અનાદિ અનંત રાષ્ટ્ર એક છે, એકાત્મ છે, ચિરંતન સંસ્કૃતિ એક છે. ગૌરવશાળી વારસો એક છે, આ એકત્વને પેઢી દર પેઢી આગળ વધારતી રાષ્ટીયતાનો સૂર वंदे मातरम् એક છે, રાષ્ટીયત્વમાં વ્યક્ત થતો ચીર પુરાતન રાષ્ટ્રધર્મ પૂર્ણતઃ એક છે, તેના પાલનનું સતત સ્મરણ કરાવતું સંવિધાન એક છે. સંવિધાન બદલ્યા વિના વિભાજનકારી કલમ ૩૭૦ની વિદાય થવી અને તેને પગલે `એક જન - એક રાષ્ટ્ર'નું સાકાર થવું, એ દિશામાં નિયતિ સૌ માટે એક છે. કલમ ૩૭૦ની વિદાય થવી આપણી એકાત્મયાત્રાનો વિશિષ્ટ્ર પડાવ છે. નાણાંકીય ચલણ (૱) બધે એક છે. આ આપણા રાષ્ટ્રઐક્ય (Oneness)ને વધુ ને વધુ શક્તિશાળી બનાવવું; તે માટેના સૌના સંકલ્પો એ આપણી સૌની ઓળખ એક છે.
આવા સંકલ્પો વિવિધ સ્વરૂપે આપણને કાર્યરત, કાર્યક્ષમ અને છેલ્લે કાર્યદક્ષ બનાવે છે. શૂન્ય થઈ ગયેલી કલમ ૩૭૦ પછી ઘસાઈ ગયેલા વકફના કાયદાની અવળી અસરો શૂન્ય બને તેવો સામૂહિક સંકલ્પ તેના ચરમ બિંદુ પર છે.
`એક રાષ્ટ્ર - એક ચૂંટણી'વાળો સંકલ્પમાં તો એક નવા યુગના સક્ષમ લોકતંત્રનો ઉદય છુપાયેલો છે. આ ઉદય પણ સૂર્યોદયની જેમ કોઈથી રોક્યો રોકાઈ જશે તેવું વિચારવાવાળાઓની પાસેના બધા તર્કો આથમી ગયા છે. ૧૯૫૨થી ૧૯૬૭ સુધી વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓ એક જ સમયે થતી રહી હતી. ત્યારબાદ ઇન્દિરા ગાંધીની તાનાશાહીએ ક. ૩૫૬ની આડમાં લોકતાંત્રિક પદ્ધતિથી ચૂંટાયેલી વિધાનસભાઓને બરખાસ્ત કરી દીધી, તેના કારણે ૧૯૭૧થી વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓ અલગ થવાની શરૂ થઈ.
એક રાષ્ટ્ર એક ચૂંટણી માટે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના વડપણ હેઠળ રચાયેલ સમિતિની ભલામણોને કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી દીધા પછી દેશવ્યાપી એક નવી અભિનવ લોકતાંત્રિક લહેર ઉભી થઈ છે. એક સાથે ચૂંટણી, એક તબક્કામાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી અને બીજા તબક્કામાં પંચાયત અને સ્થાનિક એકમોની ચૂંટણી, એક જ મતદાર યાદી આધારે યોજવાના એક મહત્વાકાંક્ષી ઉપક્રમને લઈને રાજકીય વાતાવરણ ખાસ્સું ગરમાયું છે.
મોદી ૩.૦ના ૧૦૦ દિવસ પૂર્ણ થવાના અવસરે `વન નેશન - વન ઇલેક્શન'ને કેબિનેટે આપેલ મંજૂરી પરત્વે કેન્દ્ર સરકારના સાથી પક્ષોએ પણ ખુલીને સમર્થન જાહેર કરીને આ એક નિર્ણાયક પરિવર્તનને વધાવી લીધું છે. હવે `એક રાષ્ટ્ર - એક ચૂંટણી'નો મુદ્દો રાજકારણના સીમિત વિમર્શમાંથી બહાર આવીને રાષ્ટીયહિતના વ્યાપક વિમર્શનું રૂપ ધારણ કરી ચૂક્યો છે.
સંસદના શિયાળું સત્રમાં દેશની તમામ ચૂંટણીઓ સાથે યોજવાનું બિલ રજૂ કરવા આડે હવે કોઈ અવરોધને સ્થાન નથી. તેને મંજૂરી મળી જશે, કાયદો બની જશે, તે જોતાં એ અપેક્ષા રાખવી અસ્થાને નથી કે, વર્ષ ૨૦૨૯ની લોકસભાની ચૂંટણીઓની સાથે વિધાનસભાઓની ચૂંટણીઓ પણ યોજાશે. લગાતાર ચૂંટણીઓના ચકરાવામાંથી રાષ્ટ્ર મુક્ત થશે. ચૂંટણીઓના પ્રત્યક્ષ-પરોક્ષ ખર્ચ બચશે, અર્થવ્યવસ્થા પર પડતો બોજ ઘટશે, આચારસંહિતા લાગુ થવાથી વારંવાર લકવાગ્રસ્ત થઈ જતું તંત્ર; એકધારું કાર્યરત રહેશે. રાજકીય અપરાધો, કિન્નાખોરી, અદાવતો ઘટશે. જ્ઞાતિવાદ-પ્રાંતવાદ-ભાષાવાદને ભડકાવવાની તકો ઓછી થશે જેના કારણે સમાજમાં ફેલાતાં વેરઝેર ઘટશે.
સૈન્યબળો પર સતત રહેતું ચૂંટણીનું ભારણ ઘટતાં સરહદો વધુ સુરક્ષિત બનશે. ચૂંટણીપ્રચાર માટે જાહેરસભાઓ, રેલીઓ, કાર્યાલયો વગેરે માટે કાયદો વ્યવસ્થા અને સુરક્ષા સાચવવાના ખર્ચા અને જોખમો ઓછાં થઈ જશે. એનાથી ય સૌથી મહત્ત્વની ઉપલબ્ધિ એ રહેશે કે સ્વાર્થથી ઉપર ઉઠીને આખા દેશમાં એક સાથે રાષ્ટ્રીય એજન્ડા ઉપર ચૂંટણીઓ લડાશે અને જીતાશે. ચૂંટણી આયોગ ૧૯૮૩માં કરેલ ભલામણો મુજબનું સ્વપ્ન સાકાર થશે. રાજનૈતિક સ્થિરતા સ્થાપિત થશે.