`પરિવર્તન થવું' જ કાયમી (Permanent) છે, તે સિવાય વિશ્વમાં કશું જ કાયમી નથી. એમાં ય વળી વર્તમાનમાં તો પરિવર્તનોનો પવન ખૂબ જ ઝડપથી ફૂંકાઈ રહ્યો છે. સત્તાભૂખ્યા લોકો જ્યારે એકાએક પલટી મારે અને જે પરિવર્તન નજરે પડે, તે માત્ર ભ્રમ ઉભા કરવા માટે હોય છે. હમણાંનાં ધ્યાને આવેલાં પરિવર્તનો નોંધપાત્ર છે.
૧, કોઈક ને કોઈ રીતે જાહેર થઈ ગયેલી નહેરુજી, ઈંદિરા ગાંધી, રાજીવ ગાંધીની અનામતવિરોધી જે મંશા હતી, તે શ્રદ્ધેય ડૉ. બાબાસાહેબવાળા સંવિધાનના કારણે પૂરી થયેલી નહીં. તેમાં રાહુલ ગાંધી એક પરિવર્તન લાવ્યા અને તેમણે અનામતના નામે ચૂંટણીના સમયે કાગારોળ મચાવી દીધી. એ પણ ત્યારે જ્યારે અનામત પર કોઈ જ ભય નહોતો, તો ય કાલ્પનિક ભય ઉભો કર્યો. અનામત દૂર થવાનો ભ્રમ ઉભો કર્યો, તે માટે સંવિધાન હાથમાં લઈને ફર્યાં કર્યું. SC-ST-OBCને બ્લેકમેઇલ કરવાનો ખેલ શરૂ કર્યો. શૉ તો એવો કર્યો કે, સૌને એવું લાગે કે, ભલે કોંગ્રેસ કાશ્મીરના SCને અનામતથી વંચિત રાખતી હોય, STના લાભ ક્રિશ્ચિયનો-મુસ્લિમોને ખેરાત કરતી હોય, OBCના લાભ પણ મુસ્લિમોને ખેરાત કરતી હોય, પણ રાહુલ ગાંધી એવા નથી. જો કે બ્લેકમેઇલીંગની આ જાળમાં દેશ ફસાયો નહીં, તેથી નાસીપાસ થયેલ રાહુલ ગાંધીએ પલટી મારી. પેલા એક પરિવર્તન પછી અચાનક રાહુલ ગાંધીએ પલટી મારી અને બીજું પરિવર્તન અમેરિકાની ધરતી પર લાવ્યા.
આ છેલ્લા (Latest) પરિવર્તનમાં રાહુલ ગાંધીએ Scrapping Reservations કહીને અનામતના અંતની આગાહી કરી દીધી, જાણે રાહુલ ગાંધીનો પક્ષ સત્તામાં આવશે એટલે ખટાખટ જાતિ-જાતિનો પક્ષપાત પૂરો થશે અને રાહુલ ગાંધીનો પક્ષ સત્તામાં આવશે એટલે ખટાખટ અનામતનો અંત લાવી દેવામાં આવશે. અનામતના અંતનો, સંવિધાન (બંધારણ) વિરોધી વિચાર રાહુલ ગાંધીએ મૂક્યો ત્યારે તેમના હાથમાં રહેતું પેલું સંવિધાન ક્યાં હતું?! ફરી એક વાર કોંગ્રેસનો અનામતવિરોધી ચહેરો ખુલ્લો પડી ગયો! ચૂંટણી આવે ત્યારે અનામતના નામે ઉશ્કેરાટ ફેલાવવો અને ચૂંટણી પતી જાય ત્યારે અનામતના અંતની વાત કરવી, આ પરિવર્તનની પાછળની દાનત શું હોઈ શકે?
૨, સ્વસ્થ લોકતંત્રમાં સૌ પોત-પોતાના ઈશ્વર ઉપાસનાના માર્ગે આગળ વધી શકે છે. તંત્ર બિનસાંપ્રદાયિક હોય તેનો અર્થ એવો તો નથી જ કે, વ્યક્તિ કોઈ સંપ્રદાયને ન અનુસરી શકે, ચાહે તે વ્યક્તિ કોઈ પણ મોટા સરકારી - સંવૈધાનિક પદે પણ કેમ ન હોય. પ્રત્યેક ભારતીયના; તેના સંપ્રદાયને અનુસરવાના મૌલિક અધિકારને રોકી શકાતો નથી. સર્વોચ્ચ ન્યાયાલયના વડા ન્યાયમૂર્તિ પણ પોતાના ઘરે પોતાની ઈચ્છા હોય તો શ્રી ગણેશજીની સ્થાપના કરી જ શકે. તેની આરતીમાં સહભાગી થવા તેઓ કોઈને પણ બોલાવી શકે, જેને બોલાવે તે આવી પણ શકે. શું તેઓએ કોને બોલાવવા, અને જેને બોલાવે તેણે ત્યાં જવું કે કેમ? તે માટે બોલાવનારે કે જવાવાળાઓએ વિપક્ષની પરવાનગી લેવી પડે? વિપક્ષે ધમાલ મચાવી દીધી કે, સેક્યુલરીઝમ ભયમાં આવી ગયું ને ન્યાયતંત્ર અસુરક્ષિત બની ગયું.
૨૦૦૯માં કોંગ્રેસની સરકાર હતી ત્યારે વડાપ્રધાન મનમોહનસિંહે આયોજેલી ઈફ્તાર પાર્ટીમાં સુપ્રીમ કોર્ટના તે વખતના વડા ન્યાયમૂર્તિ કે. જી. બાલાકૃષ્ણન પધારેલા ત્યારે સેક્યુલરીઝમ ભયમાં નહોતું આવી ગયું ને ન્યાયતંત્ર પણ અસુરક્ષિત નહોતું બની ગયું. વળી મનમોહનસિંહ પોતે શું મુસ્લિમ હતા, તે તેમણે ઈફ્તાર પાર્ટી રાખેલી? તેમણે શ્રી ગણેશસ્થાપન કરતાં કોઈ અટકાવતું હતું કે? આ પ્રશ્નો અનુત્તરીય રહેશે, કારણ કે તે ઈફ્તાર પાર્ટી પૂર્ણરૂપે મુસ્લિમ-તુષ્ટિકરણ માટે જ રાખેલી. વાસ્તવમાં જેનો હેતુ જ તુષ્ટિકરણ માટેનો હોય ત્યાં જવું; તે ખરેખર આપત્તિજનક ગણાવું જોઈએ. વડાપ્રધાનશ્રી ઈફ્તાર પાર્ટીઓ યોજતા અને સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ પહોંચી જતા, તેમાં ૨૦૧૪ પછી પૂર્ણ પરિવર્તન આવ્યું.
પરિવર્તનના ઉપરોક્ત બંને કિસ્સા જોઈને જન-જનના માનસમાં શું પરિવર્તન આવ્યું છે? જન-જનમાં આવેલું પરિવર્તન તે જ સાચું પરિવર્તન.