શું વિપક્ષો કાશ્મીરના હિન્દુઓને યાતનાના યુગમાં ધકેલવા માગે છે ?

ભારતમાં કેટલાક નેતાઓ એવો ભ્રમ ફેલાવી રહ્યા છે કે, કોંગ્રેસ કલમ-370 બાબતે મૌન છે, પણ કોંગ્રેસના નેતાઓએ અગાઉ કલમ 370ને ફરી પ્રસ્થાપિત કરવા બાબતે કરેલા બેધડક નિવેદનો તરફ દૃષ્ટિપાત કરીએ તો સ્પષ્ટ થશે કે, કોંગ્રેસ સહિતના તમામ વિપક્ષો જમ્મુ અને કાશ્મિરમાં ફરીથી 370 અને 35-A કલમ પ્રસ્થાપિત કરવા તત્પર છે.

    ૩૦-સપ્ટેમ્બર-૨૦૨૪   
કુલ દૃશ્યો |

Jammu and Kashmir Legislative Assembly election
 
 
તાજેતરમાં પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફ જીઓ ટીવી પર આપેલા ઇન્ટરવ્યૂમાં એક ચોંકાવનારું નિવેદન આપતાં બોલ્યા કે, `જમ્મુ-કાશ્મિરની ચૂંટણીમાં નેશનલ કૉન્ફરન્સ અને કોંગ્રેસના ગઠબંધન માટે ઉજળી તકો છે. અને પાકિસ્તાન જમ્મુ-કાશ્મિરમાં અનુચ્છેદ-370 અને 35-A બાબતે NC-કોંગ્રેસ ગઠબંધન સાથે છે.'
 
ભારતમાં કેટલાક નેતાઓ એવો ભ્રમ ફેલાવી રહ્યા છે કે, કોંગ્રેસ કલમ-370 બાબતે મૌન છે, પણ કોંગ્રેસના નેતાઓએ અગાઉ કલમ 370ને ફરી પ્રસ્થાપિત કરવા બાબતે કરેલા બેધડક નિવેદનો તરફ દૃષ્ટિપાત કરીએ તો સ્પષ્ટ થશે કે, કોંગ્રેસ સહિતના તમામ વિપક્ષો જમ્મુ અને કાશ્મિરમાં ફરીથી 370 અને 35-A કલમ પ્રસ્થાપિત કરવા તત્પર છે.
 
જ્યારે ૫ ઓગસ્ટ, ૨૦૧૯ના દિને કલમ-370ને દૂર કરવામાં આવી તે દિવસે જ સોનિયાજીની કોંગ્રેસ, ડૉ. ફારુક અબ્દુલ્લાની નેશનલ કોન્ફરન્સ, મમતાજીની તૃણુમૂલ કોંગ્રેસ, દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK) અને બંને માર્ક્સવાદી પાર્ટીઓએ કેન્દ્રના આ પગલાનો ભારે વિરોધ કર્યો હતો. એટલું જ નહીં, તે પછી પણ કોંગ્રેસના વરિષ્ઠ નેતા ચિદમ્બરમે ૧૦ ઓક્ટોબર, ૨૦૨૦ના દિને ટ્વિટર પર કલમ-370નું સમર્થન કરતાં લખેલું કે, કોંગ્રેસ પાર્ટી કલમ-370ને ફરી લાગુ કરવા માંગે છે. ચિદમ્બરમે આ વિધાન બરાબર બિહારની ચૂંટણી વખતે કરેલું. જેનો ભાજપાના રાષ્ટીય અધ્યક્ષ જે. પી. નડ્ડાએ વિરોધ પણ કરેલો.
આવા જ એક દિગ્ગજ કોંગ્રેસી નેતા દિગ્વિજયસિંહે પણ તા. ૧૨ જૂન, ૨૦૨૧ના દિવસે ક્લબ હાઉસ ચેટ પર પાકિસ્તાનના પત્રકાર શાહઝેબ જિલાણી કે જેઓ અગાઉ બીબીસીના સંવાદદાતા પણ હતા, તેમણે પૂછેલા પ્રશ્નનો ઉત્તર આપતાં તેમણે નિવેદન આપેલું કે, જો કોંગ્રેસ સત્તા પર આવશે તો કલમ-370નો નિર્ણય બદલાશે અને અનુચ્છેદ 370 ફરીથી લાગુ કરવામાં આવશે. મજાની વાત એ છે કે દિગ્વિજયસિંહે પત્રકારને જે ઉત્તર આપેલો તે અંગે ડૉ. ફારૂક અબ્દુલ્લાએ દિગ્વિજયસિંહનો આભાર પણ માનેલો કારણ કે, ફારૂક સાહેબ આવા જ ઉત્તરની અપેક્ષા રાખતા હતા.
 
