સનાતન સંસ્કૃતિનું વિરાટ દર્શન - મહાકુંભ - આવો, મહાકુંભના પૌરાણિક, સાંસ્કૃતિક અને સામાજિક મહત્ત્વ વિશે જાણીએ.

પ્રયાગરાજમાં ૧૩ જાન્યુઆરીથી ૨૬ ફેબ્રુઆરી, ૨૦૨૫ દરમિયાન મહાકુંભનું આયોજન થયું છે. આવો, મહાકુંભના પૌરાણિક, સાંસ્કૃતિક અને સામાજિક મહત્ત્વ વિશે જાણીએ.

    ૧૧-જાન્યુઆરી-૨૦૨૫   
કુલ દૃશ્યો |

mahakumbh vishe mahiti gujarati ma
 
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજની ભૂમિ પર શ્રદ્ધાળુઓના પૂર ઊમટ્યા છે. ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ ચારેય દિશાઓમાંથી લાખો સાધુ-સંતો પ્રયાગના ગંગા કિનારા તરફ પ્રયાણ કરી રહ્યાં છે. પ્રયાગરાજનું વાતાવરણ દાયકાઓ બાદ ફરી એક વખત અનેરા રંગે રંગાયું છે. `ગંગા મૈયા કી જય'નાં નારા ગુંજી રહ્યાં છે. વાતાવરણમાં કેસરીયો રંગ ભળી ગયો છે અને ગંગા મૈયાના જળ હિલોળા લઈને સૌને આવકારી રહ્યાં છે. ભક્તોનું આ ઘોડાપુર પ્રયાગરાજ ભણી શા માટે ઉમટી પડ્યું છે? કરોડો શ્રદ્ધાળુઓ અહીં શા માટે પધારી રહ્યાં છે? કારણ કે, પ્રયાગરાજની પવિત્ર ભૂમિ પર કુંભ મેળાનું આયોજન થવા જઈ રહ્યું છે. અને આ કોઈ સામાન્ય કુંભ મેળો નથી. આ ૧૪૪ વર્ષે યોજાતો મહાકુંભ છે. લગભગ ત્રણેક પેઢી બાદ જ કુંભ યોજાતો હોવાથી માત્ર ભાગ્યશાળી લોકો જ તેનો લાભ લઈ શકતા હોય છે. અને દેશ-વિદેશમાં વસતાં ભારતીયોને, હિન્દુઓને આ વર્ષે એ સદ્ભાગ્ય સાંપડ્યું છે. પ્રયાગરાજમાં ૧૩ જાન્યુઆરીથી ૨૬ ફેબ્રુઆરી, ૨૦૨૫ દરમિયાન મહાકુંભનું આયોજન થયું છે. આવો, મહાકુંભના પૌરાણિક, સાંસ્કૃતિક અને સામાજિક મહત્ત્વ વિશે જાણીએ.
 
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે અતિભવ્ય મહાકુંભ મેળાનું આયોજન થવા જઈ રહ્યું છે. દર ૧૪૪ વર્ષે આવતા મહાયોગના આ અવસરમાં કરોડો લોકો ભાગ લેશે. આ વખતે પ્રયાગરાજમાં આયોજિત કુંભને મહાકુંભ કહેવામાં આવી રહ્યો છે, તો સવાલ થાય કે આખરે તેને મહાકુંભ શા માટે કહેવામાં આવી રહ્યો છે? ઘણા ઓછા લોકો જાણતા હશે કે, ભારતીય હિંદુ પરંપરામાં કુંભ, અર્ધ કુંભ, પૂર્ણ કુંભ અને મહાકુંભ એમ અલગ-અલગ પ્રકારના કુંભનું આયોજન થાય છે.
 
પૌરાણિક માન્યતાઓ અનુસાર, સમુદ્રમંથન સમયે અનેક વસ્તુઓ સાથે ભગવાન શ્રી વિષ્ણુના અવતાર (ધન્વંતરી) અમૃત કળશ પ્રગટ થયાં હતાં. તે અમૃત મેળવવા માટે દાનવો અને દેવતાઓમાં ઝપાઝપી થઈ હતી, તે સમયે અમૃતકુંભમાંથી અમૃતનાં કેટલાંક ટીપાં હરિદ્વાર, પ્રયાગરાજ, ઉજ્જૈન અને નાસિક ખાતેનાં પવિત્ર સ્થળોએ પડી હતી. આ જ કારણ છે કે, આ ચાર પવિત્ર સ્થળોએ કુંભનું આયોજન કરવામાં આવે છે.
 
ખગોળીય ગણનાઓના આધારે અર્ધ કુંભ, કુંભ, પૂર્ણ કુંભ અને મહાકુંભનું આયોજન અનંતકાળથી થતું આવ્યું છે. અનાદિકાળથી આ સચોટ ખગોળીય ગણનાનું પાલન થતું આવ્યું છે. હવે જાણીએ અલગ-અલગ કુંભ મેળાનો મહિમા.
અર્ધકુંભ - અર્ધ કુંભ એક ધાર્મિક અને સાંસ્કૃતિક આયોજન છે, જે દર છ વર્ષે હરિદ્વાર અને પ્રયાગરાજમાં યોજાય છે. આ આયોજન અતિપવિત્ર એવી ગંગા, યમુના અને સરસ્વતી નદીઓના સંગમ પર થાય છે. અર્ધ કુંભનું મહત્ત્વ એટલા માટે વધારે છે, કારણ કે, તેને કુંભ મેળાના અડધા ચક્ર તરીકે જોવામાં આવે છે. અર્ધ કુંભના આયોજનનો સમય પણ ખગોળીય ગણતરીઓ પર આધારિત છે. જ્યારે ગુરુ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરે છે અને સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે, ત્યારે અર્ધ કુંભનું આયોજન થાય છે.
 
