અનુશાસિત સંઘનું પ્રેરક પ્રતિનિધિત્વ | શ્રી ગુરુજી દ્વારા અનુશાસન પર કહેવાયેલી વાતો

29 Jan 2025 15:32:22

shriguruji RSS anushasan in gujarati
 
 
 
પૂજનીય શ્રી ગુરુજી વ્યક્તિ નહીં, વ્યક્તિત્વ હતા. તેઓ જ્યારે બોલતા ત્યારે લાગતું કે, સમગ્ર રાષ્ટ બોલી રહ્યું છે. તેમના વિચાર, જીવનદર્શનને `શ્રી ગુરુજી સમગ્ર સંકલન સમિતિ' નાગપુર દ્વારા `શ્રી ગુરુજી સમગ્ર' રૂપે બાર ખંડોમાં બાંધવાનો એક પ્રયાસ થયો છે. આ બારેય ખંડોનો સંક્ષિપ્ત સાર એટલે `શ્રી ગુરુજી : દૃષ્ટિ અને દર્શન'. સુરુચિ પ્રકાશન દિલ્હી દ્વારા પ્રકાશિત આ પુસ્તકમાં શ્રી ગુરુજી સમગ્રનો સાર વણાયેલો છે,જેમાં શ્રી ગુરુજી દ્વારા અનુશાસન પર કહેવાયેલી વાતો `અનુશાસન' નામના પ્રકરણમાં પ્રકાશિત થઈ છે. પ્રસ્તુત છે અત્રે તે પ્રકરણમાં આલેખાયેલું અનુશાસન.
 
 
સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ પોતાને બંધનમાં રાખવા ઇચ્છતો નથી. મન મુજબનો વ્યવહાર કરવાની છૂટ હર કોઈ ઇચ્છતા હોય છે. પ્રાચીનકાળમાં એવા પૂર્ણ સ્વાતંત્ર્યનો વિચાર કરવામાં આવ્યો હતો, જેને ધર્મ, નીતિનાં બંધન પણ લાગુ પડતાં ન હતાં, પરંતુ માત્ર ઇચ્છા રહેવાથી કાંઈ જ થતું નથી. માત્ર મુક્ત રહેવાની કામનાનો વ્યવહારિક જગતમાં કોઈ અર્થ નથી. જો કોઈ મુક્ત રહેવા માગે છે તો પણ તેને અનુશાસનનું પાલન કરવું જ પડશે. આપણા ધર્મમાં, દર્શનમાં પ્રત્યેક વ્યક્તિને આચરણ માટે અનુશાસનની સંહિતા આપવામાં આવી છે; જેનું પાલન કરવાથી તેને મુક્તિ મળે છે.
 
વ્યવસ્થિત જીવન થકી જ સુરક્ષા અને પ્રગતિ
 
આ મુક્તિની કલ્પના કેવી પણ હોય, પરંતુ પ્રશ્ન એ થાય છે કે શું પ્રત્યેક વ્યક્તિ ઇચ્છા અનુસાર વ્યવહાર કરે તે યોગ્ય છે? શું તેનાં પરિણામો સારાં આવશે? આપણા ગૃહસ્થજીવનને જ લઈ લો. પરિવારનો પ્રત્યેક વ્યક્તિ જો મન મુજબનો વ્યવહાર કરવા માંડે, તો ઘર ગૃહસ્થી નષ્ટ થઈ જશે. શાંતિ નહીં રહે. આનંદ, પ્રગતિ કશું પણ નહિ રહે. ઘર ગૃહસ્થીમાં પણ મુક્તિ કે કંઈક સ્વતંત્રતા મેળવવા માટે વિશિષ્ટ અનુશાસનનું પાલન કરવું પડે છે, જેનાથી પારિવારિક જીવન સુવ્યવસ્થિત રહે, સુખી રહે. તેવી જ રીતે આપણા રાષ્ટના સંદર્ભમાં પણ આપણે કેટલાક નિયમો અને અનુશાસનનું પાલન કરવું પડશે, જેથી તેનું સ્વરૂપ વ્યવસ્થિત રહે અને પ્રત્યેક વ્યક્તિ એટલું જ સ્વાતંત્ર્ય મેળવી શકે, જે સુરક્ષા અને પ્રગતિ માટે જરૂરી હોય.
 
