દેશનાં પ્રથમ મહિલા શિક્ષિકા અને સમાજસેવિકા સાવિત્રીબાઈ ફુલે | Savitribai Phule

૧૯મી સદીમાં સ્ત્રીઓના અધિકારો, અશિક્ષા, છૂત-અછૂત, સતીપ્રથા, બાળ કે વિધવા વિવાહ જેવી કુરીતિઓ પર અવાજ ઉઠાવનારા દેશનાં આ પ્રથમ મહિલા શિક્ષિકાના ચરણોમાં તેમના જન્મદિને શત શત વંદન છે.

    ૦૩-જાન્યુઆરી-૨૦૨૫   
કુલ દૃશ્યો |


savitribai phile
 
 
એક પત્ર છે. એનું લખાણ નીચે મુજબ છે.
 
`...... અહીં એક અણછાજતી ઘટના બની છે. ગણેશ નામના એક બ્રાહ્મણને પોથી-પુરાણો સાથે ઘણો લગાવ છે. તે ગામે-ગામ ફરીને પંચાંગ બતાવીને પોતાનું ગુજરાન ચલાવે છે. એના જ ગામમાં સારજા નામની એક યુવતી રહે છે. એ દલિત છે. ગણેશ આ યુવતી સારજાને પ્રેમ કરે છે. સારજાને ગણેશ થકી છ મહિનાનો ગર્ભ રહ્યો છે. ગામમાં આ વાત ફેલાઈ અને કેટલાક અસામાજિક તત્ત્વોએ બંનેને માર માર્યો. બંનેને ગામમાં ફેરવ્યાં. આ લોકો તેમને મારી નાંખવાના હતા પણ હું તાત્કાલિક ત્યાં પહોંચી ગઈ. એ લોકોને અંગ્રેજ સરકારનો ભય દેખાડ્યો અને એ બંનેને બદમાશોથી બચાવ્યા! પણ ભીડની માગ હતી કે બંને ગામ છોડીને જતાં રહે. જે એમણે માન્યું નહીં...'
 
આ પત્ર આજકાલનો નથી, ૨૦૨૩નો પણ નથી કે ૧૯૨૩નો પણ નથી. આ પત્ર છેક ૧૮૬૮નો છે. એટલે કે આજથી દોઢસો વર્ષ પહેલાંનો.
 
આપણા સમાજમાં આજે પણ ક્યાંક ક્યાંક આંતરજ્ઞાતીય લગ્નો સામાન્ય વાત નથી ગણાતી. આવાં લગ્નનો વિરોધ કરનારી ખાપ-પંચાયત કે જાતિ-પંચાયતની વ્યવસ્થાઓ આજે પણ અસ્તિત્વ ધરાવે છે. ઑનર કિલિંગના નામે આજે પણ યુવકયુવતીની હત્યાઓ થાય છે.
 
ત્યારે... ૧૮૬૮માં આંતરજ્ઞાતીય લગ્ન અને લગ્ન પહેલાં ગર્ભધારણને તત્કાલીન સમાજ મૃત્યુદંડ લાયક ગુનો ગણે એમાં કોઈ અચરજની વાત નથી. પણ વાત એ છે કે આજે ય કોઈક ઠેકાણે મહિલાઓનો અવાજ દબાયેલો હોય છે ત્યારે આજથી દોઢસો વર્ષ પહેલાં એક મહિલાએ આના વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો.
 
એક ગર્ભવતી દલિત યુવતી પર ગામમાં અત્યાચાર થઈ રહ્યા છે એવી ખબર સાંભળીને આજથી દોઢસો વર્ષ પહેલાં એક ૩૭ વર્ષની મહિલા રણચંડી બનીને ઊભી થઈ ગઈ હતી તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. એટલું જ નહીં, તેણે ત્યાં ઊભેલી ભીડને ધમકાવી, ડરાવી, અંગ્રેજ સરકારનો ડર બતાવ્યો અને આ યુગલનો જીવ બચાવ્યો. ભીડ સામે બાથ ભીડીને એ યુગલનો જીવ બચાવનાર એ મહિલાનું નામ હતું સાવિત્રીબાઈ ફુલે ( Savitribai Phule ) .
 
