પાકિસ્તાનના જનરલ ઝિયા-ઉલ-હકે ૧૯૭૭માં લશ્કરી બળવા દ્વારા પ્રમુખ ઝુલ્ફિકાર અલી ભુટ્ટોને પદભ્રષ્ટ કરી જેલમાં ધકેલી દીધા હતા અને પછી મોતની સજા પણ આપેલી. ભુટ્ટોની ફાંસી બાદ એક બ્રિટિશ લેખિકા વિક્ટોરિયા સ્કોફિલ્ડે Bhutto Trial & Execution નામનું પુસ્તક લખેલું. જે ૧૯૭૯માં પ્રકાશિત થયેલું. પાકિસ્તાનમાં જ લાહોર ખાતે આવેલા નફીસ પ્રિન્ટર્સ નામના પ્રેસે તે છાપ્યું. તેમાં તેમણે લખ્યું હતું કે, `કોટ લખપતમાં ભુટ્ટોને ત્રણ મહિના સુધી વિચિત્ર પ્રકારની તકલીફ અપાતી હતી, જે ભુટ્ટોની કોટડી અને બેરેક એરિઆ વચ્ચે ૧૦ ફીટ ઊંચી દીવાલ હતી, પરંતુ તેની પેલી તરફથી રાત્રિના સમયે આવતા હૃદયદ્રાવક બરાડાના તથા ચીસોના અવાજોને રોકી શકતી ન હતી. ભુટ્ટોના એક વકીલે જેલના સ્ટાફને પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું કે એ અવાજો ભારતીય યુદ્ધકેદીઓના હતા, જેઓ યુદ્ધ પછીની યાતનાઓ અને ગુમનામીના કારણે માનસિક સંતુલન ગુમાવી પાગલ બની ચૂક્યા હતા.'
વિક્ટોરિયા સ્કોફિલ્ડે પુસ્તકમાં આગળ લખ્યું છે કે `ભારતીય બંદીવાનોની માનસિક હાલત અંગે જાણ્યા પછી ભુટ્ટોએ તેમને બીજે ખસેડવાની માગણી કરતો પત્ર જેલના સત્તાવાળાઓને આપ્યો. પણ કંઈ વળ્યું નહીં. ભુટ્ટો જો કે પોતે વિતાવેલી ઉજાગરાની રાતો ભૂલ્યા નહિ.' ફરિયાદોના બીજા પત્રોમાં તેઓ અવારનવાર પાગલોનો ઉલ્લેખ કરતાં લખતા કે, `પચાસેક જેટલા પાગલોને મારી બાજુના વોર્ડમાં રખાયા હતા. અડધી રાત્રે સંભળાતા તેમના બરાડાને તથા ચિત્કારોને હું કદી ભૂલીશ નહિ.'
વિક્ટોરિયા સ્કોફિલ્ડે કરેલા વર્ણનનો સૂચિતાર્થ દરેક વ્યક્તિ પામી શકે તેમ હતી. સ્પષ્ટ વાત છે કે, ભુટ્ટોની કોટડીના બાજુના વૉર્ડમાં ભારતીય યુદ્ધકેદીઓને રાતભર પાશવતાની હદે શારીરિક ત્રાસ અપાતો હતો, જે અસહ્ય હોવાને લીધે તેમની થથરાવી મૂકતી ચીસો અટકતી ન હતી. કોઈ પાગલ નહોતા અને યુદ્ધકેદી તરીકે પકડ્યા ત્યારે તો હરગિઝ નહીં જ.
હવે પ્રશ્ન એ થાય કે પાકિસ્તાનની કેદમાં રહેલા આ ભારતીય કેદીઓ કોણ હતા? આ કેદીઓ કેટલા હતા અને એમના પર આટલા બધા અત્યાચારો શા માટે થઈ રહ્યા હતા? શું ભારતમાં કોઈ તેમને છોડાવનારું નેતૃત્વ નહોતું ?
આ પ્રશ્નોના ઉત્તરો હૃદયદ્રાવક અને પીડા આપનારા છે. આ ઉત્તરો જાણવા માટે ૫૪ વર્ષ પહેલાંનો એક આખો ભૂતકાળ ફંફોસવો પડે એમ છે. આવો, ભારતીય કેદીઓની એ દર્દભરી દાસ્તાન જોઈએ ` '
***
સૌથી પહેલાં તો એ પ્રશ્નનો ઉત્તર જાણી લઈએ કે પાકિસ્તાનની જેલમાં ભયંકર યાતનાઓનો ભોગ બની રહેલાં એ ભારતીયો કોણ હતા અને ક્યારે પકડાયા હતા?
તો એ તમામ ભારતના વીર સૈનિકો હતા અને ભારત-પાકિસ્તાન વચ્ચે ૧૯૭૧માં યુદ્ધકેદીઓ તરીકે પકડાયા હતા. આ યુદ્ધકેદીઓની સંખ્યા ૫૪ હતી અને તેઓ વરસોથી જેલમાં બંધ હતા.
હવે પ્રશ્ન એ થાય કે, ૧૯૭૧નું યુદ્ધ તો ભારત બહુ ઐતિહાસિક રીતે જીત્યું હતું. આ યુદ્ધમાં ભારતે પાકિસ્તાનના બે ટુકડા કરી નાંખ્યા હતા અને બાંગ્લાદેશનો જન્મ થયો હતો. ૯૩,૦૦૦ સૈનિકો સહિત પાકિસ્તાને આપણી શરણાગતિ સ્વીકારી હતી અને આપણે એ ૯૩,૦૦૦ યુદ્ધકેદીઓને વીણી-વીણીને પાકિસ્તાનને પરત સોંપ્યા હતા. જો આપણો વિજય થયો હતો અને આપણે પાકિસ્તાનના ૯૩,૦૦૦ સૈનિકોને છોડી દીધા હતા, તો આપણે કેમ આપણા ૫૪ વીર સૈનિકોને ના છોડાવી શક્યા ?
