અનુશાસન એક એવો મંત્ર છે જેનાથી એક વ્યક્તિથી લઈને સમષ્ટિ સુધીની અનેક સમસ્યાઓનો ઉકેલ પ્રાપ્ત કરી શકાય છે, કારણ કે આજે સમગ્ર વિશ્વ દૂષિત પર્યાવરણની ગંભીર સમસ્યાથી પીડાઈ રહ્યું છે. ઉદ્યોગો, વાહનવ્યવહાર અને અનેક પ્રકારના માનવનિર્મિત પ્રદૂષણને કારણે આજે સમગ્ર વિશ્વ એક ગંભીર કટોકટી તરફ જઈ રહ્યું છે. ગ્રીન હાઉસ ઇફેક્ટ, ગ્લોબલ વોર્મિંગ, ક્લાઇમેટ ચેન્જ જેવી પર્યાવરણીય સમસ્યાઓ વૈશ્વિક કક્ષાની સમસ્યાઓ છે. સમગ્ર દુનિયા અત્યારે ગ્લોબલ વોર્મિંગના કારણે ચિંતાતુર છે. દિન-પ્રતિદિન સમગ્ર પૃથ્વીના તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. ગ્લોબલ વોર્મિંગના કારણે પર્યાવરણ તેનું સંતુલન ગુમાવી રહ્યું છે. અતિશય ગરમી પડવી, અતિશય વરસાદ પડવો તથા ૠતુમાં અનિયમિત પરિવર્તન થવું વગેરે ઘટનાઓ સામાન્ય થઈ છે.
પર્યાવરણને સાચવવા અને એના વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવાના મહાન ઉદ્દેશ્ય સાથે સંયુક્ત રાષ્ટ્ર સંઘે દરેક નવેમ્બર મહિનાની ૨૬મી તારીખને `વિશ્વ પર્યાવરણ જાળવણી દિવસ' તરીકે ઉજવવાની શરૂઆત કરી છે અને દર વર્ષે જુદી જુદી થિમ મુજબ એ ઉજવણી થઈ રહી છે. વિશ્વના અનેક દેશો એમાં સહભાગી થાય છે અને સંયુક્ત રીતે પર્યાવરણમાં પ્રદૂષણ ઓછું કરવા માટે કમર કસે છે. ઉપરાંત સ્થાનિક રીતે પ્રયત્નો/પ્રયોગો થાય તે જુદા.
તેમ છતાં વિશ્વમાં પ્રદૂષણ ઘટવાને બદલે વધી રહ્યું છે! કારણ....? કારણ કે સંકલ્પો થાય છે, યોજનાઓ ઘડાય છે પણ સંપૂર્ણ અનુશાસનપૂર્વક તેનો અમલ નથી થઈ શકતો. હા, પ્રયત્નો અને પ્રયોગો જરૂર થાય છે પણ જે પ્રકારે શત પ્રતિશત ધ્યાન કેન્દ્રિત કરીને અનુશાસનપૂર્વક કાર્ય થવું જોઈએ તેનો અભાવ છે. અને એના કારણે જ આ સમસ્યાનો કાયમી ઉકેલ આવતો નથી.