આ સાવિત્રીબાઈ ફુલેનું નામ આજે ભારતના પ્રથમ મહિલા શિક્ષિકા અને પ્રથમ કન્યાશાળા ઊભી કરનારાં ક્રાંતિકારી અને સમાજસુધારક મહિલા તરીકે ખ્યાત છે. સાવિત્રીબાઈ ફુલેએ શિક્ષણ-સમાજસેવાની સાથે સાથે બાળવિવાહ, સતીપ્રથા જેવા કુરિવાજો સામે અવાજ ઉઠાવ્યો હતો. આજે પણ સર્વપ્રથમ સ્ત્રી કેળવણીકાર તરીકે જેમને યાદ કરવામાં આવે છે એવાં સાવિત્રીબાઈનો ૩ જાન્યુઆરીએ જન્મદિન છે, ત્યારે પ્રસ્તુત છે તેમના સમાજસેવી જીવનનો પરિચય...
 
જીવન-પરિચય | Savitribai Phule
 
સાવિત્રીબાઈનો જન્મ મહારાષ્ટના સાતારા જિલ્લાના નાયગાંવ ખાતે ૩ જાન્યુઆરી, ૧૮૩૧ના રોજ થયો હતો. એમનાં માતા-પિતાનું નામ લક્ષ્મી અને ખાંડોજી પાટીલ હતું. સાવિત્રીબાઈ એમનાં માતા-પિતાનું સૌથી મોટું સંતાન હતાં. માત્ર નવ વર્ષની બાળવયે તેમના લગ્ન જ્યોતિરાવ ફુલે સાથે થયાં હતાં. જ્યોતિરાવ ફુલે એટલે એ જ મહાન વ્યક્તિત્વ જેઓ પાછળથી મહાત્મા જ્યોતિબા ફુલે નામથી ખ્યાતનામ બન્યા.
 
લગ્ન સમયે સાવિત્રીબાઈ ફુલે સંપૂર્ણ રીતે નિરક્ષર હતાં. તો તેમના પતિએ ત્રીજા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો. સાવિત્રીબાઈને નાનપણથી જ ભણવાનો ખૂબ શોખ હતો. તેઓ ભણીગણીને આગળ વધવા માગતાં હતાં. પણ એ જમાનામાં દલિતો અને મહિલાઓ માટે ભણવાનો નિષેધ હતો. આથી મહિલા હોવાને કારણે તેમનાં ભણવા માટેના બધા જ માર્ગો બંધ હતા. અરે, તેમના માતા-પિતા પણ એ યુગ પ્રમાણે જ વર્તન કરતાં હતાં.
 
એક દિવસ તો એવું બનેલું કે, સાવિત્રીબાઈ એક અંગ્રેજી પુસ્તકનાં પાનાં ફેરવી રહ્યાં હતાં. ત્યારે તેમના પિતા તેમને આ પુસ્તક જોતાં જોઈ ગયા. પિતાએ તરત જ દોડતા આવીને તેમનાં હાથમાંથી પુસ્તક છીનવી લીધું અને બહાર ફેંકી દીધું. આની પાછળનું કારણ એ હતું કે, એ સમયે શિક્ષણનો અધિકાર માત્ર ઉચ્ચ જાતિના પુરુષોને જ હતો. દલિતો અને મહિલાઓએ શિક્ષણ મેળવવું એ પાપ ગણાતું.
 
પણ સાવિત્રીબાઈ એ ઉંમરે પણ મક્કમ હતા. તેઓ તરત જ એ પુસ્તક પાછું લઈ આવ્યાં અને પ્રતિજ્ઞા લીધી કે, `કંઈ પણ થાય પણ હવે હું અક્ષરજ્ઞાન મેળવીને જ રહીશ અને બીજાને પણ આપીશ. હું ગમે તે ભોગે ભણીશ જ.'
 