અનુશાસન શરીર-મન-બુદ્ધિમાં વ્યાપ્ત
 
આપણે ત્યાં માનવામાં આવ્યું છે કે, માત્ર કદમ તાલ મિલાવવો એ જ અનુશાસન નથી. શરીર, મન અને બુદ્ધિ ત્રણેયમાં અનુશાસન વ્યાપ્ત હોવું જોઈએ. બુદ્ધિનો એ નિશ્ચય જરૂરી છે કે, આ રાષ્ટ મારું છે અને મારે એના માટે સર્વસ્વ અર્પી દેવાનું છે. આ પ્રકારના નિશ્ચયથી અંતઃકરણમાં સદ્ભાવનાનું જાગરણ થાય. એ સદ્ભાવનાથી શરીરની તમામ ક્રિયાઓ એકબીજા સાથે સુમેળભરી હોય, ત્યારે જ તે અનુશાસન ગણાય છે.
 
મનમાં લાખ ઉમંગો હોય, પરંતુ યોજના અનુસાર વ્યવસ્થિત રૂપે કામ કરવા એટલે કે મનને સંયમિત કરી વિશિષ્ટ પદ્ધતિ થકી કામ કરવાનો ગુણ આવવો એ ખૂબ જ જરૂરી છે. તેમાંથી જ એની વિખેરાયેલ શક્તિ સંગઠિત રૂપે આવી તેનું પ્રચંડ સંગઠિત અને નિત્ય વિજયશાળી સામર્થ્ય ઊભું થઈ શકે છે. આ ગુણને જ અનુશાસન કહેવાય છે. અનુશાસનનું સૂત્ર જેટલું પ્રબળ હશે, આપણી કાર્યક્ષમતા અને શક્તિ તેટલી જ વધારે ને વધારે વધશે.
 
ગૌણ અનુશાસન અને શ્રેષ્ઠ અનુશાસન
 
અનુશાસનમાં રહેવા માટે બાધ્ય કરનારાં અનેક કારણો હોય છે. એક તો જીવનમાં સ્વાર્થને કારણે અનુશાસન રહે છે. સરકારી કાર્યાલયમાં મનુષ્ય સ્વાર્થ ખાતર જ સમયની પાબંદી સ્વીકારે છે. રોગમુક્ત થવા માટે ઔષધ લેવાનું કામ અને પરેજીપાલન પણ સ્વાર્થને કારણે કરવામાં આવે છે. સર્વ સામાન્ય મનુષ્ય અપરાધ નથી કરતો, કારણ કે તેના મનમાં સજાનો ડર હોય છે. જો તે કોઈ ભૂલ કરે છે તો તેને આકરો દંડ ભોગવવો પડશે તે પણ ભય રહે છે. ઈસાઈ અને મુસ્લિમ જીવનમાં સારો વ્યવહાર કરવા પર સ્વર્ગ મળવાનું આશ્વાસન ઈસા અને મોહંમદ સાહેબે આપ્યું છે, પરંતુ ખોટો વ્યવહાર કરવા પર જહન્નુમ જવાનો ભય પણ બતાવ્યો છે.
 
કોઈક કારણથી જીવનમાં અનુશાસન આવે છે. તે અનુશાસન સર્વશ્રેષ્ઠ હોય છે. કોઈ શ્રેષ્ઠ લક્ષપ્રાપ્તિની તીવ્ર ઇચ્છા રહે છે, ત્યારે તેને મેળવવા માટે મનુષ્ય જીવનમાં અનેક બંધન સ્વેચ્છાથી સ્વીકાર કરે છે. આપણા લક્ષ્ય વિષયમાં સુસ્પષ્ટ જ્ઞાન અને તેની પ્રાપ્તિ માટે સ્વીકારાયેલ સાધનમાં શ્રદ્ધા હોવાને કારણે આ અનુશાસન બાહ્ય પરિસ્થિતિથી તૂટતું નથી.
 
અનુશાસનનાં બે રૂપ
 
અનુશાસનના બે રૂપ છે. એક જે પ્રકારે આદેશ છે, તેનું સંપૂર્ણ પાલન અને બીજું અનેક લોકો પાલન કરવાવાળા હોવાને કારણે સૌનું એક સાથે સૂત્રબદ્ધ થઈ પાલન, અર્થાત્ એક વ્યક્તિશઃ પાલન અને બીજું સંઘશઃ પાલન.
 
