એક સમયની ઉત્કૃષ્ટ બંગભૂમિ પર હિંસાનો ખેલ

પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસથી લઈ લેફ્ટ અને હાલના મમતા બેનર્જીના શાસનમાં કાંઈ જ નથી બદલાયું. એ જ વિરોધીઓને ક્રૂરતાપૂર્વક કચડી નાંખવાનું ઘૃણિત રાજકારણ ખેલાઈ રહ્યું છે. કોંગ્રેસ હોય કે લેફ્ટ કે પછી તૃણમૂલ દરેક રાજનૈતિક પક્ષે શસ્ય શ્યામલાં ભૂમિ બંગાળને બરબાદ કરવામાં કાંઈ જ કસર રાખી નથી ત્યારે હવે વિવેકાનંદ અને સુભાષચંદ્ર બોઝની આ ભૂમિને જરૂર છે સાચા પરિવર્તનની.

    ૦૨-સપ્ટેમ્બર-૨૦૨૪   
કુલ દૃશ્યો |

history of west bengal in gujarati
 
 
પશ્ચિમ બંગાળમાં મહિલા તબીબ પર થયેલા પાશવી દુષ્કર્મ બાદ એક તરફ દેશભરમાં આક્રોશ છે. તબીબ જગત સહિત આમજન પણ તેના વિરુદ્ધ રસ્તા પર છે, ત્યારે પશ્ચિમ બંગાળનો સત્તાધારી પક્ષ તૃણમુલ કોંગ્રેસના લોકો તબીબોના આ વિરોધને ડામી દેવા તમામ પ્રકારના હથકંડા અપનાવી રહ્યા છે. આંદોલનકારી મહિલાઓ પર દુષ્કર્મની ધમકી, પુરુષો પર હિંસક હુમલાથી લઈ જે સ્થાને દુષ્કર્મ થયું હતું તે સ્થાને તોડફોડ કરી સબૂત મીટાવવા સુધીના પ્રયાસો થઈ રહ્યા છે. પશ્ચિમ બંગાળની રાજનૈતિક સંસ્કૃતિ હંમેશાં સંઘર્ષ-ટકરાવ અને હિંસાના રંગમાં રંગાયેલી રહી છે. વિરોધ કરનારનું સત્તાપક્ષ દ્વારા હિંસક દમન એ અહીંની જનતાનું જાણે કે નસીબ બની ગયું છે. રાજનૈતિક પ્રતિસ્પર્ધીઓ પર ખૂની હુમલા, આંતરિક સંઘર્ષ, પોલીસ દ્વારા દમનની સૌથી ખતરનાક ખેલા અહીં જ થાય છે. અને ખૂબ થાય છે. શસ્ય શ્યામલા માતરમ્ કહેનારા ક્રાંતિકારીઓ અને સાહિત્યકારોની ભૂમિ ગણાતી આ ભૂમિને રક્તમાં રગદોળવા માટે આખરે જવાબદાર કોણ? જાણીએ આ વિશેષ મુખપૃષ્ઠ વાર્તામાં.
 
 
 
પ્રાચીનકાળમાં બંગાળ શૈવ, શાક્ત અને બૌદ્ધ સંપ્રદાયનો ગઢ રહ્યું છે. અહીં રામાયણ અને મહાભારતકાળના રાજાઓનું રાજ પણ રહ્યું તું. બંગાળમાં અનેક મહાન ક્રાંતિકારી સંત થયા છે. ચૈતન્ય મહાપ્રભુ, સ્વામી પ્રણવાનંદ, રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, મહર્ષિ અરવિંદ, કૃતિવાસ, પ્રભુ જગત્બંધુ આ સિવાય પણ મુક્તેશ્વર ગિરિ, યોગી શ્યામચરણ લાહિડી, સ્વામી યોગાનંદ અને પ્રભાતરંજન સરકાર ઉર્ફે આનંદમૂર્તિ જેવા સંતો દાયકાઓ સુધી ન માત્ર પશ્ચિમ બંગાળ બલકે સમગ્ર ભારતમાં આધ્યાત્મિક ચેતનાના પથદર્શક બની રહ્યા હતા. શક્તિપીઠોમાં પણ મહાશક્તિ બંગાળ- બંગાળ શક્તિ પીઠોમાં પણ મહાશક્તિ છે. ૫૨ શક્તિપીઠોમાંથી બંગાળમાં લગભગ ૧૨ જેટલી શક્તિપીઠો છે. માટે જ પ્રાચીનકાળથી બંગાળ શક્તિ અને તંત્ર-મંત્રનો ગઢ રહ્યું છે. નવરાત્રિ દરમિયાનની દુર્ગાપૂજાને તો યુનેસ્કોએ પણ પોતાની વૈશ્વિક ધરોહરની યાદીમાં સ્થાન આપ્યું છે.
 
