જમ્મુ-કાશ્મીરની વિધાનસભા ચૂંટણી- વાલ્મીકિ અને વિસ્થાપિતો પહેલી વાર મતદાન કરશે | જમ્મુ-કાશ્મીરની આગામી ચૂંટણી ખૂબ જ ઐતિહાસિક રહેશે- એનાં કારણો
૧. અનુચ્છેદ ૩૭૦ અને ૩૫-એ દૂર કરાયા બાદ આ પહેલી ચૂંટણી હશે.
૨. જમ્મુ-કાશ્મીર ભારતનો યથાર્થમાં હિસ્સો બન્યો તે પછી આ પહેલી ચૂંટણી હશે.
૩. જમ્મુ-કાશ્મીરના લોકો (અને રાહુલ ગાંધી જેવા રાજકીય નેતા)માં લાલ ચોકમાં તિરંગો ફરકાવવાનું સાહસ આવ્યું તે પછી આ પહેલી ચૂંટણી છે, કારણ કે મુસ્લિમ ત્રાસવાદીઓના ડરથી લાલ ચોકમાં કોઈ તિરંગો ફરકાવવાનું સાહસ નહોતું કરી શકતું. (મુરલી મનોહર જોશી અને નરેન્દ્ર મોદીએ એકતા યાત્રા કાઢી ત્યાં તિરંગો ફરકાવ્યો હતો તે અલગ વાત છે.)
૪. કટોકટી વખતે થન્દિરા ગાંધીએ લોકસભાની અનુમતિ વગર ભારતના બંધારણમાં સેકયુલર અને સૉશિયલિસ્ટ શબ્દો ભારત માટે ઉમેરાવી દીધા, પરંતુ અનુચ્છેદ ૩૭૦ના કારણે જમ્મુ-કાશ્મીરનું અલગ બંધારણ હોવાથી આ શબ્દો આ રાજ્યને લાગુ નહોતા પડતા. શેખ અબ્દુલ્લા, ફારુક અબ્દુલ્લા, ઓમર અબ્દુલ્લા, મુફ્તિ મોહમ્મદ સઈદ અને તેમનાં પુત્રી મહેબૂબા મુફ્તિની જિહાદીઓ તરફી નીતિના કારણે અને રાજ્યનું અલગ બંધારણ હોવાના કારણે જમ્મુ-કાશ્મીર સેકયુલર નહોતું. એટલે કલમ ૩૭૦ હટવાથી સાચા અર્થમાં પંથનિરપેક્ષ બનેલા જમ્મુ-કાશ્મીરમાં પહેલી વાર ચૂંટણી થશે.
૫. આ પહેલી ઐતિહાસિક ચૂંટણી હશે જે તિરંગા ધ્વજની નીચે થશે, જેમાં આઈએસઆઈએસ અને પાકિસ્તાનના ઝંડા ફરકાવવાનું બંધ છે અને જેમાં પથ્થરમારો બંધ છે. હડતાળોનો ક્રમ પણ બંધ થયો છે.
૬. આ પહેલી ચૂંટણી હશે જેમાં જે વિધાનસભા રચાશે તેની અવધિ પાંચ વર્ષની હશે, છ વર્ષની નહીં. સમગ્ર ભારતમાં લોકસભા અને વિધાનસભાની અવધિ પાંચ વર્ષની જ હોય છે, દર પાંચ વર્ષે નવી લોકસભા અને વિધાનસભાની ચૂંટણી અનિવાર્ય રીતે થતી જ હોય છે, પરંતુ ઇન્દિરા ગાંધીએ કટોકટી દરમિયાન ભારતના બંધારણમાં ૪૨મો સુધારો કરીને અગાઉ કહ્યું તેમ ભારતના બંધારણના આમુખમાં સેકયુલર અને સૉશિયાલિસ્ટ શબ્દો ઘૂસાડી દીધા અને તેની સાથે જમ્મુ-કાશ્મીરની વિધાનસભાની અવધિ પણ છ વર્ષ કરી નાખી! એટલે કે સમગ્ર ભારતમાં દરેક રાજ્યમાં જે પક્ષની સરકાર બને તે પાંચ વર્ષ શાસનમાં રહી શકે, લોકસભામાં જે પક્ષની સરકાર ચૂંટાય તે પણ પાંચ વર્ષ સત્તામાં રહી શકે, પરંતુ જમ્મુ-કાશ્મીરમાં જે પક્ષની સરકાર ચૂંટાય તે છ વર્ષ સત્તામાં રહી શકે! એક વર્ષ વધુ!
