`ઘી'ને અંગ્રેજીમાં શું કહેવાય?
દૂધ, દહીં, માખણ, છાશનો અંગ્રેજી અનુવાદ દર્શાવતા શબ્દો અંગ્રેજીમાં છે- મિલ્ક, કર્ડ, બટર, બટરમિલ્ક. પણ `ઘી'નો અનુવાદ કરતો શબ્દ અંગ્રેજીમાં નથી. કારણ કે દૂધના આ સર્વોત્તમ સ્વરૂપ વિશેનું જ્ઞાન પશ્ચિમને નહોતું. આખા પશ્ચિમમાં ક્યારે ય `ઘી'ની કલ્પના સુદ્ધાં નહોતી. તેથી અંગ્રેજીમાં `ઘી' માટે `GHEE' જ લખવામાં આવે છે.
આપણે ત્યાં છેક વેદોનાથી ય પહેલાંના સમયથી, હજારો વર્ષો પૂર્વેથી એકદમ અંતરિયાળ ગામમાં નાનું બાળક પણ દૂધમાંથી `ઘી' કેવી રીતે બને, તેની પ્રક્રિયા જાણતું હતું. આ બાજુ પશ્ચિમમાં મોટા ગજાના વૈજ્ઞાનિકને `ઘી' જેવું કશુંક હોઈ શકે, તેની કલ્પના સુદ્ધાં નહોતી. ભારતમાં જ્યારે પહેલી વાર અંગ્રેજે મરચાનું ભજિયું જોયું ત્યારે તેણે આજુ-બાજુ ઉપર-નીચે ફેરવી ફેરવીને જોયેલું, પરંતુ ક્યાંય સાંધો, રેણ કે ટાંકો, એવું કશું જ જોવા મળ્યું નહીં, ત્યારે તેને સાનંદ આશ્ચર્ય એ હતું કે, આ મરચું અંદર મૂક્યું છે કેવી રીતે? રાષ્ટ્ર વિશે પણ `ઘી' જેવું જ છે. પશ્ચિમને `ઘી'ની ખબર હવે પડી ગઈ છે, પણ `રાષ્ટ્ર' વિશે તો હજુ ય ત્યાં અજ્ઞાન પ્રવર્તે છે.
૧૫ ઓગસ્ટે રાષ્ટ્ર નથી બન્યું
૧૫મી ઑગસ્ટે ભારતમાતાને વધાવતા ‘वंदे मातरम्ના ઉદ્ઘોષથી પડઘાતી રાષ્ટ્રવંદના; મહાભારતને અધર્મમાંથી મુક્તિ અપાવનાર શ્રી કૃષ્ણના જન્મોત્સવે પૂર્ણ દિવ્યતાને પામે છે. વિશ્વના નકશા પર ભારત જેવા સેંકડો દેશો પોતાની ભૌગોલિક ઓળખ સાથે ઉભા છે. તે કાળક્રમે નાના-મોટા થતા રહે છે. ક્યારેક હદો સંકોચાય છે તો ક્યારેક વિસ્તરે પણ છે. ક્યારેક કોઈ કોઈકની સાથે જોડાય છે, કોઈ છૂટું પણ પડે છે. આવું બધું થાય ત્યારે ભલે ભૂમિ અને માનવસમુદાય એનો એ હોય, પણ નેશન અસ્ત પામે છે, તો ક્યાંક વળી નવું નેશન પેદા થાય છે. આમ, ત્યાં આપણા ` રાષ્ટ્ર ' જેવી કોઈ સનાતનતા નથી. ૧૯૪૭માં આપણો ભારત દેશ સ્વાધીન થતાં જ વિભાજિત થયો હતો. હા પણ ત્યાં તે પહેલાં અને પછી પણ એક જ રાષ્ટ્ર હતું. ૧૯૭૧માં પાકિસ્તાન વિભાજિત થયું. પાકિસ્તાન અને બાંગ્લાદેશ રાષ્ટીયતાથી નહીં મઝહબી કટ્ટરવાદથી ચાલી રહ્યાં છે. વિભાજનના કારમા કુઠારાઘાત સામે ભારતમાં `રાષ્ટ્ર' અડિખમ ઉભું હતું, આજે વધુ સશક્ત બનીને ઉભું છે. પણ રાષ્ટ્રવિરોધીઓના જોરે પેદા થયેલું પાકિસ્તાન અને તે તેના પછી તેમાંથી ભાષાના મુદ્દે જુદું પડેલું બાંગ્લાદેશ, આ બંને આજે સેનાને ઈશારે અસ્થિર કઠપૂતળીઓથી વિશેષ કશું નથી.
