કાશીવિશ્વનાથ - મોક્ષનું મહાદ્વાર જીવનનો જય જયકાર...

02 Sep 2024 14:01:15

kashi vishvanath

કાશીવિશ્વનાથ  | વારાણસીમાં બિરાજમાન કાશી વિશ્વનાથ અને બીજુ છે- જામનગરમાં આવેલું આ કાશી વિશ્વનાથ મંદિર.

શિવ આદિ છે અને અનાદિ પણ. બ્રહ્માંડ સુખી રહે એના માટે એ સતત પ્રયત્નશીલ રહે છે. સદાશિવે પોતાની જ પ્રેરણાથી પંચકોશી નગરીનું નિર્માણ કર્યું, ત્યાં વિષ્ણુએ શિવનું ધ્યાન કર્યું અને શિલાખંડોથી સરિતાઓ અને જળધારાઓ ફૂટી. આ અદ્ભુત દૃશ્ય જોઈ વિસ્મિત થતાં વિષ્ણુએ માથું ધુણાવ્યું ત્યાં તેમના કાનમાંથી એક મણિ પડ્યો. જેથી તે સ્થાનનું નામ મણિકર્ણિકા તીર્થ પડી ગયું. મણિકર્ણિકાના તો પાંચ કોટ વિસ્તારવાળા સંપૂર્ણ જળને શિવજીએ પોતાના ત્રિશૂલ ઉપર ધારણ કર્યું, જેમાં વિષ્ણુજીએ લક્ષ્મીજી સાથે વિશ્રામ કર્યો. શિવજીની આજ્ઞાથી તેમના નાભિ - કમલથી બ્રહ્માની ઉત્પત્તિ થઈ.
 
બ્રહ્માજીએ શિવજીની આજ્ઞાથી આ અદ્ભુત સૃષ્ટિની રચના કરી, જેમાં પચાસ કરોડ યોજન વિસ્તૃત ચૌદ લોક છે. પોતાના જ કર્મોથી પંચકોશી નગરીને સંપૂર્ણ લોકોથી પૃથક રાખ્યું. આ જ નગરીમાં શિવજીએ પોતાનું મુક્તિદાયક જયોતિર્લિંગને સ્વયં સ્થાપિત કર્યું. શિવજીએ ફરી તે જ કાશીનગરીને પોતાના ત્રિશૂલ પરથી ઉતારીને મૃત્યુલોકમાં સ્થાપિત કરી દીધી. જે બ્રહ્માના દિવસ પૂરા થવા ઉપર નષ્ટ નથી થતું અને પ્રલયમાં શિવજી તેને ફરીથી પોતાના ત્રિશૂલ ઉપર ધારણ કરે છે.
 

kashi vishvanath 
 
કાશીમાં અવિમુકતેશ્વર લિંગ સદા સ્થિત રહે છે. કયાંય પણ ગતિ ન પામવાવાળા પ્રાણીઓની વારાણસીપુરીમાં ગતિ થઈ જાય છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ દ્વારા પ્રશંસિત આ નગરીમાં દેવતા પણ મૃત્યુની કામના કરે છે. અંદરથી સત્વગુણી અને બહારથી તમોગુણી રૂદ્રની પ્રાર્થના ઉપર પાર્વતી સાથે વિશ્વનાથ ભગવાન શંકરે આ નગરીને પોતાનું નિવાસસ્થાન બનાવ્યું છે. આ નગરીમાં નિવાસ કરવા દેવો પણ ઉત્સુક છે. કાશીની હવામાં જ નિજાનંદ સમાયેલો છે.
 
અહીં તમે તમારી જાત સાથે અનુસંધાન પામી શકો છો. અહીંનું વાતાવરણ શિવને પણ પ્રિય છે. સંતોના ભજનથી આ નગરી તેજોમય છે. કાશી નહીં દેખા તો કુછ નહીં દેખા, કાશીનગરી મોક્ષની જ્ઞાનદાત્રી અને તેજોમય પ્રવેશિકા છે. અહીંના નિવાસીઓ કોઈ પણ તીર્થ આદિની જાત્રા કર્યા વગર જ મુક્તિના હકદાર બની જાય છે. દરેક સ્થળના શિવની અલગ અલગ વિશેષતાઓ રહી છે. કાશીના મૃત્યુથી મોક્ષ મળશે એમાં અણુ માત્રનો પણ સંદેહ નથી. સુરતનું જમણ અને કાશીનું મરણ પ્રખ્યાત છે. અંત સમયે કાશીમાં આંખ મીંચો કે શિવનો સાક્ષાત્કાર થાય છે.
 
હવે બીજા એક કાશીવિશ્વનાથની વાત જે જામનગર મધ્યે શોભે છે. જેના દર્શનથી જીવન સુખમય વીતે છે. જામનગરને છોટા કાશી તરીકે પણ ઓળખવામાં આવે છે. કાશીની જેમ જામનગરમાં પણ અનેક મંદિરો આવેલાં છે. આ મંદિરોની પોતાની આગવી ઓળખ પણ છે. જેમાં સૌથી પ્રસિદ્ધ છે કાશી વિશ્વનાથ મંદિર. ગુજરાતનું આ એક માત્ર મંદિર છે, જેમાં ચારેય દિશામાંથી ભક્તો ભગવાનનાં દર્શન કરી શકે છે. આ મંદિરના દર્શન માત્રથી ચારે દિશામાંથી શુભ વિચારો પ્રાપ્ત થાય છે.
 
આ મંદિરમાં ચાર દરવાજા છે. ભારતમાં માત્ર બે-ત્રણ મંદિર જ એવાં છે, જેમાં શિવલિંગનાં દર્શન ચારેય દિશામાંથી કરી શકાય છે. એક છે- વારાણસીમાં બિરાજમાન કાશી વિશ્વનાથ અને બીજુ છે- જામનગરમાં આવેલું આ કાશી વિશ્વનાથ મંદિર. આ ઉપરાંત નેપાળમાં પણ આવું જ એક પશુપતિનાથ મહાદેવ મંદિર આવેલું છે.
 

kashi vishvanath 
 
જામનગરમાં આવેલું આ મંદિર ૧૨૮થી વધુ વર્ષ જૂનું છે. વારાણસીમાં બિરાજમાન કાશી વિશ્વનાથના સાનિધ્યમાં વિદ્વાન બ્રાહ્મણો દ્વારા પૂજન, અર્ચન, પ્રાર્થના કર્યા બાદ અખંડ ધૂનની ધારાવાહી તથા અખંડ જ્યોત સાથે શિવલિંગ વાજતે ગાજતે કાવડમાં જામનગરમાં લાવવામાં આવી હતી. એ સમયે જામનગરના મુખ્ય પ્રધાન કરસન પુંજાણીની દેખરેખમાં આ મંદિરમાં શિવલિંગની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ મંદિર ૭૨ સ્તંભ પર ઊભું કરવામાં આવ્યું છે. દરેક સ્તંભ ઉપર અલગ-અલગ મૂર્તિઓ નિહાળી શકો છો.
 
Powered By Sangraha 9.0