૭. જમ્મુ-કાશ્મીરમાં આ પહેલી ચૂંટણી હશે જે કોઈ પણ ગરબડ-ગોટાળા વગર યોજાશે. તમે વિચાર કરો કે જમ્મુ-કાશ્મીરની બંધારણ સભા માટે જે પહેલી ચૂંટણી ૧૯૫૧માં યોજાઈ તેમાં જ ગરબડ કરવામાં આવી હતી. જમ્મુ પ્રજા પરિષદના ૧૩એ ૧૩ અભ્યર્થીઓનાં નામાંકનપત્રો ફગાવી દેવામાં આવ્યા હતા. ગત લોકસભા ચૂંટણીમાં ટેક્નિકલ કારણોસર સુરતમાં કૉંગ્રેસના અભ્યર્થીનો નામાંકનપત્ર રદ કરાયો તો હોબાળો મચ્યો હતો, પરંતુ ૧૯૫૧માં (જ્યારે દેશમાં પણ હજુ પહેલી ચૂંટણી યોજાઈ રહી હતી) જ જમ્મુ પ્રજા પરિષદના ૧૩ અભ્યર્થીઓના નામાંકન પત્રો રદ કરી દેવાયેલા. કાશ્મીરમાં શેખ અબ્દુલ્લાની નેશનલ કૉન્ફરન્સના ૪૩ અભ્યર્થીઓ વિના વિરોધે ચૂંટાઈ આવ્યા! પરિણામે બંધારણ સભામાં બધી ૭૫ બેઠકો નેશનલ કૉન્ફરન્સના ભાગે આવી. આથી શૈખ અબ્દુલ્લાએ તેમને મન ફાવે તેવું જમ્મુ-કાશ્મીરનું બંધારણ ઘડ્યું.
જમ્મુ-કાશ્મીરની વિધાનસભાની ચૂંટણીઓમાં પણ શૈખ અબ્દુલ્લા અને તેમના પુત્ર ફારુક અબ્દુલ્લા આવી જ ગરબડો કરીને જીતતા આવ્યા. ૧૯૮૭માં મુસ્લિમ યુનાઇટેડ ફ્રન્ટ (એમયૂએફ)ના નેજા હેઠળ મુસ્લિમ તરફી બીજા પક્ષો, પંથીય સંગઠનોએ ચૂંટણી લડી હતી, પરંતુ કેન્દ્રમાં રાજીવ ગાંધીની કૉંગ્રેસ સરકારનાં આંખમીંચામણાંના કારણે ફારુક અબ્દુલ્લાએ તેમાં ખૂબ ગોટાળા કર્યા. બન્યું હતું એવું કે, ૨૩ માર્ચ, ૧૯૮૭એ મતદાનના દિવસે પહેલી વાર કાશ્મીરમાં મોટી સંખ્યામાં મતદાન કરવા લોકો ઊમટી પડ્યા. ૮૦ ટકા મતદાન થયું. કૉંગ્રેસને અને ફારુક અબ્દુલ્લાને અણસાર આવી ગયો કે, આ મતદાન એમયૂએફ તરફી છે. આથી પરિણામ અનેક દિવસો સુધી અટકાવી રાખવામાં આવ્યું! વિચાર કરો! આવું ગત લોકસભા ચૂંટણી વખતે કરાયું હોત તો? કેટલાં માછલાં ચૂંટણી પંચ અને મોદી સરકાર પર ધોવાયાં હોત? પરંતુ માછલાં ધોવાવાની વાત તો ઘેર ગઈ, આ વાત પણ મીડિયાના ઢાંકપિછોડાના કારણે લોકો જાણતા નથી.
૧૯૫૧ની જમ્મુ - કાશ્મીરની બંધારણ સભાની જેમ બધે બધી બેઠકો એન. સી. અને કૉંગ્રેસને મળેલી ન લાગે તે માટે એમયૂએફના ચાર અભ્યર્થી સૈયદ અલી શાહ ગિલાની (જે પછી અલગાવવાદી બન્યા), સઈદ અહમદ શાહ (અત્યારે ન્યાયાલય દ્વારા છોડવામાં આવેલા અલગાવવાદી શબીર અહમદ શાહના ભાઈ), અબ્દુલ રઝાક અને ગુલામ નબી સુમજીને જીતાયેલા જાહેર કરવામાં આવ્યા.
આ ગરબડના આક્ષેપોની કોઈ તપાસ કરવામાં ન આવી. તપાસનું નાટક પણ ન કરાયું. આ હતું કૉંગ્રેસનું રાજ! અને તેની કૃપાથી અબ્દુલ્લા પરિવારનું રાજ!