આ સમગ્ર ઘટના સમજવા માટે પહેલાં ૧૯૭૧ના યુદ્ધને બરાબર સમજીએ.
૧૯૭૧ યુદ્ધ - મેદાનમાં જીત પણ ટેબલ પર હાર
૧૯૭૧ની સાલમાં વર્તમાન બાંગ્લાદેશ; પૂર્વ પાકિસ્તાન તરીકે પાકિસ્તાનનો ભાગ હતું. અહીંના લોકો પર પાકિસ્તાની સેના દ્વારા સતત અત્યાચાર કરવામાં આવી રહ્યો હતો. પાકિસ્તાનની રચના ૧૯૪૭માં મઝહબના આધારે થઈ હતી. વર્ષ ૧૯૭૦માં પાકિસ્તાનમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં શેખ મુજીબુર રહેમાનની પાર્ટી અવામી લીગને પૂર્વ પાકિસ્તાનમાં સૌથી વધુ બેઠકો મળી હતી. આવી સ્થિતિમાં અવામી દળના વડાપ્રધાન બનવાની શક્યતાઓ ઘણી વધારે હતી, કારણ કે પાકિસ્તાનમાં કુલ ૩૧૩ સીટો હતી. અવામી લીગે પૂર્વ પાકિસ્તાનમાં ૧૬૯માંથી ૧૬૭ બેઠકો જીતીને બહુમતીનો આંકડો પાર કર્યો.
દરમિયાન ઝુલ્ફીકાર અલી ભુટ્ટોએ ચૂંટણી પરિણામ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. તેમની પાર્ટી પાકિસ્તાન પીપલ્સ પાર્ટીને પશ્ચિમ પાકિસ્તાનમાં સૌથી વધુ બેઠકો મળી હતી. હાલમાં તેને પાકિસ્તાન કહેવામાં આવે છે. ૭ માર્ચ, ૧૯૭૧ના રોજ ભુટ્ટો વિરુદ્ધ એક વિશાળ રેલી યોજવામાં આવી હતી. આ પછી, બાંગ્લામુક્તિ યુદ્ધ શરૂ થયું અને બાંગ્લાદેશ મુક્તિવાહિનીની રચના થઈ. પાકિસ્તાની સેના પૂર્વ પાકિસ્તાનના લોકો પર સતત અત્યાચાર કરી રહી હતી. બાંગ્લાદેશ તરફથી ભારતને મદદ માટે વિનંતી કરવામાં આવી હતી. ભારતે શાંતિ સ્થાપવા માટે પાકિસ્તાન પર સતત દબાણ કર્યું, પરંતુ ૩ ડિસેમ્બર, ૧૯૭૧ના રોજ પાકિસ્તાને ભારતીય વાયુસેનાનાં અનેક ઠેકાણાં પર હુમલા કર્યા. આ સાથે જ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ શરૂ થયું. આ યુદ્ધમાં ૧૬મી ડિસેમ્બરે, ભારતે ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો. નિયાઝી ૯૩,૦૦૦ સૈનિકો સાથે પોતે શરણે આવ્યા. ૨ જુલાઈ, ૧૯૭૨ના રોજ ભારતનાં વડાપ્રધાન ઇન્દિરા ગાંધી અને પાકિસ્તાનના વડાપ્રધાન ભુટ્ટોએ સિમલા મુકામે કરાર કર્યા, જે `સિમલા કરાર' તરીકે જાણીતા છે.
૧૯૭૧ના યુદ્ધમાં ભારતને મળેલી જીત અવશ્ય એક મોટી જીત છે, પણ તેમાં ભારતના ભાગે મેળવવાનું કશું આવ્યું નહીં, આવ્યું માત્ર ગુમાવવાનું. જુઓને ભારતે ૯૩૦૦૦ પાકિસ્તાની સૈનિકોને છોડ્યા પછી ય પાકિસ્તાની જેલમાં સબડતા આપણા યુદ્ધકેદીઓને ઇન્દિરા ગાંધી ભારત પાછા ના લાવી શક્યાં! આપણે યુદ્ધભૂમિમાં વિના કારણ કરોડો રૂપિયા ખર્ચ્યા અને આપણા સૈનિકો પણ કમોતે ખર્ચાઈ ગયાં.
ગુજરાતના પ્રખ્યાત મેગેઝિન `સફારી'એ ભારત - પાકિસ્તાનના આ યુદ્ધ વિશે વખતો-વખત કવર સ્ટોરી કરી છે અને આ અંગે `યુદ્ધ-૭૧' નામનું એક પુસ્તક પણ પ્રકાશિત કર્યું છે. આ પુસ્તક સફારીના તંત્રી શ્રી નગેન્દ્ર વિજયે સ્વયં અભૂતપૂર્વ સંશોધન કરીને લખ્યું છે અને અત્યંત મહેનત બાદ ઝીણામાં ઝીણી ઓથેન્ટિક માહિતી રજૂ કરી છે. આ પુસ્તકમાં પાકિસ્તાની જેલમાં રહેતા એ ૫૪ ભારતીય યુદ્ધકેદીઓની હચમચાવી દેતી દાસ્તાન છે. શ્રી નગેન્દ્ર વિજયના એ પુસ્તકના અંશો અહીં પ્રસ્તુત છે...
૧૯૭૧ના યુદ્ધ બાદ વાઘા સરહદેથી સ્વદેશ પાછા ફરેલા ભારતીય જવાનો
સફારી મેગેઝિન લખે છે કે...