આગળ કહ્યું તેમ એવું નથી કે આ અંગે ક્યાંય કશું થઈ જ નથી રહ્યું. ભારત સહિત કેટલાક દેશો પર્યાવરણની આ સમસ્યાને ગંભીરતાથી લઈને આગળ વધી પણ રહ્યા છે. ભારતની હજારો વર્ષની જૂની સંસ્કૃતિમાં પ્રકૃતિ અને પ્રગતિ વચ્ચે હંમેશા સંતુલન જોવા મળ્યું છે. ભારત પર્યાવરણના સંરક્ષણ પર વિશેષ રીતે કાર્ય કરી રહ્યું છે. છેલ્લાં ૪ થી ૫ વર્ષથી ભારત આ દિશામાં અવિરતપણે કાર્યરત છે. ભારતે વર્ષ ૨૦૧૮માં સિંગલ-યુઝ પ્લાસ્ટિકની સમસ્યામાંથી મુક્તિ મેળવવા બે સ્તરે કામ કરવાની શરૂઆત કરી હતી. ભારતે એક તરફ દેશમાંથી સિંગલ-યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂક્યો તો બીજી તરફ પ્લાસ્ટિકના કચરા પર પ્રોસેસિંગ કરવાની કે તેનો નાશ કરવાની પ્રક્રિયા ફરજિયાત બનાવી. આ કારણે ભારતમાં પ્લાસ્ટિકના પેકેજિંગના આશરે ૩૦ લાખ ટનનું ફરજિયાત રિસાયકલિંગ થવા લાગ્યું છે. જે ભારતમાં દર વર્ષે પેદા થતા પ્લાસ્ટિકના કચરાનો આશરે ૭૫ ટકા હિસ્સો હતો તેમજ અત્યારે આશરે ૧૦ હજાર ઉત્પાદકો, આયાતકારો અને બ્રાન્ડ્સ એના કાર્યક્ષેત્રમાં આવી ગઈ છે.
આમ ૨૧મી સદીનું ભારત આબોહવામાં પરિવર્તન અને પર્યાવરણીય સંરક્ષણ માટે અતિ સ્પષ્ટ્ર રૂપરેખા સાથે અગ્રેસર થયું છે. ભારતે વર્તમાન જરૂરિયાતો અને ભવિષ્યના વિઝન વચ્ચે સંતુલન પેદા કર્યું છે. દરિદ્રનારાયણ કે અતિ ગરીબોને જરૂરી મદદ પ્રદાન કરવા માટે, ભવિષ્યની ઊર્જાલક્ષી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને દેશે અનેક મોટા પગલાં ય લીધાં છે. જેમ કે સૌરઊર્જા. તેનાથી લોકોને નાણાંની બચત કરવામાં મદદ મળી અને પર્યાવરણના સંરક્ષણ માટે ય ઘણું કામ થયું. છેલ્લા દાયકા દરમિયાન ભારતે સ્વચ્છ અને પર્યાવરણને અનુકૂળ ઊર્જા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ભારતે મિશન ગ્રીન હાઇડ્રોજન શરૂ કરીને રાસાયણિક ખાતરોના ખતરામાંથી જમીન અને પાણી બચાવવા સજીવ ખેતી તરફ મુખ્ય પગલાં લેવાનો પ્રારંભ કર્યો છે. તો સાથે સાથે ગ્રીન ફ્યુચર, ગ્રીન ઇકોનૉમી - પર્યાવરણને અનુકૂળ ભવિષ્ય અને પર્યાવરણને અનુકૂળ અર્થતંત્ર - માટે ય અનેક યોજનાઓ અમલમાં મૂકી.
સમાજમાં એક ચર્ચા એ પણ છે કે વિકાસ પર્યાવરણનો વિનાશ નોતરે છે. એ બિલકુલ સત્ય છે. ઘણા દેશો અભૂતપૂર્વ વિકાસ સાધે છે પણ એની સાથે પર્યાવરણને નુકશાન થાય છે એ બાબત પર પૂરતું ધ્યાન નથી આપતા. તેમના વિકાસની કિંમત આખી દુનિયાના પર્યાવરણને ભોગવવી પડી છે કે ચૂકવવી પડી છે. કેટલાંક વિકસિત દેશોની ખામીયુક્ત નીતિઓનાં નુક્સાનકારક પરિણામોનો સામનો બાકીની આખી દુનિયાએ કરવો પડે છે. હાલમાં વિશ્વનો જે ઝડપે આર્થિક વિકાસ થઈ રહ્યો છે તે આત્મઘાતક છે, તે નિર્વિવાદ બાબત છે. આ વિકાસથી માનવજાત જ ખતમ થઈ જાય તો તે વિકાસ શા કામનો અને શા માટે? આ વિકાસથી જંગી પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન થાય છે. તે વૈશ્વિક તાપમાન અને તેના વિનાશકારી અનિષ્ટોનું મૂળ છે. દાયકાઓ સુધી, કેટલાક વિકસિત દેશોના આ વલણને ટોકવાવાળું કોઈ નહોતું, કોઈ રોકવાવાળું નહોતું, કોઈ દેશ નહોતો. આજે ભારતે આવા દરેક દેશની સામે ક્લાઈમેટ જસ્ટિસનો મુદ્દો ઉઠાવ્યો છે. ભારતે આ મુદ્દો ઉઠાવીને વિકાસમાં એવા અનુશાસનની માંગ કરી જે પર્યાવરણને નુકસાન ના કરે.