એટલું જ નહીં, આ રીતે સત્તામાં આવ્યા પછી ફારુક અબ્દુલ્લાની એન.સી. અને કૉંગ્રેસની સંયુકત સરકારે વિરોધી અભ્યર્થીઓ અને તેમના સાગરિતો જેવા કે યાસીન મલિક, એજાઝ દાર, સૈયદ મોહમ્મદ યુસૂફ શાહ વગેરેને જેલમાં પૂરવા લાગ્યા. આનું પરિણામ એ આવ્યું કે, આ ચૂંટણીએ યાસીન મલિક જેવા ખૂંખાર ત્રાસવાદીને પણ જન્મ આપ્યો. (અને પછી એ જ કૉંગ્રેસ યુપીએ સરકારના શાસનકાળમાં યાસીન મલિકને પોંખવા પણ લાગી.) યાસીન મલિક જેલમાંથી છૂટ્યો તે પછી તે પાકિસ્તાન ગયો અને ત્યાંથી ખૂંખાર ત્રાસવાદી બનીને પાછો આવ્યો. ત્રાસવાદી સંગઠન જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (જે. કે. એલ. એફ.)નો તે વડો બન્યો. આ જ રીતે એજાઝ દાર નામના અત્યાર સુધી શાંત રહેલા મુસ્લિમે પણ હવે શસ્ત્ર ઉપાડ્યાં અને ડીઆઈજી અલી મોહમ્મદ વતાલીની તેમના નિવાસસ્થાને હત્યા કરી. તમે જુઓ કે ગુસ્સો કોના પર હતો અને નીકળ્યો કોના પર! સૈયદ મોહમ્મદ યુસૂફ શાહે પોતાનું નામ બદલી સૈયદ સલાહુદ્દીન કરી નાખ્યું અને તે હિઝબુલ મુજાહિદ્દીનનો ત્રાસવાદી બન્યો. તેને બાદમાં આંતરરાષ્ટીય ત્રાસવાદી જાહેર કરાયો હતો. નહીંતર આ સૈયદ સલાહુદ્દીન શાળામાં કવિતા લખતો હતો, સારી ચર્ચા કરી જાણતો હતો. તેણે ઇન્ટરમિડિયેટ સાયન્સમાં કર્યું હતું અને પ્રથમ શ્રેણીમાં તે ઉત્તીર્ણ થયો હતો. તેણે રાજ્યશાસ્ત્રમાં માસ્ટર કર્યું હતું. હિઝબુલનો વડો બન્યા પછી તેણે અનેક આત્મઘાતી બૉમ્બરો તૈયાર કર્યા. જમ્મુ-કાશ્મીરમાં અનેક ત્રાસવાદી હુમલાઓ કર્યા.
એટલે વિચાર કરો કે ચૂંટણીમાં રાજીવ ગાંધી-ફારુક અબ્દુલ્લાએ કરેલી ગરબડના કારણે કેટલા ત્રાસવાદીઓ જન્મ્યા? તેનાથી કેટલાના જીવ ગયા?
૮. આમ, આ પહેલી ચૂંટણી હશે જેમાં વિધાનસભાની હવે પછી અવધિ પાંચ વર્ષ રહેશે.
૯. આ ચૂંટણી પહેલાં રાહુલ ગાંધી અમેરિકામાં ગયા અને ત્યાં ભારતવિરોધી અમેરિકી મહિલા મુસ્લિમ સાંસદ ઇલ્હાન ઓમરને મળ્યા, તે પણ ઘણી ગંભીર વાત છે. ઇલ્હાન ઓમર કટ્ટર મુસ્લિમ મહિલા મૌલવી છે. તે એટલાં કટ્ટર છે કે, અમેરિકામાં બાઇડેન સરકાર ઇઝરાયેલને હમાસ વિરુદ્ધ શસ્ત્રો આપે છે તેનો પણ વિરોધ કરે છે. પોતાની જ સરકારનો વિરોધ! ૨૦૨૨માં ઇલ્હાન ઓમરે ભારત વિરોધી ઠરાવ રજૂ કર્યો હતો, જેમાં તેમણે આક્ષેપ કર્યો હતો કે, ભારત પંથીય સ્વતંત્રતાનું ઉલ્લંઘન કરવાનું દોષી છે. તેમણે પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરની પણ મુલાકાત લીધી હતી, જેની ભારતે ટીકા કરી હતી. એટલે અમેરિકામાં ઇલ્હાન ઓમરની રાહુલ ગાંધીએ કરેલી મુલાકાતમાં પડદા પાછળ શું રંધાયું હશે તે ગંભીર ચિંતાનો વિષય છે.
૧૦. ૩૩ વર્ષ પછી જમ્મુ-કાશ્મીરમાં મુહર્રમના તાજિયા નીકળ્યા હતા. એટલે કે ત્યાં શિયા મુસ્લિમો પણ તાજિયા કાઢીને શોક મનાવી શકતા નહોતા. આ સ્થિતિ કૉંગ્રેસની કૃપાદૃષ્ટિથી અબ્દુલ્લા પરિવારે કરી હતી. હવે તેવું રહ્યું નથી. એટલે શિયા મુસ્લિમો પણ નિર્ભિક બનીને મતદાન કરી શકશે.
