અનુશીલન સમિતિથી અનુશાસિત RSS સુધીની યાત્રા

29 Jan 2025 15:52:02

rss anushasan
 
 
રાષ્ટીય સ્વયંસેવક સંઘ; આમ સમાજમાં તેના હિતૈષીઓના અને વિચાર વિરોધીઓના મનમાં પણ એક વિષય માટે હંમેશા પ્રશંસા પામે છે અને તે છે અનુશાસન. સંઘ વૃક્ષના બીજ સમાન જન્મજાત દેશભક્ત ડૉ. કેશવરાવ હેડગેવારના જીવનથી શરૂ થયેલ સંઘની આજ સુધીની યાત્રામાં સામાજિક દર્શન, રાષ્ટીય દૃષ્ટિકોણ તથા સંગઠનાત્મક સંસ્કૃતિનો પાયો અનુશાસિત રહ્યો છે.
 
સંઘસ્થાપક ડૉ. હેડગેવારના જીવનમાં અંગ્રેજોનાં રાણી વિક્ટોરિયાના રાજ્યારોહણના ૬૦મા વર્ષની ઉજવણીના આનંદની મીઠાઈ ન ખાવી, આપણને ગુલામ બનાવનાર યુનિયન જેકને ઉતારવો કે ` 'ના ઉદઘોષ સાથે નીલ સિટી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અંગ્રેજ નિરીક્ષકનું સ્વાગત કરવું, આ બધી ઘટનાઓમાં રાષ્ટ્ર માટેના અનુશાસનનો પાયો રહેલો હતો. પ્રવર્તમાન ભારતને ગુલામીમાંથી મુક્ત કરાવવા માટેના પ્રયત્નો તરીકે ક્રાંતિકારી પ્રવૃત્તિમાં જોડાવા માટે કોલકાતાની નેશનલ મેડિકલ કૉલેજમાં પ્રવેશ મેળવી લીધેલો. ત્યાં ક્રાંતિકારી પ્રવૃત્તિ કરતી અનુશીલન સમિતિની અઘરી પરીક્ષાઓમાં સફળ રહી કોકેન જેવા નામથી એક સક્રિય સભ્ય બનવું એ ડૉ. હેડગેવારજીમાં રહેલા સહજ અનુશાસન વગર શક્ય ન હતું. ભારતની તત્કાલીન પરિસ્થિતિ માટે જવબાદાર ત્રણ બાબતો તેઓએ તારવી. (૧) સામૂહિક અનુશાસનની ખામી, (૨) અસંગઠિતતા અને (૩) ભવ્ય ભારતનો ભૂતકાળ ભુલી જવો. ૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામથી માંડીને સ્વતંત્રતા માટેની વિવિધ ચળવળોમાં આ ત્રણેય બાબતો દેખાઈ આવતી. નિજસ્વાર્થથી ઉપર ઊઠી, સમાજ ને રાષ્ટ્ર માટે કામ કરવા માટે અનુશાસન સૈૌથી વધુ મહત્ત્વનું છે. ક્રાંતિકારી પ્રવૃત્તિમાં સક્રિયતા અને બાકીના સમયમાં પણ રાષ્ટીય ચળવળોમાં ભાગ લેતી વખતે તેમજ અંગ્રેજોનો વિવિધ પ્રકારે વિરોધ કરતી વખતે પોતાના કાર્યમાં સામૂહિક અનુશાસનનું મહત્વ ડૉક્ટર હેડગેવારજીએ પ્રસ્થાપિત કર્યું હતું. રામપાયલીના વિજયાદશમીના સીમોલ્લંઘનના કાર્યક્રમમાં, બંગાળના ક્રાંતિકારી માધવદાસ સંન્યાસીને બચાવવામાં, મેડિકલ કૉલેજમાં ભણતાં ભણતાં ક્રાંતિકારી પ્રવૃત્તિમાં કામ કરવામાં અનુશાસન ને ડગલે ને પગલે મહત્ત્વ આપ્યું હતું. સામૂહિક અનુશાસનબદ્ધ કાર્યક્રમથી નેશનલ મેડિકલ કૉલેજની ડિગ્રીને અમાન્ય ઠરાવનારા અંગ્રેજોને પણ નતમસ્તક થવું પડ્યું હતું.
 
