રા.સ્વ. સંઘના પ.પૂ. સરસંઘચાલકજીનું ઉદ્બોધન - સૂક્ષ્મ શબ્દોના સ્થાયી સૂચિતાર્થો

અત્યાર સુધીના પ્રત્યેક પૂ. સરસંઘચાલકજીઓનો પ્રત્યેક શબ્દ ખૂબ જ દીર્ઘદ્રષ્ટિથી, આગળનાં પાંચ-પચીસ વર્ષોનું જોઈને, વિચારપૂર્વક, વિવેકપૂર્વક, વિધિ-વિધાનને અનુરૂપ, હા.. માત્રને માત્ર રાષ્ટ્રહિતને કેન્દ્રમાં રાખીને બોલાતો આવ્યો છે.

    ૦૪-જાન્યુઆરી-૨૦૨૫   
કુલ દૃશ્યો |

rss
 
હમણાં રા.સ્વ.સંઘના પ.પૂ. સરસંઘચાલકજી મા. મોહનજી ભાગવતે કરેલું સૂચન સૌએ પોત-પોતાની જાણકારી/સમજ પ્રમાણે મૂલવ્યું. સંઘના સ્વયંસેવકોનાં મન પર્યાપ્ત સ્પષ્ટ છે. તેઓને મા. મોહનજીના પ્રત્યેક શબ્દની ગંભીરતાની ખબર હોય છે. મા. મોહનજી ભાગવત જ માત્ર નહીં, અત્યાર સુધીના પ્રત્યેક પૂ. સરસંઘચાલકજીઓનો પ્રત્યેક શબ્દ ખૂબ જ દીર્ઘદ્રષ્ટિથી, આગળનાં પાંચ-પચીસ વર્ષોનું જોઈને, વિચારપૂર્વક, વિવેકપૂર્વક, વિધિ-વિધાનને અનુરૂપ, હા.. માત્રને માત્ર રાષ્ટ્રહિતને કેન્દ્રમાં રાખીને બોલાતો આવ્યો છે.
 
મા. મોહનજીએ થોડા સમય પહેલાં પૂનામાં યોજાતી `સહજીવન વ્યાખ્યાનમાળા' અંતર્ગત તેના ૨૩મા મણકા તરીકે જે વિચારો વ્યક્ત કર્યા તેમાંના માત્ર એક મુદ્દે કે, નિત્ય નવું પ્રકરણ કાઢવું, તે બાબતે વર્તમાનમાં જે ચર્ચા ચાલી છે તે અંગે કેટલીક બાબતો વિચારણા માંગી લે છે.
 
પહેલાં તો એ પ્રશ્ન ઉદ્ભવે છે કે, પૂના ખાતે થયેલ ઉપરોક્ત વ્યાખ્યાન પૂરેપૂરું કેટલા લોકોએ સાંભળ્યું હશે? મા. મોહનજીએ આ વ્યાખ્યાનમાં એ ચેતવણી પણ આપી છે કે, આ દેશમાં બહારથી આવેલ શક્તિઓ (ઈસ્લામિક/ઈસાઈ/કમ્યુનિઝમ) પોતાનું રાજ્ય કે પ્રભુત્વ સ્થાપવાનાં સ્વપ્ન સેવતી હોય તો તે યોગ્ય નથી કેમ કે, ભારતમાં સંવિધાન અનુસાર જ રાજ્ય ચાલવાનું છે. ઉપરોક્ત ચર્ચામાં જોડાયેલાં પૈકી કેટલાંને આ વાતની ખબર હશે? સવારે સંવિધાન અને સાંજે શરિયાની વાત કરતાં તત્ત્વોને તેઓએ ખુલ્લાં પાડેલાં છે. ઉપરોક્ત વ્યાખ્યાનનું સમગ્રમાં મૂલ્યાંકન કરવાનો પ્રામાણિક પ્રયત્ન કેટલાં લોકોએ કર્યો હશે? આજે સોશિયલ મીડિયાના દુષ્પ્રભાવને કારણે મુશ્કેલી એ છે કે, કોઈને બે-અઢી મીનીટથી વધુ જોવા-સાંભળવા જેટલી ધીરજ રહી નથી, તેથી મુદ્દાને સમગ્રમાં જોવાની દૃષ્ટિ પણ રહી નથી.
 
વાસ્તવમાં આજે જે મુસ્લિમો મુસ્લિમ-કટ્ટરવાદનો શિકાર બન્યા છે, તેઓને એ ખબર નથી કે તેઓના પૂર્વજોએ બુદ્ધિપૂર્વક, શ્રદ્ધાપૂર્વક, સમજી-વિચારીને ઇસ્લામનો અંગીકાર કરેલો નહોતો. તેઓને તલવારના જોરે, બળજબરાઈથી કે છળ-કપટથી મુસલમાન બનાવવામાં આવેલા હતા. આમ વિદેશી વિચારોનો શિકાર બન્યા તે માણસો કંઈ સાવ પારકા ય નથી. જ્યાં જ્યાં આવું સમજમાં આવી રહ્યું છે ત્યાંથી ઘરવાપસીના સમાચારો પણ મળી રહ્યા છે.
 