સંકલ્પ તો કરી લીધો હતો પણ એને પૂરો કરવાનું સરળ નહોતું. હા, તેમના પતિ જ્યોતિબા ફુલે સમાજસુધારક હતા અને તેઓ પણ તેમને ભણાવવા મક્કમ હતા એટલે કામ આગળ ચાલ્યું. એ માટે તેમણે સમાજની નારાજગી વહોરી લઈને પણ પત્નીને ભણવામાં મદદ કરી.
 
જ્યોતિબાએ સાવિત્રીબાઈને ઘરે જ ભણાવ્યાં હતાં. પતિ જ્યોતિબાએ આપેલા પ્રાથમિક શિક્ષણ બાદ આગળના અભ્યાસની જવાબદારી તેમના મિત્રો સખારામ યશવંત પરાંજપે અને કેશવ શિવરામ ભાવલકરે ઉપાડી લીધી હતી. તેમણે શિક્ષકપ્રશિક્ષણના બે અભ્યાસક્રમોમાં પણ પ્રવેશ મેળવ્યો હતો. પ્રથમ તેમણે અહમદનગર સ્થિત અમેરિકી મિશિનરી સિંથિયા ફેરર દ્વારા સંચાલિત સંસ્થામાં પ્રવેશ મેળવ્યો હતો. પછીથી તેઓએ પૂણેની નોર્મલ સ્કૂલમાં પણ તાલીમ મેળવી હતી. આ તાલીમના આધારે તેમને ભારતનાં પ્રથમ મહિલા શિક્ષક અને પ્રમુખ અધ્યાપિકા તરીકેનું સ્થાન મળ્યું હતું. શિક્ષકની તાલીમ પૂરી કર્યા બાદ સવિત્રીબાઈએ પૂણેના મહારવાડામાં કન્યાઓને ભણાવવાનું શરૂ કરેલું. તેમણે પતિ જ્યોતિબાના માર્ગદર્શક અને સલાહકાર સગુણાબાઈની સાથે મળીને આ કાર્યની શરૂઆત કરી હતી. બાદમાં ફુલે દંપતી અને સગુણાબાઈએ મળીને મહારાષ્ટ્રના પૂણેના ભીડેવાડામાં દેશની પ્રથમ કન્યાશાળાની સ્થાપના કરી હતી. આ શાળામાં વિજ્ઞાન, ગણિત અને સમાજવિદ્યાના વિષયો પણ ભણાવવામાં આવતા હતા. સને ૧૮૫૧ના અંત સુધીમાં જ્યોતિબા અને સાવિત્રીબાઈએ ત્રણ અલગ અલગ કન્યાશાળાઓ શરૂ કરી હતી. એ પછી ધીમે ધીમે દંપતીએ સાથે મળીને પછાત વર્ગો તથા મહિલાઓ માટે કુલ ૧૮ જેટલી શાળાઓ શરૂ કરી હતી. આ ઉપરાંત સાવિત્રીબાઈએ એ પછી મજૂરો-ખેડૂતો માટે રાત્રીશાળાઓ પણ ખોલી હતી અને પ્રૌઢશિક્ષણના વર્ગો ય ચલાવ્યા હતા.
 
સાવિત્રીબાઈ પર પથ્થરો અને છાણ ફેંકાતાં | Savitribai Phule
 
પણ આગળ કહ્યું તેમ આ માર્ગ સરળ નહોતો. જ્યોતિબા ફુલેએ ભલે તેમણે ભણવામાં મદદ કરી હોય પણ એ આખો પથ ખૂબ જ જોખમી હતો. સાવિત્રીબાઈએ ભણવાની શરૂઆત કરી એ સાથે જ આખો સમાજ તેમના વિરુદ્ધ થઈ ગયેલો.
 
સાવિત્રીબાઈ ફુલે શાળાએ જતાં ત્યારે, લોકો એમના ઉપર પથ્થર ફેંકતાં હતાં. અરે! છાણ પણ ફેંકતાં હતા. તેઓ નીકળતાં ત્યારે લોકો અપશબ્દો કહીને તેમનું અપમાન કરતાં.
 
આથી સાવિત્રીબાઈ શાળાએ જતાં ત્યારે પોતાની સાથે બે સાડીઓ રાખતાં. શાળાએ પહોંચતાંની સાથે જ તે પોતાની ગંદી સાડી બદલી નાંખતાં, જે પાછાં ફરતી વખતે ફરી ગંદી થઈ જતી.
 
