સ્વાતંત્ર્ય સંગ્રામમાં અનુશાસનઃ જેના કારણે અદ્ભુત ઇતિહાસ રચાયો

28 Jan 2025 12:43:36

swatantrata sangram anushasan in gujarati
 
`ક્રાંતિકારોને જગતે તો ફાંસીની રસ્સીએ ઝૂલનારા શહીદો તરીકે જ ઓળખ્યા, પણ સંસારનાં સમગ્ર બંધનોનું અતિક્રમણ કરનારા, કામવાસનાથી રહિત વૈરાગી વિપ્લવી હૃદયથી તો સામાન્ય જનસમાજ પણ અપરિચિત રહી ગયો. વિપ્લવીની નિર્માહ-વૈરાગ્ય-સાધના જેનાથી તેમનું જીવન ઉત્કર્ષના સર્વોચ્ચ શિખરે પહોંચ્યું, એ આત્મબલિદાનની રાજકીય પ્રતિક્રિયા લોકોના સુધી પહોંચી જ નહિ! નિઃસંદેહ ક્રાંતિકારી આંદોલનનું સ્વરૂપ રાજકીય રહ્યું છે અને રાષ્ટ્ર પર તેની ઘેરી અસર થઈ છે, પરંતુ તેમના આત્મ-બલિદાનનું મૂલ્યાંકન માત્ર રાજકીય કસોટીથી કરવું ઉચિત નથી. તેમનું અસલી કર્મયોગી સ્વરૂપ તો દૃષ્ટિપથ પર આવ્યું નથી. તેને સમજાવવાનો પ્રયાસ પણ ના થયો. કઈ રીતે તેઓ સર્વત્યાગના સ્તરે પહોંચ્યા હતા? મનુષ્યસમાજના કલ્યાણ કાજે વિશ્વાસની વેદી પર નિજ જીવન અને યૌવનનું સ્વૈચ્છિક બલિદાન આટલી સહજ-સરળ રીતે તેઓ આપી શક્યા? દેશભક્તિનાં મૂલ્યોની દીક્ષા લઈને પૂર્ણ વૈરાગીની જેમ આત્મીય સ્વજનો સાથે સંબંધ ત્યાગીને તેઓએ ગૃહત્યાગ કર્યો હતો. સંન્યાસજીવનના કઠોર સંયમ દ્વારા તેમનું મન `પ્રવૃત્તિ'ઓની શૃંખલાથી મુક્ત થયેલું. આદર્શને માટે પોતાના પ્રાણની આહુતિ આપવામાં જ જીવનની સાર્થકતા અને પરિપૂર્ણતા માની. એવું લાગે છે કે, કર્મયોગના `સાધના'માર્ગ દ્વારા સમગ્ર દર્શનશાસ્ત્રોનો તાત્ત્વિક સાર તેમણે પોતાના જીવનમાં આત્મસાત્ કરી લીધો હતો. ૧૯૨૯ના જૂન મહિનામાં લોકસભા બોમ્બ પ્રકરણમાં આજીવન કારાવાસની સજાને અભિનંદતા અમારા લક્ષ્યમાંથી એ જ પ્રતિજ્ઞાનો પ્રતિધ્વનિ નીકળ્યો હતો કે, તમે અમારા જેવી થોડીક વ્યક્તિઓને તો નષ્ટ્ર કરી શકો છો, પણ રાષ્ટ્રને નષ્ટ નહિ કરી શકો.
 
આ વિધાન સરદાર ભગતસિંહના સાથી બટુકેશ્વર દત્તનું છે. સ્વાધીનતા પ્રાપ્ત થયા પછી, કેન્સરની બીમારીમાં, દિલ્હીની હોસ્પિટલમાં ૨૦ જુલાઈ, ૧૯૬૫ના તેમનું અવસાન થયું ત્યારે તેમણે દેશભક્ત ક્રાંતિકારો કેવા અનુશાસનથી પ્રેરિત હતા તેની વાત કરી હતી. તેમના એ અંતિમ દિવસોમાં હું આ ક્રાંતિ-વિચારકના દર્શનનો સદ્ભાગી બન્યો હતો.
 
