મંચની જરૂર છે. અને તે માટે નાગરિકો અને રાષ્ટ્રીયપક્ષોએ આગળ આવવું જોઈએ.
 
આ સમસ્યાને દૂર કરવા માટે
 
* શું જે લોકો સાધન સંપન્ન અને સક્ષમ છે તે લોકો સરકારી લાભો કે રેવડી કલ્ચરને સ્વીકારવાનો ઇન્કાર ન કરી શકે?
* શું સમૃદ્ધ લોકો `નહીં લેવાનો ટ્રેન્ડ' ઊભો કરીને કહી ન શકે, `હું સક્ષમ અને સમૃદ્ધ છું. હું આ નહીં લઉં'?
* શું સમાજનો અગ્રણીવર્ગ દેશ માટે ત્યાગ કરવાની જૂના જમાનાની વૃત્તિ ફરીથી ઉજાગર ના કરી શકે?
* શું તમામ રાજકીય પક્ષો આગળ આવીને રેવડી કલ્ચરને દૂર કરવા એક મંચનું નિર્માણ ના કરી શકે?
* શું રાજકીય પક્ષો રાષ્ટીય સ્તરે આ મુદ્દાની ચર્ચા કરી એક કોમન પોલીસી ન બનાવી શકે?
* શું રાજકીયપક્ષો માત્ર જરૂરિયાતમંદો અને ગરીબી રેખા નીચે જીવતા લોકોને જ લાભ મળે તેવા ધારાધોરણો ન બનાવી શકે?
 
આમ રાજકીય પક્ષો અને નાગરિકોએ પરસ્પરના સાથ-સહકારથી માત્ર જરૂરિયાતમંદોને જ લાભ મળે તેવા નીતી-નિયમો બનાવવા જોઈએ અને સૌએ તેનું કાયદાની રૂએ ફરજિયાત પાલન કરવું જોઈએ. આમ, જનતા અને નેતા સાથે મળીને આ વિષયને રાષ્ટીય સ્તરે લઈ જઈને આ સમસ્યાને દૂર કરી શકે છે. અર્થાત્ આપણે સૌએ ભેગા મળીને જ આપણા દેશનું આર્થિક અનુશાસન જાળવવાનું છે!
 
સુપ્રીમ કોર્ટનો સંકેત
 
ફ્રીબ્રીજની આ પૃષ્ઠભૂમિ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટે એક મામલાની સુનાવણી કરતાં કહ્યું હતું કે, ફ્રીબીજ માટેનું બજેટ નિયમિત બજેટ કરતાં ઉપર જઈ રહ્યું છે. મફતમાં ઉપહાર નિસંદેહ તમામ લોકોને પ્રભાવિત કરે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, મફતિયા સંસ્કૃતિને કારણે અર્થવ્યવસ્થાને નુકસાન થઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ૨૨ જાન્યુઆરી, ૨૦૨૨માં સુપ્રીમ કોર્ટનાં વકીલ અશ્વિની ઉપાધ્યાયજીએ. સુપ્રીમ કોર્ટમાં રાજનૈતિક દળો દ્વારા મફતની ઘોષણાઓ અને ચૂંટણી વચનો પર રોક લગાવવાની માગણી કરી હતી જેની સુનવણી કરતાં મા. ન્યાયાલયે ઉક્ત ટિપ્પણી કરી હતી.
 
આરબીઆઈનો અહેવાલ
 
આરબીઆઈ દ્વારા શ્રીલંકા સંકટની પૃષ્ઠભૂમિ પર તૈયાર કરાયેલ અહેવાલમાં સ્પષ્ટ કહ્યું હતું કે, શ્રીલંકાની આર્થિક કટોકટી માટે પણ `ફ્રીબીજ' એટલે કે મફતિયું રાજકારણ છે. શ્રીલંકન સરકારે મોટા પાયે કરમાં ઘટાડો કર્યો હતો અને મફતમાં સામાન અને સેવાઓ આપવા માંડી હતી. પરિણામે દેશની અર્થ-વ્યવસ્થા જ ધ્વસ્ત થઈ ગઈ.

સંજય ગોસાઈ

સંજય ગોસાઇ સાધનામાં છેલ્લા ૧૦ વર્ષથી પત્રકાર તરીકે કામ કરે છે. તેમણે ગૂજરાત વિદ્યાપીઠમાંથી જર્નાલિઝમની માસ્ટર ડિગ્રી મેળવી છે. હાલ તેઓ સાધનાનાં સંપાદક મંડળમાં છે…