કુંભ - કુંભ મેળો વિશ્વનો સૌથી મોટો ધાર્મિક અને સાંસ્કૃતિક ઉત્સવ છે, જે દર ૧૨ વર્ષે ચાર સ્થળો હરિદ્વાર, પ્રયાગરાજ, ઉજ્જૈન અને નાસિકમાં યોજાય છે. તેને ભારતીય સંસ્કૃતિ અને આસ્થાનું પ્રતીક માનવામાં આવે છે. કુંભ મેળાની દંતકથા સમુદ્રમંથન સાથે જોડાયેલી છે, જેમાં અમૃત કળશ મેળવવા માટે દેવતાઓ અને અસુરો વચ્ચે સંઘર્ષ થયો હતો. આ પર્વનું મુખ્ય આકર્ષણ પવિત્ર નદીઓમાં સ્નાન છે, જેને અમૃત સ્નાન કહેવામાં આવે છે. આ મેળો ખગોળીય ગણતરીઓ પર પણ આધારિત છે. જ્યારે ગુરુ સિંહ રાશિમાં હોય અને સૂર્ય મેષ રાશિમાં હોય, ત્યારે કુંભ મેળો ભરાય છે. આ ઉપરાંત તેની તારીખ નક્કી કરવામાં અન્ય ગ્રહોની સ્થિતિ પણ મહત્ત્વની છે.
 
 
 
પૂર્ણ કુંભ - પૂર્ણ કુંભ મેળો એ કુંભ મેળાનું જ વિસ્તરણ છે, જે દર ૧૨ વર્ષે પ્રયાગરાજમાં યોજાય છે. તેને કુંભનું પૂર્ણ સ્વરૂપ માનવામાં આવે છે અને તેનું મહત્ત્વ અન્ય કુંભ મેળાઓ કરતાં વધારે છે. પવિત્ર નદીઓ ગંગા, યમુના અને સરસ્વતીના સંગમ પર યોજાતા આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય આત્માની શુદ્ધિ અને મોક્ષની પ્રાપ્તિ છે. પૂર્ણ કુંભનું આયોજન સનાતન હિંદુ શાસ્ત્રો અને પુરાણોમાં વર્ણિત છે. આ મેળામાં લાખોની સંખ્યામાં ભક્તો અને સંતો ભાગ લે છે. ખાસ કરીને નાગા સાધુ અને અખાડાઓનું યોગદાન મહત્ત્વનું છે. આ દરમિયાન ધાર્મિક વિધિઓ, હવન, કથાવાંચન અને પ્રવચનો થાય છે. પૂર્ણ કુંભનું આયોજન પણ ખગોળીય ગણતરીના આધારે કરવામાં આવે છે.
 
મહાકુંભ - મહાકુંભનું આયોજન પણ ખગોળીય ગણતરીઓના આધારે કરવામાં આવે છે. જ્યારે ગુરુ, સૂર્ય અને ચંદ્ર એક વિશેષ સ્થિતિમાં હોય ત્યારે તેનું આયોજન કરવામાં આવે છે. ખાસ વાત એ છે કે, મહાકુંભનું આયોજન ૧૨ પૂર્ણ કુંભ સાથે એટલે કે દર ૧૪૪ વર્ષે કરવામાં આવે છે, તે પણ માત્ર પ્રયાગમાં જ. છેલ્લે ૨૦૧૩માં પ્રયાગરાજમાં કુંભ મેળો યોજાયો હતો. આ વખતે મહાકુંભનો ૧૨મો અવસર એટલે કે ૧૪૪મું વર્ષ છે , તેથી આ પૂર્ણ કુંભને મહાકુંભ કહેવામાં આવે છે. દર ૧૪૪ વર્ષે યોજાતા આ મહાકુંભને દેવો અને મનુષ્યના સંયુક્ત પર્વ તરીકે જોવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર પૃથ્વીનું એક વર્ષ દેવતાઓના એક દિવસ બરાબર હોય છે. આ ગણતરીના આધારે ૧૪૪ વર્ષનું અંતર મહાકુંભ તરીકે ઊજવવામાં આવે છે.
 