ભારતમાં સ્વતંત્રતા આંદોલનમાં બંગાળની પ્રમુખ ભૂમિકા
 
બંગાળમાં જેને આજે આપણે પશ્ચિમ બંગાળ તરીકે ઓળખીએ છીએ. તે ભારતના સ્વાધીનતા આંદોલનમાં પોતાના અપાર યોગદાન માટે પ્રસિદ્ધ છે. ૨૦મી સદીના પ્રારંભમાં બંગાળ જાણે કે ભારતીય સ્વતંત્રતા આંદોલનનું કેન્દ્ર બની ગયું હતું. ૧૭૬૩થી ૧૮૦૦ સુધી ભારતે બંગાળનો સંન્યાસી વિદ્રોહ જોયો જે મૂળ રૂપથી ઢાકા (હાલ બાંગ્લાદેશનું પાટનગર)થી શરૂ થયો અને બિહાર સુધી ફેલાઈ ગયો. અને જોતજોતાંમાં તેના ક્રાંતિકારીઓની સંખ્યા ૫૦,૦૦૦ને પણ વટાવી ગયેલી. ત્યારબાદ નીલક્રાંતિએ બંગાળને અહિંસાનો માર્ગ બતાવ્યો અને બંગાળ મહાત્મા ગાંધીના અહિંસક સત્યાગ્રહમાં જોડાયું. નીલદર્પણ જેવાં નાટકો, ગદ્યો, કવિતાઓ દ્વારા આ ક્રાંતિ ખૂબ જ લોકપ્રિય બની જેને પરિણામે આ ક્રાંતિએ બંગાળને રાજનૈતિક ચેતનાનું કેન્દ્રસ્થાન બનાવી દીધું. અને ભારતીય સ્વતંત્રતા સંગ્રામ દરમિયાનનાં અનેક આંદોલનોમાં તેનો પ્રભાવ પડ્યો.
 
પશ્ચિમ બંગાળ એ જ પાવન ભૂમિ છે જ્યાંના બંકિમચંદ્ર ચેટર્જીએ ભારતમાતા માતૃભૂમિની ઓળખ દેવીમાતા (ભારતમાતા) સાથે કરી રાષ્ટીયતાને ધર્મના સ્તરે લાવી દીધી અને આનંદમઠમાં જ તેઓએ વંદે માતરમ્ લખ્યું, જે આજે ભારતનું રાષ્ટગીત છે. ભારતમાં સ્વાધીનતા સંગ્રામમાં બંગાળના અનેક જર્નલ હાઉસોએ પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. મહિલાઓ સંબંધમાં સામાજિક અને શૈક્ષણિક સુધાર લાવવા માટે સમ્પ્રકાશ, સર્વશુભંકર પત્રિકા અને હિન્દુ પેટ્રિયલ, બંગાલ ગેજેટ જેવા સમાચારપત્રો, પત્રિકાઓ મારફતે ભારતના સ્વાધીનતા આંદોલનને મોટો સામાજિક આધાર આપ્યો. બંગાળમાં એકતાના સમર્થનમાં જ સ્વદેશી અને બહિષ્કાર આંદોલન દેશભરમાં ફેલાયું. લોકમાન્ય તિલકજીના પ્રયાસોને કારણે આ આંદોલન બંગાળ બહાર પણ પ્રસર્યું હતું. અને સમગ્ર દેશની રાષ્ટીય ચેતના બની ગયું હતું. આ એવું પ્રથમ આંદોલન હતું, જેણે અંગ્રેજ સરકારને હચમચાવી મૂકી હતી.
 
બંગાળના વરિષ્ઠ પત્રકાર જયંતા ઘોષ કહે છે કે, ભારતની સ્વાધીનતાની લડાઈ વખતે પણ હાર્ડલાઈન લેનારા અનેક નેતા બંગાળમાંથી નીકળ્યા હતા. સુભાષચંદ્ર બોઝથી લઈ ખુદીરામ બોઝ સુધી એકસ્ટ્રીમિસ્ટ વિંગમાં મોટાભાગના બંગાળી જ હતા. બંગાળના ક્રાંતિકારીઓના ડરને કારણે જ ૧૯૧૧માં અંગ્રેજોને રાજધાની કલકત્તાથી દિલ્હી સ્થાનાંતરિત કરવાની ફરજ પડી.
 
સાહિત્ય સિનેમાની ભૂમિ
 
બંગાળમાં હજ્જારો કવિ, સાહિત્યકાર, સિનેમાકારો થઈ ગયા છે. જેઓએ ભારતનું નામ વિશ્વભરમાં ગાજતું કર્યું છે. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય, મલયરાય ચૌધુરી, દેબી રાય, સુબિમલ બસાક, રવિન્દ્રનાથ ટાગોર, નેતાજી સુભાષચંદ્ર બોઝ, જગદીશચંદ્ર બસુ, ખુદીરામ બોઝ, બિપિનચંદ્ર પાલ, શ્રી અરબિંદો, બારિન્દુકુમાર ઘોષ, માતંગિની હાજરા, બીના દાસ, ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી, સરોજિની નાયડુ, સુચેતા કૃપલાની જેવા અનેક સ્વાતંત્ર્યવીર સૈનિકો આપ્યા છે. રાજારામ મોહનરાય જેવા સમાજસુધારકને કારણે આજે સમગ્ર વિશ્વમાં બંગાળ ઓળખાય છે. સત્યજીત રે,તપનસિંહા, મૃણાલ સેન જેવા ફિલ્મ નિર્માતાઓએ વિશ્વમાં ભારતનું નામ ગુંજતું કર્યું છે.
 

