મહાભારતના અનુશાસન પર્વના એક અધ્યાયમાં પિતામહ ભીષ્મે ખૂબ સુંદર વાત જણાવી છે કે, જ્યારે નદી સમુદ્ર સુધી પહોંચે છે ત્યારે જળના પ્રવાહ સાથે મોટાં-મોટાં ઝાડ પણ તાણી જાય છે. એક દિવસ સમુદ્રએ નદીને પ્રશ્ન પૂછ્યો કે, તારો જળપ્રવાહ એટલો શક્તિશાળી છે કે, એમાં મોટાં-મોટાં ઝાડ પણ તણાઈ જાય છે. તું પળભરમાંથી અહીંથી ક્યાંય દૂર પહોંચી જાય છે, પરંતુ નાનું અને હલકું ઘાસ અને કોમળ છોડને નથી તાણી શકતી, તેનું શું કારણ છે?
આ પ્રશ્નના જવાબમાં નદીએ જવાબ આપ્યો કે, જ્યારે-જ્યારે મારા પાણીનો પ્રવાહ આવે છે ત્યારે-ત્યારે ઘાસ નમી જાય છે અને રસ્તો આપી દે છે. પરંતુ ઝાડ પોતાની કઠોરતાના કારણે આમ નથી કરી શકતાં. એટલે જ મારો પ્રવાહ તેમને તાણી જાય છે.
આ નાનકડા ઉદાહરણથી આપણે શીખવું જોઈએ કે, આપણે હંમેશાં વિનમ્ર રહીએ તો જ આપણું અસ્તિત્વ જળવાઈ રહે છે. આ જ સુખી જીવનનું રહસ્ય છે. જે લોકો નમતા નથી તેમને ઘણાં દુઃખનો સામનો કરવો પડે છે. બધા જ પાંડવોએ ભીષ્મનો ઉપદેશ ધ્યાનથી સાંભળ્યો અને તેને પોતાના આચરણમાં ઉતારી સુખી થઈ ગયા. યુવાનો જેટલું નમ્રતા શિરોડકરને ઓળખે છે એટલું નમ્રતાને નથી ઓળખતા... આ નમ્રતા વળી કઈ બલાનું નામ છે. શિખર પર પહોંચવું સહેલું છે, પણ ત્યાં સ્થાન ટકાવી રાખવું મુશ્કેલ છે.
અનુશાસનના બે પ્રકાર જોવા મળે છે. આંતરિક અનુશાસન અને બાહ્ય અનુશાસન. આંતરિક અનુશાસન એટલે સ્વ-નિયંત્રણ-સ્વયંઅનુશાસન. પોતાની પાસે રહેલા જ્ઞાન અને સમજણશક્તિ દ્વારા પરિસ્થિતિને અનુરૂપ વર્તન કરવું એટલે આંતરિક અનુશાસન. જ્યારે બાહ્ય અનુશાસન એટલે કોઈના કહેવાથી અથવા કોઈ નિયમને અનુસરીને કરવામાં આવતું વર્તન. જેમાં વ્યક્તિનો અણગમો ભળેલો હોય છે. વ્યક્તિ ગમે તેટલું ભણેલી હોય પણ જ્યાં સુધી તે વ્યક્તિના જીવનમાં સ્વયંઅનુશાસનનું અનુસરણ ના થાય ત્યાં સુધી તેની કોઈ પણ સિદ્ધિનું મૂલ્ય નથી. બાહ્ય અનુશાસનમાં ફરજિયાતપણું છે જે સપાટી પરનું છે, જે ક્યારેક છટકી શકે છે. સ્વયં શિષ્ટ્ર ચિરકાલીન હોય છે.
મહાકાવ્ય મહાભારતના અનુશાસનપર્વ (૧૩મો અધ્યાય) અથવા `બુક ઑફ ઇન્સ્ટ્રક્શન્સ'ને કેટલીકવાર `ઉપદેશોના પુસ્તક' તરીકે પણ ઓળખવામાં આવે છે. એ ભારતીય મહાકાવ્ય મહાભારતના અઢાર અધ્યાયોમાંથી તેરમો અધ્યાય છે. અનુશાસન પર્વ પરંપરાગત રીતે બે ઉપ-પર્વ (ભાગો) અને ૧૬૮ અધ્યાય (વિભાગો) ધરાવે છે. આ પેટા પર્વો નીચેમુજબ છે.
૧. દાન-ધર્મ પર્વ (અધ્યાય ૧-૧૫૨)
૨. ભીષ્મ-સ્વર્ગારોહણ પર્વ (અધ્યાય ૧૫૩-૧૬૮)
અનુશાસન પર્વ શાંતિ પર્વની થીમ આધારિત છે. પર્વની શરૂઆત ભીષ્મની મુલાકાતથી થાય છે, જે મૃત્યુપથારી પર છે. આ સંવાદ યુધિષ્ઠિર, ભીષ્મ અને અન્ય ઋષિઓ વચ્ચે છે, જેમાં ભીષ્મ વશિષ્ટ્ર, મૈત્રેય, સનતકુમાર, વાલ્મીકિ, કપિલા, વ્યાસદેવ અને નારદ સહિતના ઋષિઓ અને ઋષિઓથી ઘેરાયેલા છે. શાંતિ પર્વની જેમ, યુધિષ્ઠિર સલાહ માંગે છે અને ભીષ્મ જવાબ આપે છે. તેમાં શાસકની ફરજોની ચર્ચા, કાયદાનું શાસન, શાસકની નજીકના લોકો માટે ધર્મ પરની સૂચનાઓ-અમૂલ્ય નિયમો વગેરે અંગે તરફ ભીષ્મ પિતામહે બાણશય્યા પર જ સૂતાં સૂતાં માર્ગદર્શન આપેલું છે. આ સૂચનો કે ઉપદેશ રાજ્યના અધિકારીઓ, પુરુષો અને સ્ત્રીઓને સમર્પિત પ્રકરણો સાથે વ્યક્તિઓની ફરજો, વર્તન અને ટેવો વિશે પણ ચર્ચા કરે છે.
