વૈદિક અનુશાસન તો રાષ્ટ્રની ધરોહર છે !

28 Jan 2025 12:32:24

vaidik anushasan in gujarati
 
 
રાષ્ટ્ર અને પ્રજાના ઉત્થાન-પતનના કારણોની ચર્ચા દરમિયાન શિસ્ત, નિયમપાલનના સંસ્કારની બહુધા વાત થતી રહે છે. અંગ્રેજ સામ્રાજ્યનો ભારતમાં પ્રસાર અને આપણી ગુલામીના ઇતિહાસનું વિહંગાવલોકન કરીએ ત્યારે અંગ્રેજોની બેનમૂન શિસ્તની વાત અચૂક આવે છે.
 
તો શું આપણે ભારતીય પ્રજા પહેલેથી જ શિસ્તથી કોસો દૂર હતી? આપણે વ્યક્તિશઃ ઉત્તમ આચારવિચાર ધરાવતી પ્રજા રહ્યા છીએ. આપણે એને `અનુશાસન' તરીકે અંગીકાર કર્યું હતું. વેદકાળથી જ નિયમપાલનને શરીર, મનના ભાવોના સંસ્કારને અનુશાસન તરીકે આપણે પાળ્યું અને સંવર્ધિત કર્યું છે. વેદના અચ્છા ભાષ્યકાર તરીકે પંડિત સાતવળેકરે એમના બૃહદ સાહિત્ય-સાગરમાં એને સમય, સંદર્ભ સાથે ઉજાગર કર્યું છે. વેદ, ઉપનિષદ અને રામાયણમાં એનો આદર્શ પ્રસ્તુત થતો રહ્યો. મહાભારતમાં તો અલગ અનુશાસન-પર્વ છે.
 
અનુશાસન એ આપણી સંસ્કાર સંપદા અને વારસો છે. પશ્ચિમી વિચારધારામાં `અનુશાસન' શબ્દને સર્વાંગ સુંદર રીતે અભિવ્યક્ત કરી શકે એવો શબ્દ નથી. આપણે ઘણી વખત અનુશાસન અને શિસ્ત વચ્ચે ભેદ કરતા નથી. કોઇક એવા જ અભિગમને કારણે વિનોબાની કટોકટી કાળની અનુશાસન-પર્વની વાતને સીમિત અર્થમાં સમજતાં હોબાળો મચ્યો હતો!
 
પ્રાચીન વિભાવના
 
અથર્વવેદ (કાંડ ૧૨/૧)માં માતૃભૂમિનું સૂક્ત છે. ‘माता भूमिः पुत्रोडहं पृथिव्या’કહેવાયું છે કે આ માતૃભૂમિ અમારી છે અને હું એનો પુત્ર છું. એ સાથે જ સંકલ્પપૂર્વકની અભિલાષા વ્યક્ત થાય છે ‘तूभ्यं बलिहृतः स्याम्’ આ માતા માટે હું સ્વયંનો હોમ કરવા તત્પર છું. મન અને હૃદયની ભાવના થકી પ્રગટતો સંકલ્પ જ રાષ્ટ્ર માટેનું આધારભૂત અનુશાસન બની રહે છે.
 
આપણી માતૃભૂમિ માટે સ્વયંને હોમવા તત્પર લોકોનું સંગઠન ત્યારે જ શક્ય બને જ્યારે સમજપૂર્વક નિયમોનું અનુવર્તન કરવામાં આવે. ઋગ્વેદનાં વિવિધ સૂત્રો અનુશાસન થકી સંગઠન માટે નિર્દેશ આપે છે. સંઘજ્ઞાનના પ્રસાર માટે સર્વ સહાયતા કરવાની વાત गणेत ब्रह्मकृतः मा रिष्ण्यः (91) થઇ છે. विश्वेदेवाः सघस्थं अभिसन्ति (375) દ્વારા એક સ્થાને રહેતા દેવ-સજ્જનો નિયત સમયે એક સ્થાને બેઠક કરે એ આવશ્યક મનાયું છે. सधमादः अ-रिष्ठा (403) સ્પષ્ટ્ર કહે છે કે સંગઠિત થનારા વિનષ્ટ્ર થશે નહિ. અનુશાસનની માગ છે કે , संजान्ते, ते मिथः यतन्ते (632/1-3) અર્થાત્ જ્ઞાનીઓ પરસ્પર ઝઘડતા નથી. सबाधः विप्राः वाजसातये इणते (747) સમાન દુઃખે દુખી, જ્ઞાન અને બળ માટે પ્રાર્થના કરી અંતે સંગઠન સાધી મંત્ર અને પદની પ્રાપ્તિ કરે છે. વસિષ્ઠ-મંત્રો સંગઠનનું અનુશાસન સમજાવે છે. અને, એથી જ વસિષ્ઠ એને કહેવાય જે (वासयति इति वसिष्ठः) સંગઠન કરવામાં ચતુર હોય છે.
 