એક વખત બન્યું એવું કે, રાજધાની દિલ્હીના લશ્કરી ક્ષેત્રમાં (આર્મી હેડક્વાર્ટર સહિત વિવિધ ફૌજી સંકુલો ધરાવતા ક્ષેત્રમાં) દિલ્લી કેન્ટોનમેન્ટ રેલવે સ્ટેશન પર વાઘા સરહદેથી આવતી સ્પેશ્યલ ટ્રેનો માટે આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી. દિવસ ડિસેમ્બર ૨, ૧૯૭૨નો હતો. ૧૯૭૧નું ભારત-પાક યુદ્ધ ખેલાયાને બરાબર એક વર્ષ પૂરું થયું હતું. ઇન્દિરા ગાંધી અને ઝુલ્ફિકાર અલી ભુટ્ટો વચ્ચે સિમલા ખાતે જુલાઈ ૩, ૧૯૭૨ના રોજ કરવામાં આવેલા કરાર મુજબ સામસામા યુદ્ધકેદીઓનું પ્રત્યાર્પણ આરંભાયું હતું. પાકિસ્તાનની સરકાર ભારતના ૬૧૬ યુદ્ધકેદીઓને છોડી રહી હતી, જ્યારે ભારતે તેમની સામે પાકિસ્તાનના ૯૨,૭૫૩ યુદ્ધકેદીઓને મુક્ત કરવાના હતા. ભારત માટે સોદો ખોટનો સાબિત થવાનો હતો.
વિગ્રહનો સદીઓ થયે ચાલ્યો આવતો સ્થાપિત ધારો છે કે વિજેતા દેશ પોતાના યુદ્ધકેદીઓને પહેલાં હેમખેમ પાછા મેળવી લે. વિજયમાં પણ ઉદાર બનવું એવા ઉટપટાંગ ખ્યાલમાં રાચતી ઇન્દિરા ગાંધીની સરકારને તે પ્રણાલિકાગત લશ્કરી ઇજારો ભોગવવાનું જરૂરી ન લાગ્યું. મુક્તિની પહેલ તેણે કરી અને ડિસેમ્બર ૧, ૧૯૭૨ના રોજ પ્રથમ જૂથમાં ૫૪૦ પાક યુદ્ધકેદીઓને છોડી મૂક્યા. પંજાબની વાઘા સરહદે પાક સૈન્યને તેમનો કબજો સોંપી દેવામાં આવ્યો.
પાકિસ્તાને ત્યાર પછી ભારતીય યુદ્ધકેદીઓને વાઘા ખાતે મુક્ત કર્યા. યુદ્ધકેદીઓ અમૃતસરથી ટ્રેન દ્વારા દિલ્લી કેન્ટોનમેન્ટ યાને દિલ્લી છાવણી રેલવે સ્ટેશને પહોંચવાના હતા ત્યાં હાજર રહેલાં તેમનાં સેંકડો પરિવારજનોની ધીરજ સમાતી ન હતી.
એક મહિલા દમયંતી તામ્બે નામનાં હતાં, જેમની ધીરજ આકરી કસોટીએ ચડી હતી. હવાઈદળના ફ્લાઈટ-લેફ્ટનન્ટ વિજય તામ્બેનાં તેઓ પત્ની અને ભૂતપૂર્વ રાષ્ટીય બેડમિન્ટન ચેમ્પિયન હતાં, પણ પાકિસ્તાનથી જે યુદ્ધકેદી અફસરો પાછા આવ્યા તેમાં વિજય તામ્બે ન હતા.
દમયંતી તામ્બે જેવી જ ચાતક મનોદશા રેલવે પ્લેટફોર્મ પર બેચેનીપૂર્વક આંટા મારતાં જી. એસ. ગિલની હતી, જેમના ભાઈ વિંગ કમાન્ડર એચ. એસ. ગિલનું પણ વાયુસેનાના અફસરો સાથે પાલમ મથકે આગમન થયું ન હતું. ૧૯૭૧ના યુદ્ધ દરમ્યાન પકડાયેલા આપણા બધા યુદ્ધકેદીઓ પૈકી તેમનો ફૌજી દરજ્જો સર્વોચ્ચ હતો. દિલ્લી કેન્ટોનમેન્ટના રેલવે સ્ટેશને ફરિદાબાદના ડૉ. રામસ્વરૂપ સુરી પણ તેમના પુત્ર મેજર અશોક સુરીને લેવા આવ્યા હતા.
અમૃતસરથી દિલ્લી કેન્ટોનમેન્ટ રેલવે સ્ટેશને આવેલી પહેલી ટ્રેને ડો. રામસ્વરૂપ સુરી, જી. એસ. ગિલ અને દમયંતી તામ્બે એ ત્રણેયને હતાશ કર્યાં. કલાકો પછી બીજી ટ્રેનનું આગમન થયું, પરંતુ અફસરો તેમાં પણ દેખાયા નહિ. આપ્તજનોને ફરી સાંત્વનાનો ડોઝ અપાયો કે ત્રીજી ટ્રેનમાં આવશે.
આ ત્રીજી ટ્રેન કદી આવી જ નહિ. શરમજનક વાત એ છે કે પાક લશ્કરે ભારતીય યુદ્ધકેદીઓનાં નામો લખેલાં ત્રણ લિસ્ટ તૈયાર કર્યાં હતાં. અગાઉ પાક સરકારે બે લિસ્ટ ભારતને મોકલી આપ્યાં હતાં. ત્રીજું લિસ્ટ બાકી હતું, જે પ્રાપ્ત થાય તે પહેલાં સિમલા કરાર પર સહી-સિક્કા કરી નાખવામાં આવ્યા. ઇન્દિરા ગાંધી તેમના કરતાં સવાયા રાજકારણી ઝુલ્ફિકાર અલી ભુટ્ટોના હાથે રમી ગયાં, એટલું જ નહિ, પણ તેમનું પાક સરકાર પ્રત્યેનું વલણ અત્યંત કૂણું બન્યું. પાકિસ્તાને યુદ્ધકેદીઓનું ત્રીજું લિસ્ટ આપ્યું નહિ. મુર્ખામીની બધી જ હદો ઓળંગાઈ ગઈ.