history of west bengal in gujarati 
 
ત્યારે સવાલ એ થાય છે કે, ધર્મ, સંસ્કૃતિ અને ક્રાંતિની આ ભૂમિને એવું તો શું થયું કે હિંસા, અત્યાચાર હાલ તેનાં પ્રમુખ અંગો બની ગયાં છે. આજે કદાચ જ કોઈ એવો દિવસ ઊગતો હશે કે જ્યારે કોઈ સ્થાને હિંસાની ઘટના બની ન હોય. પશ્ચિમ બંગાળનો દિવસ જ હિંસક -મહિલા અત્યાચારની ઘટનાઓના સમાચારોથી ઊગે છે અને આથમે છે. હકીકતમાં બંગાળનો દિવસ જ હિંસક-મહિલા અત્યાચારની ઘટનાઓના સમાચારોથી ઉગે છે. જવાબદાર હોય તો તે ત્યાંનું સત્તાલક્ષી રાજકારણ. કોંગ્રેસથી લઈ વામપંથી અને આજે તૃણમૂલ કોંગ્રેસના રાજમાં હિંસા, ધાકધમકી અને તાનાશાહીનો નગ્ન નાચ ખેલાઈ રહ્યો છે.
 
સામ્યવાદીઓનું શાસન
 
૧૯૬૭માં પશ્ચિમ બંગાળમાં સીપીએમ ગઠબંધનની સરકાર પ્રથમ વખત સત્તામાં આવી. બંગાળમાં કોંગ્રેસમાંથી અલગ થઈ અલગ જૂથ બનાવી ચૂંટણી લડેલા અજય મુખર્જી મુખ્યમંત્રી બન્યા અને જ્યોતિ બસુ ઉપમુખ્યમંત્રી બન્યા. પરંતુ ત્યાં જ ૧૯૬૭માં દાર્જિલિંગના નકસલવાડી ગામમાં જમીનદારો વિરુદ્ધ નકસલવાડી આંદોલન શરૂ થયું. આ હિંસક આંદોલન ધીરે-ધીરે સમગ્ર રાજ્યમાં પ્રસરી ગયું. સીપીએમના આ હિંસક જૂથે ચીનના માઓની રાહ પર ચાલવાની જાહેરાત કરી અને બંદૂકના નાળચે ક્રાંતિ લાવવાના હાકલા પડકારો બંગાળમાં ગૂંજવા લાગ્યા. ચીનના કોમ્યુનિસ્ટ પક્ષે પણ આ આંદોલનનું સમર્થન કર્યું. તે વખતે જો પશ્ચિમ બંગાળમાં સીપીએમ ગઠબંધનવાળી સરકાર ન હોત તો નકસલ આંદોલન ક્યારેય નકસલવાડીની બહાર જઈ જ ન શકત અને આટલું ઉગ્ર અને હિંસક બન્યું જ ન હોત.
 
સીપીએમ કોંગ્રેસની ગઠબંધનવાળી સરકાર બન્યાના એક વર્ષમાં જ આ પડી ભાંગી અને રાજ્યમાં રાષ્ટપતિ શાસન લાગુ થઈ ગયું. રાજ્યમાં પુનઃ ચૂંટણીઓ થઈ અને સત્તાલાલચે ફરી એક વખત કોંગ્રેસ-સીપીએમ ગઠબંધનવાળી સરકાર બની. આમ છતાં, બંને ગઠબંધન વચ્ચે હિંસા થતી જ રહી. જાણીતા પત્રકાર અજય ઘોષાલ કહે છે કે, તે દરમિયાન દરરોજ હત્યાઓ થતી હતી. આ હિંસા વિરુદ્ધ ખુદ અજય મુખર્જી જ એક વખત ધરણા પર બેસી ગયા હતા. અને તેઓએ રાજ્યમાં હિંસા માટે સીપીએમને જવાબદાર ઠેરવી હતી.
 