કોંગ્રેસના તે સમયના સર્વોચ્ચ નેતા અધીર રંજન ચૌધરી પણ બોલી ઊઠેલા કે, `કાશ્મિરનો મુદ્દો હવે ભારતનો આંતરિક મામલો નથી. તેનો વિવાદ હજી યુ.એન.ની. કોર્ટમાં પડેલો છે. આમ કહી તેમણે એક નવો જ વિવાદ ઊભો કરેલો.'
૫ ઓગસ્ટ, ૨૦૧૯ના દિવસે કલમ-370 નાબુદ થયા પછી ૧૧ ઓક્ટોબર, ૨૦૨૦ના દિવસે કાશ્મિરના નેતા ફારુક અબ્દુલ્લા `ઇન્ડિયા ટુડે'ને આપેલા ઇન્ટરવ્યૂ દરમ્યાન મક્કમતાપૂર્વક બોલેલા કે, કલમ-370ને ફરીથી લાગુ કરવા માટે હું કટિબદ્ધ છું. કાશ્મિરમાં ચીનની મદદથી (રીપીટ ચીનની મદદથી) કલમ 370 ફરીથી લાગુ થશે તેની મને આશા છે. (Hope artcile 370 will be restored in J&K with China's support.)
 
ડૉ. ફારૂક અબ્દુલ્લાના પુત્ર ઓમર અબ્દુલ્લાએ તો થોડા વર્ષો પૂર્વે જમ્મુ-કાશ્મિરની વિધાનસભામાં પણ નિવેદન કરેલું કે, જમ્મુ-કાશ્મિરનું જોડાણ ભારતમાં થયું જ ન હતું. જૂનાગઢ અને હૈદરાબાદની જેમ ભારતમાં તેનો વિલય થયો જ ન હતો, પરંતુ એક વિશેષ પ્રકારની સમજુતી હતી. વધુમાં તેમણે એવું પણ કહેલું કે, કાશ્મિર અંગેનો કોઈ પણ નિર્ણય પાકિસ્તાનને પણ મંજૂર હોવો જોઈએ. આવું બોલી તેમણે ભારતની સમસ્યામાં પાકિસ્તાનને માથું મારવાનો હક પણ સ્વીકારેલો.
પાકિસ્તાનની તરફદારી કરનારાઓની યાદીમાં કાશ્મિરની અલગતાવાદી મહિલા નેત્રી આસિયા આન્દ્રાબીનું નામ પણ જોડી શકાય. આ મહિલા નેત્રીએ પણ કાશ્મિર મામલે પાકિસ્તાનને ટેકો આપેલો, તેથી પાકિસ્તાનના તત્કાલીન વડાપ્રધાન શાહબાજ શરીફે આસિયા આન્દ્રાબીને એક આભારપત્રમાં લખેલું કે, અલ્લાહ મને તમારી અપેક્ષા મુજબ કાર્ય કરવાની તાકાત આપે. તમે કાશ્મિર અંગે પાકિસ્તાનના વલણ પર વિશ્વાસ કાયમ રાખ્યો છે. તેનાથી મને સંતોષ છે.
 