mahakumbh vishe mahiti gujarati ma 
 
કુંભમેળાનું આર્થિક મહત્ત્વ
 
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મહાકુંભ ૨૦૨૫ની તૈયારી માટે ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં કુલ ૫૫૦૦ કરોડની ૧૬૭ વિકાસ પરિયોજનાઓનું ખાતમુર્ત કર્યું હતું. લગભગ ૪૦૦૦ હેક્ટરમાં ફેલાયેલા કુંભમાં કરોડો તીર્થયાત્રીઓના આવવાની શક્યતા છે. અનુમાનિત ૪૦ કરોડ તીર્થયાત્રીઓ થકી કુંભને ઓછામાં ઓછી ૨ લાખ કરોડ રૂપિયાની આવક થવાનો અંદાજ છે. પૂર્વ આઈએએસ અધિકારી અવનીસ અવસ્થી મુજબ જો કુંભમાં આવતો પ્રત્યેક તીર્થયાત્રી સરેરાશ રૂ. ૮૦૦૦ ખર્ચે તો કુલ આર્થિક ગતિવિધિ ૩.૨ લાખ કરોડ રૂપિયાથી વધારે થાય. જે આ આયોજનના આર્થિક મહત્ત્વને દર્શાવે છે. દેશના અન્ય પર્યટન વિશેષજ્ઞો પણ આ વાતનું સમર્થન કરતાં કહે છે કે, આ આયોજન ઉત્તરપ્રદેશનાં પર્યટનોને ખૂબ મોટો લાભ પહોંચાડવાનું છે. સીઆઈઆઈના એક અહેવાલ મુજબ કુંભમેળો એ આમ તો આધ્યાત્મિક અને ધાર્મિક પ્રકૃતિનું આયોજન છે. ૨૦૧૯માં આયોજિત કુંભમેળાએ ૬ લાખથી વધારે લોકોને રોજગારી આપી હતી. આ વખતે જે રીતે આ મેળાનું આયોજન થઈ રહ્યું છે, તે જોતાં આ આયોજનથી ૪૫,૦૦૦ જેટલાં પરિવારોને રોજગારી મળવાની શક્યતા છે. વિવિધ ક્ષેત્રનાં લાખો લોકોને તેનો લાભ મળશે. જન-જનમાં આધ્યાત્મિક ચૈતન્યનું, પ્રગટવું એ સૌથી મોટી ઉપલબ્ધિ છે, તેના કારણે જે કાંઈ આર્થિક લાભ થશે તે ઉપપેદાશ હશે.
 
મહાકુંભમાં સંતોનો જમાવડો, ગૃહસ્થો માટે પણ સ્વર્ણિમ અવસર
 
કુંભમેળો સંતો, તપસ્વીઓ અને ગૃહસ્થો વચ્ચે સેતુનું કામ કરે છે. આ સાધના, જ્ઞાન અને આસ્થાનું એક કેન્દ્ર છે, જ્યાં ગૃહસ્થ જીવન જીવતા લોકો તપસ્વીઓના સત્સંગથી ધર્મનો મર્મ સમજે છે. કુંભમાં સંત સમાજનું યોગદાન અનેરું છે, જ્યાં તેઓ પોતાના જ્ઞાન અને અનુભવને જનસામાન્ય સમક્ષ વહેંચે છે. સંતોના સત્સંગ અને પ્રવચનથી લોકોને આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે.
અમુક સંતો એવા પણ હોય છે, જેઓ સાધનાસ્થળોમાંથી ક્યારેય બહાર આવતા નથી, પણ કુંભમાં આશીર્વાદ આપે છે. આ આયોજન સાધના-પરંપરા, ગૃહસ્થ-પરંપરા અને કુંભ-પરંપરાનો ત્રિવેણી સંગમ છે એમ કહીએ તો અતિશયોક્તિ ન કહેવાય. કુંભ એટલા માટે પણ અનૂઠો છે કે અહીં સમાજના દરેક વર્ગના લોકો એક સાથે આવે છે.
 
મહાકુંભ નગરીમાં કથા અને પ્રવચનની પરંપરાએ સમાજને સદીઓથી એક દિશા આપી છે. કથા અને પ્રવચન કઠિન જ્ઞાનને સરળ ભાષામાં સામાન્ય જનતા સુધી પહોંચાડવાનું એક માધ્યમ છે. મહાકુંભમાં વિવિધ અખાડાઓ અને સંપ્રદાયો દ્વારા આયોજિત કથાઓ શ્રદ્ધાળુઓને સત્ય અને ધર્મનો માર્ગ દેખાડે છે. ધાર્મિક કથાવાચકો માને છે કે આ કથાઓ સમાજને ઊંડા સ્તરે પ્રભાવિત કરે છે. અખાડાના પ્રતિનિધિઓ કહે છે કે, કથા અને પ્રવચન જીવનનાં ગૂઢ રહસ્યોને સમજવાનું એક માધ્યમ છે. સમાજશાસ્ત્ર તેને ભારતીય સમાજની સામૂહિક ચેતના જાગૃત કરવાનું સાધન માને છે. શ્રદ્ધાળુઓ કહે છે કે, આ પ્રવચનોથી તેમને જીવન જીવવા માટે એક નવી દૃષ્ટિ અને ઊર્જા મળે છે.
 