એક પ્રણાલિકાગત ધારો એ છે કે યુદ્ધવિરામ બાદ સામસામા પક્ષો યુદ્ધકેદીઓનું હસ્તાંતરણ થાય એ પહેલાં દરેકેદરેક સૈનિકના દુઃખદ અંજામને કે સુખદ અસ્તિત્વને લગતી પાકી ખાતરી કરી લેવી જોઈએ. વિજેતા દેશનું પલ્લું એ વખતે ભારે હોય છે, એટલે તે પરાજિત દેશ પાસે સંપૂર્ણ હિસાબ માગી તથા મેળવી શકે છે. આના માટે દેશાભિમાન તથા દેશભક્ત જવાનો પ્રત્યેના દાયિત્વની સભાનતા સિવાય બીજા કશાની જરૂર નથી. આ બંને સીધાસાદા ગુણો વિજયના ઉન્માદમાં અને (પાકિસ્તાનના ટુકડા કરી) રાજકીય ઉપલબ્ધિમાં મહાલતી ભારત સરકારને કેમ ન દાખવ્યા તેની વાત જવા દો. મુદ્દાનો પ્રશ્ન એ છે કે આપણા યુદ્ધકેદીઓનાં નામો ગણાવતું ત્રીજું લિસ્ટ તેણે કેમ માગ્યું નહિ? લિસ્ટ માગવામાં આવ્યું હોત તો અચૂક મળ્યું હોત, કેમ કે બધું મળીને ૯૨,૭૫૩ પાક યુદ્ધકેદીઓ હજી ભારતના કબજામાં હતા. ભારતીય કરતાં પાક યુદ્ધકેદીઓની સંખ્યા દોઢસો ગણી વધુ હોવાને કારણે ભારત પોતાનું ધાર્યું કરાવી શકે તેમ હતું. આ મોકો (દેખીતી રીતે જાણીબૂઝીને) ચૂકી જવામાં આવ્યો. સરહદની પેલી તરફ દુશ્મનની જેલોમાં ગોંધાયેલા દેશભક્ત સપૂતોને પણ થોડા વખત પછી તો સાવ ભૂલી જવામાં આવ્યા.
આ સપૂતોનું અસ્તિત્વ ભારતીય પ્રજાજનો માટે કદાચ અજાણ્યું જ રહ્યું હોત, પણ બ્રિટિશ લેખિકા વિક્ટોરિયા સ્કોફિલ્ડે ૧૯૭૯માં ભુટ્ટો વિશે Bhutto Trial & Execution નામનું પુસ્તક લખ્યું છે અને તેમાં ભારતીય કેદીઓ પરના અત્યાચારોની દાસ્તાન રજૂ કરી ત્યારે આ સમગ્ર મામલો બહાર આવેલો, જેનો ઉલ્લેખ આપણે લેખના પ્રારંભે જોયો.
વિક્ટોરિયા સ્કોટફિલ્ડનું પુસ્તક Bhutto Trial & Execution પ્રગટ થયાના પગલે ભારતમાં દેકારો મચવો જોઈએ, પણ કશું જ ન બન્યું. ૧૯૭૯માં વડા પ્રધાન મોરારજી દેસાઈની અને (જુલાઈ ૨૮ પછી) ચૌધરી ચરણસિંહની જનતા સરકારો હતી. ઇન્દિરા ગાંધી ત્યાર બાદ એ જ વર્ષે ફરી સત્તા પર આવ્યાં. કોઈ સરકારે આપણા યુદ્ધકેદીઓ અંગે પાકિસ્તાનનો જવાબ માગ્યો નહિ. જવાબ તો ચાંપીને માગી શકાય તેમ હતો, કેમ કે ભારતના ઘણા પાઇલટો, જવાનો તથા અફસરો ૧૯૭૧ના તુમુલ સંગ્રામ વખતે પાક દ્વારા જીવતા પકડાયા હોવાના નક્કર પુરાવા હતા. અહીં દૃષ્ટાંતો તરીકે અમુક જણાની ગિરફતારીના કિસ્સા જોઈએ.
કેપ્ટન ગિરિરાજસિંહ
કેપ્ટન ગિરિરાજસિંહ આ બાહોશ અફસર પાંચમી રેજિમેન્ટના સભ્ય હતા અને કાશ્મીરના છામ્બ મોરચે લડી રહ્યા હતા. ડિસેમ્બર ૫, ૧૯૭૧ના રોજ પાક લશ્કરે તેમને યુદ્ધકેદી તરીકે પકડ્યા. ડિસેમ્બર ૧, ૧૯૭૨ના દિવસે ૬૧૬ યુદ્ધકેદીઓ સાથે ભારતને તેમનો હવાલો ન સોંપ્યો. બે વર્ષ પછી ૧૯૭૪માં પાકિસ્તાને તેની અટક ખાતેની જેલમાં સજા ભોગવી ચૂકેલા મોહનલાલ ભાસ્કર નામના કેદીને મુક્તિ આપી, જેણે સ્વદેશ આવીને જણાવ્યું કે કેપ્ટન ગિરિરાજસિંહ અટક જેલમાં હતા. ૧૯૮૮માં એટલે કે યુદ્ધનાં ૧૭ વર્ષ બાદ મુક્ત થયેલા મુખ્તિયારસિંહ નામના ભારતીય કેદી દ્વારા ફરી એવા જ સમાચાર મળ્યા. આ કેદીની ચાર દીવારી કોટ લખપત હતી. ભારતે ક્યારના ભુલાવી દીધેલા કેપ્ટન ગિરિરાજસિંહ ત્યાં સબડી રહ્યા હતા.