તે વખતના પ્રખ્યાત લેખક બળવંત સખારામ કોલ્હેએ લખેલાં પોતાનાં સંસ્મરણોમાં આ વાતનો ઉલ્લેખ કરતાં લખ્યું છે કે, `સાવિત્રીબાઈ આ હુમલાઓથી અવિચલિત હતાં અને તેમની સતામણી કરનારાઓને કહેતા હતા કે, હું મારી સાથી બહેનોને શીખવવાનું પવિત્ર કાર્ય કરું છું, તમારા દ્વારા ફેંકવામાં આવેલા પથ્થરો કે છાણ મને ફૂલો જેવાં લાગે છે. ભગવાન તમારા પર કૃપા કરે!'
 
અરે શિક્ષિકા બની ગયા પછી પણ તેમને સતત પ્રત્યક્ષ અને પરોક્ષ અપમાનનો ભોગ બનવું પડ્યું હતું. તેમણે શાળાઓ તો શરૂ કરી દીધી. પણ દીકરીઓને ભણાવવા કોઈ તૈયાર નહોતું. આથી સાવિત્રીબાઈ ઘેર-ઘેર જતાં, દીકરીઓનાં મા-બાપને સમજાવતાં અને માંડ માંડ તૈયાર કરતાં. એમાંનાં મોટાભાગનાં ઘરોમાં મા-બાપ સાવિત્રીબાઈનું અપમાન કરીને કાઢી મૂકતાં. અને સમાજના અગ્રણી સવર્ણો તેમનો વિરોધ કરતાં.
 
છતાં પણ જરાય વિચલિત થયા વિના તેમણે પોતાનું કાર્ય પૂર્ણ કર્યું. પોતાના દૃઢ નિશ્ચયના પરિણામે તેમણે પતિ સાથે મળીને ઇતિહાસ રચ્યો. લાખો દીકરીઓના પ્રેરણાસ્રોત બન્યાં અને ભારતના પ્રથમ મહિલા શિક્ષિકા અને દેશના પ્રથમ કન્યાશાળાનો પ્રારંભ કરનારી નારીશક્તિ તરીકેનું ગૌરવ પ્રાપ્ત કર્યું.
 
આજે ફાતિમાશેખ નામનાં બહેનને આખું ભારત પ્રથમ મુસ્લિમ મહિલા શિક્ષિકા તરીકે યાદ કરે છે. આ ફાતિમા શેખના ઘડતરમાં પણ સાવિત્રીબાઈનો સિંહ ફાળો હતો. સાવિત્રીબાઈ સાથે મળીને જ તેમણે ૧૮૪૯માં એક શાળા સ્થાપી હતી. એ શાળા શરૂ કરવા માટે ફાતિમાજીને સાવિત્રીબાઈનો ખૂબ સહયોગ પ્રાપ્ત થયો હતો.
 
સાવિત્રીબાઈ ( Savitribai Phule ) નાં આ કાર્યોની સુવાસ બ્રિટિશ શાસકો સુધી પણ પહોંચી હતી. ૧૮૫૪માં તે સમયના જ્યુડિશિયલ કમિશનર વોર્ડને શાલ ઓઢાડીને જાહેરમાં તેમનું સન્માન કર્યું હતું અને પોતાના ભાષણમાં ફુલે દંપતીની ખૂલીને પ્રશંસા કરી હતી.
 
બાળહત્યા પ્રતિબંધક ગૃહનો પ્રારંભ
 
સાવિત્રીબાઈ ફુલે માત્ર સ્ત્રીકેળવણી-ઝુંબેશમાં જ નહિ, પરંતુ સમાજસુધારણા સહિત અન્ય ઘણી પ્રવૃત્તિઓમાં પણ સક્રિય રહ્યાં હતાં.
 