આનાથી પણ વધારે બેજવાબદાર નિવેદન તો પૂર્વ નાણામંત્રી ચિદમ્બરમે આપેલું. ચિદમ્બરમ બોલેલા કે, `કાશ્મિર મુસ્લિમ બહુલ સ્ટેટ હોવાથી મોદીએ કલમ-370 હટાવી છે, જો કાશ્મિર હિન્દુ સ્ટેટ હોત તો આ ન કર્યું હોત.' આવા શબ્દો વાપરી તેમણે રાષ્ટીય હિતના મુદ્દાને કોમી રંગ આપવાનો નિંદનીય પ્રયાસ કરેલો. આ બધી બાબતો દર્શાવે છે કે, નેશનલ કૉન્ફરન્સ અને કોંગ્રેસનું ગઠબંધન કલમ-370 અને 35-A હટાવવાનું મન બનાવી ચૂકી છે.
 
કલમ- 370 રદ થયા પછી ૨૨ ઓગસ્ટ, ૨૦૨૦ના દિને જમ્મુ અને કાશ્મીરના ૬રાજકીય પક્ષોએ કલમ-370ને ફરીથી રાજ્યમાં લાગુ કરવા માટે ઘોષણાપત્ર તૈયાર કર્યું હતું. આ ૬ પક્ષના અધ્યક્ષોમાં ડૉ. ફારૂક અબ્દુલ્લા, મહેબુબા મુફ્તી, માકપાના તારીગમી, અબુલ લોન, જિયે મીર અને મુજફ્ફર શાહ હતા.
 
ભારતીય જનતા પાર્ટીએ પોતાના સંકલ્પ પત્રમાં જ કલમ-370 અને 35-A દૂર કરવાનું વચન આપ્યું હતું. ત્યારે તા. ૮ એપ્રિલ, ૨૦૧૯ના દિને મહેબુબા મુફ્તીએ કઠોર અવાજમાં કહ્યું હતું કે, `જો આમ થશે તો કાશ્મિર ભારતથી અલગ થઈ જશે અને કવિ ઇકબાલની કાવ્યપંક્તિઓ ધમકીભરી ભાષામાં લલકારીને બોલેલા કે...
 
न समजो तो मीट जाओगे, ए हिन्दोस्ताँवालो 
तुम्हारी दास्ताँ तक भी न होगी, दास्तानो में
 
મહેબૂબાએ જે દિવસે ઉપરની ધમકી આપી તેનાબીજા જ દિવસે એટલે કે ૯ એપ્રિલ, ૨૦૧૯ના દિવસે કિશ્તવાડના સંઘ સ્વયંસેવક ચંદ્રકાન્ત શર્માની ગોળી મારીને હત્યા કરવામાં આવેલી. મહેબૂબાએ આ ઘટનાના એક મહિના પહેલાં પણ કહ્યું હતું કે જો 35-Aને હાથ લગાડવામાં આવશે તો સમજજો કે તમે બારુદને હાથ લગાડ્યો છે. અને તે પછી જમ્મુના બસ સ્ટેશન પર એક બસમાં ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતુ અને ૩૨ નિર્દોષ પ્રવાસીઓ ઘાયલ થયા હતા.
 
સદ્ભાગ્યે કેન્દ્રમાં ભારતીય જનતા પક્ષની નરેન્દ્ર મોદીની સરકાર રચાઈ અને કલમ-370 અને 35-Aને દૂર કરવામાં આવતાં દેશે અખંડ ભારતની દિશામાં ઐતિહાસિક પગલું ભર્યું અને જમ્મુ-કાશ્મિરનો ભૂભાગ ભારતનું અભિન્ન અંગ બની ગયો. સમગ્ર દેશે આ ઐતિહાસિક પગલું અત્યંત શાંતિપૂર્વક અને ઉલ્લાસપૂર્વક વધાવી લીધું અને જમ્મુ-કાશ્મિર વિકાસના માર્ગે આગળ ધપવા માંડ્યું.
 
