સતયુગનાં ૮ ચિરંજીવી પુરૂષો જે આજે કળયુગમાં પણ જીવિત છે

ધરતી પર ૮ દિવ્ય પુરુષ અત્યારે જીવિત છે, જે ભગવાન વિષ્ણુના 10માં કલ્કિ અવતારની રાહ જોઇ રહ્યા છે. એવું કહેવાય છે કે કળિયુગના આ ૮ ચિરંજીવી અસુર કલ્કિનો વિનાશ કરશે. તો ચાલો જાણીએ આ ૮ ચિરંજીવી કોણ છે.

    ૦૯-જાન્યુઆરી-૨૦૨૫
કુલ દૃશ્યો |

8 chiranjeevi in gujarati
 
 
અષ્ટચિરંજીવી કોણ-કોણ છે? જે કળિયુગમાં પણ જીવી રહ્યા છે!
 
આપણે આપણા વડીલોના પાસેથી કે પછી ધાર્મિક ગ્રંથોમાં ચિરંજીવીઓ વિશે સાંભળ્યું કે વાંચ્યું છે. આ ચિરંજીવીઓ અનંતકાળથી છે. ચિરંજીવી શબ્દ પરથી આપણને એટલો તો ખ્યાલ આવી જ જાય કે લાંબુ આયુષ્ય. પરંતુ આપણા હિન્દુ ધર્મગ્રંથોમાં સાત ચિરંજીવીઓની વાત છે. તે દરેકને પૃથ્વીના અંત સુધી જીવીત રહેવાના આર્શીવાદ કે શ્રાપ મળ્યો છે. તેમને મહામાનવ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ દિવ્ય શક્તિ પણ ધરાવે છે. યોગમાં જે અષ્ટવિદ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે બધી જ વિદ્યાઓ તેમની પાસે છે. શું તમે જાણો છો એ સપ્ત ચિરંજીવી કોણ છે?તો ચાલો ચિરંજીવીઓ વિશે વાત કરીએ.
 
આપણા ધર્મશાસ્ત્રમાં એક શ્લોક છે જેમાં આ સાત ચિરંજીવીઓનો ઉલ્લેખ છે.તે સાથે જ ઋષિ માર્કેણ્ડેયનો પણ સમાવેશ છે.
 
अश्वत्थामा बलिर्व्यासो हनुमांश्च विभीषणः ।
कृपः परशुरामश्च सप्तैते चिरंजीविनः ।।
सप्तैतान संस्मरेन्नित्यं मार्कण्डेयमथाष्टम्म ।
जीवेद्वर्षशतं सोपि सर्वव्याधिविवर्जिता ।।
 
આ શ્લોકની પ્રથમ બે પંક્તિઓમાં સાત ચિરંજીવીઓના નામનો ઉલ્લેખ છે. જ્યારે તે પછીની બે પંક્તિઓમાં આઠમાં ચિરંજીવી ઋષિ માર્કેણ્ડેયનો ઉલ્લેખ છે.આ શ્લોકના નિત્ય સ્મરણથી નિરોગી જીવન અને સો વર્ષનું આયુષ્ય પ્રાપ્ત થાય છે.
 
(1) મહર્ષિ પરશુરામ | Parashurama
 
મહર્ષિ પરશુરામ ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર હતા. તે જમદગ્નિ અને રેણુકાના પુત્ર હતા. તેમનું નામ રામ હતુ. તેમણે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે કઠોર તપસ્યા કરી હતી. તેમની તપસ્યાથી ખુશ થઈ ભગવાન શિવે તેમને પોતાનું અસ્ત્ર ફરસ આપ્યું હતુ. શિવજી દ્વારા આપવામાં આવેલ અસ્ત્રનું નામ પરશુ હતુ. તે ધરાણ કર્યુ તેથી તે પરશુરામ કહેવાયા. તેમનો જન્મ વૈશાખ મહિનાની શુક્લ પક્ષની ત્રીજે થયો હતો. તેમના જન્મને આખાત્રીજ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભગવાન પરશુરામ ચિરંજીવી હોવાના કારણે શ્રીરામના સમયમાં પણ તેમનો ઉલ્લેખ જોવા મળે છે. પરશુરામે 21 વખત સમગ્ર પૃથ્વી પરથી ધર્મવિરોધી ક્ષત્રિય રાજાઓનો અંત કર્યો હતો. શિવજીએ પોતાના પ્રત્યેની પરમ ભક્તિથી પ્રસન્ન થઈ તેમને અમરત્વનું વરદાન આપ્યું હતુ.
 