૧૧. ગત લોકસભા ચૂંટણીમાં પણ જમ્મુ-કાશ્મીરના મતદારોએ નિર્ભિક બનીને મતદાન કર્યું હતું અને તેના ઇતિહાસમાં સૌથી વધુ ૫૮.૪૬ ટકા મતદાન નોંધાયું હતું. તેનો પડઘો આ વિધાનસભા ચૂંટણીમાં પણ પડે તેવી આશા રખાઈ રહી છે. આ ચૂંટણીમાં ૧૧ લાખ નવા મતદારો નોંધાયા છે અને બધા મતદારો મતદાન કરવા થનગની રહ્યા છે.
૧૨. સૌથી મોટી અને મહત્ત્વની વાત તો હવે આવે છે. અત્યાર સુધી વાલ્મીકિ સમુદાયને અને પાકિસ્તાનથી વિસ્થાપિત થઈને આવેલા હિન્દુઓને જમ્મુ-કાશ્મીરની ચૂંટણીમાં મતદાન કરવાનો અધિકાર જ નહોતો! આ વખતે તેમને અધિકાર મળશે. એટલે કે સ્વતંત્રતાનાં ૭૭ વર્ષમાં પહેલી વાર, જમ્મુ-કાશ્મીરમાં મુસ્લિમ અબ્દુલ્લા પરિવારે મતદાનના અધિકારથી વંચિત રાખેલા વાલ્મીકિ સમુદાય અને પાકિસ્તાનથી વિસ્થાપિત થઈને આવેલા હિન્દુઓને મતદાનનો અધિકાર મળશે! અત્યાર સુધી જમ્મુ-કાશ્મીરના મૂળ નિવાસી જેમને સ્ટેટ સબ્જેકટ અથવા સ્થાયી નાગરિક કહેવાતા હતા તેમને જ મતદાનનો અધિકાર હતો. મતદાનનો અધિકાર મળવાથી જમ્મુ-કાશ્મીરના ૩૫૦ પરિવારોના ૧૦,૦૦૦ સભ્યો ખૂબ જ ઉત્સાહિત છે. જમ્મુ-કાશ્મીરમાં સફાઈ કર્મચારીઓએ હડતાળ કરતાં, આ વાલ્મીકિ પરિવારોને ઈ. સ. ૧૯૫૭માં પંજાબથી જમ્મુ લાવવામાં આવ્યા હતા. ગરજ પડી એટલે લવાયા તો ખરા, પરંતુ તેમને મતદાનનો અધિકાર, સરકારી નોકરીનો અધિકાર વગેરે કંઈ ન મળ્યું! એ મળ્યું ૨૦૧૯માં અનુચ્છેદ ૩૭૦ દૂર થવાથી. વાલ્મીકિ સમાજના અધ્યક્ષ ઘારુ ભટ્ટીએ એક સમાચાર સંસ્થા સાથે વાત કરી હતી, જેમાં તેમણે આ ઐતિહાસિક પરિવર્તન માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યે સમુદાય તરફથી કૃતજ્ઞતાનો ભાવ વ્યકત કર્યો હતો. તેમણે કહ્યું કે, એવું લાગે છે કે જાણે અમારું સપનું સાચું પડી રહ્યું છે.
૧૩. આ જ રીતે કાશ્મીરમાંથી દેશભરમાં વિસ્થાપિત થયેલા પંડિતોને પણ મતદાર તરીકે નોંધાવા ચૂંટણી પંચે વિશેષ અભિયાન ચલાવ્યું હતું. જમ્મુ, મુંબઈ, પૂણે, બેંગ્લુરુ, અમદાવાદ, દિલ્લી અને ચંડીગઢ વગેરે નગરો-મહાનગરોમાં વિશેષ દળોને ઘરે-ઘરે મોકલી કાશ્મીરી પંડિતોની નોંધણી કરાવાઈ.
૧૪. ૨૦૨૪ની વિધાનસભા ચૂંટણી એટલા માટે પણ ઐતિહાસિક છે કારણકે ૧૯૯૫ પછી અહીં વિધાનસભા બેઠકોનું પુન સીમાંકન જ નહોતું થયું. તે વખતે ૧૨ જિલ્લા અને ૫૮ તાલુકા હતા. અત્યારે ૨૦ જિલ્લા અને ૨૭૦ તાલુકા છે. તો પુનઃ સીમાંકન અનિવાર્ય બની ન જાય? સર્વોચ્ચના નિવૃત્ત ન્યાયાધીશ રંજન પ્રકાશ દેસાઈના નેતૃત્વમાં સીમાંકન પંચે સીમાંકન કરતાં બેઠકોની સંખ્યા ૮૩થી વધીને ૯૦ થઈ છે.