સામાજિક સમરસતાનો કુંભ
 
કુંભમેળો અનેક જાતિઓ, પંથો અને જીવનનાં વિવિધ ક્ષેત્રોમાંના લાખો લોકોને એક સાથે લાવે છે, જેનાથી સામાજિક સદ્ભાવ અને સાંસ્કૃતિક આદાન-પ્રદાનને પ્રોત્સાહન મળે છે. સામાજિક સમરસતાની આ યાત્રાને આગળ ધપાવવા આ વર્ષે ૧૫થી ૨૩ ફેબ્રુઆરી દરમિયાન આયોજિત કુંભમેળામાં સૌ પ્રથમ વખત સમરસતા સંમેલનનું આયોજન પણ થઈ રહ્યું છે. વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય મહામંત્રી શ્રી મિલિંદ પરાંડેજી જણાવે છે કે, `મહાકુંભ પર્વ હિન્દુ સમાજની આસ્થાના પ્રકટીકરણનું પર્વ છે. આ પર્વમાં હિન્દુ સમાજ પોતાના જાતિ-વંશ અને મત-પંથોના વાડાઓથી પર થઈ તમામ સંપ્રદાયના લોકો એક સાથે સંગમમાં ડૂબકી લગાવશે અને સમગ્ર વિશ્વને સામાજિક સમરસતાનો સંદેશ આપશે.'
 
આ વખતના મહાકુંભની બીજી એક વિશેષતા એ છે કે, મહાકુંભ દરમિયાન વંચિત સમાજના ૭૧ જેટલાં સંતોને મહામંડલેશ્વરની ઉપાધિ મળવાની છે. મહામંડલેશ્વરની ઉપાધિ મેળવનાર આ તમામ સંતોને મઠ-મંદિરોનાં સંચાલનનું દાયિત્વ પણ આપવામાં આવશે. જેથી તેઓ સમાજમાં પોતાની ગતિવિધિઓનો વિસ્તાર કરી શકશે. આમ કુંભમેળો એક મેળાથી પણ વિશેષ છે. કુંભ એ સામાજિક સમરસતા તરફની યાત્રા છે. અનુષ્ઠાનો અને પ્રતીકાત્મક કર્મોથી પર આ તીર્થયાત્રીઓને આ યાત્રા આંતરિક વિચારોમાં સંલગ્ન થવા અને પવિત્રતાની સાથે પોતાના સંબંધોને ગાઢ કરવાનો અવસર આપે છે.
 
રાજ્યસત્તા, સમાજસત્તા અને ધર્મસત્તાનો સમાગમ
 
કુંભમેળામાં કોઈ વિશેષ પૂજાપદ્ધતિ કે વિચારધારા થોપવા માટે કોઈ સ્થાન નથી. અહીં દરેક વ્યક્તિને પોતાની આસ્થા અને પૂજાપદ્ધતિ સાથે આવવાની અને તેને પ્રગટ કરવાની સ્વતંત્રતા છે. અહીં વિવિધતામાં એકતાની ભારતીય પરંપરાનું જીવંત ઉદાહરણ જોવા મળે છે.
 
કુંભમેળો ન માત્ર ધાર્મિક આયોજન છે, પણ રાજ્યસત્તા, સમાજસત્તા અને ધર્મસત્તાનો એક અદ્વિતીય સંગમ પણ છે. જે ભારતીય સમાજની એ વિલક્ષણતા દર્શાવે છે, જ્યાં આ ત્રણેય એકબીજા સાથે સહયોગથી કામ કરે છે. અહીં ધર્માચાર્યો, આધ્યાત્મિક ગુરુઓ અને પ્રશાસન મળીને મેળાને સુવ્યવસ્થિત રીતે ચલાવે છે. આ આયોજન આદર્શ સમાજનો પાયો નાખવા માટેનું પ્રતીક છે. મહાકુંભ ભારતીય સંસ્કૃતિ, ધર્મ અને સમાજનો એવો સંગમ છે, જે ન માત્ર ભારત પરંતુ આખા વિશ્વને એકતા અને સહિષ્ણુતાનો સંદેશ આપે છે. આ આયોજન પૌરાણિક, ઐતિહાસિક અને દાર્શનિક રીતે અણમોલ છે. મહાકુંભ ભારતીય સમાજની સહઅસ્તિત્વની ભાવના અને સાંસ્કૃતિક સમૃદ્ધિનો પ્રતીક છે. જે ન માત્ર આસ્થાનું પર્વ છે, પણ એક એવો મંચ પણ છે, જ્યાં માનવતા, જ્ઞાન અને ચેતનાનું મિલન થાય છે.
 

mahakumbh vishe mahiti gujarati ma 
 
દુનિયા માટે એક આશ્ચર્ય છે કુંભ
 
મહાકુંભ ન માત્ર ભારતમાં પણ આખા વિશ્વમાં એક અદ્વિતીય આયોજન છે. પશ્ચિમી પંથોમાં સામાજિક અને રાજનૈતિક ઘટનાઓનું ઘણું મહત્ત્વ છે, પણ ત્યાં કોઈ દાર્શનિક કે આધ્યાત્મિક ઘટનાની આ પ્રકારની માન્યતા નથી. કુંભમેળાનો ખગોળીય આધાર અને તેનું આધ્યાત્મિક મહત્ત્વ પશ્ચિમી વિધારધારા માટે પણ એક આશ્ચર્ય છે.
 