જો અનુશાસનબદ્ધ વ્યવહાર અને વિચારો સાથે સ્વાતંત્ર્ય સંગ્રામના લોકો જોડાયા હોત તો પ્રથમ વિશ્વયુદ્ધમાં બ્રિટનની પરિસ્થિતિ જોતાં ત્યારે જ ભારત સ્વતંત્ર થઈ ગયું હોત, પરંતુ આવું થઈ શક્યું નહીં. અનુશાસન એટલે શું? સંગઠનના કાર્યમાં જોડાવા માગતા ત્રણ તરુણોને ભાઉજી કાવરેએ ઈન્દુરા ગામના રાજા ભોંસલેના ૪૦ ફૂટ ઊંડા ખાલી કૂવામાં કૂદવાનું કહ્યું. બેની હિંમત ન થઈ અને એક યુવાને સ્વીકાર્યું અને કરી બતાવ્યું તેનું નામ બાબુરાવ હરકરે. આ જ છે જીવનમાં અનુશાસનનો સાચો અમલ. સમાજ માટે નિઃસ્વાર્થ કામ કરનાર કર્તવ્યકઠોર અને અનુશાસિત જીવનની સુગંધ એ જ દેશભક્તિનું પુષ્પ છે, તેને અન્ય કોઈ વિશેષણની જરૂર નથી. ડૉ. હેડગેવારનો અનુભવ રહ્યો હતો કે ક્રાંતિકારી પ્રવૃત્તિ નિશ્ચિત લોકો જ કરી શકે છે, છતાં પણ તેમનાં અલગ અલગ ગ્રુપોની વચ્ચે સંકલન નથી. સ્વતંત્રતા આંદોલનમાં કામ કરનાર નેતાઓનાં ભાષણો મોહિત કરે છે, પરંતુ એમના વિચારો પ્રમાણે વ્યવહાર નથી. જો પોતાના વચનનું પોતાના જીવનમાં સ્વયંનું શાસન ન હોય તો કાર્યસિદ્ધિ થતી નથી. વિવિધ સામાજિક કાર્યોમાં થયેલા આ અનુભવોનું ભાથુ સંઘ અને સંઘકાર્યની પદ્ધતિમાં શાખા તથા તેના કાર્યક્રમો માટે અનુશાસનનું મહત્ત્વ ડૉ. હેડગેવારે સ્વીકાર્યું. તેમના અનુભવના કારણે જ ૧૯૨૦ના નાગપુર કોંગ્રેસ સંમેલનમાં ૨૦,૦૦૦ લોકોની વ્યવસ્થા અને ૧૨૦૦ સ્વયંસેવકોની ફોજનું સંચાલન કરવાનું કામ તેમણે કર્યું હતું. અસહકારના આંદોલનમાં જોડાઈને ગાંધીજીના વિચારો સ્વતંત્રતા માટે ઉપયોગી છે તેમ સમજીને પોતાના ભાષણના આધારે જેલવાસ સ્વીકારનાર અને સંઘ સ્થાપના પછી ૧૯૩૦માં સવિનય કાનૂનભંગ માટે જંગલ સત્યાગ્રહ કરી જેલવાસ ભોગવનાર ડૉ. હેડગેવાર કહેતા હતા કે, પોતાના સંગઠનનું અનુશાસન જાળવતાં (એટલે કે સંઘની પોતાની સરસંઘચાલકની જવાબદારી ડૉ. પરાંજપેને સોંપીને) પોતે આંદોલનમાં જોડાયા હતા. અંગ્રેજોના ન્યાયાધીશની સજા સ્વીકારીને જેલના નિયમો-કાયદાઓનું અનુશાસનપૂર્વક પાલન પણ કર્યું હતું. ક્રૂર જેલર પણ તેમના સાત્વિક અનુશાસનયુક્ત ચરિત્રથી પ્રભાવિત થઈને કહેતો હતો કે, તમે રાજનૈતિક કેદી નથી, પરંતુ ધાર્મિક વ્યક્તિત્વના મહર્ષિ લાગો છો. બીજી વખતના જેલવાસ દરમિયાન જેલર ફોર્ડ તેમના પરિચિત હોવા છતાં પોતાની બેરેક શ્રેણીમાંથી આગળ જવાનો કદી આગ્રહ કર્યો નહોતો. જેલના નિયમોનું સંપૂર્ણ પાલન કર્યું હતું.
 
