અનુશાસન : ક્રાંતિથી નહીં, સંક્રાંતિથી...

29 Jan 2025 16:16:54

rss kranti anushasan in gujarati
 
 
 
પ્રાચીન ભારતમાં કોઇપણ સદકાર્ય સંક્રાંતિ પર આધારિત રહ્યું છે. સંક્રાતિ એટલે સમ્યક ક્રાંતિ. અંતર્જગત-અંતર્સૃષ્ટિ તરફની ગતિ. અંતર્સૃષ્ટિ માટે ચંચળ મન પર વિજય મેળવી આત્માના અવાજ પર ધ્યાન કેન્દ્રિત કરવું. અને તેને અનુસરવું, ત્યારે જ અનુશાસનની શરૂઆત થાય છે.
 
ક્રાંતિમાં હિંસાનું મહત્ત્વ હોય છે, પરંતુ સંક્રાંતિમાં સમજદારીની પ્રધાનતા હોય છે. સંક્રાંતિનો અર્થ સહજ-શાંત-સ્થિર પરિર્તતન છે. સંક્રાંતિ એટલે મસ્તિષ્કોનું કપાવું નહીં, પરંતુ મસ્તકના વિચારોનું બદલાવું છે અને એ જ સાચો વિજય છે.
 
અનુશાસન એટલે સ્વયંશિસ્ત. સામાન્ય રીતે લોકોમાં-સમાજમાં ઘણા શબ્દોનો અર્થ ન સમજવાને કારણે ગોટાળા વળે છે. અનુશાસન અને શિસ્ત સમાનાર્થી શબ્દો નથી. શિસ્ત કડકાઈથી અથવા હુકમ કે આદેશથી લાવી શકાય, કારણ કે શિસ્ત એટલે નિયમોનું પાલન કે અમલીકરણ.
 
શાળામાં ભણતા હતા ત્યારે શાળાના નિયમોનો અમલ ચુસ્તતાથી કરાવવામાં આવતો. ખાસ કરીને શાળાના P.T.ના શિક્ષક આ જવાબદારીનું વહન કરતા. સૈનિકોમાં પણ નિયમપાલનનું કડક અમલ થાય છે. બંધારણની જોગવાઈ પ્રમાણે કાયદાનું પાલન શિસ્ત ગણાય. અને એ પાલન માટે વિશેષ અધિકારીઓની નિમણૂંક થાય. કાયદાના ભંગ બદલ સજા થાય. એટલે પ્રજા કાયદાનું પાલન કરે છે, પણ એ સજાના ભયથી પાલન કરે છે. શાળાના અને ટ્રાફિકના નિયમોનું પાલન થાય તો સમજવું કે અમલ કરાવનાર શિક્ષક કે ટ્રાફિક અધિકારી જોરદાર કડક આવી ગયો છે. જેટલી કડકાઈ વધુ એટલી શિસ્ત વધુ દેખાય છે.
પણ આપણે વાત કરીશું અનુશાસનની એટલે કે સ્વયંશિસ્તની. વ્યક્તિને કે સમાજને લાગે કે કોઈ જુએ કે ના જુએ, પણ મારે નિયમનું પાલન કરવાનું છે. કોઈ સજા થાય કે ના થાય પણ કાયદાને, નિયમને અનુસરવાનું છે. કંઈ મળે કે ન મળે મારે સત્યને અનુસરવાનું છે, ત્યારે સમાજમાં અનુશાસન આવ્યું એવું ગણાય.
 
અનુશાસન ક્રાંતિથી આવે કે સંક્રાતિથી? એ આજનો વિષય છે.
 
આપણે સૌ જાણીએ છીએ કે શિસ્ત લાવવી સહેલી છે, પણ અનુશાસન લાવવું એ મુશ્કેલ છે અને લાંબી પ્રક્રિયા છે, કારણ કે અનુશાસન માટે વ્યક્તિ વ્યક્તિનું, સમાજનું મન બને એ જરૂરી છે અને સ્વેચ્છાએ નિયમ-રિવાજ-કાયદાનો સ્વીકાર કરે અને પાલન પણ કરે તે જરૂરી છે.
 
