મકરસંક્રાંતિ નિમિત્તે વિશેષ - શ્રીરામે ઉડાડેલો પતંગ ઇન્દ્રલોક સુધી પહોંચ્યો હતો

પતંગ ઉડાડવામાં અને ચગાવવામાં ઘણો ફરક છે. આકાશમાં પતંગો ઊડે છે, પણ ધરતી પર મોટાભાગના અને મોટાભાગની પતંગો ચગે છે. ઉત્તરાયણે દાન દઈએ તો અનેકગણું પુણ્ય મળે છે.

    ૧૩-જાન્યુઆરી-૨૦૨૫   
કુલ દૃશ્યો |

shri ram and kite
 
 
ત્રણ હજાર વર્ષ પૂર્વ વિશ્વનો પહેલો પતંગ પાંદડાંમાંથી બનાવવામાં આવ્યો હતો એવું માનવામાં આવે છે. આજે ત્રણ હજાર રૂપિયા સુધીના પતંગ બજારમાં ઉપલબ્ધ છે. આપણી ઉપલબ્ધિનું બજાર ધમધમે છે, પણ પ્રાપ્તિના પતંગો ઊડી શકતા નથી. અમદાવાદના આંગણે યોજાતા ઇન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલે ગુજરાતીઓને ઘેલું લગાડ્યું છે. વિશ્વનો સૌથી મોટો પતંગ પિટર લીને બનાવ્યો હતો, પણ ઉત્તરાયણને દિવસે દરેક વ્યક્તિ પિટર લીન હોય છે. કાઈપો છે...ના સોલો સોંગમાં ઢીલ દે દે રે ભૈયાનું કોરસ સંભળાતું હોય છે.
 
સૂર્યનું ઉત્તર દિશા તરફ અયન એટલે ઉત્તરાયણ. આ દિવસથી જીવનના પ્રશ્નો શોધવાના હોય છે. આ દિવસે દાન આપવાનો મહિમા છે. આપણા રિવાજોમાં જીવનની અદ્ભુત સમજણ ભળેલી છે. મકરસંક્રાંતિના દિવસે તલ અને ગોળના લાડુ ખાઈએ છીએ. શિયાળામાં તલ અને ગોળ આરોગ્યની દૃષ્ટિએ સારાં. આમ પણ ગળ્યું ખાઈએ એટલે મોં મીઠું થાય અને એ મીઠાશ શબ્દોમાં ભળે. જીભ તોતડી હશે તો ચાલશે પણ તોછડી હશે તો નહીં ચાલે. દરેક તહેવાર પાછળ એક સંદર્ભ- સમજણ ભરેલી છે, પણ આપણે તો તહેવારને વહેવાર બનાવી દીધો છે.
 
ખાસ આભાર નાનાભાઈ હરિદાસનો કે એમણે ઉત્તરાણની રજા જાહેર કરાવી. ૧૮૭૩માં ક્વીન વિક્ટોરિયા બોમ્બે હાઈકોર્ટના જસ્ટિસની તલાશમાં હતા. નાનાભાઈ કાયદાવિદ તરીકે જાણીતા હોવાથી એમની નિમણૂક કરી. નાનાભાઈ સુરતના હતા એટલે પતંગરસિયા હતા અને એમણે ક્વીનને વિનંતી કરી અને એ માન્ય રખાઈ. જો કે સુરતના મોટાભાઈઓએ અનઓફિશિયલી વાસી ઉત્તરાયણની રજા પણ રાખી દીધી છે. જેણે સુરતની ખૂબસૂરત ઉત્તરાયણ નથી જોઈ એમણે કશુંક ગુમાવ્યું છે.
 
અગાશી વળાવી સજ્જ કરુ... ઉત્તરાયણ આવે એટલે અગાસીમાં જીવ આવે. અગાસીનું આકર્ષણ ઘટ્ટ બને અને આકાશનું અનુસંધાન સધાય છે. કનકવો કપાય ત્યારે કટી પતંગનું સેડ સોંગ મનના સીડી પ્લેયરમાં વાગે છે. દિવસની નિરાશા ખંખેરીને આશાવાદી યુવાનો રાત્રે ફાનસ, ગુબ્બારાના સહારે એક નયી દુનિયા બસા લેતે હૈં...નો મૂડ બનાવે છે.
 
