આજના મહાભારતનું અનુશાસન પર્વ

29 Jan 2025 16:05:13

success saurabh shah anushasan in gujarati
 
મહાભારતના અનુશાસન પર્વ વિશે તમે જાણો છો. પિતામહ ભીષ્મ કુરુક્ષેત્રમાં બાણશય્યા પર છે. એમની જિંદગીના આ છેલ્લા દિવસો છે. યુધિષ્ઠિર પોતાના ચાર ભાઈઓ સાથે પિતામહ પાસે આવ્યા છે. ઉપરાંત કૃષ્ણ છે, અન્ય રાજાઓ છે, સાધુસંતોની ઉપસ્થિતિ પણ છે. યુધિષ્ઠિર પિતામહ ભીષ્મને અસંખ્ય પ્રશ્નો પૂછે છે- જીવનમાં સાચું શું, ખોટું શું. ભીષ્મ દરેક પ્રશ્નોનો વિગતવાર ઉત્તર આપે છે. ભીષ્મના સમગ્ર જીવનનો નિચોડ આ પ્રશ્નોત્તરીમાં સમાયેલો છે. મહાભારતકાર વેદ વ્યાસે આ વિશાળ વિભાગને અનુશાસન પર્વ નામ આપ્યું છે.
 
આજના યુગમાં આપણી પાસે ન તો યુધિષ્ઠિર છે, ન પિતામહ ભીષ્મ છે, પરંતુ એમણે કરેલો સંવાદ આપણા માટે દીવાદાંડીની ગરજ સારે છે. આજની તારીખે યુધિષ્ઠિર પ્રશ્નો પૂછે તો કેવા પ્રશ્નો પૂછે? અને આજના પિતામહ ભીષ્મ એ પ્રશ્નોના ઉત્તર આપે તો એ શું શું સલાહ આપે?
 
વેદ વ્યાસની પ્રજ્ઞાને પ્રમાણ કરીને એક નાનકડો સાત્ત્વિક અખતરો કરીએઃ
 
યુધિષ્ઠિરઃ હે, પિતામહ! મીડિયામાં અને સૉશિયલ મીડિયામાં દિવસરાત તમારા પર ટીકાનાં બાણ વરસે છે. અમે જોઈએ છીએ કે આ બાણ તમને ભોંકાય છે. શું તમને વેદના નથી થતી? તમે આ બાણવર્ષાનો સામનો કેવી રીતે કરો છો તે અમને સમજાવો, જેથી અમારી આસપાસના લોકો અમને એમનાં વાક્બાણથી બાંધવાની કોશિશ કરતા હોય ત્યારે અમે તમને અનુસરીને અમારી રોજિંદી જિંદગીને પાટા પરથી ખડી પડતી અટકાવી શકીએ.
 
પિતામહ ભીષ્મઃ મારા વહાલા યુધિષ્ઠિર ! તું તો જાણે છે કે આજના યુગમાં મીડિયાનું અને વિશેષ કરીને સૉશિયલ મીડિયાનું કામ ધોબી જેવું થઈ ગયું છે. રામાયણના ધોબીની અટક કેજરીવાલ હતી એવું હમણાં જ કોઈએ સંશોધન કરીને શોધી કાઢ્યું છે. બેફામ અને બેબુનિયાદ આક્ષેપો તેઓ કરતા રહેવાના. એક વાત સમજી લે, યુધિષ્ઠિર! જેમની પાસે પોતે કરેલાં નક્કર કામોની કોઈ યાદી નથી હોતી, જેઓ જીવનભર બીજાઓની પ્રતિમા ખંડિત કરવાના પ્રયત્નો કરીને જાહેર જીવનમાં આગળ વધવા માગે છે અને જેમને પોતાના રાષ્ટ્ર માટે નહીં પણ રાષ્ટ્રના દુશ્મનો માટે પ્રેમ હોય એવા લોકો પ્રજાના મનમાં ધુમ્મસભર્યું વાતાવરણ સર્જવા માટે અરાજકતા સમાજમાં ફેલાવવા સિવાય બીજું કશું કરવાને લાયક નથી હોતા. એવાઓ તારા વિશે કે તારા ભાઈઓ સમાન અમિત શાહ, મોહન ભાગવત, એસ. જયશંકર કે અશ્વિની વૈષ્ણવ વિશે બિકાઉ મીડિયામાં કે બેજવાબદાર સૉશિયલ મીડિયામાં જે કંઈ પણ બોલે તેની કિંમત ધૂળ બરાબરની પણ હોતી નથી. માટે તું કોઈનીય ફિકર કર્યા વિના તારી જવાબદારી નિભાવવામાં મગ્ન રહેજે. ભસતાં કૂતરાઓની સામે આપણાથી ના ભસાય.
 