આ બાજુ સીપીએમનાં જ નાનાં નાનાં જૂથો બની ગયાં હતાં. અને તે અતિવાદી પ્રવૃત્તિઓ કરવા લાગ્યા હતા. તેમનો આરોપ હતો કે, સીપીએમ સત્તામાં ટકી રહેવા માટે લોકહિતો સાથે સમાધાન કરી રહી છે. માટે સીપીએમના કેડર પર પણ હુમલા થવા લાગ્યા. અનેક અહેવાલો કહે છે કે, ગઠબંધન સરકારના આ નાના-અમથા કાર્યકાળમાં પણ હિંસાની સેંકડો ઘટનાઓ બની અને પરિસ્થિતિ એટલી હદે વણસી કે, ૧૯૭૦માં પશ્ચિમ બંગાળમાં પુનઃરાષ્ટપતિ શાસન લગાવવાની ફરજ પડી. આ ઉથલપાથલ વચ્ચે રાજ્યમાં પુનઃ એકહથ્થુ સત્તામાં આવવા માટે કોંગ્રેસે તેના કાર્યકર્તાને હિંસાનો છૂટો દોર આપ્યો. અને કેન્દ્રમાં પણ કોંગ્રેસની જ સરકાર હોવાથી કોંગ્રેસનું રાજ્ય નેતૃત્વ બેલગામ બન્યું. અને કોંગ્રેસવિરોધીઓ પર કહેર વર્તાવ્યો.
 
રુસ અને ચીનવાળી લાલક્રાંતિ તરફ જોર
 
સ્વાધીનતા બાદ સામ્યવાદીઓએ `સર્વહારા ક્રાંતિ' કરવાની કોશિશ કરવામાં આવી. કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા એટલે કે `સીપીઆઈ' સંસદીય લોકશાહીનો વિરોધ કરી રહી હતી. તેનો મત હતો કે, ભારતમાં પણ રશિયા અને ચીનની જેમ જ હથિયારબંધ સંઘર્ષ થાય.અને સર્વહારાની સત્તા સ્થાપિત થાય. જોકે તેને ઝાઝું જનસમર્થન ન મળતાં પક્ષ આ લાઈનથી અલગ થઈ મેનસ્ટ્રીમ રાજનીતિમાં આવી ગયો. ઇ.સ. ૧૯૫૧માં સીપીઆઈએ પોતાનું સ્ટેટમેન્ટ ઓફ પોલિસી જાહેર કર્યું. જેમાં તેણે કહ્યું હિંસા એ સામ્યવાદનું મૂળ તત્ત્વ નથી. પરંતુ જ્યારે લોકો સામે કોઈ વિકલ્પ નથી બચતો ત્યારે પક્ષ હિંસાને નકારતો પણ નથી. આ એ સમય હતો જ્યારે દેશમાં કોંગ્રેસનું એકચક્રી શાસન હતું અને વિપક્ષના રૂપમાં તેને પડકારનાર જો કોઈ એક પક્ષ હોય તો તે માત્ર સીપીઆઈ જ હતો. ૧૯૫૭માં કેરળમાં દેશની સૌપ્રથમ બિનકોંગ્રેસી (કમ્યુનિસ્ટ) સરકાર રચાઈ ચૂકી હતી અને કેરળ બાદ સામ્યવાદી પક્ષનો સૌથી વધુ આધાર પશ્ચિમ બંગાળમાં જ હતો. માટે સામ્યવાદીઓ દેશના સૌથી મોટા અને મહત્ત્વના રાજ્યને કોંગ્રેસ પાસેથી આંચકી લેવા કોંગ્રેસ સરકાર વિરુદ્ધ સતત આંદોલન ચલાવી રહ્યા હતા. ૩૧ ઓગસ્ટ, ૧૯૫૯માં સીપીઆઈએ કોલકત્તામાં અનાજ અને ભૂમિ વિતરણને લઈ કોંગ્રેસ વિરુદ્ધ મોટું આંદોલન શરૂ કર્યું. જેમાં એક સામટા ૩ લાખ લોકો ઉમટી પડતાં કોંગ્રેસને ધ્રુજારી છૂટી ગઈ અને શરૂ થયો આક્રમક રીતે સત્તાવિરોધી અવાજને દબાવી દેવાનો ખૂની ખેલ. તત્કાલીન કોંગ્રેસ સરકારના આદેશ પર પોલીસ દ્વારા આંદોલનકારીઓને નાથવા માટે ગોળીબાર કરવામાં આવ્યો. જેમાં લગભગ ૮૦ જેટલાં લોકોનાં મૃત્યુ થયાં. ત્યારબાદ બંગાળની રાજનીતિમાં જે હિંસાનું ચક્ર ચાલી નીકળ્યું તે આજદિન સુધી ચાલી રહ્યું છે.
 