સંગઠિત લોકોનો અગ્રણી રાજપદ ધારણ કરી રાષ્ટ્રનું સંવર્ધન કરે અને તે માટે તે - इनः अ-दब्ध (348) કોઇના દબાણમાં ન આવે, કોઇથી દબાય નહિ અને સત્યપાલન કરે એ પ્રજાકલ્યાણ માટેની પૂર્વધારણા બની રહે છે. આમ વેદકાળથી અનુશાસન અંગેના વિધિનિષેધનાં સૂત્રો ઋષિઓએ પ્રબોધેલાં જોવા મળે છે.
 
સામૂહિક અનુશાસન
 
शान्तिरेव शान्तिः એવી ઋષિઓની ઘોષણા ચરિતાર્થ થઇ શકે તે માટે સામૂહિક અનુશાસન પ્રવર્તી રહેવું આવશ્યક છે. વૈદિક ધર્મ સામૂહિક અનુશાસનનો છે. એની સંસ્કારપદ્ધતિ જ એવી હતી કે દરેક વ્યક્તિ સ્વયં અનુશાસિત બની જતી. કોઇ વ્યક્તિ સમાજથી અળગી થઈ સ્વઉન્નતિનો વિચારવ્યવહાર કરે એવી ઋષિઓને કલ્પના પણ આવી નહિ હોય !
 
समुद्र पर्यन्त्याः पृथिव्या एकराटની ઘોષણા સ્વાર્થવૃત્તિ કે સામ્રાજ્યવાદ માટે ન હતી, પરંતુ જગતના શાશ્વત કલ્યાણની મહત્ત્વાકાંક્ષા એમાં સંનિહિત હતી. જો વિશ્વશાંતિની સાચા અર્થમાં સ્થાપના કરવી હશે તો સૌપ્રથમ રાષ્ટ્રનું શાસન ‘स्व’ હાથમાં હોવું જોઇએ. આપણા રાષ્ટ્રમાં આપણે યોગ્ય માર્ગે શાંતિ સ્થાપવી જોઇએ. આ સંકલ્પપૂર્તિ માટે શીલવાન, કર્તૃત્વશ્રેષ્ઠ, પ્રભાવી વ્યક્તિત્વો તૈયાર કરવાં પડશે. પ્રજાને સુયોગ્ય પ્રજા બનાવવી પડશે અને એ માટે સુધારણા લાવી શકાય તેવા કઠોર અનુશાસનની આવશ્યકતા છે.
 
રાવણ સામ્રાજ્ય સામે ઋષિઓએ ક્રાંતિ માટે યુવા પેઢીને સજ્જ કરવા સતત ૪૦ વર્ષ સુધી કાર્ય કર્યું. લક્ષ્યપૂર્તિ માટે વાતાવરણ તૈયાર કરવાનું કાર્ય લગીરેય નાનુંસૂનું નથી. રામ-રાવણ યુદ્ધ સમયે રાવણવધ માટે એટલે જ તો દરેક યુવાનનું હૈયું ઉત્સાહથી છલકતું હતું.
 