***
 
ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં અનુશાસન નિર્ણાયક હતું, કારણ કે અનુશાસનનો અર્થ તેમને માટે માત્ર શિસ્ત નહોતો, પ્રતિબદ્ધતા, ત્યાગ અને સમર્પણનો ભાવ હતો. એક વધુ આહુતિનું સ્મરણ કરીએ. લાહોરની નૈનપુર ગલીમાં રહેતો હતો રોશન મહેરા. વિધવા માતાને કહ્યું કે, મા, તારા જેવી અનેક વિધવાઓ, સંતાનો, બાળકો આ દેશમાં જીવી રહ્યાં છે. તેઓ ગુલામ છે. આપણે ગુલામ છીએ. ભારત માતાની મુક્તિ માટે મારે નીકળી પડવું છે, મને રજા આપ, માતા! માતાએ યુવા પુત્રને વિદાય આપી. ૧૯૩૩માં મદ્રાસ બોમ્બ ઘટના બની. ત્યાંના અંગ્રેજ ગવર્નરે કહ્યું હતું કે, મદ્રાસ તો બ્રિટિશ સામ્રાજ્યને વફાદાર છે. શંભુનાથ આઝાદ અને બીજા આઠ ક્રાંતિકારો તેને બોધપાઠ આપવા સક્રિય થયા. સમુદ્રકિનારે બૉંબનું પરીક્ષણ કરવા બધા ગયા. અચાનક વિસ્ફોટ થતાં રોશન દાઝી ગયો, ઘાયલ રોશનને પોલીસ પકડી ગઈ. હોસ્પિટલમાં લોહીથી લથપથ રોશનને તરસ લાગી હતી, તેણે પીવા માટે પાણી માંગ્યું. પથારી પાસે પોલીસ અફસર હાથમાં પાણીનો ગ્લાસ લઈને ઊભો હતો, તેણે કહ્યું, તારી અને તારી ટોળીની માહિતી આપી દે, તો તને પાણી આપું અને છોડી દઉં. પ્રશ્ન પૂછ્યો, `તારું નામ શું છે?' રોશન હતો પણ અનુશાસન હતું કે, બીજા સાથીદારોની માહિતી પોલીસને ના મળે. તેણે જવાબ આપ્યો, `મારું નામ ભગવાન છે.' `તારા પિતાનું નામ?' `તેમનું નામ ભગવાન છે.' `સાથીદારો?' `તે પણ ઈશ્વર છે.. અમારું કાર્ય ભગવાન રામ, કૃષ્ણ, શિવનું કામ છે..'
 
માહિતી મળી નહીં. ચિડાયેલા ઓફિસરે પાણી આપ્યું નહિ, અને રોશને અંતિમ શ્વાસ લીધા. વય ઓગણીસ વર્ષ.
 
***
 
સ્વાતંત્ર્ય સંગ્રામ એકલા ભાવાવેશથી નથી લડવામાં આવ્યો. યોજના અને નિયમો હતા તેના. ગુપ્તતા રાખવી પડતી. ૧૮૫૭માં અને પછી ૧૯૦૭માં રાસબિહારી બોઝના વિપ્લવ કાર્યોમાં તેવું અનુશાસન ચુકાઈ ગયું તેનાં પરિણામો ભોગવવા પડ્યાં. પણ ૧૩૦ જેટલા ક્રાંતિપ્રયાસો થયા તેમાં અદ્ભુત અનુશાસન હતું, અનુશીલન સમિતિ (૧૯૦૫)થી આઝાદ હિન્દ ફોજ (૧૯૪૫) સુધીની એ તવારીખ છે. વિદેશોમાં લાલા હરદયાલ, સરદારસિંહ રાણા, મેડમ કામા, પંડિત શ્યામજી કૃષ્ણવર્મા, વન્ચિ અય્યર, રાજા મહેન્દ્ર પ્રતાપ, વિનાયક રાવ સાવરકર, વીરેન્દ્ર ચટ્ટોપાધ્યાય, રાસબિહારી બોઝ, સુભાષચંદ્ર બોઝ, તારકનાથ દાસ, આપણો ગુજરાતી છગન ખેરાજ વર્મા, વગેરેએ ક્રાંતિકાર્યને અનુશાસન સાથે જોડી દીધું હતું. ૧૯૨૦માં ગાંધીજીએ અસહકાર આંદોલન; એકમાત્ર ચૌરીચૌરા ઘટનાને લીધે અનુશાસન ભંગ ગણીને બંધ કર્યું હતું. વિદેશે ક્રાંતિ ચળવળનાં કેન્દ્રો એક નહીં અનેક હતાં. ઇંગ્લેન્ડ, ચીન, રશિયા, થાઈદેશ, જર્મની, બર્મા, ફ્રાંસ, જાપાન, કેનેડા, અફઘાનિસ્થાન, તુર્કી, ફિલિપિન્સ, ઇજિપ્ત, વિયેતનામ,.. આ દેશોમાં અનુશાસિત ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ ચાલ્યો હતો, હોમરૂલ સોસાયટી, બર્લિન કમિટી, અભિનવ ભારત, ગદર પાર્ટી, આઝાદ હિન્દ ફોજ, ઇન્ડિયા હાઉસ, હિન્દી બિરાદરી, ધ પેરિસ ઇંડિયન સોસાયટી, હિન્દુસ્તાન અૅસોસિયેશન, યુગાંતર આશ્રમ, ઇન્ડો-ઇજિપ્શિયન કોંગ્રેસ, પ્રો-ઇન્ડિયા,.. આ બધાં સંગઠનો હતાં.
 