ફ્લાઇટ લેફ્ટનન્ટ મનોહર પુરોહિત
ફ્લાઇટ લેફ્ટનન્ટ મનોહર પુરોહિત આગ્રામાં હવાઈદળના એરબેઝ પર ફરજ બજાવતા ફ્લાઇટ લેફ્ટનન્ટ ડિસેમ્બર ૯, ૧૯૭૧ના દિવસે આકાશી હુમલા માટે સરહદપાર ગયા, જ્યાં તેમનું પ્લેન તોડી પાડવામાં આવ્યું. હવાઈદળે તેમને missing in action જાહેર કર્યા. પહેલાં તો એમ ધારી લેવાયું કે, તેઓ વીરગતિ પામ્યા હતા, પણ મહિનાઓ પછી ઓગસ્ટ ૮, ૯ અને ૧૦, ૧૯૭૨ના લાગલગાટ ત્રણ દિવસોએ પાકિસ્તાને રેડિયો પર તેમના રેકોર્ડેડ સંદેશા પ્રસારિત કર્યા. (સિમલા કરાર થયાને મહિનો વીતી ચૂક્યો હતો). પાકિસ્તાન હવે આવા બ્રોડકાસ્ટ દ્વારા તેની પાસે હુકમનાં કેટલાંક પત્તાં હોવાનું બતાવવા માગતું હતું. સરવાળે થયું એવું કે યુદ્ધકેદીઓના હસ્તાંતર વખતે આપણા જે બંધનમુક્ત હવાબાજો ખાસ પ્લેન દ્વારા પાલમ હવાઈમથકે પહોંચ્યા તેમાં ફ્લાઈટ લેફ્ટનન્ટ મનોહર પુરોહિત સામેલ ન હતા, જ્યારે પાકિસ્તાન તેઓ જીવંત હોવાનું સ્વીકારી ચૂક્યું હતું. પણ આ મુદ્દો ભારત સરકારે પાકિસ્તાન સમક્ષ કદી ન ઉઠાવ્યો.
મેજર અશોક સુરી
આ ફૌજી અફસર પાકિસ્તાન સામેના ભૂમિયુદ્ધમાં ડિસેમ્બર ૫, ૧૯૭૧ના રોજ પકડાયા હતા. એક મહિના બાદ જાન્યુઆરી ૬ અને ૭, ૧૯૭૨ની રાત્રે લાહોર રેડિયો સ્ટેશને પંજાબ દરબાર કાર્યક્રમમાં મેજર અશોક સુરીનું નામ જાહેર કર્યું હતું. સિમલા કરાર પછી ઓગસ્ટમાં ફરી રેડિયો પર બે વખત તેમને યુદ્ધકેદી તરીકે ઓળખાવાયા હતા. પાકિસ્તાને ખુદ આવી કબૂલાત જાહેર કરી, એટલે ભારત સરકાર મેજર સુરીની મુક્તિ અંગે મક્કમ વલણ અપનાવી શકે તેમ હતી. પાકિસ્તાન તે યુવાન અફસરનો હવાલો ન સોંપે તો તેનું નાક દાબી શકાય તેમ હતું. પણ યુદ્ધમોરચે મળેલી ફતેહના કેફમાં મસ્ત અને યુદ્ધ પછીના રાજકીય ખેલમાં વ્યસ્ત એવી દયાહીન ઇન્દિરા સરકારે ઇસ્લામાબાદ પર કશું દબાણ ન કર્યું. મેજર અશોક સુરીને mission in action જાહેર કરી ભૂલી જવામાં આવ્યા.
ફ્લાઇટ-લેફ્ટનન્ટ હરવિન્દરસિંહ
ફ્લાઇટ-લેફ્ટનન્ટ હરવિન્દરસિંહ યુદ્ધકેદી તરીકે પકડાયા હતા. થોડા દિવસ પછી તેમના વ્યથિત પિતા ગુરુબક્ષસિંહને એરફોર્સ હેડક્વાર્ટરનો પત્ર મળ્યો કે, `તમારો દીકરો પોતાની ડ્યૂટી હિંમતભેર બજાવવા જતાં દુશ્મનોના હાથે યુદ્ધકેદી તરીકે પકડાયો છે.' પિતાએ અનેક પત્રો લખ્યા, પરંતુ એકેયનો જવાબ ના આવ્યો. બીજા ૧૫ દિવસ પછી હેડક્વાર્ટરના ગ્રુપ કેપ્ટન જી. એસ. પુનિયાએ ગુરુબક્ષસિંહને ફરી જાણ કરી કે, હરવિન્દરસિંહ પાકિસ્તાનમાં યુદ્ધકેદી હતા. આ રીતે બબ્બે વખત સધિયારો મળ્યા છતાં ડિસેમ્બર ૧, ૧૯૭૨ના દિવસે હવાઈદળના બીજા પાઇલટોનું જ્યારે પુનરાગમન થયું ત્યારે ફ્લાઇટ-લેફ્ટનન્ટ હરવિન્દરસિંહ તેમાં સમાવેશ પામ્યા ન હતા. ગુરુબક્ષસિંહે ફરી પાછો હેડક્વાર્ટરનો સંપર્ક કર્યો, જેણે થોડા દિવસ બાદ શોકસંદેશો પાઠવ્યો કે, તમારો પુત્ર યુદ્ધમાં શહીદ થયો હોવાને કારણે હવાઈદળ તેમને મળી શકતા પેન્શન, વળતર અને બીજા આર્થિક લાભો માટે વ્યવસ્થા કરવા માગે છે. આ સાથે કેટલાક ફોર્મ બીડ્યાં છે, જે ભરીને હેડક્વાર્ટરના સરનામે મોકલી આપશો.