સૂર્ય ધનુ રાશિમાંથી મકર રાશિમાં સ્થાનાંતર કરે ને ઉત્તરાણ શરૂ થાય છે. પતંગના ઉમંગ સાથે ઘણી વાર ઉદ્દેશ પણ ભળી જતા હોય છે. જીવનની ઉત્તરાણમાં ઈર્ષાના પતંગને કાપશો તો અને તો જ આનંદના પતંગને ઉડાડી શકશો. પતંગનો અર્થ કુદરત સાથે દોસ્તી કરવી. ડીજેના બૂમબરાડામાં આ વાત ક્યાં સંભળાય છે? ભૂતકાળમાં શ્વાસની બીમારી હોય તો વૈદ્યો ખુલ્લા આકાશમાં પતંગ ચગાવાનું કહેતા. રામચરિત માનસમાં તુલસીદાસે કહ્યું છે, રામ ઈક દિન ચંગ ચડાઈ. ભગવાન શ્રીરામે પોતાના ભાઈઓ અને હનુમાનજીની સાથે પતંગ ઉડાડી હતી. તુલસીદાસે શબ્દપ્રયોગ કર્યો છે, ચંગ ચડાઈ મતલબ કે પતંગ ઉડાઈ! શ્રીરામે ઉડાડેલો પતંગ છેક ઇન્દ્રલોક સુધી પહોંચ્યો હતો. ગયા વર્ષની ૨૨મી તારીખે અયોધ્યાથી મોદીએ ઉડાડેલો પતંગ આખી દુનિયામાં પહોંચેલો. પ્રેમનો પતંગ અંતરના આકાશે પહોંચશે. ઊંચું નિશાન રાખ્યું હશે તો તમે તમારા ગંતવ્યસ્થાને પહોંચવાના જ. પોઇન્ટ બ્રેક ફિલ્મના વિલન (કે હીરો) જેમ પતંગનું લક્ષ્ય પણ ઉન્નતભ્રૂ છે. ઊડવું એ પતંગનું સાર્થક્ય છે.
 
પતંગ ઉડાડવામાં અને ચગાવવામાં ઘણો ફરક છે. આકાશમાં પતંગો ઊડે છે, પણ ધરતી પર મોટાભાગના અને મોટાભાગની પતંગો ચગે છે. ઉત્તરાયણે દાન દઈએ તો અનેકગણું પુણ્ય મળે છે. આપનો મનગમતો મારગ રંગબેરંગી બને એવી પતંગપ્રાર્થના. કમુરતાંનો કાટમાળ હડસેલાય અને શુભનું સ્વાગત અને મંગલની મહેરબાની થાય એ ખરી ઉત્તરાયણ.
 

હરદ્વાર ગોસ્વામી

હરદ્વાર ગોસ્વામીની ‘ગુજરાત સમાચાર'માં દર બુધવારે પ્રગટ થતી ‘તર-બ-તર’ કૉલમ ખૂબ પ્રસિદ્ધ છે. તેઓએ અમેરિકા, U.S., કેન્યા, આફ્રિકા, ભૂતાન, ચીન, દોહા, કતાર, દુબઈ, નેપાળ ઇત્યાદિ દેશોની સાહિત્યિક યાત્રા કરી છે. માત્ર 15 વર્ષની વયે સુપ્રસિદ્ધ સામયિક ‘કવિલોક'માં છાંદસ રચના પ્રગટ થઈ હતી. કૉલેજકાળથી મુશાયરાના મંચ ગજાવવાનું શરૂ કર્યું હતું. M.A., M.Phil., Ph.D. સુધીનો અભ્યાસ કર્યો અને યુનિવર્સિટી ફર્સ્ટ [ગોલ્ડ મેડાલિસ્ટ) હોવા છતાં નોકરી નહીં કરીને ફ્રિલાન્સ રાઇટર તરીકે કાર્યરત છે. 5000થી વધુ કાર્યક્રમો કરી ચૂક્યા છે. અમેરિકામાં યોજાયેલ ત્રિદિવસીય ‘વર્લ્ડ ગુજરાતી કૉન્ફરન્સ'માં દસ હજાર ગુજરાતીઓ સમક્ષ ‘નોખો અનોખો ગુજરાતી' વિષય પર વક્તવ્ય આપ્યું હતું. 100થી વધુ સિરિયલ, ફિલ્મનું લેખન અને ગીતો લખ્યાં છે. એમણે લખેલું ટ્રાન્સમીડિયા નોમીની પ્રૉફેશનલ કૉમેડી પ્લે ‘મિસિસનો મિસકોલ’ના 100 જેટલા શો થયા છે. F.Y.B.A.માં હતા ત્યારે નાટકનો પ્રતિષ્ઠિત ઍવૉર્ડ બટુભાઈ ઉમરવાડિયા પુરસ્કાર શ્રી હસમુખ બારાડીના હસ્તે અમદાવાદ મુકામે પ્રાપ્ત થયો હતો. નાનીવયે ગુજરાત સરકારનો પ્રતિષ્ઠિત યુવા ગૌરવ પુરસ્કાર અર્પણ થયો હતો. દિલ્હી સાહિત્ય અકાદમી અને યંગ ટૅલેન્ટેડ પોએટ (ન્યૂ જર્સી, U.S.), AMCનો બેસ્ટ ઍન્કર ઍવૉર્ડ, સંસ્કાર ભારતી ઍવૉર્ડ, સરસ્વતી સન્માન, બેસ્ટ કૉલમ રાઇટર ઍવૉર્ડ ઇત્યાદિ ઍવૉર્ડ પ્રાપ્ત થઈ ચૂક્યા છે. ભારત સરકારના કલ્ચરલ ઍમ્બેસેડર તરીકે વિદેશ પ્રવાસ પણ કરી ચૂક્યા છે. તેઓ આકાશવાણી અને દૂરદર્શનના ‘A’ ગ્રેડના આર્ટિસ્ટ છે. તેમનાં 10થી વધુ પુસ્તકો પ્રગટ થઈ ચૂક્યાં છે.