જે જમાનામાં સ્ત્રીઓ ઘુમટામાંથી બહાર નહોતી આવી શકતી, બહાર તો શું પણ ઘરમાં પણ જેને પુરુષો વચ્ચે બોલવાનો અધિકાર નહોતો કે આવન-જાવન, શિક્ષણ વગેરે પર પ્રતિબંધ હતો. એ જમાનામાં સાવિત્રીબાઈએ કુરિવાજો સામે બ્યૂગલ ફૂંક્યું હતું અને એને દૂર કરવા માટે મોટો અવાજ ઉઠાવ્યો હતો. ૧૯મી સદીમાં અસ્પૃશ્યતા, સતીપ્રથા, બાળલગ્ન અને વિધવાવિવાહ જેવાં દૂષણો સામે તેઓએ લડત ચલાવી હતી.
 
એ જમાનામાં વિધવા સ્ત્રીઓનું ઉત્પીડન ખૂબ થતું. કેટલાક પુરુષો તેમનો ઉપભોગ કરીને તેમને તરછોડી દેતા. એવી અનેક સ્ત્રીઓ ગર્ભવતી બનતી અને સમાજની ઉપેક્ષાનો ભોગ બનતી. આથી આવી સ્ત્રીઓ ક્યારેક આપઘાત પણ કરી લેતી હતી. આવી સ્ત્રીઓ માટે સાવિત્રીબાઈએ પતિ જ્યોતિબા સાથે મળીને એક આશ્રમની સ્થાપના કરી હતી. સગર્ભા સ્ત્રીઓને આપઘાત કે ભ્રૂણહત્યા જેવાં પગલાંઓ ન ભરે તેવા શુભાશયથી ફુલે દંપતીએ પૂણે ખાતે `બાળહત્યા પ્રતિબંધક ગૃહ' નામથી એક પ્રસુતિગૃહની પણ સ્થાપના કરેલી, જ્યાં સમાજ દ્વારા તરછોડાયેલી આવી પરાવલંબી સ્ત્રીઓ પોતાના બાળકને જન્મ આપી શકતી.
 
રૂઢિચુસ્ત સમાજે તેમનો ભયંકર વિરોધ કર્યો. તેમનું જીવવાનું હરામ કરી નાંખ્યું હતું. પણ જે સમાજે તેમનો વિરોધ કર્યો હતો, જેણે મહેણા-ટોણા માર્યાં હતાં એ જ સમાજના એક બાળકને તેમણે જીવનદાન આપ્યું હતું. ગણેશ અને સારજાની ઘટના આપણે આગળ જોઈ. આ ઉપરાંત સાવિત્રીબાઈએ એક વિધવા સ્ત્રીના દીકરાને દત્તક લીધો હતો. તેનું નામ તેમણે યશવંત યશવંત રાખ્યું હતું. અને ઉછેર કરીને તેને ડૉક્ટર બનાવ્યો હતો.
 
એ જમાનામાં પ્રચલિત સામાજિક રૂઢિ મુજબ દરેક સ્ત્રીએ પતિના અવસાન પછી અનિચ્છાએ પણ માથે મુંડન કરાવવું પડતું. આ કુરિવાજ સામે પણ સાવિત્રીબાઈએ આંદોલન શરૂ કર્યું હતું. એટલું જ નહીં, પરંતુ પૂણે નગરના વાળંદોનો ટેકો મેળવવા માટે તેમણે વાળંદોની હડતાળની સફળ આગેવાની પણ કરી હતી. આમ તેમણે ત્યાં વાળ ઉતારવાની એ કુપ્રથા બંધ કરાવી હતી.
 
આ ઉપરાંત વિધવાઓ પુનઃલગ્ન કરી શકે તે માટે પણ તેમણે ખૂબ મોટું આંદોલન છેડ્યું હતું અને એ સુધારાની ખુલ્લેઆમ હિમાયત કરી.
 
સ્ત્રીઓ પોતાના હકો માટે જાગૃત થાય અને સ્વમાનભેર જીવતાં શીખે તે માટે સ્ત્રી સમાનતાનાં આગ્રહી સાવિત્રીબાઈએ `મહિલા સેવા સદન' નામની સંસ્થા પણ સ્થાપી હતી. તેઓ એક કવિયત્રી પણ હતાં.
 