ગુરુબક્ષસિંહના માથે જે વજ્રપાત થયો તે જુવાનજોધ દીકરો ગુમાવનાર કોઈ પિતા જ કલ્પી શકે તેવો આઘાતજનક હતો. કારમી વ્યથાના બોજા હેઠળ તેઓ ભાંગી પડ્યા. ફ્લાઇટ-લેફ્ટનન્ટ હરવિન્દરસિંહ જો પાક રેડિયોની કબૂલાત મુજબ જીવતા પકડાયા અને સમાચારનું ધ્વનિમુદ્રણ કરી ભારતે પુરાવો મેળવ્યો તો સરકારે તેમની સોંપણી માટે પાકિસ્તાન સમક્ષ કડક માગણી શા માટે કરી નહિ? યુદ્ધકેદીઓને લગતા જિનિવા કરારના અન્વયે તે મુદ્દો આંતરરાષ્ટીય ધોરણે કેમ ન ઉઠાવ્યો? પાકિસ્તાને તમામ ભારતીય યુદ્ધકેદીઓને પાછા ન સોંપ્યા, તો ભારતે ત્યાર બાદ (રિપીટ ત્યાર બાદ) પાક યુદ્ધકેદીઓને કેમ મુક્ત કરી દીધા? શા માટે તેમને બાનમાં પકડી ન રાખ્યા? આ તો ઇંદિરા ગાંધી સરકારની દાનત પર જ શંકા પેદા કરે છે.
મેજર એ. કે. ઘોષ
મેજર એ. કે. ઘોષ ૧૫મી રાજપૂત રેજિમેન્ટના મેજર એ. કે. ઘોષ યુદ્ધના પ્રારંભિક તબક્કે જ પાક. લશ્કરના સકંજામાં આવી ગયા હતા. જેલના સળિયા પાછળ ધકેલી દેવાયેલા તે અફસરનો ફોટોગ્રાફ પાકિસ્તાને તેની ચડિયાતી લશ્કરી તાકાતનું પ્રમાણ આપવાના હેતુસર સમાચાર એજન્સીને મોકલાવ્યો. અમેરિકાના ટાઇમ સાપ્તાહિકે તે ડિસેમ્બર ૨૭, ૧૯૭૧ના અંકમાં ૨૯મા પાને છાપ્યો. ફોટો પરિચયમાં Indian prisoner peers through bars એટલું જ લખાણ હતું, પણ એ ફોટો મેજર એ. કે. ઘોષ યુદ્ધકેદી તરીકે પકડાયાનો દસ્તાવેજી પુરાવો હતો. આથી યુદ્ધકેદીઓની અદલાબદલી વખતે તેમની વાપસી થવા અંગે શંકા ન હતી.
આમ છતાં પાક. સરકારે તેમને મુક્ત કર્યા નહિ અને સિમલા કરાર પછી ઇસ્લામાબાદ સાથે યારીદોસ્તી કરવા માગતી ઇન્દિરા સરકારે તેમની વાપસી માટે આગ્રહ પણ રાખ્યો નહિ. ઘોષની પત્નીએ કારમા આઘાતને લીધે માનસિક સમતુલા લગભગ ગુમાવી દીધી. ઘોષના દુઃખી ભાઈ દિલ્હીના સંરક્ષણ મંત્રાલયના ધક્કા ખાતા રહ્યા. મંત્રાલયના અધિકારીઓને ટાઇમ મેગેઝિનની નકલ દેખાડી ત્યારે તેમને કહેવામાં આવ્યું કે માત્ર ફોટોગ્રાફ મેજર એ. કે. ઘોષ જીવંત હોવાનો કે યુદ્ધકેદી હોવાનો પુરાવો ગણાય નહિ. નફ્ફટાઈની સીમા વટાવી જતો એ જવાબ મળ્યા પછી મેજરનાં કુટુંબીજનો લાચાર હતાં. લાગણીશૂન્ય સરકાર પાસે વધુ અપેક્ષા રાખી શકાય તેમ ન હતી.
ફ્લાઇટ-લેફ્ટનન્ટ વિજય તામ્બે
ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં ચાંદરણી ગામે રહેતા કેપ્ટન કલ્યાણસિંહ રાઠોડનો જન્મ જ જાણે દુઃખી જીવન વિતાવવા માટે થયો હતો. માતાનું અવસાન થયું ત્યારે તેઓ માત્ર બે વર્ષના હતા. બીજાં ૧૭ વર્ષ એવાં વીત્યાં કે જે દરમ્યાન સાવકી માતા તેમની માતાની ખોટ લગીરે પૂરી શકી નહિ. કલ્યાણસિંહે ત્યાર બાદ ફૌજી કારકિર્દી અપનાવી લીધી. નિષ્ઠા, શિસ્ત અને ખંત વડે બઢતી પામી અંતે પાંચમી આસામ બટાલિયનમાં કેપ્ટન બન્યા. ૧૯૭૧ના યુદ્ધ દરમ્યાન આસામ રેજિમેન્ટની જે ચાર બટાલિયનો લડી તેમાં કેપ્ટન કલ્યાણસિંહની બટાલિયન પણ હતી. કાશ્મીરની છામ્બ સરહદે તેણે પાક. લશ્કરના આક્રમણને મારી હટાવવાનું હતું. આ મોરચે કેપ્ટન કલ્યાણસિંહ રાઠોડ યુદ્ધકેદી તરીકે પકડાયા અને તે ઘટના બીજા ભારતીય જવાનો-અફસરોની નજર સમક્ષ બની. કેપ્ટન કલ્યાણસિંહ ત્યાર પછી ફરી ક્યારેય માતૃભૂમિનાં દર્શન કરવા ન પામ્યા. પાકિસ્તાનની જેલમાં તેઓ મોત કરતાં બદતર જિંદગી ગુજારતા હોવાનો આંખે દેખ્યો અહેવાલ યુદ્ધનાં સત્તર વર્ષ પછી નાથારામ અનંતરામ નામના કેદીએ આપ્યો, જેનો છુટકારો માર્ચ ૨૪, ૧૯૮૮ના રોજ થયો હતો. આ કેદીએ જણાવ્યું કે તેણે કલ્યાણસિંહ રાઠોડને ૧૯૮૩માં રાવલપિંડી ઈન્ટ્રોગેશન સેન્ટરમાં જોયા હતા. (ઈન્ટ્રોગેશન વખતે પુષ્કળ માનસિક અને શારીરિક ત્રાસ અપાય તે જાણીતી વાત છે). મુખ્તિયારસિંહ નામના પેલા બીજા કેદીને ૧૯૮૮માં કોટ લખપત જેલમાં કેપ્ટન કલ્યાણસિંહનો ભેટો થયો હતો.