***
 
અનુશાસનનાં બે મુખ્ય સ્વરૂપ છે. એક સામાન્ય અને વ્યક્તિગત. બીજું સાર્વજનિક અને સામૂહિક. જીવનના વ્યવહારમાં તે સહજ રીતે આવે છે અને સભ્યતાનો એક ભાગ બને છે. અને જ્યારે સામૂહિક આદર્શ સાથે તે જોડાય છે ત્યારે તે ખરા અર્થમાં `દૈવી' કાર્ય બની જાય છે. તેનાં પરિણામ ઇતિહાસ સર્જે છે. સ્વાતંત્ર્ય સંગ્રામના વીરો વ્યક્તિગત, સંસ્થાગત કે બીજી રીતે સક્રિય રહ્યા. તેમાં તેમણે કોઈ એક આદર્શની મનોસ્થાપના કરી, તે આદર્શ હતો ભારતમાતા. એકલું અનુશાસન કામ આવતું નથી, સંસ્થાઓ તો અનેક ઊભી થાય છે, કોઈ હેતુને આદર્શની સાથે જોડવામાં ના આવે તો તે નિરર્થક બની જાય છે. કોંગ્રેસ તેનું મોટું ઉદાહરણ છે. શરૂઆતમાં તો એલેન ઓક્તિવિયન હ્યુમની એટલી જ ઇચ્છા હતી કે, ૧૮૫૭ જેવો બીજો સંગ્રામ ના થાય એવા હેતુથી ઉચ્ચ ભારતીય વર્ગ અને બ્રિટિશ સરકારની વચ્ચે કોઈક રીતે સંબંધ રચાય. કોંગ્રેસની સ્થાપના `વિકટોરિયાની જય હો'થી થઈ હતી. સુરત કોંગ્રેસમાં એટલે જ કોંગ્રેસનાં બે જૂથ વચ્ચે વિવાદ થયો. લોકમાન્ય તિલક, અરવિંદ ઘોષ અને લાલા લજપત રાય દૃઢતાથી માનતા હતા કે, બ્રિટિશ ખુશામત માટે સંસ્થાનું હોવું ઠીક નથી. નેતાજી સુભાષચંદ્ર પૂર્ણ સ્વરાજના આદર્શની સાથે હતા એટલે તેમને કોંગ્રેસમાંથી બરતરફ કરાયા. એ પણ એક કડવી વાસ્તવિકતા છે કે, કોંગ્રેસના કારણે ભારતનું વિભાજન થયું. જવાહરલાલ નેહરુએ કહ્યું હતું કે, અમે થાકી ગયા છીએ, વધુ સમય માટે જેલમાં જવા તૈયાર નથી. ૧૯૪૨ની ભારત છોડો ચળવળ વેરવિખેર થઈ તેનું મુખ્ય કારણ તેમાં કોઈ નેતૃત્વ નહોતું અને અનુશાસન નહોતું. એક કિસ્સો નોંધાયેલો છે કે કોંગ્રેસનું સેવાદળ સંગઠન હતું તે રાષ્ટીય સ્વયંસેવક સંઘ જેવું વ્યાપક અને અનુશાસિત કેમ બને તે માટે ડૉ. હાર્ડિકરને સંઘનો સંપર્ક કરવા જણાવાયું. હાર્ડિકરને ડૉ. હેડગેવારજીનો પરિચય પણ હતો. ગાંધીજી વર્ધામાં સ્વયંસેવકોના શિબિરમાં ગયા અને `અમને કોણ કઈ જ્ઞાતિનો છે, તેની ખબર નથી, અને જાણવા માગતા પણ નથી. બસ, અમે ભારતમાતાના સંતાનો છીએ.' આ પછી કોંગ્રેસ સેવાદળને વધુ સંગઠિત કરવાનો વિચાર તો થયો પણ સંઘની પાસેથી થોડું શીખવા જવાય એમ કહીને પેલો પ્રસ્તાવ ઉડાડી દેવામાં આવ્યો!
 