આ મેળો સનાતન ધર્મની એ દૃષ્ટિને પ્રતિબિંબિત કરે છે, જેમાં સત્યની શોધને પ્રાથમિકતા આપવામાં આવે છે. અહીં કોઈ કોઈની ઉપર માન્યતા થોપતું નથી, પણ સૌને પોતપોતાની સાધનાપદ્ધતિમાં વિશ્વાસ કરવાનો અધિકાર છે, નો સંદેશ આપે છે, જે વિવિધતાનું સન્માન અને સહિષ્ણુતાનું એક અદ્ભુત ઉદાહરણ છે.
 
કુંભમેળો આજે માત્ર ભારતીયો પૂરતો સીમિત નથી. વિદેશી પત્રકાર, શ્રદ્ધાળુઓ અને પર્યટકો પણ તેમાં સહભાગી થાય છે. તેમના માટે ભારતીય સંસ્કૃતિ અને અધ્યાત્મનો પરિચય કરવાનો આ એક અવસર છે. પશ્ચિમી દૃષ્ટિકોણથી આ મેળો સનાતન અને જીવનની ગૂઢ અવધારણાઓને સમજવાનો એક પ્રયાસ છે. વિદેશી લેખકો અને પત્રકારો આ મેળાને વિશ્વનું સૌથી શાંતિપૂર્ણ આયોજન કહે છે. તેમનું માનવું છે કે કુંભમેળો ભારતીય દર્શન અને અધ્યાત્મની વ્યાપકતા દર્શાવે છે.
 
અખાડા વગર મહા કુંભ કેમ અધૂરો છે?
 
દરેક કુંભની વિશેષતા સાધુઓનો અખાડો છે. ધર્મના આ મહાકાર્યમાં આ અખાડાઓની ભૂમિકા ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.
અર્ધકુંભ, કુંભ, પૂર્ણકુંભ કે મહાકુંભમાં અખાડાઓનું આટલું મહત્ત્વ શા માટે છે? એ વિશે પણ જાણવું અત્રે મહત્ત્વનું છે.
કુંભ મેળો પણ ભારતીય સંસ્કૃતિ અને શાશ્વત પરંપરાઓનું જીવંત ઉદાહરણ છે. આ પ્રસંગમાં અખાડાઓની ભૂમિકા સૌથી મહત્ત્વની છે, તેમના વિના આ પ્રસંગની કલ્પના પણ કરી શકાતી નથી. અખાડાઓ ભારતીય સંતસમાજના સંગઠિત સ્વરૂપને પ્રતિબિંબિત કરે છે અને ભક્તિના સારનો પ્રચાર કરે છે. અખાડાઓ મૂળભૂત રીતે સંતો અને ઋષિઓનાં જૂથો છે જેઓ પ્રાચીન કાળથી ધર્મ, તપસ્યા અને યોગનો પ્રચાર કરી રહ્યા છે અને તેથી જ તેઓ અત્યંત પૂજનીય છે. કુંભ દરમિયાન, અખાડાઓનું મહત્ત્વ વધી જાય છે, કારણ કે આ પ્રસંગ સંત સમુદાય માટે એક મહામેળાવડા જેવો છે, જ્યાં તેઓ સામાન્ય લોકો સાથે તેમની પરંપરાઓ અને ઉપદેશોની આપ-લે કરે છે. કુંભમાં સૌથી મોટું આકર્ષણ રાજસી સ્નાનની ઉજવણી છે. અખાડા પોતે આ કાર્યક્રમનું નેતૃત્વ કરે છે. વિવિધ અખાડાઓના સાધુ અને સંતો તેમના અનુયાયીઓ સાથે પવિત્ર ગંગા, યમુના અને સરસ્વતીના સંગમમાં સ્નાન કરે છે, જે અખાડાઓની એકતા અને તેમના પર ભક્તોના વિશ્વાસનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. કુંભ દરમિયાન, અખાડાના સાધુઓ ધાર્મિક ઉપદેશ, યોગશિક્ષણ અને ધ્યાન દ્વારા સામાન્ય લોકોને આંતરિક શાંતિ અને આધ્યાત્મિક પ્રગતિનો માર્ગ બતાવે છે.
 
અખાડાઓને ભારતીય ધાર્મિક પરંપરાઓના સંરક્ષક માનવામાં આવે છે. કુંભ દ્વારા તેઓ તેમની પરંપરાઓ અને રિવાજોને વ્યાપકપણે લોકો સુધી પહોંચાડવાનું કામ કરે છે.
 
અખાડાઓ ત્રણ મુખ્ય વર્ગોમાં વહેંચાયેલા છે. શૈવ અખાડા - જેઓ ભગવાન શિવના ઉપાસક છે. વૈષ્ણવ અખાડા - જેઓ ભગવાન વિષ્ણુની પૂજા કરે છે. નિર્ગુણ અખાડા જેઓ નિર્ગુણ બ્રહ્મની ઉપાસનામાં તલ્લીન રહે છે. જેમાં જૂના અખાડા, નાગા અખાડાનો સમાવેશ થાય છે. નિરંજની અખાડા, મહાનિર્વાણી અખાડા મુખ્ય છે. દરેક અખાડા તેના પોતાના વિશિષ્ટ રિવાજો અને પરંપરાઓનું પાલન કરે છે. આ વખતે કિન્નર અખાડા પણ પેશવાઈમાં જોડાયા છે. આ તમામમાં નાગા સાધુ અખાડાઓ યુદ્ધ પરંપરાઓને આગળ ધપાવે છે, તેઓ તેમના સભ્યોને શારીરિક યુદ્ધ અને પવિત્ર સ્થળોની સુરક્ષા માટે પણ તૈયાર કરે છે, તેથી અખાડા વિના કુંભનોમેળો અધૂરો છે.
 