પૂણે નગરમાં વસતા અસ્પૃશ્યો પીવાનું સ્વચ્છ પાણી મેળવી નહોતા શકતા. સવર્ણો તેમનો સખત વિરોધ કરતા. તો તે માટે સાવિત્રીબાઈએ પોતાના મકાન આગળનો કૂવો ખુલ્લો મૂકી દીધેલો અને આંદોલન છેડેલું.
 
સાવિત્રીબાઈએ જ્યોતિબા ફુલેને પત્રોમાં શું લખ્યું હતું?
 
સાવિત્રીબાઈના કેટલાક પત્રો છે. તેમણે જ્યોતિબાને જે પત્રો લખ્યા તેમાંથી ત્રણ પત્રો અત્યાર સુધી સચવાયેલા છે. પહેલો પત્ર ૧૮૫૬નો, બીજો ૧૮૬૮નો અને ત્રીજો પત્ર ૧૮૭૭નો છે. આ ત્રણેય પત્રો સાવિત્રીબાઈના વ્યક્તિત્વનાં અલગ-અલગ પાસાંઓનો આપણને પરિચય કરાવે છે.
 
જ્યારે સ્ત્રીઓ માટે ઉંબરો ઓળંગવાનું પણ મુશ્કેલ હતું ત્યારે ઘરની બહાર નીકળીને, ગામના ચોકમાં અડીખમ ઊભા રહીને સામાજિક સુધારણાનાં કામ કરનારાં આ મહાન મહિલાનો પરિચય આ પત્રોમાંથી મળે છે.
 
ગણેશ અને સારજાને બચાવવા અંગે લેખના પ્રારંભે આપણે જે પત્ર વાંચ્યો તે સાવિત્રીબાઈએ પતિ જ્યોતિબાને લખેલો બીજો પત્ર હતો. એ પત્ર તેમણે તેમના પિયર નાયગાંવથી લખ્યો હતો.
 
ત્રીજો પત્ર તેમણે પૂણે પાસેના જુન્નર ગામ પાસેથી લખ્યો હતો.
 
૧૮૭૬ અને ૧૮૯૬નાં વર્ષોમાં મહારાષ્ટમાં બે મોટા દુકાળ પડ્યા હતા. ૧૮૭૬-૭૭નો દુષ્કાળ આકરો હતો. આ દુષ્કાળમાં સાવિત્રીબાઈએ `સત્યશોધક સમાજ' નામના સંગઠનના કાર્યકર્તાઓ સાથે ફરીને લોકોની મદદ કરી હતી.
 
આ કામ દરમિયાન ૨૦ એપ્રિલ, ૧૮૭૭માં સાવિત્રીબાઈએ લખ્યું હતું કે, `૧૮૭૬નું વર્ષ પૂર્ણ થતાં દુષ્કાળની પરિસ્થિતિ વણસી છે અને પશુઓ પાણી વગર ટળવળીને મરી રહ્યાં છે. લોકો પાસે ખાવાનું નથી, પશુઓ માટે ચારો નથી. લોકો તેમનાં ઘરો છોડીને સ્થળાંતર કરી રહ્યાં છે. ઘણાં લોકો પોતાના સંતાનોને વખાનાં માર્યાં વેચી રહ્યાં છે. નદી-તળાવ સુકાઈ ગયાં છે. જમીન વેરાન બની ગઈ છે. ઘણા લોકો ભૂખ-તરસથી મરી રહ્યાં છે. અહીં આટલી ભયાનક પરિસ્થિતિ છે.'
 
આ પત્રમાંથી તેમની સામાજિક નિસબત ઉજાગર થાય છે. ખરેખર તો સાવિત્રીબાઈએ જે પત્રો લખ્યા એ તેઓ તેમના સમયથી આગળ હોવાના મોટા પુરાવા છે. એ સમયે પત્ની પોતાના પતિને પત્ર લખે તે સામાન્ય વાત નહોતી, જ્યારે મહિલાઓ સુધી હજુ ભણતર પણ પહોંચ્યું નહોતું, ત્યારે સાવિત્રીબાઈ પોતાના પતિને પત્ર લખતાં હતાં. આ પત્રોમાં તેઓ કૌટુંબિક બાબતોને બદલે સામાજિક પ્રશ્નોની ચર્ચા કરતાં હતાં. આ પત્રોને ઝીણવટથી વાંચીએ તો સમજાશે કે આ માત્ર પતિ-પત્ની વચ્ચેનો પ્રેમ-પત્રવ્યવહાર નથી, પણ કામમાં સહભાગી બે સહકાર્યકરો વચ્ચેનો સંવાદ છે.
 