(2) રાજા બલિ | Maharaja Bali
 
બલિ રાજા દૈત્યોના રાજા હતા. તેમણે દેવોને હરાવી ઈંદ્રલોક પર અધિકાર સ્થાપિત કર્યો હતો. પોતાના વિજયની ખુશી પર રાજા બલિએ અશ્વમેધ યજ્ઞ કરાવ્યો. ત્યારે યજ્ઞમાં વામન રૂપમાં ઉપસ્થિત ભગવાને રાજા બલિ પાસે દાનમાં ત્રણ ડગલા જમીન માંગી હતી.ત્યારે ઘમંડના કારણે વામનરૂપને જોઈ બલિરાજાએ ત્રણ ડગલા જમીન દાનમાં આપવા તૈયાર થઈ ગયા. રાજા બલિના ઘમંડને તોડવા માટે ભગવાને વામનરૂપનો ત્યાગ કરી પોતાનું વિરાટરૂપ ધારણ કર્યુ હતુ.ત્યારે ભગવાને બે ડગલામાં જ ધરતી અને આકાશ લઈ લીધા. જ્યારે ત્રીજુ ડગલુ ક્યાં ભરવું તે પ્રશ્ન થતા રાજા બલિ એ ભગવાનેને તેમનું ત્રીજુ ડગલુ તેમના મસ્તકે ભરવા કહ્યું. ભગવાને ત્રીજું ડગલું ભરી બલિ રાજાને પાતાળ લોકમાં મોકલી દીધા. રાજા બલિ પાતાળ લોકના રાજા છે. તે આજે પણ જીવીત છે. શાસ્ત્રોમાં મળતા ઉલ્લેખ અનુસાર રાજા બલિ ભક્ત પ્રહલાદના વંશજ છે. દૈત્ય રાજા બલિ ખૂબ જ દાની હતા. તેમ જ શ્રીહરિ પણ રાજા બલિથી ખૂબ જ પ્રસન્ન હતા. તે જ કારણ હતુ કે શ્રી વિષ્ણુ પણ રાજા બલિના દ્વારપાળ બન્યા હતા. રાજા બલિની નીતિ નિષ્ઠાથી પ્રસન્ન થઈ ભગવાન વિષ્ણુએ તેમને અમરત્વનું વરદાન આપ્યું હતુ.
 
(3) હનુમાન | Hanumanji
 
અંજની પુત્ર અને રામ ભક્ત હનુમાનને પણ અજરઅમર રહેવાનું વરદાન મળ્યું છે. હનુમાનજીનો ઉલ્લેખ રામાયણની સાથે સાથે મહાભારતમાં પણ મળે છે. મહાભારતના એક પ્રસંગમાં ભીમ હનુમાનજીને તેમની પૂંછડીને માર્ગમાંથી હટાવવાનું કહે છે. ત્યારે હનુમાનજી કહે છે કે તમે જ હટાવી લો. પરંતુ ભીમ પોતાની બધી શક્તિઓનો ઉપયોગ કરવા છતાં તેમની પૂંછડી હટાવી શકતા નથી.
 
સીતાજીએ હનુમાનજીને લંકાની અશોકવાટિકામાં શ્રીરામનો સંદેશ સાંભળ્યા પછી અજર અમર રહેવાના આર્શીવાદ આપ્યા હતા.
 
(4) વિભીષણ | Vibhishana
 
વિભીષણ લંકાપતિ રાવણના નાના ભાઈ હતા. તે પણ એક ચિરંજીવી છે. વિભીષણ રામના પરમ ભક્ત હતા. રાવણે જ્યારે સીતાનું હરણ કર્યુ ત્યારે વિભીષણે રાવણને રામ સાથે શત્રુતા ન કરવા માટે ખૂબ સમજાવ્યા હતા. તેની આ વાતથી નારાજ થઈ રાવણે તેમને લંકા છોડવાનો આદેશ આપ્યો હતો. ત્યાર બાદ વિભીષણ લંકાને ત્યજી ભગવાન રામની સેવા કરવા લાગ્યા. તેમણે લંકામાંથી માતા સીતાને મુક્ત કરાવવા માટે શ્રી રામને મદદ કરી હતી. લંકાપતિ રાવણના વધ પછી શ્રીરામ લંકાનો વહીવટ વિભીષણને સોંપ્યો હતો. તેમજ તેમને પૃથ્વીવાસીઓની સેવા કરવા માટે શ્રી રામ દ્વારા પૃથ્વીના અંત સુધી જીવીત રહેવાનું વરદાન મળ્યુ છે.
 