અનેક નાની નાની વાતો મળીને મોટી વાત બને છે. નાની બાબતો પર ધ્યાન અપાયું તો મોટી વાતોનું આપમેળે જ ધ્યાન રહેવા માંડે છે. દરવાજો અવાજ કર્યા વગર બંધ કરવાથી લઈ કબાટમાં રજાઈ રાખવા સુધી નગણ્ય જણાતી વાતોના સંબંધમાં શ્રેષ્ઠ પુરુષોને માર્ગદર્શન કરતા મેં જોયા છે. નાનાં કામોનો અભ્યાસ ઠીક હશે તો મોટાં કામો યોગ્ય રીતે કરી શકીશું. કોઈ કહે કે સમય આવવા દો, ત્યારે યોગ્ય રીતે કામ કરી બતાવીશું, તો તેઓએ એ સમજી લેવું જોઈએ કે, પ્રત્યેક ક્ષણ સમય જ છે અને તે નિત્ય આવે છે. પરીક્ષા ક્યારેક નાની હોય છે તો ક્યારેક મોટી, નાની પરીક્ષામાં જે નાપાસ થાય તે મોટી પરીક્ષામાં પાસ (ઉત્તીર્ણ) કેવી રીતે થવાનો ?
 
ચિત્તની વ્યવસ્થિતતા અનુશાસનનું માનસિક સ્વરૂપ
 
અવ્યવસ્થિત મન કોઈ કાર્ય નથી કરી શકતું. આપણે ત્યાં જૂના વિદ્વાનો ત્યાં સુધી કહે છે કે, જેનું ચિત્ત અવ્યવસ્થિત છે, તેની પ્રસન્નતા પણ સંકટોથી ભરેલી હોય છે. ચિત્ત(મન)ની વ્યવસ્થિતતા અનુશાસનનું માનસિક સ્વરૂપ છે. જે-જે કાર્ય આપણે કરીએ છીએ, તેનું ચિંતન-મનન અને સર્વશક્તિનું તેના પર જ કેન્દ્રીકરણ કરવાનો આ માનસિક ગુણ જો આપણામાં હશે તો શરીર અનુચિત વ્યવહાર નહીં કરે. આ દૃષ્ટિએ વ્યક્તિગત અને સંઘબદ્ધ જીવનમાં અનુશાસનનો ગુણ મનના ઊંડાણ સુધી પહોંચાડવો. મન અવ્યવસ્થિત ન થાય અને એકાગ્રતાપૂર્વક કામ કરવાની પ્રવૃત્તિ રહે, તેથી અભ્યાસ કરવો અને કરાવવો જરૂરી છે.
 
અનુશાસનનો અનોખો અન્તર્ભાવ
 
અનુશાસનનો વધુ એક અર્થ મારી સામે નિત્ય રહ્યો છે. આપણે ત્યાં `અનુશાસન' શબ્દનો પ્રયોગ ખૂબ જ પ્રાચીન કાળમાં કરવામાં આવ્યો, તેના જુદા-જુદા અર્થ હોઈ શકે છે, પરંતુ એક ઉલ્લેખ ખૂબ મહત્ત્વપૂર્ણ છે. તૈત્તરીય ઉપનિષદમાં જ્યાં વિદ્યાર્થીઓને ઘરે જતા સમયે આચાર્યો દ્વારા કેટલીક સૂચનાઓ આપવામાં આવી છે, તેમાં `એતત્ અનુશાસનમ્'માં કહેવામાં આવ્યું છે કે, જે સિદ્ધાંતરૂપ ધર્મ છે તે અનુસાર ચાલો; જે સત્ય મુજબનું છે, તેને ક્યારેય ન છોડો વગેરે મૌલિક સિદ્ધાંત તેમાં બતાવવામાં આવ્યા છે. પરંતુ વિશિષ્ટ પ્રકારથી જ ચાલો અને જેને અંગ્રેજીમાં `રિઝિડિટી' કહે છે, તેનો આદેશ કે ઉપદેશ આપવામાં આવ્યો નથી. માત્ર એટલું જ કહેવાયું છે કે શાસ્ત્રોએ આપણું માર્ગદર્શન કર્યું છે, છતાં પણ કોઈ સમસ્યા ઉદ્ભવી, તો જે શ્રેષ્ઠ નિઃસ્વાર્થ, તપઃપૂત વિદ્વાન પુરુષ છે, તે તે પ્રસંગોમાં જેવો વ્યવહાર કરતા જોવા મળે, તેવો વ્યવહાર કરો. વિશેષ નિયમાવલિ બનાવાઈ નથી. સ્વવિવેકનું સ્વાતંત્ર્ય આપવામાં આવ્યું છે. આ સ્વાતંત્ર્યનો સમન્વય મૌલિક સિદ્ધાંતની સાથે કર્યો અને તેને `અનુશાસન' કહ્યું. આપણે ત્યાં `અનુશાસન' શબ્દમાં વ્યક્તિના સ્વાતંત્ર્ય અને સૂત્રબદ્ધ જીવન તથા સમષ્ટિમાં તેનું વિલીનીકરણ બંનેનો અંતર્ભાવ છે.
 