રાષ્ટ્રભક્તિથી વિરુદ્ધ જઈને બ્રિટનના પ્રધાનમંત્રીનું ભારતપ્રવાસ વખતે સ્વાગત કરનાર પોતાના માર્ગદર્શક ડૉ. મુંજે ગોળમેજી પરિષદમાં ઇંગ્લેન્ડ ગયા તો ડૉ. હેડગેવારજીએ તેમની પણ ટીકા કરી હતી. સામાજિક સંવેદના અને સામાજિક એકતા રાષ્ટ્રભક્તિ માટે અનિવાર્ય શરત છે. સંઘની સ્થાપના બાદ પણ ભારતના પુત્રવત્ હિન્દુ સમાજનું સંગઠનનું કાર્ય રાષ્ટ્રના પરમ વૈભવ અને સર્વાંગીણ ઉન્નતિ માટે છે, તે કોઈ મુસ્લિમ કે ખ્રિસ્તીવિરોધી સંગઠન નથી, એવું અનુશાસન દ્વારા તેઓએ પ્રસ્થાપિત કર્યું હતું. કોઈપણ સંગઠન અનુશાસન વગર સફળ થઈ શકતું નથી. રામટેકના મેળામાં આવા જ આચરણથી મેળાની સંપૂર્ણ વ્યવસ્થા જાળવેલી અને સામાજિક અહિત કરનારાઓને યોગ્ય પાઠ ભણાવ્યો હતો. આવા ગુણો માટે પરમ પવિત્ર ભગવા ધ્વજની છત્રછાયા અને આપણા પૂર્વજોનો ઈતિહાસ જ આપણને પરિણામ આપે છે. હિન્દુ જાતિને મૃતપાય ગણાવીને સમાજની સ્થિતિની ચિંતા કરનાર લોકોને તેના ઉપાયરૂપે, સંગઠિત સમાજ, ધર્મના આધારે કાર્ય અને ભારત માતાની જય, એવી ત્રણ બાબતો તેઓ સમજાવતા.
 
બહારથી દેખાતી અખાડા જેવી પ્રવૃત્તિ, લશ્કર જેવી શિસ્ત દર્શાવતો એકસરખો ગણવેશ, એ મહત્ત્વનું નથી, પરંતુ અનુશાસનથી એક થવું અને એક ધ્યેય પ્રત્યે પ્રવૃત થવું, આવી મનઃસ્થિતિ જ પરિણામ લાવી શકે છે. અનુશાસિત સંગઠનો જ સમાજની બધી જ પરિસ્થિતિમાં સામૂહિક નેતૃત્વ પૂરું પાડીને ભારતને વિશ્વગુરુ બનાવી શકે. સ્વામી વિવેકાનંદે કહેલા ૧૦૦ નચિકેતાઓનું નિર્માણ આ જ પદ્ધતિથી થઈ શકે. સંઘની શાખા સહજ રીતે આ પ્રકારનું અનુશાસન નિર્માણ કરે છે, જેને જીવનમાં ડગલે ને પગલે સ્વયંસેવકો અનુસરે છે. સંઘના પ.પૂ. સરસંઘચાલકજી મા. મોહનજી ભાગવત કહે છે કે, સંઘનું અનુશાસન રાષ્ટ્રહિતને સર્વોપરી ગણે છે.
 