સાવિત્રીબાઈએ ૧૮૫૬માં લખેલો એક પત્ર એ વાતનું ઉદાહરણ છે. આ પત્ર લખાયો ત્યારે સાવિત્રીબાઈ એમના પિયર નાયગાંવમાં હતાં. ત્યાં તેમનો નાનો ભાઈ કહે છે, `તમે બંને પતિ-પત્ની શૂદ્રો માટે કામ કરો છો. આવું કરીને તમે બંને પોતાના કુળની મર્યાદાનું ઉલ્લંઘન કરો છો.'
 
સાવિત્રીબાઈ આ વિશે તેમના પતિ જ્યોતિબાને લખે છે કે, `મેં વાતનો જવાબ આપતાં કહ્યુંં કે, ભાઈ! તમારી બુદ્ધિ બ્રાહ્મણોની સમજથી નબળી થઈ ગઈ છે. તમે બકરી, ગાયને પ્રેમથી પાળો છો. નાગપંચમીએ નાગને દૂધ પીવડાવો છો, પણ મહાર-માંગ (દલિત) જે તમારા જેવા જ માણસો છે તેમને અસ્પૃશ્ય માનો છો. તેનું કારણ મને જણાવો. આવો સવાલ મેં એમને કર્યો હતો.' નિંદાથી વિચલિત થયા વિના કામ કરતા રહેવાનો સિદ્ધાંત સાવિત્રીબાઈના મિજાજમાં વર્તાય છે. માનવતાને જ ધર્મ માનનારાં સાવિત્રીબાઈનું વ્યક્તિત્વ આ પત્રોથી ઉજાગર થાય છે. આથી જ આ પત્રો એક મહત્ત્વપૂર્ણ સામાજિક અને ઐતિહાસિક દસ્તાવેજ છે.
 
પતિના અંતિમ સંસ્કાર તેમણે પોતે કર્યા
 
પરંપરા મુજબ સામાન્ય રીતે પુરુષો દ્વારા મૃત વ્યક્તિના અગ્નિસંસ્કાર કરવામાં આવે છે. પરંતુ સાવિત્રીબાઈએ એ પરંપરાને પણ પડકારી અને એને તોડવાની શરૂઆત પોતાનાથી જ કરી.
 
૨૮મી નવેમ્બર, ૧૮૯૦ના દિને સાવિત્રીબાઈના પતિ મહાત્મા જ્યોતિબા ફુલેનું દુઃખદ અવસાન થયું. તે વખતે તેમના અંતિમસંસ્કારની વિધિ સ્વયં સાવિત્રીબાઈએ સંભાળી. જાણે કોઈ પુત્ર ચાલતો હોય એમ તેઓ પતિની અંતિમયાત્રામાં દોણી (માટીનું વાસણ) લઈને નનામીની આગળ - આગળ ચાલ્યાં. એટલું જ નહીં, તેમના પતિને અગ્નિદાહ પણ તેમણે પોતે જ આપ્યો.
 
સમાજસેવાની ધુણી છેલ્લા શ્વાસ સુધી ધખતી જ રહી...
 
પતિના અવસાન બાદ સાવિત્રીબાઈ ( Savitribai Phule ) એ પતિનાં સમાજસુધારણાનાં કામોને આગળ વધારવા મક્કમતાથી કામ કર્યું. જે છેક એમના અવસાન સુધી ચાલુ રહ્યું. ૧૮૯૭માં નાલાસોપારા ક્ષેત્રની આસપાસના વિસ્તારોમાં પ્લેગની મહામારી ફેલાઈ. સાવિત્રીબાઈ અને તેમના દત્તકપુત્ર યશવંતરાવે અસરગ્રસ્તોની સારવાર શિબિરો અને દવાખાનાં શરૂ કર્યાં. તેમાં રોજના બે હજાર પ્લેગથી પીડિત લોકો સારવાર લેતાં.
 