અહીં માત્ર સાત ફૌજી વીરોના કિસ્સા વર્ણવ્યા. કેપ્ટન દિલગીરસિંહ જામવાલ, ફ્લાઇંગ ઓફિસર આર. એમ. અડવાની, સ્ક્વોડ્રન લીડર મોહિન્દર જૈન, લાન્સ નાયક જગદીશ રાજ, કેપ્ટન અવિનાશ શર્મા, ફ્લાઇટ-લેફ્ટનન્ટ એસ. સી. મહાજન, ફ્લાઇંગ ઓફિસર સુધીર ત્યાગી વગેરે બીજા અનેકના બિલકુલ આવા જ દર્દનાક કિસ્સાની સૂચિ ખૂબ લાંબી છે. પરિણામ તો સરવાળે એ જ આવે કે દેશના સપૂતો પ્રત્યે ભારોભાર અનુકંપા જાગવા ઉપરાંત આપણી ભાવનાહીન સરકારો પ્રત્યે ભારોભાર આક્રોશ વડે સમસમી રહીએ. જાણવા જેવું છે કે યુદ્ધકેદીઓનાં આપ્તજનોએ તેમના પિતા, ભાઈ કે પુત્રની વાપસી માટે જાહેરમાં માગણી કરી ત્યારે સરકારી વલણ શું હતું?
ઇન્દિરા ગાંધીના શાસનકાળ દરમ્યાન વડા પ્રધાનના સચિવાલયમાં ફરજ બજાવતા મિસ્ટર ધર નામના અધિકારીએ યુદ્ધકેદીઓનાં પરિવાર-જનોને ટેલિફોન કરી તેમને વધુ પડતી બુમરાણ ન મચાવવાની સલાહ આપી. (કહેવું મુશ્કેલ છે કે અધિકારી પી. એન. ધર હતા કે પછી ડી. પી. ધર હતા. બન્ને જણા ઇન્દિરા ગાંધીના અંગત મદદનીશો હતા). ધરે જણાવ્યું કે ઝાઝો ઊહાપોહ મચાવશો તો પાકિસ્તાન આપણા યુદ્ધકેદીઓને મારી નાખશે. હકીકતમાં ધર ઇન્દિરા સરકારની બદનામી રોકવા યુદ્ધકેદીઓનાં કુટુંબીજનોને પરોક્ષ રીતે દમદાટી આપી રહ્યા હતા. ફ્લાઇટ-લેફ્ટનન્ટ મનોહર પુરોહિતની પત્ની સુમન પુરોહિતને તથા ફ્લાઇંગ ઓફિસર આર. એમ. અડવાનીની પુત્રી ડોલી અડવાનીને તેમની વિચિત્ર સલાહના શબ્દો બરાબર યાદ રહી ગયા હતા. આ બન્ને મહિલાઓ શિક્ષિત હોવાને લીધે તેમને સામેથી ફોન કોલ મળ્યો. બાકી તો અશિક્ષિત કુટુંબીજનો પ્રત્યેના સરકારી દુર્વ્યવહારને સીમા ન હતી. યુદ્ધકેદી હવાલદાર કે. એલ. શર્માની પત્ની સંતોષ શર્માને કડક અવાજે કહી દેવાયું કે સરકાર પાસે એકમાત્ર કામ લાપત્તા જવાનોને શોધી કાઢવાનું ન હતું. આઘાતની મારી સંતોષ થોડા વખત પછી અસ્થિર મગજની બની.
ઇસ્લામાબાદ ખાતે ડિસેમ્બર, ૧૯૮૯માં યોજાયેલા સાર્ક/SAARC દેશોના અધિવેશન વખતે પાકિસ્તાનનાં વડા પ્રધાન બેનઝીર ભુટ્ટોને ભારતીય પત્રકારોએ આપણા ૪૩ યુદ્ધકેદીઓ અંગે પૂછ્યું. બેનઝીરે કહ્યું કે ૪૧ યુદ્ધકેદીઓ અટકાયતમાં હતા અને તેમને મુક્ત કરવા માટે પાક સરકારના પ્રયાસો ચાલુ હતા. ઇસ્લામાબાદમાં ભારતનું પ્રતિનિધિત્વ વડા પ્રધાન રાજીવ ગાંધીએ કર્યું હતું. બેનઝીરની સ્પષ્ટ કબૂલાત પછી રાજીવ ગાંધી નિષ્ક્રિય કેમ રહ્યા? બેનઝીર ભુટ્ટોના શબ્દો પકડી રાખી એકતાલીસ જણાને પાછા લાવવા કેમ તજવીજ કરી નહિ? ૧૯૭૨માં માતુશ્રી ઇન્દિરાએ કરેલી પહાડ જેવી ભૂલ તેઓ સુધારી શકે તેમ હતા, પરંતુ રાજકારણમાં ગળાડૂબ એવા રાજીવ માટે એ કામ ગૌણ હતું.
રાજકોટના અૅડવોકેટ એમ. કે. પૉલ, જેમણે ૧૯૭૧ના બંદીવાન સપૂતોની વાપસી માટે કેંદ્ર સરકારને કોર્ટમાં પડકારી છે.