સત્તામાં પુનઃ કોંગ્રેસની વાપસી
 
૧૯૭૨માં ચૂંટણીઓ થઈ તેમાં કોંગ્રેસે સામ-દામ-દંડની નીતિના જોરે પુનઃવાપસી કરી, પરંતુ ચૂંટણીઓમાં જે હિંસા થઈ તેનો પણ એક કુરુપ ઇતિહાસ છે. રવિન્દ્ર ભારતી યુનિવર્સિટીમાં પોલિટિકલ સાયન્સ ડિપાર્ટમેન્ટના પ્રોફેસર વિશ્વનાથ ચક્રવર્તી કહે છે કે, પશ્ચિમ બંગાળમાં હંમેશા હિંસાને વિપક્ષોના રાજનીતિને નિયંત્રણમાં રાખવા માટેના સાધન તરીકે કરવામાં આવે છે. ચક્રવર્તી મુજબ ૧૯૭૨માં ચૂંટણીઓમાં કોંગ્રેસની સરકાર બની અને સિદ્ધાર્થ શંકર રે મુખ્યંત્રી બન્યા. બધા જ જાણતા હતા કે, કોંગ્રેસે ચૂંટણીઓમાં ધાંધલી કરી સત્તા મેળવી છે. તેઓએ સત્તામાં આવ્યા બાદ વિપક્ષોનું નામોનિશાન મિટાવી દેવા માટે મરણિયા પ્રયાસો કર્યા હતા. તેમના રાજમાં બંગાળની ગલીએ ગલીએ ગુંડારાજ સ્થપાઈ ગયું હતું. ત્યારબાદ કટોકટી દરમિયાન તો આ રાજનૈતિક હિંસા તમામ હદો વટાવી ગઈ હતી. સમગ્ર દેશમાં વિપક્ષો પર જે અત્યાચારો થઈ રહ્યા હતા તેનાથી અનેક ઘણા ક્રૂર અત્યાચારો બંગાળમાં થયા હતા. સીપીએમના મુખપત્ર `ગણશક્તિ'એ પશ્ચિમ બંગાળના સિદ્ધાર્થ શંકર રેના શાસનને `આતંકનું રાજ' ગણાવ્યું હતું.
 
પ્રથમ વખત લેફ્ટની પૂર્ણ બહુમતી
 
પાંચ વર્ષ સુધી સરકાર ચાલ્યા બાદ કોંગ્રેસ રાજ્યમાંથી બહાર થઈ ગઈ અને ૧૯૭૭માં રાજ્યમાં પ્રથમ વખત સંપૂર્ણ બહુમતીવાળી લેફ્ટ સરકાર બની. અને તેના આગલા જ વર્ષે સરકાર દ્વારા પંચાયતી ચૂંટણી યોજવાની જાહેરાત કરી અને લેફ્ટે પણ એ જ કર્યું. જે અત્યાર સુધી કોંગ્રેસ કરી રહી હતી. જ્યાં જ્યાં વિપક્ષો મજબૂત હતા ત્યાં ત્યાં હિંસક રણનીતિ બનાવી તેનું નામો-નિશાન મીટાવી દેવાના પ્રયાસો થયા. તેના માટે લેફ્ટ દ્વારા એક અલગ એકશન ગ્રુપ પણ બનાવી રખાયું હતું. લેફ્ટના શાસનમાં ૩૪૪ બ્લોકમાંથી લગભગ ૧૦૦થી વધુ બ્લોકોમાં વિપક્ષોનું નામોનિશાન મટી ગયું હતું.
 
પત્રકાર જયંત ઘોષાલ કહે છે કે, કોંગ્રેસના રાજમાં તેણે હિંસાને છૂટો દોર આપ્યો. તેજ ધંધો સીપીએમે જ કર્યો અને કોંગ્રેસી હિંસક પરંપરાને આગળ વધારી અને આજે ટીએમસી સત્તામાં છે. તે તો હિંસામાં કોંગ્રેસ લેફ્ટ બંનેને ઓળી ગઈ છે. આજે બ્લોકથી માંડી લોકસભા સુધીની ચૂંટણીઓમાં વિપક્ષોના મતદાતાઓને ડરાવવા ધમકાવવાથી માંડી તેમની હત્યા સુધીના ખેલ (મમતા રાજ જેને `ખેલાં' કહે છે.) મમતા રાજમાં ચાલી રહ્યા છે.
 

history of west bengal in gujarati 
 
ખુદ મમતા બેનર્જી પર પણ થઈ ચૂક્યો છે હુમલો
 
આજે પશ્ચિમ બંગાળમાં હિંસા અને અપરાધ માટે સૌથી વધુ જવાબદાર જેને ઠેરવવામાં આવી રહ્યા છે તે તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જી તેઓ પણ ખુદ રાજનૈતિક હિંસાનો શિકાર બની ચૂક્યાં છે. જ્યારે તેઓ કોંગ્રેસમાં હતા ત્યારે ૧૯૯૦માં કોંગ્રેસે સરકારી બસોમાં વધારેલા ભાડા વિરુદ્ધ આંદોલન છેડ્યું હતું. મમતા જ્યારે પક્ષના કાર્યકર્તાઓ સાથે કલકત્તાના હઝારા વિસ્તારમાં પહોંચ્યાં ત્યારે સીપીએમના કાર્યકર્તાઓએ તેમને ઘેરી લીધાં અને સીપીએમ નેતા લાલુ આલમને માથા પર લોખંડના સળિયાનો પ્રહાર કર્યો હતો. મમતા ત્યાં જ ફસડાઈ પડ્યાં હતાં. ત્યારબાદ દિવસો સુધી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી હતી.
 