`રાષ્ટ્ર' તો દેશરૂપી દેહનો આત્મા છે. આત્મા અમર છે, તેનું અસ્તિત્વ દેશ(દેહ) વિના પણ જળવાઈ રહે છે. દેશના ટૂકડા થઈ શકે, તેમાં સરવાળો-બાદબાકી થઈ શકે, આવું કશું જ `રાષ્ટીયત્વ'માં થઈ શકે નહીં. એક સમયે દેશ પર ક્યાંક અંગ્રેજોનું તો ક્યાંક પોર્ટુગીઝોનું રાજ્ય હતું, પણ એ ગુલામી વખતે પણ આપણું `રાષ્ટ્ર' સદૈવ ધબકતું જ હતું. જેવું અંગ્રેજોનું-પોર્ટુગીઝોનું રાજ્ય ગયું; દેશ (ભૂમિનો ટૂકડો) `આપણ'ને આધીન થયો. (`આપણે' સ્વાધીન બન્યા). ભૂમિ પર `આપણો' હક્ક સ્થાપિત થયો. `આપણે' પુનર્પ્રસ્થાપિત થયા. આ `આપણે'વાળું કોણ છે(?), જે અંગ્રેજના રાજ્યમાં, એ પહેલાંના મુઘલોના શાસનમાં પણ હતું. આ વિદેશી શાસકો ગયા, સત્તાઓ ગઈ, ક્રૂરતા ગઈ, કત્લેઆમ ગઈ. રહ્યું માત્ર `આપણે'વાળું તત્ત્વ. મુઘલો-અંગ્રેજો-પોર્ટુગીઝો અહીં ટકી શક્યા નહીં, `આપણું' રાજ્ય પુનઃ સ્થાપિત થયું.
જ્યારેથી આપણે ત્યારથી રાષ્ટ્ર
ઉપરની વાતમાં અગત્યના ત્રણ શબ્દો આવ્યા- ૧) `આપણે', ૨)`આપણો' અને ૩) `આપણું'. અહીં 'આપણે'વાળું તત્ત્વ છે- ` રાષ્ટ્ર '. `આપણો' છે- દેશ. અને `આપણું' છે- રાજ્ય.
આમ, ૧૯૪૭ના રોજ આપણે સ્વાધીન થયા. આપણે ગુલામીમાંથી મુક્ત થયા. આ અંગે ઉદ્દભવતા પાયાના ત્રણ પ્રશ્નોના ઉત્તર આ મુજબ છે...
૧, `આપણે', એવી ઓળખ આપતું તત્ત્વ ક્યાં હતું?
૨, ક્યારથી હતું?
૩, ગુલામ નહોતું ત્યારે કેવું હતું?
૧, `આપણે', એવી ઓળખ આપતું તત્ત્વ એટલે `રાષ્ટ્ર' (દુનિયા જેને હિન્દુસ્થાન કહે છે, તે હિન્દુ `રાષ્ટ્ર'), જે હિન્દુ સમાજમાં, હિન્દુ ધર્મમાં અને હિન્દુ સંસ્કૃતિમાં યથાતથ જળવાયેલું હતું અને જળવાયેલું છે.
૨, હજારો હજારો વર્ષોથી અહીં પ્રાચીન `રાષ્ટ્ર' હતું.
૩, ગુલામ નહોતું ત્યારે, એટલે કે ગુલામી પહેલાં સનાતન કાળથી (વૈદિક સમયથી) સુસંસ્કૃત, વૈભવશાળી, જ્ઞાનસંપન્ન, ‘वसुद्यैव कुटुम्बकम्’ માટે પ્રતિબદ્ધ, આધ્યાત્મિકબોધથી `અભય રાષ્ટ્ર' હતું.
એક મોટો ભ્રમઃ રાષ્ટ્ર એટલે નેશન
તો `નેશન' શું છે? `નેશન' નામ પશ્ચિમે આપ્યું છે. તે પશ્ચિમની વિભાવના છે. પશ્ચિમની નજરે વિશ્વના નકશા પર ભારત સહિત ઘણાં `નેશન' છે. પણ ભારત સૌમાં જુદું પડે છે, કારણ કે, આ વિશ્વ પરનું એક માત્ર `રાષ્ટ્ર' છે. આપણું અસ્તિત્વ હજારો હજારો વર્ષોથી ટક્યું છે, कुछ बात है कि हस्ती मीटती नहीं हमारी, એ बात એટલે આપણે નેશન નહીં બલ્કે રાષ્ટ્ર છીએ તે છે. આપણું `રાષ્ટ્ર' અને પશ્ચિમનું `નેશન', આ બંનેમાં કંચન અને કથિર જેટલો ફેર છે?