mahakumbh vishe mahiti gujarati ma 
 
વીરતા અને પરાક્રમનું બીજું નામ જૂના અખાડા
 
આ અખાડાઓમાંનો એક એટલે ભૈરવ અખાડો. ૧૩ અખાડાઓમાં સૌથી મોટા ભૈરવ અખાડાને પંચદશનામ જૂના અખાડા તરીકે પણ ઓળખવામાં આવે છે. નાગા સંન્યાસીઓના આ અખાડાનો ઇતિહાસ આધ્યાત્મિકતાની સાથે-સાથે પરાક્રમોથી પણ ભરેલો છે. આ જ કારણ છે કે, આ અખાડાના નાગા સાધુઓ પોતાની સાથે અસ્ત્ર-શસ્ત્ર પણ રાખે છે. તેમના હાથમાં તલવાર, ત્રિશૂળ, ભાલો, ફરસી જેવાં અનેક પ્રકારનાં અસ્ત્ર-શસ્ત્રો હોય છે. નાગા સંન્યાસીઓએ મુઘલોથી લઈને અંગ્રેજો સુધી દરેક સાથે યુદ્ધો કર્યાં છે. જૂના અખાડામાં એક શસ્ત્રાગાર પણ છે, જેમાં ૪૦૦ વર્ષ જૂનાં શસ્ત્રો રાખવામાં આવ્યાં છે. કુંભમેળા દરમિયાન નાગા સાધુઓ આ શસ્ત્રો સાથે નીકળે છે ત્યારે તેમનો ઠાઠ જોવાલાયક હોય છે.
 
જૂના અખાડાનો સંબંધ શૈવ સંપ્રદાયના ૭ અખાડાઓ સાથે છે. તેની સ્થાપના ઉત્તરાખંડના કર્ણપ્રયાગમાં ઈ.સ. ૧૧૪૫માં થઈ હતી. આ અખાડાનો પહેલો મઠ પણ અહીં બાંધવામાં આવ્યો હતો. જોકે, હિંદુ ધર્મના કેટલાક નિષ્ણાતો માને છે કે, આ અખાડાની સ્થાપના ઈ.સ. ૧૨૫૯માં કરવામાં આવી હતી.
 
જૂના અખાડાના ઇષ્ટ અથવા આરાધ્ય ભગવાન શિવ અથવા તેમના રુદ્રાવતાર ભગવાન દત્તાત્રેય છે. આ અખાડાનું કેન્દ્ર અને મુખ્યાલય વારાણસીના હનુમાન ઘાટ પર સ્થાપિત કરવામાં આવ્યું છે. આ અખાડાનો આશ્રમ હરિદ્વારના મહામાયા મંદિર પાસે બનાવવામાં આવ્યો હતો. આ સિવાય આ અખાડાના કેન્દ્રો ઉજ્જૈનથી તમામ મુખ્ય કેન્દ્રોમાં સ્થિત છે. આ અખાડામાં પાંચ લાખથી વધુ નાગા સાધુઓ છે.
 
એવું કહેવાય છે કે સનાતન ધર્મ અને ધર્મસ્થાનોના રક્ષણ માટે આ અખાડાઓની સ્થાપના કરવામાં આવી હતી. નાગા સાધુઓને શાસ્ત્રો તેમજ શસ્ત્રો શીખવીને યુદ્ધકૌશલ્યમાં નિપુણ બનાવવામાં આવ્યા હતા, જેથી તેઓ હિંદુ ધર્મની સ્થાપનામાં મદદ કરી શકે. શંકરાચાર્યના નિર્દેશ હેઠળ સ્થપાયેલા આ અખાડાઓએ ધર્મરક્ષા માટે મંદિરો અને મઠોની સુરક્ષા માટે મુઘલો સામે લડાઈ લડી હતી. અફઘાન આક્રમણખોર અહમદ શાહ અબ્દાલી મથુરા-વૃંદાવનને લૂંટ્યા બાદ ગોકુળને લૂંટવાના ઇરાદાથી આગળ વધ્યો હતો, પરંતુ નાગા સાધુઓએ તેને રોકી લીધો હતો, જેના કારણે અબ્દાલી ગોકુળને લૂંટવામાં સફળ થયો નહોતો. અન્ય એક ઇતિહાસ મુજબ નાગા સાધુઓએ ગુજરાતમાં જૂનાગઢના નવાબ સાથે ભીષણ યુદ્ધ લડ્યું હતું. આ યુદ્ધમાં નાગા સંન્યાસીઓએ નવાબ અને તેની સેનાને હરાવ્યા હતા. નવાબ પણ નાગા સાધુઓની લશ્કરી કુશળતાથી પ્રભાવિત થયો હતો. આખરે, જૂનાગઢના નિઝામે આ સાધુઓ સમક્ષ ઘૂંટણિયે પડવાનું નાટક કરી તેમને સંધિ માટે આમંત્રણ આપવું પડ્યું.
 