તેવી જ રીતે ૨૧ જુલાઈ, ૧૯૯૩માં મમતા બેનર્જીના નેતૃત્વમાં યૂથ કોંગ્રેસ દ્વારા સીપીએમ વિરુદ્ધ વધુ એક આંદોલન ચાલ્યું. કોંગ્રેસ રાજ્યમાં મતદાન માટે ફોટાવાળા ઓળખપત્રની માગણી કરી રહી હતી. કોલકત્તાની પ્રસિદ્ધ રાઇટર્સ બિલ્ડગ સામે સેંકડોની સંખ્યામાં કોંગ્રેસી કાર્યકર્તાઓ પ્રદર્શન કરી રહ્યા હતા ત્યારે તેમના પર ગોળીબાર થયા જેમાં ૧૩ કોંગ્રેસી કાર્યકર્તાઓ માર્યા ગયા હતા.
 
પોરિબોર્તોન જે થઈ ના શક્યું
 
રાઇટર્સ બિલ્ડગ કાંડ બાદ જનતામાં અને કાર્યકર્તાઓમાં મમતા બેનર્જીને લઈ ખૂબ સહાનુભૂતિ પેદા થઈ. ચાલાક મમતાએ સહાનુભૂતિનો ફાયદો ઉઠાવી કોંગ્રેસથી અલગ ચોકો બનાવી તૃણમૂલ કોંગ્રેસ નામનો પક્ષ બનાવ્યો, તે સમય ૧૯૯૮. પરંતુ તેમ છતાં પશ્ચિમ બંગાળમાં લેફ્ટ સરકારનું જોર અકબંધ રહ્યું અને હિંસાચાર પણ. મમતા દીદીને સતત ૧૩ વર્ષ સુધી સત્તામાંથી દૂર રહેવું પડ્યું અને આ સમયગાળા દરમિયાન મમતાએ લેફ્ટની હરેક નીતિનો વિરોધ કરી ભારે પ્રદર્શનો કર્યાં. તેવામાં જ ૨૦૦૭માં લેફ્ટ સરકાર દ્વારા એક આત્મઘાતી નિર્ણય લેવામાં આવ્યો અને મમતા માટે પશ્ચિમ બંગાળના રાજભવનનો માર્ગ મોકળો બન્યો. ૨૦૦૭માં નંદીગ્રામમાં ભૂમિ અધિગ્રહણ દરમિયાન થયેલી હિંસક ઘટનાઓને કારણે રાજ્યનો ખેડૂત વર્ગ અને નંદીગ્રામનાં લોકોને, પણ લેફ્ટ સરકારની વિરુદ્ધ ભારે આક્રોશ હતો, જેને મમતાએ ઝડપી લીધો અને નારો આપ્યો, `આમાર નામ તોમાર નામ, સબાર નામ નંદીગ્રામ'. આ નારાએ ૨૦૧૧માં તેમને ભારે બહુમતીથી પશ્ચિમ બંગાળની સત્તા અપાવી. અને નારો આપ્યો `પોરિબોર્તોન' (બદલાવ)નો. પરંતુ અફસોસ જે અપરાધિક છબીવાળા લોકો કોંગ્રેસ છોડી લેફ્ટમાં આવ્યા હતા તે જ લોકો તૃણમૂલ કોંગ્રેસ મજબૂત થતાં તેમનાં પક્ષમાં આવ્યા અને હિંસા અને અપરાધની આ પરંપરા એમ જ ચાલતી રહી. અને રાજનૈતિક હિંસાની સંસ્કૃતિમાં કોઈ જ પરિવર્તન ન આવ્યું.
 
પ્રાધ્યાપક વિશ્વનાથ ચક્રવર્તી મુજબ બંગાળમાં અપરાધ અને હિંસા માટે રાજનીતિ સાથે સાથે આર્થિક બાજુ પણ છે. કારણ કે, કોંગ્રેસ હોય કે લેફ્ટ કે પછી હાલની તૃણમૂલ કોંગ્રેસની (કુ)નીતિઓને કારણે પશ્ચિમ બંગાળમાં ઉદ્યોગ ધંધા સંપૂર્ણ રીતે ખતમ થઈ ગયા છે.પલાયન અને ઘૂસણખોરી મોટી સમસ્યા છે. ઘૂસણખોરો (વિશેષ કરીને બાંગ્લાદેશી મુસ્લિમો) સ્થાનિક મુસ્લિમો સાથે મળીને સ્થાનીય સ્તરે સંસાધનો પર કબજો જમાવવાની ફિરાકમાં છે. અને મતબેંકની લાલચે આ ઉપક્રમમાં તૃણમૂલ કોંગ્રેસ અને લેફ્ટ જેવા પક્ષો તેને પ્રોત્સાહન આપે છે.
 