વ્યક્તિગત, સંસ્થાગત અને આદર્શ સહિતનું એમ ત્રણ પ્રકારનું અનુશાસન હોય છે, અને તેનું અનુષ્ઠાન તેના સ્વરૂપ અને કાર્યને સ્પષ્ટ્ર કરે છે. ભારતીય સ્વાતંત્ર્યસંગ્રામમાં કાર્યરત સંગઠનો, તેનું નેતૃત્વ અને કર્તૃત્વ તેનું પ્રમાણ છે. સ્વામી વિવેકાનંદ, ભગિની નિવેદિતા, શ્રી અરવિંદ, લોકમાન્ય તિલક, એની બિસેંટ, વિઠ્ઠલભાઈ પટેલ, દાદાભાઈ નવરોજી, ભગતસિંહ, રાજગુરુ, સુખદેવ, વીર સાવરકર, વલ્લભભાઈ પટેલ, બિપિનચંદ્ર પાલ, બ્ંકિમ ચંદ્ર ચેટરજી, સુબ્રહ્મણ્યમ્ ભારતી વગેરે આવા અનુપ્રાણિત નેતાઓ હતા. કેટલા સંયમ અને સંકલ્પ સાથે તિલકજીએ માંડલે જેલમાં છ વર્ષ કારાવાસની વચ્ચે ગીતાનું અધ્યયન અને લેખન કર્યું હશે? કઈ રીતે રામપ્રસાદ બિસ્મિલે ફાંસીના માંચડે ચડતાનાં એક કલાક પૂર્વે સુધી આત્મકથા લખી હશે? કઈ રીતે રાણી ઝાંસીએ પ્રિય સંતાનને સાથે રાખીને ઘોડા પર બેસીને તલવાર ચલાવી હશે? કઈ રીતે સાવરકરે આંદામાનની કાળકોટડીમાં, ઘાણી પીલવાની સજા પછી, દંડા બેડીથી બંધાયેલા પગ હોવા છતાં દીવાલ પર કાવ્યો લખ્યાં હશે? કઈ રીતે ફાંસીના તખતે ચડનારા વીરો છેલ્લી ઘડીએ `ભારત માતા કી જય'ની સાથે `મેરા રંગ દે બસંતી ચોલા' ગાતાં ગાતાં મસ્તીથી ફાંસીએ ઝૂલ્યા હશે? કઈ રીતે બૅરિસ્ટર સરદારસિંહ રાણાએ જર્મનીમાં એકાંતિક જેલવાસ ભોગવ્યો હશે અને પુત્રની નજર સામે મૃત્યુ સહન કર્યું હશે? કઈ રીતે પોતાના આદર્શ- ભારતની સ્વતંત્રતા માટે બધું છોડીને પંડિત શ્યામજી કૃષ્ણવર્માએ બબ્બે સ્થળાંતર કરીને ત્રીજી જગ્યાએ નિવાસ કરીને પોતાનું અખબાર ચલાવ્યું હશે? સરદાર ભગતસિંહના એક સાથી વૈશંપાયન જેલમાં હતા અને સાથી જેલવાસીઓ સમક્ષ એક ગઝલ ગાતા `હમ ભી ઘર રહ શકતે થે..' તેના પરથી જેલવાસી કવિ ઝવેરચંદ મેઘાણીએ કાવ્ય રચ્યું;
 
અમારે ઘર હતાં, વહાલાં હતાં,
ભાંડુ હતાં, ને
પિતાની છાંય લીલી,
ગોદ માતાની હતીયે,
ગભૂડી બહેનના આંસુભીના
હૈયા-હિંચોળે
અમારાં નૈન ઊના ઝંપતા આરામ-ઝોલે..
અને છેલ્લી કડી -
અગર બહેતર,
ભૂલી જજો અમારી યાદ ફાની ,
બૂરી યાદે દુભાવજો
ના સુખી તમે જિંદગાની,
કદી સ્વાધીનતા આવે,
વિનંતી ભાઈ છાની
અમોને યે સ્મરી લેજો
જરી પળ એક નાની..
 
***
 
આ દીર્ઘ ઇતિહાસ છે, અનુશાસન સાથેની દેશભક્તિ અને કુરબાનીનો. એનું સમાપન એ જ હોઈ શકે કે વિના અનુશાસન કોઈ પણ સમાજ શક્તિ, સમર્પણ અને પ્રગતિના માર્ગે પહોંચી શકે નહિ.
 
 
- વિષ્ણુ પંડ્યા ( પૂર્વ તંત્રીશ્રી, સાધના સાપ્તાહિક ) 
 
 
Powered By Sangraha 9.0