સુયોગ્ય પ્રજાનું નિર્માણ
 
સુયોગ્ય પ્રજાના નિર્માણ માટેનું પણ અનુશાસન વેદકાળમાં પ્રબોધાયું છે. ઉત્તમ સંતાન નિર્માણ માટેની અનેક યોજના ધર્મગ્રંથોમાં દર્શાવી છે. કશ્યપ અને અદિતિનો સંવાદ આ દૃષ્ટિએ ખૂબ મહત્ત્વનો છે. અદિતિની ઇચ્છા હતી કે, તેની કૂખે જગપ્રસિદ્ધ વીરપુત્રો જન્મે. કશ્યપે સૌ પ્રથમ એક વર્ષ સુધી નિયમોનું પાલન કર્યું અને ફળસ્વરૂપે તેણે દિગ્વિજયી પુત્રોને જન્મ આપ્યો.
 
વેદોમાં પુત્રનું નામ `વીર' અને પુત્રીનું નામ `વીરા' કે `એકવીરા' રહેતું. ભાવિ સંતાનો માટે માતાપિતાની આટલી પ્રબળ ઇચ્છા રહેતી! વીર સંતાનો જ પૃથ્વી પર સ્વર્ગ આણી શકે. ઋષિઓની દૃષ્ટિએ આ સંસાર કયારેય ક્ષણભંગુર કે અસાર ન રહેતાં સત્-ચિત્-આનંદની અનુભૂતિનો જ રહ્યો છે.
 
આર્યધર્મ અનુસાર સમગ્ર વિશ્વ પરમેશ્વરનું રૂપ છે. તથા एकस्तथा सर्वभूतान्तरात्मा रूपं रूपं प्रतिरूपो बहिश्च બધા ભૂતાન્તરાત્મા દરેક રૂપમાં તદરૂપ થઇને વસે છે અને સાથોસાથ તે જ સ્વરૂપે બહાર પણ વસે છે. આ અંતરાત્મા એક હોવાને લીધે આધ્યાત્મિક દૃષ્ટિએ સર્વત્ર એકાત્મતા છે. અલબત્ત આ આધ્યાત્મિક એકતાને વ્યવહારમાં ઉતારવાની પણ એટલી જ આવશ્યકતા છે.
 
વિશ્વરૂપ ઈશ્વર સર્વત્ર હોય તો તેના આરાધક કોઇ કુકર્મ કરી શકે નહિ. વિશ્વરૂપ પરમેશ્વરની સેવા કરનારા વૈદિક ઋષિ ઉત્તમ અને અનુશાસનબદ્ધ આચરણ કરનારા ઉન્નતપથગામી હતા.
 
અલગતાની ભાવના કેમ?
 
દરેકને यथा कर्म यथा श्रुतं અને જ્ઞાન પ્રમાણે જ ફળ મળે છે. વૈદિકધર્મીઓના ઈશ્વરની નિષ્પક્ષતાનો આ આદર્શ છે. એથી જ તો હું આજે નર છું, પરંતુ સાધના કરીને નરમાંથી નારાયણ બનીશ. હું આજે જીવમાંથી બ્રહ્મ સ્થિતિમાં પહોંચીશ' એવી આકાંક્ષા સેવી શકે છે. ઈશ્વર પર સંપૂર્ણ વિશ્વાસ અને શ્રદ્ધા ભારતીય સંસ્કૃતિની આધારશિલા છે. આપણને તે વ્યક્તિગત, સાંઘિક, રાષ્ટીય અને વૈશ્વિક પ્રેરણા પૂરી પાડે છે.
 
स्वकर्मणा तमभ्यर्च्य सिद्धिं विन्दति मानवः અર્થાત્ બધા પોતપોતાનાં કર્મો વડે ઈશ્વરની પૂજા કરે. ગીતાવચનનો અર્થ આજની દૃષ્ટિએ સમાજસેવા કે રાષ્ટ્રસેવા કહી શકાય. વૈદિક વિચારસરણી ભૂલી જવાને કારણે જ અલગતાની ભાવના વધતી જાય છે. વિશ્વને એક પરમેશ્વર સ્વરૂપ માનીને જ રાષ્ટોદ્ધારનું કામ કરવું જોઇએ.
 