પશ્ચિમની `નેશન'ની સંકુચિત કલ્પનાનો ભોગ બનેલ મેક્સમૂલર જેવો કહેવાતો મોટા ગજાનો પશ્ચિમી વિદ્વાન પણ ભારતના `રાષ્ટ્ર'ને ન સમજી શક્યો. તેણે લખેલું કે, `Indians are nation of philosophers and Indian intellect is lacking in political and material speculation and that the Indian never knew the feeling of nationality.' અર્થાત્ ભારત એક દાર્શનિકોનો દેશ છે અને ભારતના મનીષીઓમાં રાજનૈતિક અને ભૌતિક ચિંતનનો અભાવ હતો તથા ભારતીય નેશનાલીટીની ભાવનાનો અભાવ હતો.
મેક્સમૂલર `રાષ્ટ્ર'ની સંકલ્પના સમજ્યા હોત તો!? આપણા `હિન્દુ'-દર્શનમાં થયેલા વર્ણન અનુસાર વિશ્વકલ્યાણનો ઉદ્દેશ્ય ધરાવતું વિરાટ વ્યાપક `રાષ્ટ્ર' પશ્ચિમના `નેશન'ના સંકુચિત બીબામાં ક્યાંથી બંધ બેસતું થઈ શકવાનું?
રાષ્ટ્રને નેશન બનાવવા થનગનતું નેતૃત્વ
`આ એક `રાષ્ટ્ર' છે, પ્રાચીન `રાષ્ટ્ર' છે અને હિન્દુ `રાષ્ટ્ર' છે', આનો વિરોધ `નેશન'ની સંકુચિતતાથી, તેની મર્યાદાઓથી ગ્રસિત અંગ્રેજોએ, આપણે ત્યાંના અંગ્રેજમાનસપુત્રો (જે લોકો કહેતા કે, `We are nation in making') અને `રાષ્ટ્ર'વિરોધી વામપંથીઓએ કર્યો.
પહેલાં તો તેઓએ કહ્યું કે, આ એક `નેશન' જ નથી. અહીં ક્યારે એક `નેશન' રહ્યું પણ નથી. પોતાના શાસન વખતે અંગ્રેજોએ તો એવું પણ કહ્યું કે, અમે તો ભારતને જીત્યું છે જ નહીં. ભારત નામનો દેશ કદી અમારી સામે આવ્યો જ નથી. ભારતની સેના, ભારતનું પ્રશાસન, ભારતનો કોઈ કાયદો અમે જોયો નથી, જાણ્યો પણ નથી. ભારતની મુદ્રા શું હોય છે, તેની અમને ખબર નથી. અમે તો અલગ અલગ રાજાઓને પરાજિત કર્યા છે અહીં તો સેંકડો રાજાઓ અને તેમનાં રાજ્યો હતાં, પરંતુ ભારત નામનું કોઈ રાજ્ય અમે જોયું નથી.
આ જાણીએ ત્યારે પશ્ચિમની પીન બે મુદ્દે ચોંટી ગયેલી જણાય. એક વાત તેમના મનમાં એ સ્થાપિત થઇ ગયેલી હતી કે, `નેશન'; રાજ્ય દ્વારા જ બનાવવામાં આવે છે. રાજા અને સેના મળીને કોઈક રાજ્ય જીતી લે છે અને પછી ત્યાં શાસન સ્થાપિત કરે છે ત્યારે તે એક `નેશન' બની જાય છે. રાજા, તેણે જીતેલું સામ્રાજ્ય અને પ્રશાસન, આ ત્રણેય મળે એટલે એક `નેશન' બને. તેમની આવી પરિભાષા અને માન્યતા મુજબનું `નેશન' ભારતમાં હતું જ નહીં, તેથી ભારત એક `નેશન' છે જ નહીં, તેવી પશ્ચિમની ધારણા પાકી બની ગયેલી.
મલ્ટિનેશન થિયરી
તેઓના મનમાં બીજી સ્થાપિત થઇ ગયેલી ધારણા એવી હતી કે, ભારતમાં બહુ બધાં `નેશન' છે. કારણ કે ભારતમાં બહુ બધી ભાષાઓ બોલવામાં આવી રહી છે. પ્રત્યેક ભાષા બોલવાવાળાને તે એક જુદું `નેશન' માનતા હતા. અને કહેતા હતા કે, બધાં `નેશન' મળીને એક ભારત ખંડ બનેલો છે. અને આ પ્રકારે તેઓએ એક `મલ્ટિ નેશન થિયરી' ઉભી કરેલી. કુલ મળીને પશ્ચિમી જગતનું ચિંતન ક્યારેય પણ રાજા, રાજ્ય, સેના, પ્રશાસન વગેરે ભૌતિક-આર્થિક વ્યવસ્થાઓથી ઉપર ઉઠી શક્યું નહીં. ભારતના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક `રાષ્ટ્ર'-દર્શનને સમજવું તેમની સમજણ બહારનું હતું. પાશ્ચિમાત્ય `નેશન'ની નિમ્નતા-લઘુતા-સંકુચિતતાથી ઉપર ઉઠીને ભારતીય `રાષ્ટ્ર'ની ઉર્ધ્વતા-વિશાળતા-વ્યાપકતાને ઓળખવી તેમના બસની વાત નહોતી.