વ્યક્તિત્વના ઉદાત્તીકરણનો હેતુ અનુશાસન
 
પ્રત્યેક વ્યક્તિને પ્રકૃતિ-ધર્મ અનુસાર તેને જીવનમાં ઉત્કર્ષ કરવા માટે પ્રોત્સાહન આપવું. એ જ આપણી પરંપરા રહી છે. આવું કરતાં છતાં પણ આપણા વ્યક્તિત્વના અહંકારનો શિકાર ન બનતાં, સમષ્ટિના અભિમાનનો જ કેવળ આપણા અંતઃકરણમાં ભાવ રાખીને, આપણી વૈયક્તિક ગુણસંપદાનાં પ્રકર્ષ, સમષ્ટિના અહંકારથી એકાત્મ હોવાના કારણે, રાષ્ટહિત માટે જ સુસૂત્ર રૂપથી ઉપયોગમાં લાવવાનો જે ભાવ છે, તેને આપણે ત્યાં `અનુશાસન' ગણાવ્યું છે.
 
આપણા પૂર્વજોએ સમષ્ટિની જે રચના બનાવી તેમાં વ્યક્તિનો સંતોષ અને અનુશાસન સૂત્રનો સ્વેચ્છાએ તથા આનંદથી સ્વીકાર કરવાનો સમન્વય કર્યો છે. પરિણામસ્વરૂપ, સંસારમાં અન્ય કોઈ સમાજે સહ્યા નહીં હોય, તેનાથી અનેકગણા વધારે આઘાત આવવાં છતાં તે તમામને ગળી જઈ આમણે આજે પણ અસ્તિત્વમાં છીએ.
 
ચૈતન્યપૂર્ણ અનુશાસન 
 
આ આપણા લચીલા અનુશાસનનું ફળ છે. જો રિઝિડિટી આવત તો જેમ આત્મરક્ષાર્થે કેટલાંક પ્રાણીઓએ મોટાં કવચ ધારણ કર્યાં અને તેના જ ભાર હેઠળ દબાઈ નષ્ટ થયા અને માત્ર ફોસિલ (હાડપિંજર)ના રૂપે બચ્યાં, તેવી જ અવસ્થા આપણા સમાજની થતી. આ લચીલાપણું અને તેમાંનો જાગૃત સમષ્ટિ ભાવ તે આપણું અમૃત છે. તેણે જ આપણને જીવિત રાખ્યા છે.
 
આપણા અનુશાસનની શક્તિ તેના લચીલાપણામાં જ છે અને તેમાં તેની જીવંતતા છે, જ્યાં સુધી વૃક્ષમાં રસ વહે છે, ત્યાં સુધી વૃક્ષની ડાળને ઝુકાવી દો તો તે ઝૂકી જશે અને બાદમાં પૂર્વવત્ થઈ જશે, પરંતુ રસ સમાપ્ત થઈ ગયા બાદ સુકાયેલી ડાળી તૂટી જશે. કૃત્રિમ અનુશાસન સુકાયેલ વૃક્ષની ડાળખી સમાન નિષ્પ્રાણ અને તૂટી જાય તેવો હોય છે. જીવમાન, ચૈતન્યમય વ્યક્તિની સ્વેચ્છાએ સ્વીકૃતિ અને સમષ્ટિરૂપ અહંકારથી જ ઓતપ્રોત અનુશાસન જ સંગઠિત રૂપે ઊભું રહી શકે છે, તે જ ચિરંજીવી હોય છે, જે અમૃતરસથી ભરેલું છે, કારણ કે તેને મારવાની શક્તિ જગતમાં કોઈની પાસે નથી. તે પોતાના ભારથી પણ ક્યારેય તૂટતું નથી. મહાકાય વૃક્ષને નાનાં નાનાં મૂળ એટલા માટે સંભાળી શકે છે, કારણ કે તે જીવમાન હોય છે. જો તે નિર્જીવ થઈ જશે તો વૃક્ષ પડી જશે. ચૈતન્યનો અમૃતરસ યોગ્ય રીતે રહ્યો તો ન તે તેના ભારથી તૂટે છે અને ન કોઈ અન્ય તેને તોડી શકે છે. આ તમામ વિચારી અનુશાસનની આપણી ધારણા, કલ્પના અને વિચાર તથા તેના આચરણને પ્રસ્થાપિત કરવા માટે આપણા પ્રયત્નો વગેરે યોગ્ય પ્રકારે થતા હોવા જોઈએ.
 
 
Powered By Sangraha 9.0