યુધિષ્ઠિરઃ આપની વાતમાં મને સો ટકા ભરોસો છે, પિતામહ. પણ એ લોકો દર કલાકે ફેક ન્યૂઝ ક્રિએટ કરે છે, તેનું શું કરવું? એટલું જ નહીં એડિટ કરેલા વીડિયોની ક્લિપ વાયરલ કરે છે, ફૉટોશૉપ કરેલી ઈમેજીસ પોસ્ટ કરે છે, અમારા શાસનની સિદ્ધિઓને નાકામિયાબી ગણાવીને પ્રજાને ભરમાવે છે, એટલું જ નહીં પોતાની નાકામિયાબીઓને છુપાવીને બિકાઉ મીડિયામાં કરોડો રૂપિયાની જાહેરાતો આપીને પોતાના શાસન દરમિયાન ક્યારેય નહીં થયેલા કામનાં ગુણગાન ગાય છે પિતામહ, આવા લોકોનું અમારે શું કરવું? એમના પર પગલાં લેવાં જઈએ તો અમારા પર અખબારી સ્વાતંત્ર્યનું ગળું ઘોંટવાના આક્ષેપો થાય છે અને બીજી બાજુ, અમને વોટ આપનારા અમારા કરોડો સમર્થકોના મનમાં શંકાનો કીડો સળવળતો થઈ જાય છે કે અમને ચૂંટીને ક્યાંક ભૂલ તો નથી કરી ને. પિતામહ, બહુ અકળાવનારી પરિસ્થિતિ છે આ. આનો ઉકેલ અમને શોધ્યો જડતો નથી.
 
પિતામહ ભીષ્મઃ વત્સ, આવા કપરા કાળમાં જ શાસકની ખરી કસોટી થતી હોય છે. ઉપજાવી કાઢેલી માહિતીનું આયુષ્ય ૨૪ કલાકનું પણ હોતું નથી. જે જમીની હકીકત છે, તેનાથી પ્રજા સારી રીતે વાકેફ હોય છે. એક ઉદાહરણ આપું. રાજધાની ઇન્દ્રપ્રસ્થમાં ડઝનબંધ આધુનિક મોહલ્લા ક્લિનિક બનાવ્યાનો પ્રચાર કરનારાઓ ઇન્દ્રપ્રસ્થની બહાર વસનારી પ્રજાની આંખમાં ધૂળ નાખી શકે, પણ સ્થાનિક રહેવાસીઓને તો ખબર જ હોય છે કે આ મોહલ્લા ક્લિનિકોની હાલત ગમાણ કરતાંય બદતર છે અને દરેક મોહલ્લામાં એ લોકોએ દવાખાનાં નહીં પણ શરાબના ઠેકાઓ ખોલ્યા છે. હે યુધિષ્ઠિર, હું તારું મન વાંચી શકું છું. તું મને પૂછવા માગે છે કે પ્રજા એ બધું જ સમજતી હોય તો દસ-દસ વરસથી આવા લોકોને શું કામ ચૂંટી કાઢે છે? આનો જવાબ છે મારી પાસે. એક જૂની ને જાણીતી અંગ્રેજી ઉક્તિ તેં સાંભળી જ છેઃ તમે થોડાક લોકોને કાયમ માટે બેવકૂફ બનાવી શકો. તમે બધા લોકોને થોડાક વખત માટે બેવકૂફ બનાવી રાખે, પણ બધા લોકોને આખો વખત બેવકૂફ નહીં બનાવી શકો. આ કુદરતનો નિયમ છે અને કુદરતના નિયમમાં ક્યારેય મીનમેખ નથી હોતો. માટે તું અકળાયા વિના ધીરજ રાખ. દસ વરસ નહીં પચાસ કરતાં વધુ સમય માટે અને તે પણ માત્ર ઇન્દ્રપ્રસ્થના જ નહીં સમગ્ર ભારતવર્ષની પ્રજાને બેવકૂફ બનાવનારાઓ આપણે નથી જોયા? અત્યારે ક્યાં છે એ કૌરવો? આ દુઃશાસનો અને દુર્યોધનોની પણ એ જ હાલત થવાની છે. તું નિશ્ચિંત રહેજે. તારી બાજુમાં પ્રતાપી શ્રીકૃષ્ણ ઊભા છે. એમણે યુદ્ધ થતાં પહેલાં તારા ભાઈને જે શિખામણ આપી હતી તે યાદ રાખીને દિવસના ૧૮ કલાક કામ કર્યા કર અને એનું પરિણામ શું આવશે તેની ફિકર છોડી દે.
 