અન્ય દેશને કહેતું ભારત પ્રથમ પોતે તેને અનુસરે છે. ભારતમાં પર્યાવરણ સુરક્ષા માટે અનેક યોજનાઓ બની છે. એને લોકોએ આવકારી જ નહીં પણ અપનાવી ય છે. આ ચેતના માત્ર દેશ પૂરતી સીમિત નથી રહી, પરંતુ સમગ્ર વિશ્વમાં તેનું સમર્થન વધી રહ્યું છે. બે વર્ષ પહેલાં જ પર્યાવરણ દિવસે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વસમુદાયને વિનંતી કરી હતી કે, તેઓ આબોહવાને અનુકૂળ વર્તન - પરિવર્તન લાવવા માટે નવીન ઉકેલો શેર કરે. એને આવકારીને વિશ્વના લગભગ ૭૦ દેશોના હજારો સહકર્મીઓએ તેમના વિચારો શેર કર્યા હતા. તેમાં વિદ્યાર્થીઓ, સંશોધકો, વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતો, વ્યાવસાયિકો, એનજીઓ અને સામાન્ય નાગરિકો પણ હતા.
વૈશ્વિક સ્તરે પર્યાવરણની જાળવણી માટે `United Nations Environment Programme UNEP' દ્વારા સમગ્ર વિશ્વમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. છેલ્લા બે-ત્રણ દશકામાં સમગ્ર વિશ્વે એવું માન્યું છે કે, ખરેખર પર્યાવરણની જાળવણી અને એને લગતા કાર્યક્રમોને વિશેષ મહત્ત્વ આપવાની જરૂરિયાત છે. આ મુદ્દાને ગંભીરતાથી લઈ વિશ્વના કેટલાય દેશો પર્યાવરણ સુરક્ષામાં સજાગ બન્યા છે. તેમાંથી અગ્રહરોળનાં ૧૦ દેશોમાં એસ્ટ્રોનિયા, લક્સમબર્ગ, જર્મની, ફિનલેન્ડ, યુનાઇટેડ કગડમ્, સ્વીડન, નોર્વે, ઓસ્ટ્રિયા, સ્વિટ્ઝરલેન્ડ અને ડેનમાર્કનો સમાવેશ થાય છે. આ દેશોનો EPI સ્કોર (એન્વાયરન્મેન્ટ પરફોર્મન્સ ઇન્ડેક્ષ) વિશ્વના તમામ દેશો કરતાં શ્રેષ્ઠ છે. આ દેશોએ પોતાનાં પ્રાકૃતિક પરિવેશને સંરક્ષિત કરવા માટે, પ્રદૂષણનાં સ્તરને સાવ ઓછું કરવા માટે તથા પર્યાવરણ સુરક્ષા માટે ઉચ્ચસ્તરીય અને અનુકરણીય માનકો સ્થાપિત કરવા માટે મહત્ત્વપૂર્ણ કામગીરી કરી છે. નાગરિકો માટે કડક નિયમો બનાવ્યા છે અને પ્રભાવી પ્રબંધન પણ ગોઠવ્યું છે. અન્ય દેશો પણ પર્યાવરણ જાળવણી માટે અનુશાસનથી કાર્ય કરવાની નેમ સાથે આગળ વધવાની આવશ્યકતા છે.