ઉ.દા. આપણા ભારતીય સમાજમાં અનેક માન્યતા, કુરિવાજ હતાં, જેમ કે અસ્પૃશ્યતા, વિધવા પુનઃ વિવાહ પર પ્રતિબંધ, કન્યાકેળવણી ન કરવી વગેરે વગેરે.. પરંતુ આપણા સમાજસુધારકોને લાગ્યું કે, આવા રિવાજ, આવી માન્યતા સ્વસ્થ સમાજરચના માટે ઘાતક છે. એટલે એમણે સમાજ જાગરણનું કામ શરૂ કર્યું. વિચારોના પ્રચાર-પ્રસાર માટે સાધનોના અભાવ વચ્ચે પણ પ્રયત્ન શરૂ કર્યા. વર્ષોના અંતે સમાજ જાગરણ થયું. સમાજનું મન બન્યું. અને જે સમાજ માટે ઘાતક કુરિવાજ-કુપ્રથા હતી તેમાંથી સમાજની મુક્તિ થઈ, સમાજસુધારકોના વિચારોને ગ્રાહ્ય રાખવામાં આવ્યા.
 
આજે સમાજમાં વિધવાવિવાહ સામાન્ય બાબત બની છે, કન્યાકેળવણી માટે ભાષણો કરવાની જરૂર નથી. હા, કેટલાક સમાજમાં હજુ જોઈએ એવું પરિવર્તન થયું નથી, પણ શેષ સમાજનું મન હવે બની ગયું છે.
 
જો આ વાત બળજબરી કે સજાના ભયથી હોત તો તાકાતના જોરે ક્રાંતિ તો આવી જતી પણ લાંબું ટકી ના શકતી. જેમ કે ઈસાઈ મતમાં સ્ત્રી નિર્જીવ એકમ ગણાતી, સ્ત્રીને કોઈ રાજકીય અધિકાર ન હતા, સ્ત્રી નાગરિક ગણાતી ન હતી. પણ ૧૯૨૦માં યુરોપમાં આંદોલન થયાં, સ્ત્રીમતાધિકાર માટે આજે કાયદો છે, પણ સ્ત્રી તરફનો દૃષ્ટિકોણ આજે પણ બદલાયો નથી, ત્યાં આજે પણ સ્ત્રી ઉપભોગનું સાધન જ છે. ઇસ્લામમાં પણ સ્ત્રી માટે કાયદાને લીધે ઉપરછલ્લી ઉદારતા દેખાય છે. પણ તેની વર્તમાન પરંપરાઓ જોતાં મનથી એનો સ્વીકાર નથી દેખાતો.
 
રા.સ્વ.સંઘના દ્વિતિય સરસંઘચાલક મા. શ્રી ગુરૂજી (માધવરાવ સદાશિવરાવ ગોલવલકર)એક પ્રવાસમાં હતા. ટ્રાફિકના નિયમ પ્રમાણે ચાર રસ્તા પરનું ટ્રાફિક આઇલેન્ડવાળું ચક્કર કાપીને ગોળાઈ ફરીને જવું જોઈએ. મોડી રાતનો સમય હતો. રસ્તા ઉપરના સૌ કોઈ ટૂંકા માર્ગે જવા માટે ગોળાઈ ફર્યા વગર જ વાહન હંકારતા હતા, પૂ. ગુરુજીની કારના ચાલકે પણ એ ટૂંકો માર્ગ પસંદ કર્યો, અને કાર ચલાવી પણ પૂ.ગુરુજીએ ચાલકને રોક્યો અને ગોળાઈ ફરીને કાર લેવાની સૂચના આપી. ચાલકે ગુરુજીની આજ્ઞા માની, ટ્રાફિકના નિયમનું પાલન કરીને કાર આગળ વધી. કોઈ જોતું હોય કે ન જોતું હોય, લોકો નિયમનું પાલન કરે કે ના કરે મારે નિયમનું પાલન કરવું જોઈએ, એ વિચાર એટલે અનુશાસન.
 
પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી ટ્રેનના સામાન્ય ડબ્બામાંથી શ્રી ગુરુજીને મળવા વિશેષ સગવડવાળા ડબ્બામાં ગયા અને જેટલો સમય પસાર કર્યો તેટલી રકમ T.C. પાસે જમા કરાવી દીધી.
 
‘बीस और नौ व्रत’વાળા બિશ્નોઈ સમાજનું અનુશાસન એવું છે કે, વન, વન્ય પ્રાણી પ્રત્યે અપાર સ્નેહ રાખે છે. વૃક્ષ કાપવું. વન્ય પ્રાણીની હત્યા કરવી એ એમના માટે મોટું પાપ અથવા ગંભીર ગુનો છે. અને એ મન-વચન-કર્મથી સ્વીકારેલું છે. વન્ય પ્રાણીને નુકસાન કરવાનું તો તેઓ સ્વપ્નમાં વિચારી નથી શકતા, એટલું જ નહીં પોતાના પ્રાણની કમતે વૃક્ષ અને વન્ય પ્રાણીઓને બચાવે છે.
 