હવે ૨૦૨૪ના સપ્ટેમ્બર માસમાં જમ્મુ-કાશ્મિરમાં ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે કલમ-370 અને 35-Aને પુનઃ પ્રસ્થાપિત કરવા માટે વિપક્ષો એકજૂટ થઈ પડકાર આપી રહ્યા છે ત્યારે આપણી સામે ૧૯૯૦ના વર્ષનું જમ્મુ-કાશ્મિરના ભયભીત હિન્દુ સમાજનું કરૂણ અને દયાજનક ચિત્ર તાદૃશ્ય થઈ રહ્યું છે. તો આવો, આપણે ૧૯૯૦ના સમયની ત્રાસદીને ફરીથી યાદ કરી લઈએ.
સન ૧૯૯૦માં કેન્દ્રમાં વિશ્વનાથ પ્રતાપસિંહની સરકાર હતી અને કાશ્મિરના મુફતી મહંમદ સઇદ કેન્દ્રના ગૃહમંત્રી હતા. અનુકૂળ રાજકીય પરિસ્થિતિ ઊભી થતાં જ કાશ્મિરને હિન્દુવિહિન પ્રદેશ બનાવવાનું ષડયંત્ર પુરજોશમાં ચાલ્યું. કાશ્મિર ખીણમાં વસતા હિન્દુઓના ઘરો પર ડરામણા આદેશો આપતાં પોસ્ટરો લગાવવામાં આવ્યાં. મસ્જિદોના લાઉડ સ્પીકરો પરથી ગર્જનાઓ થવા લાગી કે, પંડિતો કાશ્મિર ખીણમાંથી ચાલ્યા જાય અને પંડિતાઈનોને મુકતા જાય. તે વખતે ત્રણ શબ્દો વેલીમાં સંભળાતા હતા. (૧) રાલિવ (૨) ત્સલિવ અને (૩) ગાલિવ.
 
રાલિવ એટલે અહીં રહેવું હોય તો ઇસ્લામ કબૂલ કરો. ત્સલિવ એટલે ગામ છોડી ભાગી જાઓ અને ગાલિવ એટલે મરવા માટે તૈયાર રહો. આ કાળજા કંપાવી દે તેવી ઘટનાઓ અંગેનો વિગતવાર લેખ ૧૭ ઓગસ્ટ, ૨૦૧૯ના દિવ્ય ભાસ્કરમાં છપાયો હતો. જેની લેખિકા હતી કાશ્મિરની કાવેરી બામજાઈ. આમ, કાશ્મિર વેલીમાંથી હિન્દુઓને ભગાડવાનું શરૂ થયું. લગભગ ચાર લાખ જેટલા હિન્દુઓ પોતાનું વતન છોડી નિર્વાસિત બની દેશમાં અન્યત્ર રહેવા મજબૂર બન્યા.
 