જૂના અખાડાના સંરક્ષક મહંત હરિગિરી કહે છે કે અખાડાના સાધુઓ નિઝામ પાસે સંધિ માટે ગયા હતા. જૂનાગઢ સોંપીશું તેમ કહી સંન્યાસીઓને ભોજન માટે બોલાવ્યા હતા. આ સમય દરમિયાન, નિઝામે કપટપૂર્વક સાધુઓના ભોજનમાં ઝેર ભેળવી દીધું. આ કારણે સેંકડો સાધુઓ મૃત્યુ પામ્યા. જેઓ બચી ગયા તેમણે જૂના અખાડાની સ્થાપના કરી.
નાગા સંન્યાસીઓને લઈને બીજી એક કથા એવી પણ છે કે, મુઘલ આક્રમણખોર જહાંગીર એક વખત પ્રયાગરાજ કુંભમેળામાં આક્રમણ કરવાનો હતો. ત્યારે વૈષ્ણવ અને શૈવ સંપ્રદાયોના સંન્યાસીઓએ સાથે મળીને એક પિરામિડ બનાવ્યો અને તેની સાથે છદ્મયુદ્ધ કર્યું. આમાં એક સાધુએ પિરામિડ પર ચડીને જહાંગીરને ખંજર પણ ભોંકી દીધું હતું. આમ, અખાડાઓનો ઇતિહાસ દરેક સનાતનીને ગૌરવ થાય એવો રહ્યો છે.
 
મુખ્યમંત્રીશ્રી યોગી આદિત્યનાથ દ્વારા મહાકુંભને ભવ્ય અને દિવ્ય બનાવવા વિશેષ પ્રયાસો
 
મહાકુંભ ધ્યેય વાક્ય ‘सर्वसिद्धिप्रद: कुंभ:’ એટલે કે સર્વ પ્રકારની સિદ્ધિ પ્રદાન કરનાર કુંભ છે. વિશ્વવના આ સૌથી મોટાં ધાર્મિક-સાંસ્કૃતિક મેળાવડાના આ મહાકુંભના ધ્યેય વાક્યને બહુમુખી બનાવવાનો પ્રયાસ ઉ.પ્ર. સરકાર કરી રહી છે. આ વખતના મહાકુંભને ભવ્યાતિભવ્ય બનાવવા માટે ઉત્તર પ્રદેશની યોગી સરકાર વિશેષ રસ દાખવી રહી છે. મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ દ્વારા કુંભમાં આવવા માટે રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુ, પૂર્વ રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદ, કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ, રક્ષામંત્રી શ્રી રાજનાથ સિંહ, ભાજપના રાષ્ટીય અધ્યક્ષ શ્રી જે. પી. નડ્ડા સહિતના મહાનુભાવોને વ્યક્તિગત નિમંત્રણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ભારતનાં તમામ રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓ અને રાજ્યપાલશ્રીઓને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. મહાકુંભ મેળો કેટલો ભવ્ય દિવ્ય બનાવવાનાં પ્રયાસો થઈ રહ્યા છે તે વાતનો અંદાજ એ વાત પરથી બનાવી શકાય છે કે, મહાકુંભ મેળામાં પ્રશાસનિક કાર્યો વધારે સુચારુ રૂપે સંચાલિત થઈ શકે તે માટે યોગી સરકાર દ્વારા મહાકુંભ મેળાનાં ક્ષેત્રને પ્રયાગરાજથી અલગ નવો અસ્થાયી જિલ્લો ઘોષિત કર્યો છે.
 
૪,૦૦૦ હેક્ટરમાં ફેલાયેલું મેળાક્ષેત્ર ૨૫ સેક્ટરોમાં વિભાજિત કરવામાં આવ્યુ છે અને સંગમ તટે ૧૨ કિલોમીટર ઘાટ બનાવવામાં આવ્યા છે. ૧૮૫૦ હેક્ટરમાં પાર્કિંગની સુવિધા, નદી પાર જવા માટે ૩૦ અસ્થાઈ પુલ તથા ૬૭ હજાર સ્ટ્રીટ લાઈટ લગાવવામાં આવી છે. અહીં ૧,૫૦,૦૦૦ અસ્થાઈ શૌચાલય બનાવવામાં આવ્યા છે અને મેળામાં આવતા શ્રદ્ધાળુઓના રોકાણ માટે ૧,૫૦,૦૦૦ ટેન્ટોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આમ જે રીતે શ્રદ્ધાળુઓના રહેઠાણ, ભોજન, સુરક્ષા, સ્વાસ્થ્ય અને અન્ય તમામ સવલતો, સુવિધાઓ પર જે બારીકાઈથી કાર્ય થઈ રહ્યું છે, તે જોતા એવું ચોક્કસથી કહી શકાય કે, આ વખતનો મહાકુંભ ભવ્ય દિવ્ય રહેવાનો છે.
 