અયોધ્યા-કાશી-મથુરાનું આગવું મહત્ત્વ છે, કારણ કે રામ-શિવ-કૃષ્ણથી જોડાયેલાં આ શ્રદ્ધાકેન્દ્રો અત્યંત પવિત્ર છે. અયોધ્યા પછીનાં બાકીનાં બે સ્થાનો અંગે વિવાદ છોડીને હિન્દુઓને સ્વેચ્છાએ સોંપવાનો નૈતિકતાભર્યો નિર્ણય મુસ્લિમોએ કર્યો હોત તો તેઓએ કરોડો હિન્દુઓનાં હૃદય જીતી લીધાં હોત. કમભાગ્યે એવું ન થયું. કાશી-મથુરા સિવાયનાં સ્થાનો બાબતે, ભલે ઉદ્દેશ્ય સારો હશે, છતાં પણ ઘણી ઉતાવળ થઈ. તેના કારણે કાશી-મથુરાની મુક્તિના મૂળ ઉદ્દેશ્યને વિપરીત તો અસર નથી પહોંચી રહીને? અતિ ઉતાવળે ઉતાવળે કરાતા નિર્ણયોમાં જાણે-અજાણે દીર્ઘદૃષ્ટિનો, સમાજની સમાવેશકતાનો અભાવ વર્તાય, અને એ પણ જ્યારે વ્યાપક સ્તરે થાય તે ઘણું જ ચિંતાજનક છે.
 
આજે આ મુદ્દે સરેરાશ હિન્દુની માનસિકતા શું છે? આ અગત્યના પ્રશ્નનું મહત્ત્વ સમજ્યા વિના માત્ર કથિત વ્યક્તિગત લોકપ્રિયતાને આગળ કરીને ઊભું કરાતું વાતાવરણ સર્વસમાવેશી કે સર્વસ્પર્શી નથી હોતું. ગંભીર પ્રશ્નોનું માત્ર કોર્ટ લીટીગેશનોથી સમાધાન નથી મળતું. કોર્ટ પણ છેવટે તો વ્યક્તિઓથી ચાલે છે. પ્રત્યેક વ્યક્તિને ચારે-બાજુની સ્થિતિ સ્પર્શે છે. રાષ્ટીય વિષયોમાં સમાજનું સામૂહિક મન બનાવવું, તે માટે દીર્ઘકાલીન પરિશ્રમ માટે તૈયાર રહેવું અને સમાજમાં તેની સંવેદના ઊભી કરવી, આ પૂર્વતૈયારીઓનો કોઈ વિકલ્પ નથી.
 
ભગવદ્ગીતામાં પ્રત્યેક કાર્ય ઉત્સાહપૂર્વક કરવાનું કહેતાંની સાથે ભગવાન શ્રીકૃષ્ણ તેને ધીરજપૂર્વક કરવાનું પણ કહે છે. धृत्युत्साहसमन्वितः જ્યાં `ઉત્સાહ' પહેલાંનો `ધીરજ' શબ્દ ઘણું બધું કહી જાય છે.
 
માત્ર કોરૂ `નેતૃત્વ' ભલે ગમે તેટલું ચમકદાર હોય, એ લાંબો સમય ટકી શકતું નથી. જો એમાં `વક્તૃત્વ'નો રણકો ભળે તો કદાચ `નેતૃત્વ' થોડોક સમય લંબાઈ જતું પણ હોય છે, પરંતુ અંત સુધી તો તે `નેતૃત્વ' સફળ થાય છે, જે `કર્તૃત્વ' પર ઉભું હોય છે. એમાં ય વળી રા.સ્વ.સંઘનું નેતૃત્વ તો સામૂહિક છે, તેના અવાજમાં કોટી કંઠોના સ્વર જોડાયેલા હોય છે. વાસ્તવમાં તો કોટિ હાથોના કર્તૃત્વના `કર્મયોગ'થી સબળ અને સંતુલિત એવો `જ્ઞાનયોગ' જ `વિરાટ'નું સામર્થ્ય પૂરું પાડે છે.
 

શ્રી ભાનુભાઈ ચૌહાણ

ભાનુભાઈ ચૌહાણ ‘સાધના’ સાપ્તાહિકના તંત્રીશ્રી તથા ટ્રસ્ટ્રીશ્રી છે. તેમણે "એલ.ડી. એન્જિનિયરિંગ" કોલેજમાંથી બી.ઈ.(સિવિલ) નો અભ્યાસ કર્યો છે તથા "સેપ્ટ યુનિવર્સિટી - અમદાવાદ"માંથી અર્બન એન્ડ રીજીયોનલ પ્લાનિંગમાં એમ. ટેક. કર્યુ છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ડાયરેક્ટર તરીકે પણ તેમણે જવાબદારી નિભાવી છે. રા.સ્વ.સંઘમાં તેઓ કર્ણાવતી મહાનગરના સહ કાર્યવાહ તથા ગુજરાત પ્રાંતના કાર્યકારીણી સદસ્ય છે. તેમણે કર્ણાવતી કો. ઓપ. બેંક તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડમાં ડિરેક્ટરનું દાયિત્વ સંભાળ્યું છે. તેઓ વિચારક અને લેખક છે. સાધનામાં "અવલોકન" અને "વિચારવિમર્શ" શીર્ષક હેઠળ વિવિધ વિચારપ્રેરક લેખો તેઓ નિયમિત લખે છે.