પરંતુ આ ઘટનાના ૨૯ વર્ષ પછી કલમ-370મી તથા 35-A કલમ રદ થતાં નિર્વાસિત થયેલા હિન્દુઓને પુનઃ કાશ્મિર વેલીમાં રહેવાની છૂટ અને સુરક્ષા મળ્યાં એટલું જ નહીં પૂરપાટ પરિવર્તનો આ પ્રદેશમાં થવા લાગ્યાં. (૧) શીખ પરિવારો પુનઃ અહીંના નિવાસી બન્યા. (૨) દલિતોને અહીં અનામતના અધિકાર મળ્યા (૩) અબ્દુલ્લા પરિવાર અને મહેબૂબા મુફતીની બધી છૂટછાટો પરત ખેંચી લેવામાં આવી. (૪) જમ્મુની તમામ શૈક્ષણિક સંસ્થાઓ પરથી કાશ્મિરનું શાસન રદ કરવામાં આવ્યું. (૫) જમ્મુમાં હિન્દુ મંદિરો પર નો કાશ્મિરનો અમલ દૂર કરવામાં આવ્યો. (૬) હિન્દુ મંદિરોનો વહીવટ સીધો ગૃહમંત્રાલય હેઠળ લાવવામાં આવ્યો. (૭) કાશ્મિરના વકફ બોર્ડને પણ દિલ્હીના અંકુશ હેઠળ લઈ લેવામાં આવ્યું. (૮) ૧૯૯૦માં હાંકી કાઢવામાં આવેલા હિન્દુઓની સ્થાવર મિલકતોની દેખરેખ કેન્દ્રના સક્ષમ અધિકારીને સોંપવામાં આવી અને હિન્દુઓના મકાનોમાં ઘૂસી કબજો જમાવી દીધેલા ઘૂસણખોરોને હાંકી કાઢવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી (૯) ત્યાંની તમામ ક્લબો તથા તમામ યુનિવર્સિટીઓ પર જમ્મુ અને કાશ્મિરના મુખ્યમંત્રીને બદલે કેન્દ્ર સરકારનું નિયંત્રણ રખાયું. (૧૦) ૪૨ વર્ષ પહેલાં ત્યાંના દેશવિરોધી તત્ત્વોને આપવામાં આવેલ કાયદાકીય સુરક્ષા સેવા દૂર કરવામાં આવી. (૧૧) હવે દેશના લોકો જમ્મુ અને કાશ્મિરમાં જમીનો અને મિલકતો ખરીદી શકશે અને અનેક ઉદ્યોગો પણ સ્થાપી શકશે.
 
ઉપરના તમામ નિર્ણયો કેન્દ્રના ગૃહમંત્રાલયે માત્ર ૩૦ દિવસમાં જ લઈ ચમત્કાર સર્જેલો.
 
ફરી ચૂંટણી આવી ત્યારે કલમ-370 અને 35Aનો મુદ્દો ફરી ચર્ચાનો વિષય બન્યો છે, ત્યારે આપણને ડર લાગે છે કે, શું વિપક્ષો જમ્મુ-કાશ્મિરનાં હિન્દુઓને ફરીથી યાતનાના યુગમાં ધકેલવા માંગે છે? ચૂંટણીના પરિણામો બાદ આ પ્રદેશનું ભવિષ્ય પણ નક્કી થશે. પણ સત્ય તો એ છે કે, પોતાનું ભવિષ્ય તો પ્રજાજનોએ પોતે જ ઘડવાનું હોય છે, નાનકડી ભૂલ, આળસ કે ભ્રમ બરબાદી નોંતરી શકે છે તે લખી રાખવા જેવું છે, અસ્તુ.
 
***
 
(લેખકશ્રી `સાધના' સાપ્તાહિકના ટ્રસ્ટી છે.)

શ્રી સુરેશભાઈ ગાંધી

  • શ્રી સુરેશભાઈ ગાંધી વર્ષ ૨૦૦૮થી સાધનાના ટ્રસ્ટી તરીકે જવાબદારી નિભાવે છે.
  • મૂળ વતન વડાલી, જિલ્લો - સાબરકાંઠા, ૨૦૦૨થી કર્ણાવતીમાં નિવાસ.
  • જન્મ તારીખ - ૨૬-૦૬-૧૯૪૨
  • ૧૯૬૯થી સંઘના સ્વયંસેવક છે.
  • અભ્યાસ - એમ.એ, બી.એડ, ડીટીસી.
  • નિવૃત આચાર્ય - ૨૦૦૦
સંઘમાં જિલ્લા કાર્યવાહ, વિભાગ કાર્યવાહ અને છેલ્લે પ્રાંત બૌધિક પ્રમુખની જવાબદારી નીભાવી. ઉપરાંત તેઓ ગુજરાત ભાજપના પૂર્વ પ્રદેશ મહામંત્રી તથા પ્રદેશ ઉપાધ્યક્ષ પદે પણ રહી ચૂક્યા છે.