સંઘના અનુશાસનથી દૂર થનાર વ્યક્તિ સાથે પણ સંબંધો હંમેશા ટકાવી રાખવા એ પણ સંઘનું અનુશાસન છે. સંઘવિચારથી અલગ થયેલા બાલાજી હુદ્દાર સામ્યવાદી બન્યા છતાં પણ તેમને મળવાનો ક્રમ ચાલુ રહ્યો, તેઓ ફરીથી સંઘમાં સક્રિય થયા હતા. વિચારના પ્રચાર-પ્રસાર કે સાહિત્યમાં (સંઘ સિવાયના) રાષ્ટ્ર માટે કામ કરનારા વ્યક્તિની કદી ટીકા ટિપ્પણ ન કરવી, તેવું સંઘનું અનુશાસન રહ્યું છે, એટલે જ કોંગ્રેસ સેવાદળના અધ્યક્ષ હાર્ડિકરના વિપરિત વક્તવ્યનો તેઓએ કદી પણ જવાબ આપ્યો ન હતો.
 
સંઘના શતાબ્દી વર્ષમાં નક્કી થયેલાં પાંચ કરણીય કામોમાં `સ્વ' તરફની (સ્વદેશી) યાત્રા અને નાગરિકબોધનો સમાવેશ આગ્રહપૂર્વક કર્યો છે. કોંગ્રેસના અધિવેશનમાં અડધી કાઠીએ ફસાયેલા ધ્વજને ઠીક કરનાર કિશન પરદેશીનું ડૉ. હેડગેવારે પણ અભિવાદન કર્યું હતું, તો ૧૯૨૯ના કોંગ્રેસના પૂર્ણ સ્વરાજના ઠરાવને બિરદાવવા ૨૬ જાન્યુઆરી, ૧૯૩૦નો દિવસ બધી જ શાખાઓમાં ઉજવીને કોંગ્રેસના ઠરાવનું અભિવાદન કરવાની સૂચના પણ ડૉ. હેડગેવારે આપેલી હતી. અંગ્રેજો પણ સંઘના ત્રણ ઉદ્દેશ્ય જાણતા હતા. એક હિન્દુ સમાજની સ્થિતિ સુધારવી, બીજું હિન્દુ યુવકોને શારીરિક પ્રશિક્ષણ આપવું અને ત્રીજું હિન્દુઓમાં અનુશાસનનો ભાવ પેદા કરવો. આ જ વિચારના આધારે સરકારી કર્મચારીઓને સંઘમાં ભાગ લેતા રોકી શકવાનો નિર્ણય પરત લીધો હતો. સંઘના આવા અનુશાસન કાર્યના કારણે જ બાબારામ સાવરકરે પોતાની તરુણ હિંદુ સભાને સંઘમાં સંમિલિત કરી દીધી હતી.
 
સંઘ પાસેથી આવા અનુશાસિત સ્વયંસેવકોની માંગ હિન્દુ મહાસભા અને કોંગ્રેસ ઘણી વાર કરતી હતી, પરંતુ સંઘના અનુશાસિત સ્વયંસેવકો એ માત્ર ખુરશીઓ ગોઠવનાર અને દરી ઉઠાવનાર નથી એવું વારંવાર કહેવામાં આવ્યું હતું. સંઘના અનુશાસનના વખાણ પોલીસદળના પ્રમુખ સરદાર હરભજનસિંહે ૧૯૨૮માં લોકમાન્ય તિલકની પ્રતિમાના ઉદઘાટન વખતે સંઘના પૂર્ણ ગણવેશધારી સ્વયંસેવકો દ્વારા માનવંદના કાર્યક્રમ જોઈને કર્યા હતા. વિવિધ સંઘશાખા પર અપાતી આજ્ઞાઓ હોય કે ઘોષ (બેન્ડ)ની રચનાઓ, સંઘે આજ્ઞાઓ સંસ્કૃતમાં અને રચનાઓ પૂર્ણપણે સ્વદેશી બનાવી. અંગ્રેજોનું અનુકરણ કરવાના બદલે અનુશાસનના બધા જ પ્રયોગોમાં ભારતીયતા જોવા મળે. જમનાલાલ બજાજ જેવા ગાંધીજીના સહયોગી કોંગ્રેસી નેતા પણ સ્વીકારતા હતા કે, અનુશાસિત શક્તિયુક્ત સંગઠન જ સૈદ્ધાંતિક પૃષ્ઠભૂમિ સાથે સમાજના હિતમાં ઉપયોગી થઈ શકે છે. આવો જ અનુશાસિત સંગઠિત હિંદુ સમાજ, એ સંઘનું સ્વપ્ન છે.
 