विशि राजा प्रतिष्ठित: (યજુર્વેદ) પ્રજા રાજાનો આધાર છે. વૈદિક સમયમાં રાજા પ્રજા દ્વારા ચૂંટી કઢાતો. કોઇ વ્યક્તિ જાતે જ રાજા બની શકતો નહિ. રામ જેવા શ્રેષ્ઠ પુત્રને પણ રાજગાદી સોંપવી હોય તો રાજાએ એ માટે પ્રજાજનો કે પ્રજાકીય આગેવાનોની સંમતિ લેવી પડતી હતી. પ્રજાનું વૈદિક નામ राजकृतः અર્થાત્ રાજાનું નિર્માણ કરનારી હતી.
 
ઋષિઓની તો ઘોષણા હતી કે અમે સમુદ્ર પર્યંત પૃથ્વી પર એક શાસક હોય એવા રાજાની અમે સ્થાપના કરીશું કે જેનું શાસન વૈદિક પદ્ધતિથી ચાલનારું હોય.
 
રાજા માટે પણ અનુશાસન
 
આ સંદર્ભે પંડિત સાતવળેકર એક સરસ વાત કરે છે. હરિશ્ચંદ્રએ પ્રજાએ સોંપેલી રાજ્યરૂપી થાપણનું જતન કરવાને બદલે વિશ્વામિત્રને દાનમાં આપતી વખતે પ્રજાના પ્રતિનિધિને પૂછવાનું કે, સલાહ લેવાનું રાજકીય અનુશાસન નેવે મૂકીને બીજે દિવસે સવારે વિશ્વામિત્રના આગમનની સાથે જ તેમના હાથમાં રાજ્ય સોંપી દે અને સ્વયંને વેચીને નોકરની જેમ ચાંડાલને ઘરે કામ કરે તે સર્વથા અનુચિત છે. રાજાના આવા કૃત્યને કોણ ઉત્તમ કે આદર્શ કહી શકે? સત્યભાષણના પોતાના અહંકારની પૂર્તિ માટે, નારાયણના રૂપે જેની સેવા કરવી યોગ્ય ગણાય એવા રાજ્યને દાનમાં આપી દેવું એ આદર્શરૂપ બની શકે? વેદ અને સ્મૃતિઓ આવા કાર્યને અનુમોદન આપતાં નથી. જે વચનો એણે આપ્યાં જ નથી, તેનું પાલન રાજા કરવા ઇચ્છે તેને સત્યનિષ્ઠા ગણાવી શકાય નહિ.
 
વર્તમાનમાં આપણા વડાપ્રધાન એવું કોઈ સ્વપ્ન જુએ કે તેમણે ભારતનું રાજ્ય પાકિસ્તાન કે અન્ય કોઈ રાષ્ટ્રના પ્રધાનમંત્રીને આપી દીધું છે. તો શું ભારતના વડાપ્રધાનને એ અધિકાર છે કે તે એ રાજ્ય બીજા રાષ્ટ્રના વડાપ્રધાનને સોંપી દઈ વનનો રસ્તો પકડે અથવા કોઇને હાથે પોતાની જાતને વેચી દે? કોઇ પણ વ્યક્તિ આ વાતની પુષ્ટિ કરશે નહિ. આમ છતાં આવા હરિશ્ચંદ્ર રાજાને હિંદુઓ પોતાનો આદર્શ ગણે છે! આ જ કારણે હિંદુઓને બીજા લોકોના ગુલામ બનીને રહેવું પડ્યું.
 
સ્વ-સંરક્ષણને અગ્રિમતા
 
સ્વરાજ્યપ્રાપ્તિ પછી સૌથી પહેલાં આપણે આપણું સંરક્ષણ કરવું જોઇએ. સત્યપાલન અને અહિંસાત્મક આચરણ એ બંને નિઃસંદેહ એક મહાનધર્મ છે, પરંતુ એ વચનો જે બીજાને આપવામાં આવે તે જાગ્રતાવસ્થામાં આપવામાં આવે અને વચન આપતી વખતે સંતુલિત માનસિક અવસ્થા હોવી જોઇએ અન્યથા વચન પાળવાનું રહેતું નથી.
 