યુધિષ્ઠિરઃ પિતામહ, એક વાત મારા મનમાં ઘણા વખતથી રમ્યા કરે છે. સતત હું અવઢવમાં રહું છું કે પૂછું કે ના પૂછું. આજકાલ મારા સમર્થકોમાં એક ટોળકી એવી ઊભી થઈ છે, જેમને લાગે છે કે પોતે અમારા કરતાં, પાંડવો કરતાં પણ વધારે રાષ્ટ્રવાદી છે. તેઓ માને છે કે અમારા કરતાં એમનામાં હિન્દુત્વના સંસ્કારો વધારે છે, સનાતનનો વારસો એમણે જ સાચવ્યો છે, અમે તો જાણે ભાજીમૂળા હોઈએ એ રીતે તેઓ અમને ટ્વિટ કરે છે. આવા હાઇપરડા હિન્દુઓનું અમારે શું કરવું? રાઈટ વિંગમાં રાયતો ફેલાવવા માગતા આ રાયતાગેન્ગને અમારે કેવી રીતે ટેકલ કરવા?
 

mahabharat discipline anushasan 
 
પિતામહ ભીષ્મઃ હે યુધિષ્ઠિર, આ બધા અધૂરા ઘડાઓ છે, જે વારંવાર છલકાયા કરે છે. જેમ કૌરવોમાં આજકાલ ખમીસની ઉપર જનોઈ પહેરવાની ફેશન છે, એવી રીતે તારા નામે તરી જવા માગતા કેટલાક લોકો મંજીરાં લઈને, બગલમાં ભગવદ ગીતા રાખીને ટીવીની ડિબેટ્સમાં માયસોર પાક ખાઈને જયપુરમાં બેઠાં બેઠાં સંવાદ કરતા થઈ ગયા છે. આવા લોકો બોલ બચ્ચન કરીને પાંડવોના દરબારમાં માનભર્યું સ્થાન મેળવવા માગે છે અને જ્યારે તું એમને અવગણે છે ત્યારે ભારતવર્ષની પ્રજા સમક્ષ તું કોઈ મામૂલી માણસ હોય એવું પ્રૉજેક્શન કરે છે. એ મૂર્ખાઓને ખબર નથી કે તારા શાસનમાં ભારત-વર્ષના ભવ્ય સંસ્કારવારસાનો જીર્ણોદ્ધાર થયો એટલે એમનામાં હિન્દુત્વ વિશે, સનાતન વિશે બોલવાની હિંમત આવી, સૂઝ આવી. બાકી, દસ વર્ષ પહેલાં ક્યાં હતા એ લોકો? ગોધરા હિન્દુ હત્યાકાંડ વખતે કેમ એમનો જવાબ ચૂપ હતો? બાબરીના જર્જરિત ઢાંચાને ધ્વસ્ત કરવામાં આવ્યો ત્યારે તેઓ સેક્યુલર બનીને કેમ ફરતા હતા? હે, યુધિષ્ઠિર ! આ હાઇપરડા હિન્દુઓને તું અવગણે છે એ જ બરાબર છે. એમને તું રાજ્યસભાનું સભ્યપદ, પદ્મશ્રી જેવો અૅવૉર્ડ કે સરકારી માનઅકરામો આપીશ તો તેઓ ચૂપ થઈ જશે અને જો તું એમને તારી નજીક નહીં આવવા દે તો તેઓ `માનુની'ની તંત્રી અને આતંકવાદીની ટેકેદાર મધુ કિશ્વારની જેમ પલટી મારીને પોતાની અસલી જાત દેખાડશે. આવા દોગલા લોકો દરેક કાળમાં, દરેક સમાજમાં હોવાના. આ લાલાઓને ખાતરી થઈ જશે કે પોતાને લાભ નથી મળવાનો ત્યારે તેઓ આપોઆપ આળોટવાનું બંધ કરી દેશે. તું રાહ જોજે, ભૂલેચૂકેય તારાં વળતાં પાણી થતાં દેખાશે તો આ મૂષકો જહાજ છોડી જનારાઓમાં અગ્રસ્થાને હશે.
 