મમતા દીદીના રાજમાં હિંસાનો છૂટો દોર
 
બંગાળમાં સિંડિકેટ અને પંચાયતી રાજ એક સાથે ચાલે છે માટે રાજનૈતિક પક્ષો પંચાયત સ્તરે સત્તા મેળવવા, ટકાવી રાખવા મરણિયા બને છે. કારણ કે, જો તેઓ પંચાયત નહિ જીતે તો તેની સીધી અસર વિધાનસભા અને લોકસભા પર પડશે, કારણ કે, પંચાયત જીતનાર પક્ષનું પોલિંગ પર નિયંત્રણ રહેતું હોય છે. માટે જ વિપક્ષો પણ પંચાયત જીતવા માટે જાન-પ્રાણની બાજી લગાવી દેતા હોય છે.
 
બંગાળમાં સત્તા પરિવર્તન તો થયું પરંતુ હિંસા અને દમનનું ચરિત્ર આજે પણ એનું એ જ છે. અને મમતા બેનર્જીના સત્તામાં આવ્યા બાદ તો હિંસા ભ્રષ્ટાચાર અને દમનની નીતિએ હદ વટાવી દીધી છે. રાજ્યમાં ભ્રષ્ટાચાર, તસ્કરી અને રાજનૈતિક હિંસાની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. યુપીએ સરકાર સામે જે બાંગ્લાદેશી ઘૂસણખોરો મુદ્દે સંસદમાં સ્પીકર સામે કાગળિયાં ઉછળ્યાં હતાં. તે જ મમતા રાજમાં બાંગ્લાદેશી ઘૂસણખોરીએ માઝા મૂકી છે અને અનેક વિસ્તારોમાં ડેમોગ્રાફી જ બદલાઈ ગઈ છે. એક સમયે રાજનૈતિક હિંસા માટે બદનામ પ. બંગાળ મમતા દીદીને કારણે હવે સાંપ્રદાયિક હિંસાનો ગઢ બની ગયો છે. જેના પર મમતા દીદી અને તેમનો પક્ષ ભેદી મૌન સેવી રહ્યું છે. હિંસા અને દમનની ફરિયાદો પણ પોલીસ નોંધતી નથી. સંદેશખાલીમાં જનજાતિ મહિલાઓના યૌન અત્યાચાર જેવી કેટલીક ઘટનાઓ બહાર આવી, જેમાં ટીએમસીના નેતાઓ જ મુખ્ય આરોપી છે. બજારમાં સરેઆમ શરિયા પ્રમાણે મહિલાઓને સજા આપવામા આવે છે અને વિવાદ થતાં કહેવામાં આવે છે કે, મુસ્લિમ રાજ્યમાં આવી જ સજા હોય છે. તાજેતરની કોલકતા મહિલા તબીબ પર થયેલા પાશવી બળાત્કાર બાદ મમતા સરકારે જે સંવેદનહીનતા બતાવી છે તે દુઃખ છે. સુપ્રીમ કોર્ટે પણ સંજ્ઞાન લીધું છે. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન પશ્ચિમ બંગાળ તરફથી જાણીતા વકીલ અને પૂર્વ કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે દલીલ દરમિયાન મૃત દીકરીનો મલાજો પણ ન રાખતા બેશરમીપૂર્વક હસી રહ્યાં હતાં. તેમની એ સંવેદનહીનતા પર સોલિસિટર જનરલ તુષાર મહેતા ભારે ગુસ્સે થઈ ગયાં હતાં અને કહ્યું હતું કે, કોઈની દીકરીનો જીવ ગયો છે. કમસે કમ હસો તો નહીં, છતાં ટીએમસીના નેતાઓ લાજવાને બદલે ગાજતાં કહે છે કે, મમતાજી સામે આંગળી ઉઠાવનારની આંગળી મરડી નાંખવામાં આવશે. ટીએમસી સાંસદ અરુપ ચક્રવર્તીએ તો હડતાળ કરી રહેલા ડોક્ટરોને રીતસરની ધમકી આપતાં કહ્યું હતું કે, જો ડોક્ટરો પર હુમલો
થશે તો સરકાર કોઈને બચાવશે નહીં. એટલું જ નહિ પશ્ચિમ બંગાળ પણ પોલીસ મટીને ટીએમસીના કાર્યકર્તાઓની માફક વર્તી વિરોધ કરનારાઓની જ ધરપકડ કરી રહી છે.
 
આ છપાવા જઈ રહ્યું છે ત્યારે બંગાળની જાણીતી અભિનેત્રી પાયલ મુખર્જી પર પણ કેટલાંક બાઈકસવારોએ હુમલો કર્યો છે. આ ઘટનાઓ સાબિત કરે છે કે, પ. બંગાળમાં મતા રાજમાં સંદેશાખાલીની ગલીઓથી લઈ કોલકત્તાની હૉસ્પિટલો અને જાહેર રસ્તાઓ સુધી મહિલાઓ સલામત નથી.
 