રાષ્ટ્ર એક સંપત્તિ અને થાપણ છે. રાષ્ટ્ર નારાયણનું એક સંસેવ્ય રૂપ છે. સ્વસંરક્ષણના મુખ્ય સૂત્રને કદી ઉવેખી શકાય નહિ. વૈદિક અનુશાસન અનુસાર સ્વસંરક્ષણ કરી પ્રજા ઉત્તમોત્તમ જીવન જીવતી હતી.
 
મહર્ષિ અરવિંદ અને ઋષિ દયાનંદ સરસ્વતીએ વેદો આધારિત અનેક ગ્રંથોની રચના કરી ભારતના સ્વ-જાગરણ માટે પ્રેરણાદાયી સંદેશો આપ્યો છે. આ બંને મહાપુરુષોના ઉપદેશ પ્રત્યે લોકોનું ખાસ ધ્યાન આકર્ષાયું નથી તેનું એકમાત્ર કારણ એ છે કે, આજે અમારું જીવન મોટેભાગે વ્યક્તિગત બની ગયું છે.
 
સામુદાયિક શાણપણ વિકસે
 
સમયની માગ છે કે, ભારતીય સમાજ સામૂહિક દૃષ્ટિએ વિચારવંત બને અને જીવનને વૈદિક બનાવે. એ વાત પ્રજા તરીકે આપણે બરાબર સમજી લેવાની રહે કે, સામુદાયિક જીવન જ આપણું વાસ્તવિક જીવન છે. એકાત્મતાની દૃષ્ટિએ આપણા દેશનું શાસન ચલાવી સમગ્ર વિશ્વની સમક્ષ એનું મહત્ત્વ ઉજાગર થવું ઘટે. અનેક અવરોધ અને આફત આવ્યાં પછી પણ ઋષિઓનો દેશ ટકી રહ્યો છે. આ ઐક્ય દૃષ્ટિ થકી જ ભારત વિશ્વનું માર્ગદર્શક બની રહેશે.
 
વૈદિકકાળમાં રાજા પ્રજાપાલનમાં તત્પર રહેતા. રાજકીય નિપુણતા એ આપણી પરંપરા રહી છે. એ શૃંખલામાં જોઈએ તો વિષ્ણુ, વિવસ્વાન, મનુ અને જનક રાજા વેદવિદ્યામાં નિપુણ હોવાના કારણે રાજનીતિમાં ૫ણ કુશળ રહ્યા.
 
યોગવશિષ્ઠના ઉપદેશથી જ રામની ઉદાસીનતા દૂર થઇ હતી. ગુરુકુળના સ્નાતક થઇ આવેલા રામ પિતા દશરથની અનુજ્ઞા લઇ બધા રાજ્યો અને ઋષિઓના આશ્રમનું નિરીક્ષણ કરી એક જ વર્ષમાં ઘરે પાછા આવે છે. આ પ્રવાસવેળા એમણે જોયું કે, રાજ્યમાં સર્વત્ર રાક્ષસોનો ઉપદ્રવ વધી રહ્યો છે અને તેમનો કોઇ પ્રતિકાર કરતું નથી. આ નિહાળી રામ દૈવવાદી બની સંસાર પ્રત્યે ઉદાસીન રહેવા લાગ્યા હતા. વશિષ્ઠના ઉપદેશથી રામ રાક્ષસોનું દમન કરીને રાજ્ય સંભાળવા તૈયાર થયા. તેમણે રાવણના અધર્મી સામ્રાજ્યનો નાશ કર્યો અને બધા દેવોને રાવણની જેલમાંથી છોડાવી ભારતવર્ષ પરના મહાન સંકટને દૂર કર્યું. એ પછી જ એમણે સુખેથી રાજ્ય કર્યું. આજે પણ રામ-રાજ્ય' તરીકે જેની આપણે પ્રશંસા કરીએ છીએ એના પાયામાં આ વૈદિક ઋષિઓના અનુશાસનની જ કેળવણી છે!
 
- ભગીરથ દેસાઈ ( પૂર્વ તંત્રીશ્રી, સાધના સાપ્તાહિક ) 
Powered By Sangraha 9.0