વિચાર કરો, જે રોગીઓની પાસે ઊભા રહેતાં પણ લોકો ડરતાં હતાં, પોતાના સગા-વ્હાલાંઓ પણ દૂરના દવાખાને મૂકી આવતાં હતા એવા સંજોગોમાં સાવિત્રીબાઈ એ રોગીઓની પડખે રહીને એમની સેવા કરતાં. ન તો તેમને રોગનો કોઈ ડર હતો ન તો મોતનો. તેઓના મનમાં એક જ ભાવના હતી કે સમાજની સેવા કરવી છે, પછી ભલે એમાં જીવ જાય.
 
અને ખરેખર એવું જ થયું. પ્લેગની આ મહામારીથી સંક્રમિત લોકોની સેવા કરતાં કરતાં સાવિત્રીબાઈને પણ આ રોગ લાગુ પડી ગયો. તેઓની તબિયત લથડી. અને અંતે તેમણે સમાજસેવાની જે ધૂણી ધખાવી હતી એમાં જ તેઓ હોમાઈ ગયાં. સેવા કરતાં કરતાં સ્વર્ગને વ્હાલું કર્યું. ૧૦ માર્ચ, ૧૮૯૭ના રોજ તેમનું નિધન થઈ ગયું.
 
સદાસ્મરણીય વંદનીય સાવિત્રીબાઈ | Savitribai Phule
 
સાવિત્રીબાઈ ફુલેના મૃત્યુને આજે સવાસો વર્ષ થઈ ગયાં છે, છતાં તેમનાં કાર્યોની સુવાસ આજે પણ જેમની તેમ છે. આજે દેશમાં સ્ત્રીસશક્તિકરણ નવી ગતિથી થઈ રહ્યું છે, પરંતુ એમ કહી શકાય કે ખરા અર્થમાં સ્ત્રીસશક્તિકરણનો પાયો નાંખવાનું શ્રેય સાવિત્રીબાઈને આપી શકીએ.
 
૧૯મી સદીમાં સ્ત્રીઓના અધિકારો, અશિક્ષા, છૂત-અછૂત, સતીપ્રથા, બાળ કે વિધવા વિવાહ જેવી કુરીતિઓ પર અવાજ ઉઠાવનારા દેશનાં આ પ્રથમ મહિલા શિક્ષિકાના ચરણોમાં તેમના જન્મદિને શત શત વંદન છે.
 
 

રાજ ભાસ્કર

રાજ ભાસ્કર સાધનાના સહ સંપાદક છે. છેલ્લા એક દાયકાથી તેઓ સાધનાના વિચારોને ધાર આપવાનું કામ કરી રહ્યા છે. તેમના સંપાદન હેઠળ અનેક યાદગાર અને સંગ્રીહ રાખવા જેવા અંકો પ્રકાશિત થયા છે. તેઓ એક સારા સંપાદક અને લેખક છે. લવ્યુ મમ્મી, લવ્યુ પપ્પા, લવ્યુ દોસ્ત જેવા સુપ્રસિધ્ધ પુસ્તકોનું તેમણે અદભુત સંપાદન કર્યું છે જેમાં ગુજરાતનાં લગભગ તમામ ખ્યાતનામ લેખકોએ લેખો લખ્યા છે. પરમવીર ચક્ર અને ભારત રત્ન જેવી પુસ્તક પણ તેમણે લખી છે. લાગણી, દોસ્ત, લગ્ન, સફળતા, ભાઈ બહેન જેવા ૧૦૦ જેટલા વિષયો પર તેમણે પુસ્તિકાઓ લખી છે. ગુજરાત સમાચારમાં તેઓ કોલમ લખે છે. “ડાર્ક સિક્રેટ” કોલમ હેઠળ છપાતી ડિટેક્ટીવ સ્ટોરીના બે પાત્રો નાથુ-ઘેલાણીની જોડી વાચકોના મનમાં રાજ કરે છે.