આવા શક્તિયુક્ત અનુશાસિત સમાજને જોઈને ભારતમાં રહેતા; કોઈક સમયે પોતાની પૂજાપદ્ધતિ બદલનાર અન્ય સંપ્રદાયના અવલંબીઓ પણ હિન્દુ સમાજમાં પોતાનો વિલય કરવા પોતાનું મન બનાવી શકે તેમ છે. પૂજનીય મહાત્મા ગાંધીજીએ પણ વર્ધાના સંઘના શિબિર અને દિલ્હીની સંઘ શાખાની મુલાકાતમાં હિન્દુભાવથી, કોઈપણ ભેદભાવ વગર એકત્ર થઈને, અનુશાસનબદ્ધ કામ કરનાર સંઘની કાર્યપદ્ધતિનાં વખાણ કર્યાં હતાં.
 
આજે સમાજની સજ્જનશક્તિ સેવાભાવી સંગઠનો અને રાષ્ટ્ર માટે કામ કરનાર સંસ્થાઓ સંઘ જેવા અનુશાસિત પ્રામાણિક નિષ્ઠાવાન સમર્પિત કાર્યકર્તાઓની માંગ કરે છે તેની પાછળ અનુશાસનના કારણે કાર્યકર્તાઓમાં સિંચિત થયેલા ગુણો કારણભૂત છે.
 
સંઘની સ્થાપનાથી લઈને ડૉ. હેડગેવારની વિદાય પછી પસાર થયેલી વંદનીય ગુરુજીથી માંડીને આજ સુધીની પેઢીમાં વિવિધ ક્ષેત્રો, સમવિચારી સંગઠનો, સેવાભાવી સંસ્થાઓ અને ગતિવિધિઓમાં સંઘના અનુશાસનનાં દર્શન થાય છે. કલમ ૩૭૦ દૂર કરીને જમ્મુ-કાશ્મીરને ભારતમાં ભેળવવાની વાત, અખંડ ભારતના ભાગલા થયા ત્યારે અન્ય વિસ્તારોમાંથી આવેલા હિન્દુઓની સુરક્ષિતતા અને વસવાટ માટે CAA, દેશમાં કુદરતી અને માવનાર સર્જિત આપત્તિઓમાં દોડી જનાર સ્વયંસેવકોનાં રાહતકાર્યો, મીનાક્ષીપુરમ્ જેવી ઘટનાઓ પછી દેશવ્યાપી પડઘો, એકાત્મતા યાત્રા અને રામ જન્મભૂમિના સ્થાન ઉપર ભવ્ય મંદિરના નિર્માણ માટે રાષ્ટીય જાગરણ કરનાર સ્વયંસેવકોની શક્તિનું નામ છે- `અનુશાસન'. ભારતની નિયતિ અંગે સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે, સંપૂર્ણ વિશ્વને કલ્યાણકારક માર્ગ બતાવવાનું કામ ભારતને ભાગે છે. ભારત જ તે બતાવી શકે છે. આજે વિશ્વમાં ફેલાયેલા વૈશ્વિક આતંકવાદ, વૈશ્વિક પર્યાવરણીય સમસ્યાઓ, વૈશ્વિક ગરીબી અને મંદી, આ તમામના ઉકેલનો એકમાત્ર રસ્તો છે- અનુશાસન. બધા સ્વાર્થથી ઉપર ઊઠીને- सर्वे भवन्तु सुखिनः सर्वे संतु निरामयाःની ભાવનાના આધારે સંઘના શતાબ્દી વર્ષમાં સંઘના સક્રિય સ્વયંસેવકો સમયની સપ્તશક્તિ અને સમાજની સજ્જનશક્તિના આધારે સંઘકાર્યમાં આગળ વધવા માટે ઈશ્વર બધાને શક્તિ આપે અને આપણે બધા સ્વીકારીને આગળ વધી રહ્યા છે, સૌ એક જ માર્ગે આગળ વધી રહ્યા છે, આ માર્ગ છે અનુશાસનનો.
 
 
- ડૉ. જયંતિભાઈ ભાડેસિયા 
Powered By Sangraha 9.0