history of west bengal in gujarati 
 
મરીચજાપિથી નંદીગ્રામ
 
૧૯૫૭થી ૧૯૭૭ સુધી કોંગ્રેસે પશ્ચિમ બંગાળમાં વિરોધીઓનો અવાજ ડામવા હિંસાનો હથિયાર તરીકે ઉપયોગ કર્યો. કોંગ્રેસ દ્વારા આચરાયેલી આ જ હિંસા ૧૯૭૭ની વિધાનસભા ચૂંટણીઓમાં કોંગ્રેસના પતન અને માકપાની આગેવાનીવાળી વામમોરચાના ઉત્થાનનું કારણ બની, પરંતુ ૧૯૭૭માં ભારે બહુમતીથી સત્તામાં આવ્યા બાદ વામપંથીઓએ પણ પોતાના વિરોધીઓનાં સફાયા માટે એ જ હિંસાનો હથિયાર તરીકે ઉપયોગ કર્યો અને પોતાનું વર્ચસ્વ કાયમ રાખવા માટે હિંસાનો સંગઠિત રીતે ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું. ૧૯૭૭થી ૨૦૧૧ સુધી વામમોર્ચાના ૩૪ વર્ષોના શાસનમાં બંગાળ લોહીલુહાણ થતું રહ્યું. ૧૯૭૯માં તત્કાલીન જ્યોતિ બસુના નેતૃત્વવાળી સરકારે ૭૦૦૦ બાંગ્લાદેશી હિન્દુ શરણાર્થીઓનો નરસંહાર કર્યો હતો. જે ઇતિહાસમાં મારીચઝાપી નરસંહાર તરીકે ઓળખાય છે. ત્યારબાદ ૧૯૮૨માં કલકત્તાના બિઝન સેતુ પાસે ૧૭ જેટલા આનંદમાર્ગી સાધુઓને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. તેનો આરોપ પણ માકપાઈઓ પર લાગ્યો હતો. ૨૦૦૦માં બીરભૂમના નાનૂરમાં ૧૧ કોંગ્રેસ સમર્થકોની હત્યા કરી દેવામાં આવી હતી. ૨૦૦૬-૦૭માં નંદીગ્રામ સિંગુરમાં પણ ગામડાંના ગામડાં સળગાવી મૂકવામાં આવ્યાં હતાં. જે વામપંથી સરકારના અંતનું કારણ બન્યું હતું. ૨૦૦૯માં શરગામના લાલગઢમાં માકપા માઓવાદી સમર્થિત સંગઠન અને પોલીસ વચ્ચેના સંઘર્ષમાં એક મહિનાની અંદર ૭૦થી વધારે લોકોની હત્યા થઈ હતી. ૨૦૧૧માં મમતા સરકારના ગઠન બાદ ૨૦૧૩ અને ૨૦૧૮ પંચાયત ચૂંટણીઓ અને ૨૦૨૧ની વિધાનસભાની ચૂંટણીઓથી લઈ તાજેતરની ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીઓમાં પણ રાજનૈતિક હિંસાચારે બંગાળને રક્તરંજિત બનાવ્યું છે.
 
ઉપસંહાર
 
આમ, પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસથી લઈ લેફ્ટ અને હાલના મમતા બેનર્જીના શાસનમાં કાંઈ જ નથી બદલાયું. એ જ વિરોધીઓને ક્રૂરતાપૂર્વક કચડી નાંખવાનું ઘૃણિત રાજકારણ ખેલાઈ રહ્યું છે. કોંગ્રેસ હોય કે લેફ્ટ કે પછી તૃણમૂલ દરેક રાજનૈતિક પક્ષે શસ્ય શ્યામલાં ભૂમિ બંગાળને બરબાદ કરવામાં કાંઈ જ કસર રાખી નથી ત્યારે હવે વિવેકાનંદ અને સુભાષચંદ્ર બોઝની આ ભૂમિને જરૂર છે સાચા પરિવર્તનની. એક એવી વિચારધારાના શાસનની જે પશ્ચિમ બંગાળને તેની શસ્ય શ્યામલાં ભૂમિ તરીકેની ખોવાઈ ગયેલી ઓળખને પાછી અપાવી શકે. અને ત્યાંની જનતા પાસે ચાર વિકલ્પ છે. કોંગ્રેસ, લેફ્ટ, તૃણમૂલ કોંગ્રેસ અને ભારતીય જનતા પક્ષ. પ્રથમ બે વિકલ્પ જનતા પહેલેથી જ અપનાવી નકારી ચૂકી છે જ્યારે ત્રીજો એટલે કે ટીએમનો વિકલ્પ પસંદ કરવાનાં માઠાં પરિણામો આજે ભોગવી રહી છે. બચે છે માત્ર ભારતીય જનતા પક્ષ ત્યારે બૌદ્ધિકોની ભૂમિ પશ્ચિમ બંગાળની જનતા હવે કયો વિકલ્પ પસંદ કરે છે તે જોવાનું રહ્યું.
 
 

સંજય ગોસાઈ

સંજય ગોસાઇ સાધનામાં છેલ્લા ૧૦ વર્ષથી પત્રકાર તરીકે કામ કરે છે. તેમણે ગૂજરાત વિદ્યાપીઠમાંથી જર્નાલિઝમની માસ્ટર ડિગ્રી મેળવી છે. હાલ તેઓ સાધનાનાં સંપાદક મંડળમાં છે…