જે રીતે વિશ્વ સમુદાય અને આપણો દેશ પર્યાવરણના પ્રદુષણને દૂર કરવા માટે પ્રયત્નો કરી રહ્યા છે એ રીતે આપણે વ્યક્તિગત રીતે પણ એમાં સાથ - સહકાર આપવાની જરૂર છે. આપણે મોસમ પરિવર્તન માટે જવાબદાર મનાતા ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન ઘટાડવામાં સહભાગી બનવાનું છે. પ્રવર્તમાન પર્યાવરણીય સમસ્યાઓથી બચવા માટે કુદરતી સ્રોતોનો મર્યાદિત ઉપયોગ કરી બિનપરંપરાગત ઊર્જાનાં સાધનોનો ઉપયોગ કરવા આગળ આવવાનું છે. આપણે પવનઊર્જાનો ઉપયોગ કરી, પવનચક્કી દ્વારા વીજ ઉત્પાદન કરી વાતાવરણમાં કોલસા કે અણુથી ઉત્પાદન થતી ઊર્જા દ્વારા ફેલાતું પ્રદૂષણ રોકીને વિશ્વને પર્યાવરણીય સમસ્યાઓથી બચાવી શકીશું.
આપણો સમાજ પરિવર્તનને પોંખે છે. મૃત્યુ પછી શબને ચિતા પર મૂકીને અંતિમ સંસ્કાર કરવા આ ધાર્મિક માન્યતા પણ છે, છતાં આપણો સમાજ અંધશ્રદ્ધાળુ નથી. આપણો સમાજ પોતાની ધાર્મિક માન્યતાઓને કોરાણે મૂકીને ભઠ્ઠીમાં અગ્નિસંસ્કાર કરે તેમાં વિકાસ અને પર્યાવરણનો સમન્વય છે. આ રીતે, પર્યાવરણનું અનુશાસન જાળવવાની નવી પરંપરા આપણા સમાજ જ સ્વીકારી શકે છે.
અગાઉ આપણે વાત કરી કે, આડેધડ વિકાસને કારણે પર્યાવરણને નુકસાન પહોંચે છે પરંતુ, સાવ એવું પણ નથી કે, વિકાસ માત્ર પર્યાવરણનો દુશ્મન છે. ખરેખર જો અનુશાસનપૂર્વક વિકાસ સાધવામાં આવે તો પર્યાવરણને થતું નુકસાન બચાવી શકાય છે. માટે, આજે વિકાસ અને પર્યાવરણનો સમન્વય સાધવો જરૂરી છે અને આ સમન્વય પર્યાવરણીય અનુશાસન છે. ઉદા. રસોઈ માટે વપરાતાં લાકડાંની જગ્યાએ કરાતો ગેસનો ઉપયોગ, જેના કારણે રસોઈ બનાવતી બહેનોની આંખો તથા શ્વસનતંત્રને ધુમાડા સામે સુરક્ષા મળી છે તથા બળતણનાં લાકડાં માટે કપાતાં વૃક્ષો બચી ગયાં છે.
આવો આજે આપણે સૌ ભેગા મળીને વિકાસ અને પર્યાવરણનો સમનવ્ય સાધીએ. જરૂરી પરિવર્તન આવકારીએ. પરંતુ બધું જ અનુશાસનપૂર્વક. આપણે પર્યાવરણને બચાવવાનો સંકલ્પ કરીએ, અને એનાથી મોટો સંકલ્પ એ લઈએ કે એ સંકલ્પને અનુશાસનપૂર્વક વળગી રહીને પૂર્ણ કરીશું. આપણે અનુશાસનપૂર્વક જો પર્યાવરણની સુરક્ષા કરીશું તો આપણી આવનારી પેઢીઓને સુંદર ભવિષ્ય આપી શકીશું.
યાદ રહે, વૈશ્વિક અનુશાસનથી જ પર્યાવરણ સુરક્ષિત બનશે. અને વૈશ્વિક અનુશાસનનો પ્રારંભ વ્યક્તિગત અનુશાસનથી જ થાય છે.