બાણશય્યા પર રહીને ભિષ્મ પિતામહે મૃત્યુ માટે જેની રાહ જોઈ હતી તે પવિત્રતમ સંક્રાંતિ પર્વ સાથે જ પ્રારંભ થયો ઉત્તરાયન(ણ)નો, જેના છ (૬) માસ પછી દક્ષિણાયન શરૂ થશે.
આજથી ૧૩૦ વર્ષ પૂર્વે સ્વામી વિવેકાનંદજીએ પોતાના ગુરુભાઈઓને પત્ર લખી ગુરૂદેવ શ્રીરામકૃષ્ણ પરમહંસના જન્મથી સુવર્ણ યુગ શરુ થઇ ગયો હોવાનું જણાવ્યું હતું. જેમ રાત્રિ અને દિવસને જોડતો સંધિકાળ, જેને સંધ્યાકાળ કહીએ છીએ તેમ યુગપરિવર્તન વખતે પણ બંને યુગને જોડતો યુગ-સંધિકાળ હોય છે.
મહર્ષિ અરવિંદના કહેવા મુજબ યુગ-સંધિકાળ લગભગ ૧૭૫ વર્ષનો રહેતો હોય છે. ગુરૂદેવ શ્રીરામકૃષ્ણ પરમહંસનો જન્મ ૧૮ ફેબ્રુઆરી, ૧૮૩૬માં થયેલ, તેમાં ૧૭૫ વર્ષ ઉમેરીએ એટલે ૨૦૧૧ મળે. ૨૦૧૧થી પરિવર્તનનો પવન ફૂંકાવાનો શરૂ થયો. રાષ્ટ્રના સંક્રાંતિકાળની ઉપલબ્ધિ નજરની સામે છે. ૨૦૧૪ આવતાં આવતાં તો સૌને તેનો અનુભવ થવા લાગ્યો. (૧૯૨૫ની આસપાસમાં સંધિકાળનો મધ્ય હતો. તે વખતે રા.સ્વ.સંઘની સ્થાપના થયેલી.) ભારતનું ભાગ્યચક્ર બદલાવાની શરૂઆત થઈ ગઈ.
બ્રિટિશ દૈનિક ધ ગાર્ડિયને લખ્યું કે, Today 18 May 2014 may well go down in history as the day when Britain finally left India. ઈ.સ. ૧૮૨૧માં માંચેસ્ટરથી શરૂ થયેલું ઇંગ્લેન્ડનું આ માતબર અખબાર વડાપ્રધાન નરેન્દ્રભાઈની સરકારને ધ્યાનમાં રાખીને નવા યુગના ભારતને પોતાની દૃષ્ટિએ ખૂબ જ સાર્થક રીત મૂલવી રહ્યું હતું.
વિશ્વમાં થતાં પરિવર્તનો ક્રાંતિકારી હોય છે, ત્યાં દેશોની જનસંખ્યા આપણાં રાજ્યોની સરેરાશ જનસંખ્યાની આસપાસ હોય છે, તેમ છતાં ત્યાં વર્ગવિગ્રહ-અફરાતફરી-સંઘર્ષ-ઉશ્કેરાટ-ઉગ્રતા-હિંસા-મારકાપ વગેરે પરાકાષ્ઠા (Extreme) ઉપર હોય છે. જ્યારે આપણા આવડા મોટા ભારતમાં સમ્યક્ ક્રાંતિ થાય છે, સહજ પરિવર્તન થાય છે. પરાકાષ્ઠાએ જવું તે સનાતનના સ્વભાવમાં નથી.
તાજેતરમાં જ જોઈએ તો.. ઈરાન-ઇઝરાયેલે એકબીજા પર સીધા હુમલા કર્યા, લેબનોન-ગાઝા-યુક્રેન-રશિયા જેવા યુદ્ધરત દેશોની યાદીમાં પાકિસ્તાન-અફઘાનિસ્તાન જોડાઈ રહ્યાં છે. ડોનાલ્ડ ટ્રમ્પે હજુ શપથ પણ લીધા નથી, તેમ છતાં ત્યાં અને આજુ-બાજુમાં પણ મોટા પાયે ઉથલપાથલોની સંભાવના ડોકાઈ રહી છે. સાથે સાથે... દક્ષિણ કોરિયાની માર્શલ લો પછીની અરાજક સ્થિતિ, જાપાનમાં જોર પકડેલ છે તેવી રાજકીય ઉથલપાથલો, ફ્રાન્સમાં એક જ વર્ષમાં બદલાયેલા ત્રણ વડાપ્રધાન, સીરિયામાંથી ભાગેલા અસદ પરિવારનું ત્યાંનું પચાસ વર્ષના રાજ્યનું સમાપ્ત થવું, કેનેડામાં જસ્ટિન ટ્રુડોનું ઘરભેગા થઈ જવું, શેખ હસીનાના પલાયન પછી બાંગ્લાદેશમાં શાસન પ્રેરિત આતંકવાદ સામે લઘુમતી હિન્દુ સમાજ લડી રહ્યો છે તે અસ્તિત્વની લડાઈ, આર્થિક મંદીનો સામનો કરી રહેલું જર્મની, પોતાના સ્વભાવના કારણે ઉભા થયેલા દુશ્મનોનો સામનો કરતાં કરતાં અસ્થિર બની રહેલું ચીનનું આર્થિક માળખું, આ બધું જાણે આંખના પલકારામાં બની રહ્યું હોય તેવું લાગે છે.
આ બાજુ આપણે ત્યાં મહાકુંભમાં માત્ર છ-સાત સપ્તાહમાં જ આવડા મોટા દેશમાંથી દૂર દૂર ઉત્તર-દક્ષિણ અને પૂર્વ-પશ્ચિમથી અને વિદેશથી કુલ મળીને ૪૦ કરોડ લોકો આવશે-જશે, અને આ બધું એકદમ શાંતિથી પૂર્ણ થશે. કલ્યાણકારી શિવના સતત `ધ્યાન'માં, વિષ્ણુના ચાર માસ (ચતુર્માસ)ના `ધ્યાન'માં, યોગીઓના નિત્ય `ધ્યાન'માં સહજતા વર્તાય છે કારણ કે તે `ધ્યાન'માં, કરૂણા-દયા-પ્રેમનું હોવું નિહિત છે. ભારતનું આ `ધ્યાન' ઉપરોક્ત વિપરીત વૈશ્વિક સ્થિતિમાં પણ વિશ્વને ક્રાંતિના બદલે સંક્રાંતિનો સંદેશ આપવામાં સક્ષમ છે. સંયુક્ત રાષ્ટ્રએ વિશ્વની જે સ્થિતિમાં `વિશ્વ ધ્યાન દિન'ની ઘોષણા કરી છે તે જ ઘણું સૂચક છે.
દિ. ૨૧-૧૨-૨૦૨૫ના દ્વિતીય `વિશ્વ ધ્યાન દિન' સુધીમાં ભારતના `ધ્યાન' તરફ વિશ્વનું મન બને અને તે `ધ્યાન' થકી ક્રાંતિના બદલે ‘सत्यम् शिवम् सुंदरम्’ વાળા સંક્રાંતિમૂલક પરિવર્તનને સ્વીકારતું-આવકારતું-પુરસ્કૃત કરતું થાય, તે નવા યુગની સંકલ્પના બની રહો...