યુધિષ્ઠિરઃ હે, પિતામહ! મારી સામે, સમગ્ર દેશ સામે વિકરાળ સમસ્યાઓ મોં ફાડીને ઊભી છે. એક બાજુ મારે વસ્તીનિયંત્રણનો કાયદો લાવવો છે, યુનિફૉર્મ સિવિલ કોડ લાવવો છે અને બીજી બાજુ મારે વક્ફ બોર્ડની સત્તા પર નિયંત્રણો લાવવાં છે. ચારસો પાર ગયા હોત તો આ બધું સહેલાઈથી થઈ શક્યું હોત પણ ૨૪૦માં કેવી રીતે થઈ શકવાનું છે?
પિતામહ ભીષ્મઃ આ પ્રકારનાં કામો કરવા માટે સંસદમાં સીટો જોઈએ એના કરતાં વધારે જરૂર પ્રજાના હૃદયમાં તારું સ્થાન હોય તેની છે. અને સૌ કોઈ જાણે છે કે ભારતવર્ષની પ્રજાના હૃદયમાં તું ઉચ્ચ સ્થાને બિરાજે છે. આજ નહીં આવાં અનેક નેત્રદીપક કાર્યો ભવિષ્યમાં તારા હાથે જ થવાનાં છે તે હું જોઈ શકું છું. કળિયુગમાં તું નરશ્રેષ્ઠ છે, કારણ કે તું હંમેશાં સત્યને પડખે રહ્યો છે.
 
આટલું કહીને ભીષ્મ પિતામહ સહેજ અટક્યા અને થોડીવાર સુધી આસપાસ ઊભેલાઓ સૌને જોતા રહ્યા, પછી બોલ્યાઃ
`હવે હું મારા પ્રાણનો ત્યાગ કરવા ઇચ્છું છું. તમે સહુ મને આજ્ઞા આપો, તમે સહુ સદા સત્યમાં જ રહેવાનો જ પ્રયત્ન કરજો, કેમ કે સત્ય જ શ્રેષ્ઠ બળ છે. હે ભારત! તમે સદાયે દયાપરાયણ રહેજો, ચિત્તને વશમાં રાખજો, સજ્જનો પ્રત્યે ભક્તિભાવ રાખજો તથા ધર્મશીલ અને નિત્ય તપપરાયણ રહેજો. હે નરપતિ! તું તપશ્વીઓની તેમાં પણ ખાસ કરીને બુદ્ધિમાન કે જ્ઞાની પ્રજ્ઞાવંતોની આચાર્યોની અને ઋત્વિજોની સદા પૂજા કરતો રહેજે' (અનુશાસન પર્વઃ ૧૩ઃ ૧૫૩ઃ ૪૭, ૪૮, ૪૯, ૫૦).
 
મહાભારતના રચયિતા વેદ વ્યાસે ૧૩મા પર્વને `અનુશાસન પર્વ' નામ આપ્યું છે. આ પર્વના કુલ ૧૫૪ અધ્યાયના સેંકડો શ્લોક આજે પણ કેટલા બધા રિલેવન્ટ છે તે દર્શાવવાનો આ એક નાનકડો પ્રયાસ છે. પિતામહ ભીષ્મ અને યુધિષ્ઠિર વચ્ચેની સંવાદગંગાના ચક્રમાંથી આ તો માત્ર એક આચમની છે.' આધુનિક ભારતની સમસ્યાઓ સમજવા અને ઉકેલવા વાર-તહેવારે મહાભારતમાં ડૂબકી લગાવવાની જરૂર છે. દરેક વખતે મુઠ્ઠી- બે મુઠ્ઠી ભરીને મોતી મળશે.
 
 
- સૌરભ શાહ 
 
Powered By Sangraha 9.0