પાકિસ્તાન અડીને બેઠું હોય અને કબજો બળવાન હોય એ જોતાં ભારત સરકાર કશું ન કરી શકી હોત એવો ખ્યાલ મનમાં લાવતા નહિ. પાકિસ્તાન સાથેના રાજદ્વારી સંબંધો કાપી નાખી યુદ્ધકેદીઓના મામલાને આંતરરાષ્ટીય મુદ્દો બનાવી શકાય તેમ હતો. સંયુક્ત રાષ્ટ સંઘ (યુનો) સમક્ષ પણ રજૂઆત કરી શકાય તેમ હતી. ભારત સરકાર પાસે ત્રીજો માર્ગ ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસનો (વિશ્વ અદાલતમાં) ટહેલ નાખવાનો હતો, પરંતુ એ માર્ગ પણ ન અપનાવાયો.
આ તરફ ભારતમાં રાજકોટ નિવાસી એડવોકેટ એમ. કે. પૉલ યુદ્ધકેદીઓની વાપસી માટે અદાલતી રાહે અથાક લડત ચલાવી રહ્યા હતા. લડતમાં તેમના વકીલ પુત્ર કિશોર પૉલ પણ સામેલ હતા. ફરિયાદી પક્ષમાં ૫૪ યુદ્ધકેદીઓના કુટુંબીજનોનો તથા ૧૯૭૧ના યુદ્ધના હિરો લેફ્ટનન્ટ-જનરલ જગજીતસિંહ અરોરાનો પણ સમાવેશ થતો હતો. (અરોરા જો કે આજે હયાત નથી). બધું મળીને ૧૧૧ વખત સુનવણી થઈ, જે દરમ્યાન ગુજરાત હાઈકોર્ટે નોટિસ બજાવ્યા છતાં સમયસર પ્રત્યુત્તર ન આપવા બદલ હાઈકોર્ટે કેન્દ્ર સરકારને બે વખત દંડ ફટકાર્યો. હાઈકોર્ટે અંતે ડિસેમ્બર ૨૩, ૨૦૧૧ના રોજ કેન્દ્ર સરકારને ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં કેસ દાખલ કરવાનું અને ૫૪ યુદ્ધકેદીઓનો તમામ આગલો પગાર તેમના પરિવારજનોને ચૂકવવાનું ફરમાવ્યું. હાઈકોર્ટે બહાદુર યુદ્ધકેદીઓની ઉપેક્ષા કરવા બદલ કેંદ્ર સરકારને ઝાટકી નાખી. બાર વર્ષે અદાલતી ચુકાદો આવ્યા પછી અૅડવોકેટ એમ. કે. પૉલના શબ્દો I am the happiest person on this planet today.
બીજી તરફ કેંદ્ર સરકારની ખોરી દાનત જુઓ. ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસના બારણે જવાના ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને તેણે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો અને પોતાનું બચાવનામું તૈયાર કરવાના બહાને સ્ટે ઓર્ડર મેળવી લીધો. સંરક્ષણ મંત્રાલયે બંદીવાન સૈનિકોને ડ્યૂટી પર ગણી આપ્તજનોને પગાર આપવાનું કબૂલ્યું, પણ વિશ્વ અદાલતમાં જવા સામે તેને વાંધો હતો. વાંધાનું કારણ શું હોય તે કોને ખબર? યુદ્ધકેદીઓને પ્યાદાં બનાવનાર રાજરમતે તેમના પર અને તેમનાં આપ્ત-જનો પર શી અસર કરી હોય તેનું જરા અનુમાન લગાવો.
ઉપસંહાર
યુદ્ધકેદીઓને પ્યાદાં બનાવનાર રાજરમતે તેમના પર અને તેમનાં આપ્તજનો પર શી અસર કરી હોય તેનું જરા અનુમાન લગાવો.. ૧૯૭૧નું યુદ્ધ ખેલાયાને આજે ૫૩ વર્ષ પૂર્ણ થયાં અને ૫૪મું વર્ષ શરૂ થયું છે. ૧૬ ડિસેમ્બર, ૧૯૭૧ના રોજ ભારતે આ યુદ્ધમાં ભવ્ય વિજય મેળવ્યો હતો. પરંતુ એ વિજયની ખુશી પાછળ આપણા ૫૪ જવાનોની દર્દભરી દાસ્તાન પણ છે. આજે ૫૪માં વર્ષેય પાકિસ્તાનની જેલમાં પુરાયેલા અને પાશવી અત્યાચારો વેઠી રહેલા ૫૪ ભારતીય જવાનો-અફસરોની નામાવલિ સંરક્ષણ મંત્રાલયની ફાઈલ પર છે. (ફાઈલ નં. ૧૧ (૧૨૦)/૯૮-D (AG), Ministry of Defence).
દુઃખ એ છે કે ઇન્દિરા ગાંધીની સરકારને કારણે આપણે ૫૪ વીર સૈનિકોની અને તેમના પરિવારજનોની જિંદગી બરબાદ થઈ ગઈ. સરહદ પર લડવા જનારા કોઈ માના સપૂતની, તેની દેશભક્તિની, તેની જાનફેસાનીની ભાવનાની કદર જેઓ નથી કરી શકતા તેઓ પોતાને `માનવ' કહેવડાવવાને લાયક નથી. એમને છોડાવવાની તક ત્યારે જ હતી જ્યારે ભારત યુદ્ધ જીત્યું હતું. ૯૩ હજાર સૈનિકોના બદલામાં આપણાં મુઠ્ઠીભર સૈનિકોને ઇન્દિરા ગાંધીના છોડાવી શક્યા તેનાથી મોટી મુર્ખામી ઇતિહાસમાં કદાચ કોઈ રાજનેતાની નહીં હોય?
૫૪ વર્ષ દરમ્યાન પાશવી અત્યાચારો વેઠી ૫૪ પૈકી જે વતનપરસ્ત જવાનો સંભવતઃ આખરે મોતના ખોળામાં પોઢી ગયા હોય. તેમના આત્માને પ્રભુ શાંતિ આપે.