ભીષ્મ, અનુશાસન પર્વના અધ્યાય ૧૧૪માં સમજાવે છે કે કરુણાનો આ સિદ્ધાંત માત્ર વ્યક્તિની ક્રિયાઓ માટે જ નહીં, પરંતુ વ્યક્તિના શબ્દો તેમજ વ્યક્તિના વિચારોને લાગુ પડે છે. ભીષ્મ કહે છે કે, કરુણાનું એક પરિણામ, અહિંસા છે- કોઈને ઈજા અથવા નુકસાન પહોંચાડવાથી દૂર રહેવું. આ અહિંસા પર વ્યાપકપણે ટાંકવામાં આવેલા શ્લોકમાં પ્રકરણ ૧૧૭માં વ્યક્ત કરવામાં આવ્યું છે કે...
अहिंसा परमो धर्म:, परमो दमः
अहिंसा परम दानम् परमस्तपः
अहिंसा परमो यज्ञ: परमं बलम्
अहिंसा परमं मित्रम् अहिंसा परमं सुखम्
अहिंसा परम सत्यम् अहिंसा परमं श्रुतम्
સ્ત્રીઓની ફરજો અધ્યાય ૧૪૬માં, ભગવાન શિવ અને તેમની પત્ની દેવી ઉમા વચ્ચેના વાર્તાલાપ છે, ઉમા સૂચવે છે કે, સ્ત્રીઓની ફરજોમાં સારો સ્વભાવ, મધુર વાણી, મધુર આચાર અને મધુર લક્ષણોનો સમાવેશ થાય છે. એક સ્ત્રી માટે તેનો પતિ તેનો ભગવાન છે, તેનો મિત્ર છે અને ઉચ્ચ આશ્રય છે. સ્ત્રીની ફરજોમાં શારીરિક અને ભાવનાત્મક પોષણ, તેના પતિ અને તેના બાળકોનો આદર અને પરિપૂર્ણતાનો સમાવેશ થાય છે. પરિવારનું સુખ એ જ તેનું સુખ છે, પ્રતિકૂળ સંજોગોમાં અથવા માંદગીમાં તેમના માટે હાજર રહેવું, તે ખરેખર સુયોગ્ય છે. અનુશાસન પર્વના ઘણા અધ્યાયો મહાદેવ અને ઉમાની સ્તુતિને સમર્પિત છે. આ પ્રકરણો તેમની શક્તિ સમજાવે છે. આજની સ્ત્રીએ અધ્યાયમાં રજૂ કરેલ અનુશાસનનું પાલન નથી કર્યું એનું ફળ ભોગવવું પડ્યું છે. આજે સ્ત્રીને ખુલ્લું આકાશ મળ્યું છે, સારી વાત છે પણ એમાં ગમે તેવું ઉડ્ડયન કરવાનું ન હોય! એક ખોટી માન્યતા એવી પણ છે કે, આપણા ગ્રંથો સ્ત્રીવિરોધી છે. ઊલટાનું આ જ ગ્રંથોએ સ્ત્રીના વિકાસ-વિસ્તાર અને સન્માન-સમભાવની વાત કરી છે. થોડા સમય પહેલાં કાયદો આવ્યો કે સ્ત્રીને વારસાનો સરખો હિસ્સો આપવો પણ અનુશાસન પર્વનાં ઘણાં પ્રકરણોમાં સ્ત્રીના વારસાગત અધિકારોની ચર્ચા વર્ષો પહેલાં આ પવિત્ર ગ્રંથો કરી ચૂક્યા છે.
મહાભારતના અનુશાસન પર્વની આજના સમયમાં એટલી જ પ્રસ્તુતતા છે. સારી વાત છે કે છેલ્લાં દસેક વર્ષથી ભારતમાં આપણા વિરલ વારસાને પોંખવાની વાત થવા લાગી છે. આપણે આપણી પ્રતિષ્ઠાની પુનઃપ્રાણ પ્રતિષ્ઠા ક્યારે કરીશું? જે દિવસે થશે ત્યારે પરંપરાનો પમરાટ અને સંસ્કૃતિની સુવાસ પ્રસરશે. જેમણે પોતાના જીવનમાં અનુશાસનને ચુસ્ત રીતે અનુસર્યું છે એવા આદરણીય નરેન્દ્રભાઈ મોદીના શબ્દો સાથે વિરમું. `આપણે વેદથી વિવેકાનંદ અને ઉપનિષદથી ઉપગ્રહ સુધીની આ ભારતીય વૈભવી વિરાસતનું ગૌરવ ધરાવીએ છીએ. સાસ્કૃતિક ધરોહર આપણી પ્રાણશક્તિ છે, સંસ્કૃતિના આ મહામૂલા ગ્રંથોના સથવારે જ ગતિને પ્રગતિમાં રૂપાંતરિત કરી શકીશું.'
- રક્ષા શુક્લ