(5) ઋષિ વેદ વ્યાસ | Ved Vyasa
 
મહાભારતના રચયિતા વ્યાસ ઋષિ પરાશર તેમજ સત્યવતીના પુત્ર હતા. તે શ્યામ વર્ણના હતા. તેમજ યમુના નદીની વચ્ચે આવેલ દ્વીપ પર તેમનો જન્મ થયો હતો. તેમના શ્યામ વર્ણના કારણે તે ‘કૃષ્ણ’ અને જન્મ સ્થળના કારણે ‘ દ્વૈપાયન ‘ તરીકે ઓળખાયા. તેમનું બીજુ એક નામ‘ કૃષ્ણ દ્વૈપાયન ‘ પણ છે. ઋષિ વ્યાસને વેદવ્યાસના નામે પણ ઓળખવામાં આવે છે. તેમણે ચાર વેદો,18 પુરાણ, મહાભારત , શ્રીમદભાગવત ગીતા અને ભવિષ્યપૂરાણની રચના કરી છે. તેમના દ્વારા રચવામાં આવેલ ગ્રંથોના ઉત્તમ કાર્ય માટે તેમને અમરત્વનું વરદાન મળ્યુ હતુ. તેઓ કલ્કિના અંત સુધી જીવીત રહેશે.
 

8 chiranjeevi in gujarati 
 
(6) કૃપાચાર્ય | Kripacharya
 
કૃપાચાર્ય અશ્વત્થામાના મામા અને કૌરવોના કુલગુરુ હતા. એક વખત જ્યારે રાજા શાંતનું શિકાર પર ગયા હતા. તે વખતે તેમને બે બાળકો મળ્યા. તે બંન્નેનું નામ કૃપી અને કૃપ રાખવામાં આવ્યું. રાજા શાંતનુંએ તેમનો ઉછેર કર્યો. મહાભારતના યુદ્ધમાં ઋષિ કૃપાચાર્ય કૌરવોના તરફી હતા. ઋષિ કૃપાચાર્ય ખૂબ જ તપસ્વી ઋષિ તરીકે ઓળખાતા હતા. તેમના તપના કારણે જ તેમણે અમરત્વનું વરદાન મેળવ્યું હતુ.
 
(7) અશ્વત્થામા | Ashwatthama
 
અશ્વત્થામા ગુરુ દ્રોણાચાર્યના પુત્ર હતા. તેઓ એક સારા યોદ્ધા પણ હતા. ગ્રંથો અને પુરાણોમાં મળતી માહિતી અનુસાર અશ્વત્થામાના મસ્તક પર અમરમણિ હતી. અશ્વત્થામાએ યુદ્ધના નિયમનોનું ઉલ્લંઘન કરી યુદ્ધ વિરામ દરમ્યાન પાંડવોના પુત્રોની હત્યા કરી હતી. ક્રોધમાં અર્જુને અશ્વત્થામાના મસ્તક પર રહેલ અમરમણિ કાઢી નાખ્યો હતો. બ્રહ્માસ્ત્ર ચલાવાના કારણે શ્રીકૃષ્ણએ અશ્વત્થામાને પૃથ્વીના અંત સુધી જીવીત રહેવાનો શ્રાપ આપ્યો હતો. કહેવાય છે કે આ શ્રાપના કારણે આજે પણ અશ્વત્થામા પૃથ્વી પર છે.
 
(8) ઋષિ માર્કેણ્ડેય | Markandeya
 
ઋષિ માર્કેણ્ડેય સપ્ત ચિરંજીવીઓમાં સમવિષ્ટ નથી. પરંતુ તે દીર્ધાયુ ઋષિ છે.તેમના દીર્ધાયુષ્ય પાછળ પણ એક વાર્તા છે. જે મુજબ ઋષિ માર્કેણ્ડેય અલ્પ આયુ સાથે જન્મ્યા હતા. તે ભગવાન શિવના પરમ ભક્ત હતા. તેમણે પોતાના તપથી ભગવાન શિવને પ્રસન્ન કરી મહામૃત્યુજંય મંત્ર સિદ્ધ કર્યો હતો. ઋષિ માર્કેણ્ડેય મહામૃત્યુંજ્ય મંત્રથી પોતાના અલ્પ આયુને દીર્ધાયુમાં બદલી ચિરંજીવી બની ગયા. તેથી તેમનો સમાવેશ ચિરંજીવીઓમા થાય છે. એવી પણ એક લોકવાયકા છે કે ઋષિ માર્કેણ્ડેયના પ્રાણોની રક્ષા કરવા માટે સ્વયં ભગવાન શિવ પ્રગટ થયા હતા. મહાદેવે તેમને અમરત્વનું વરદાન આપ્યું હતુ.
આમ પૃથ્વી પર રહેલા ચિરંજીવીઓ પૃથ્વીના અંત સુધી જીવીત રહેશે. આ ચિરંજીવીઓ અંગે એવુ પણ કહેવાય છે કે જ્યારે કળયુગ તેની ચરમ પર હશે ત્યારે કલ્કી સાથે મળી આ ચિરંજીવીઓ કળયુગનો અંત કરશે. તો આ હતા ચિરંજીવીઓ જે હજુ પણ પૃથ્વી પર ભમ્રણ કરી રહ્યા છે.
 
 
- મોનાલી ગજ્જર