જેમકે એકવાર સાબરમતી નદીના કિનારે મહાત્મા ગાંધી અને એમના અનુયાયી મહાદેવભાઈ દેસાઈ વહેલી સવારે દાતણ કરતાં કરતાં વાતો કરતા હતા. દાતણ વિધિ પૂર્ણ થયા પછી મહાત્માજીએ મોં ધોવા માટે મહાદેવભાઈને કીધું. મહાદેવભાઈએ નદીમાંથી મોટો લોટો ભરીને મોં ધોવડાવવાનું શરૂ કર્યું. ગાંધીજીએ અડધા લોટા કરતાં પણ ઓછા પાણીથી મોં ધોઈ લીધું. ત્યારે મહાદેવભાઈએ કહ્યું કે બાપુ, આખી સાબરમતી અહીંથી વહે છે અને તમે પાણીની કરકસર કરો છો. ત્યારે મહાત્માજીનો જવાબ હતો કે, નદીનું પાણી મારા એકલા માટે છે? અરે આ નદીનું પાણી સમગ્ર સૃષ્ટિ માટે છે. એટલે કુદરતના નિયમ પ્રમાણે મારે જેટલું પાણી જોઈએ એટલું જ લેવાનું છે. બાકી પર મારો અધિકાર નથી. અહીં પણ મહાત્માજીને કોઈ કહેવાનું ન હતું, પાણી વધુ વાપરી શક્યા હોત પણ વ્યક્તિ જયારે કોઈ વાત સમજે અને અંતઃકરણ અને મનથી સ્વીકારે ત્યારે એ અનુશાસન બને છે. અને આવું અનુશાસન સર્વના કલ્યાણ માટે હોય છે.
 
સંઘની શાખામાં પગરખાં એક હરોળમાં કાઢવાં, એવું કહેવાની જરૂર પડતી નથી. આપોઆપ એ પ્રક્રિયા શરૂ થઈ જાય છે અને એનું કારણ અન્ય સ્વયંસેવકો અને શાખામાં આવનાર કાર્યકર્તાઓનો આવો વ્યવહાર એ જુએ છે, એને અનુસરે છે.
પૂ. ગુરૂજી એક વખત ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. પ્રભાતનો સમય થયો હતો અને ટ્રેન એક સ્ટેશને ઊભી હતી. સ્ટેશને ઊભેલી ટ્રેનમાં ટોઇલેટનો ઉપયોગ કરવાની મનાઈ હોય છે. પરંતુ સામાન્ય રીતે ઘણા લોકો સ્ટેશને ઊભેલી ટ્રેનમાં ટોઇલેટનો ઉપયોગ કરતા હોય છે અને તેની કોઈ સજા અથવા દંડ થતો ય નથી. પરંતુ આ તો પૂ. ગુરૂજી હતા. પ્રભાતનો સમય અને નિત્યક્રમનો સમય થયો હોવાથી પૂ. ગુરૂજીને ટોઇલેટનો ઉપયોગ કરવો હતો, પરંતુ ટ્રેન ઊપડવાની તેમણે રાહ જોઈ. પાંચ મિનિટ પછી ટ્રેન ઊપડી અને પછી તેમણે ટોઇલેટનો ઉપયોગ કર્યો, આ છે અનુશાસન !
 
જ્યારે વ્યક્તિએ પોતાના જીવનને પણ અનુશાસિત કરવું હોય તો તે ઇન્દ્રિયોના દમનથી નથી થતું, પરંતુ ઇન્દ્રિયોના સંયમથી અનુશાસિત થતું હોય છે, જેનાથી ઇહલોક અને પરલોક બંનેને સુધારી શકાય છે અથવા બંનેના પથને સુગમ બનાવી શકાય છે એટલે જ ક્રાંતિમાં ખાલી પરિસ્થિતિમાં પરિવર્તનની આકાંક્ષા હોય છે જ્યારે સંક્રાંતિમાં સમ્યક પરિસ્થિતિ સ્થાપન કરવાની અભિલાષા હોય છે.
 
 
- નીરવ પટેલ 
 
Powered By Sangraha 9.0