વાસ્તવમાં ભારતને પોતાનું એક આગવું `રાષ્ટ્ર'-દર્શન છે, તેના આધારે `આ એક `રાષ્ટ્ર' છે, પ્રાચીન `રાષ્ટ્ર' છે અને હિન્દુ `રાષ્ટ્ર' છે', જે `નેશન'ના કોચલામાં બંધ અંગ્રેજના મનમાં ઉતરી શકે તેમ જ નહોતું. પશ્ચિમની દૃષ્ટિ માત્ર ભૌતિક-આર્થિક મુદ્દાઓ પૂરતી સાવ સીમિત હતી. પોતાની કટ્ટર અસહિષ્ણુતાના કારણે પશ્ચિમી જગત ભારતના આ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક `રાષ્ટ્ર'-દર્શનના આધારે અવિરત વહી રહેલા ભારતના અખંડ રાષ્ટીય પ્રવાહને જોવા-જાણવાની દૃષ્ટિ ક્યારેય કેળવી શક્યું નહીં. આ બિમારીનો ભોગ આપણા ત્યાંના અંગ્રેજમાનસપુત્રો પણ બન્યા.
`દર્શન' વિનાની સ્થિતિ
દેશ સ્વતંત્ર થયો. ભારતે પોતાનું સંવિધાન બનાવ્યું તે અરસાની વાત છે. ડૉ. સંપૂર્ણાનંદજી બહુ મોટા વિદ્વાન વ્યક્તિ હતા. તેઓને `ઈમોશનલ નેશનલ ઇન્ટીગ્રેશન કમિટી'ના અધ્યક્ષ પણ હતા. દેશમાં એક ભાવનાત્મક એકતાનું નિર્માણ થવું જોઈએ તેવા ઉદ્દેશ સાથે તેઓ કાર્ય કરી રહ્યા હતા. કમિટીના અધ્યક્ષના નાતે તેઓએ પોતાનાં મંતવ્યો લખેલાં છે. તેઓ લખે છે કે, આજ સુધી આપણા રાષ્ટ્રનું કોઈ `દર્શન' નિશ્ચિત કરવામાં આવ્યું નથી. જ્યારે રાષ્ટ્રનું કોઈ `દર્શન' જ ન હોય તો શિક્ષણમાં `દર્શન' ક્યાંથી આવશે. કેવું આશ્ચર્ય છે કે, સ્વતંત્રતા પછી આપણા આ રાષ્ટ્રનું કોઈ `દર્શન' જ નિશ્ચિત નથી કરી શક્યા. (એક `રાષ્ટ્ર' તરીકે..) આપણે કોણ છીએ? આપણી પરંપરા આપણો ઇતિહાસ શું છે? આપણા પૂર્વજ કોણ છે? આપણા જીવનનો ઉદ્દેશ શું છે? વિશ્વજગતને આપણે શું આપવું છે? આપણી નિયતિ શું છે? ભારત જેવા પ્રાચીન રાષ્ટ્રના વિશે એવો સંભ્રમ પેદા કરી દેવામાં આવ્યો છે કે, જાણે આપણી પાસે અભિમાન કરવાલાયક આપણું પોતાનું કશું છે જ નહીં. સર્વ પ્રથમ આપણા `રાષ્ટ્ર'નું `દર્શન' નિશ્ચિત થવું જોઈએ.
અગર શરૂઆતથી જ આપણું `રાષ્ટ્ર'-દર્શન નિશ્ચિત કરીને સૌની સમક્ષ મૂકી દેવામાં આવ્યું હોત તો આજે ભારત વિશ્વગુરુપદેથી વિશ્વને માર્ગદર્શન આપતો હોત. જેના કારણે વિશ્વની છબી સજ્જનશક્તિને શાતા આપનારી હોત અને દુર્જનશક્તિને ભયભીત કરનારી હોત. ‘कृष्णं वंदे जगद् गुरुम्’ સાર્થક થયું હોત.
***
(ક્રમશઃ)