મહાકુંભ ૨૦૨૫માં પાંચ પ્રમુખ સ્નાનપર્વ, ત્રણ રાજસી સ્નાનનો પણ સમાવેશ
 
પોષ પૂર્ણિમા/પોષી પૂનમ (૧૩ જાન્યુઆરી ૨૦૨૫) કલ્પવાસનો આરંભ
 
મકરસંક્રાંતિ (૧૪ જાન્યુઆરી, ૨૦૨૫) પ્રથમ અમૃત સ્નાન
 
મૌની અમાસ (૨૯ જાન્યુઆરી, ૨૦૨૫) દ્વિતીય અમૃત સ્નાન
 
વસંતપંચમી (૩ ફેબ્રુઆરી, ૨૦૨૫) તૃતીય અમૃત સ્નાન
 
માઘ પૂર્ણિમા (૧૨ ફેબ્રુઆરી, ૨૦૨૫) કલ્પવાસનું સમાપન
 
મહાશિવરાત્રી (૨૬ ફેબ્રુઆરી, ૨૦૨૫) મહાકુંભ ૨૦૨૫નો સમાપન દિન
 
કુંભમાં કલ્પવાસ
 
કુંભમેળામાં ઘણા ભક્તો કલ્પવાસ કરે છે. તે એક મુશ્કેલ તપ અને ભગવાનની ભક્તિ છે જેના દ્વારા સાધક આધ્યાત્મિક જીવન તરફ આગળ વધે છે અને પોતાને ભગવાનની ભક્તિમાં સમર્પિત કરે છે. આને શરીર, મન અને આત્માની મુક્તિનો માર્ગ માનવામાં આવે છે.
 
મહાકુંભ મેળામાં કલ્પવાસ કરનારા ભક્તોએ તેના નિયમોનું સંપૂર્ણ નિષ્ઠા સાથે પાલન કરવાનું હોય છે. આ સમય દરમિયાન ભક્ત માટે સત્ય બોલવું જરૂરી છે. આ સાથે કલ્પવાસના સમગ્ર સમયગાળા દરમિયાન સાધકે બ્રહ્મચર્યનું પાલન કરવું જરૂરી છે. જેઓ કલ્પવાસ કરે છે તેમના માટે તમામ જીવો પ્રત્યે કરુણા રાખવી મહત્વપૂર્ણ છે. સાધકોએ બ્રહ્મ મુહૂર્તમાં જાગીને ગંગા સ્નાન કરવાનું હોય છે. તેમના માટે દરરોજ ત્રણ વખત ગંગા સ્નાન કરવું જરૂરી છે.
 
આ ઉપરાંત સાધકોએ પૂર્વજોના પિંડ દાન, નામનો જાપ, સત્સંગ, સાધુઓની સેવા, જમીન પર સૂવું, ઉપવાસ અને દાન જેવા નિયમોનું પાલન કરવું પણ જરૂરી છે. કલ્પવાસ કરતા ભક્તોએ પણ દિવસમાં એક વખત ભોજન કરવાનો નિયમ પાળવો પડે છે. કલ્પવાસ કરનારાઓએ કોઈની ટીકા કરવી, એ વર્જ્ય ગણવામાં આવેલ છે. આ સમયગાળા દરમિયાન સંપૂર્ણ અનુશાસનનું પાલન કરવાથી શરીર, મન અને આત્મા સંપૂર્ણ શુદ્ધ થાય છે અને ભગવાન પ્રત્યે અતૂટ ભક્તિ અને સમર્પણની ભાવના જાગૃત થાય છે. આ સમય દરમિયાન, ભક્તો તુલસીનો છોડ વાવે છે, જે તેમના જીવનની પવિત્રતાનું પ્રતીક માનવામાં આવે છે. કલ્પવાસ દરમિયાન તુલસીનો છોડ વાવો અને દરરોજ તેની પૂજા કરવી મહત્ત્વપૂર્ણ છે.
 
ઉપસંહાર
 
આમ મહા કુંભમેળો ધર્મઆસ્થા સંસ્કૃતિ અને પરાક્રમોનો અભૂતપૂર્વ મહાસંગમ છે. અહીં ધર્મ છે, અર્થ છે, પરાક્રમ છે અને મોક્ષ પણ છે. આ આયોજન ન માત્ર ભારતના ખૂણે-ખૂણાના લોકોને જોડે છે. બલ્કે વિશ્વભરનાં પ્રવાસીઓ અને વિશેષજ્ઞોને આકર્ષિત કરી આપણી સનાતન પરંપરા `વસુધૈવ કુટુમ્બકમ્'ની સંસ્કૃતિને ચરિતાર્થ કરે છે. આ મેળાવડો આત્માની શુદ્ધિ અને સમરસતાનું પ્રતીક છે ત્યારે આવો આપણી આ મહાન સનાતન પરંપરાનું ગૌરવ લઈએ.

સંજય ગોસાઈ

સંજય ગોસાઇ સાધનામાં છેલ્લા ૧૦ વર્ષથી પત્રકાર તરીકે કામ કરે છે. તેમણે ગૂજરાત વિદ્યાપીઠમાંથી જર્નાલિઝમની માસ્ટર ડિગ્રી મેળવી છે. હાલ તેઓ સાધનાનાં સંપાદક મંડળમાં છે…