સમાજ સહયોગથી સંઘની શતાબ્દી યાત્રા સુગમ બની - દત્તાત્રેય હોસબાલે, સરકાર્યવાહ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ

01 Oct 2025 10:41:08

journey-of-rss-100-years-gujarati
 
 
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યને હવે સો વર્ષ પૂરાં થઈ રહ્યાં છે. આ સો વર્ષોની યાત્રામાં ઘણાં લોકો સહયોગી અને સહભાગી રહ્યાં છે. આ યાત્રા પરિશ્રમપૂર્ણ અને કેટલીક સમસ્યાઓથી ભરેલી રહી, પરંતુ સામાન્ય જનતાએ આપેલું સમર્થન તેનો એક સુખદ પક્ષ રહ્યું. આજે જ્યારે શતાબ્દી વર્ષમાં વિચારીએ છીએ ત્યારે આવા અનેક પ્રસંગો અને લોકોની યાદ આવે છે, જેમણે આ યાત્રાની સફળતા માટે પોતાનું સંપૂર્ણ સમર્પિત કરી દીધું.
 
પ્રારંભિક સમયના તે યુવા કાર્યકર્તાઓ એક યોદ્ધાની જેમ દેશપ્રેમથી ઓતપ્રોત થઈને સંઘકાર્ય માટે દેશભરમાં નીકળી પડ્યા. અપ્પાજી જોશી જેવા ગૃહસ્થ કાર્યકર્તા હોય કે પ્રચારક સ્વરૂપમાં દાદારાવ પરમાર્થ, બાલાસાહેબ અને ભાઉરાવ દેવરસ બંધુઓ, યાદવરાવ જોશી, એકનાથ રાનડે જેવા લોકો ડૉ. હેડગેવારજીના સાંનિધ્યમાં આવીને સંઘકાર્યને રાષ્ટ્રસેવાનું જીવનવ્રત માનીને જીવનભર આગળ ધપતા રહ્યા.
 
સંઘને સમર્થન સતત મળતું રહ્યું છે... 
 
સંઘનું કાર્ય સમાજના સતત સમર્થનથી આગળ વધતું ગયું. સંઘકાર્ય સામાન્ય વ્યક્તિઓની ભાવનાઓને અનુરૂપ હોવાથી ધીમે ધીમે આ કાર્યની સ્વીકાર્યતા સમાજમાં વધતી ગઈ. સ્વામી વિવેકાનંદજીને એકવાર તેમના વિદેશ પ્રવાસમાં પૂછવામાં આવ્યું કે, તમારા દેશમાં તો વધુમાં વધુ લોકો નિરક્ષર છે, અંગ્રેજી તો જાણતા જ નથી, તો તમારી મોટી મોટી વાતો ભારતના લોકો સુધી કેવી રીતે પહોંચશે? ત્યારે સ્વામી વિવેકાનંદજીએ કહ્યું કે, જેમ કીડીઓને ખાંડ ક્યાં છે, એ જાણવા અંગ્રેજી શીખવાની જરૂર નથી, તે જ રીતે મારાં ભારતનાં લોકો પોતાના આધ્યાત્મિક જ્ઞાનને કારણે કોઈ પણ ખૂણામાં ચાલી રહેલા સાત્વિક કાર્યને તરત સમજી જાય છે અને ત્યાં શાંતિથી પહોંચી જાય છે, તેથી તેઓ મારી વાત સમજી જશે. અને આ વાત સત્ય સાબિત થઈ. આ જ રીતે સંઘના આ સાત્વિક કાર્યને ધીમેથી પણ કેમ ન હોય, સામાન્ય લોકોની સ્વીકાર્યતા અને તેઓનું સમર્થન સતત મળતું રહ્યું છે.
 
સ્વયંસેવકોનાં પરિવારો જ સંઘકાર્યના સંચાલનના કેન્દ્રમાં... 
 
પ્રારંભથી જ સંઘકાર્યને સંપર્ક અને નવા નવા સામાન્ય પરિવારો દ્વારા આશીર્વાદ અને આશ્રય પ્રાપ્ત થતો રહ્યો. સ્વયંસેવકોનાં પરિવારો જ સંઘકાર્યના સંચાલનના કેન્દ્રમાં રહ્યાં. તમામ માતા-ભગીનિઓના સહયોગથી જ સંઘકાર્યને પૂર્ણતા પ્રાપ્ત થઈ. દત્તોપંત ઠેંગડી, યશવંતરાવ કેલકર, બાલાસાહેબ દેશપાંડે તથા એકનાથ રાનડે, દીનદયાલ ઉપાધ્યાય, દાદાસાહેબ આપ્ટે જેવા લોકોએ સંઘપ્રેરણા લઈને સમાજજીવનનાં વિવિધ ક્ષેત્રોમાં સંગઠનો ઊભાં કરવા માટેની મહત્વની ભૂમિકા નિભાવી. આ બધાં સંગઠન વર્તમાન સમયમાં વ્યાપક વિસ્તારની સાથે સાથે જે તે ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં સક્રિય ભૂમિકા નિભાવી રહ્યાં છે. સમાજની બહેનો વચ્ચે આ રાષ્ટ્રકાર્ય માટે રાષ્ટ્ર સેવિકા સમિતિના માધ્યમથી મૌસીજી કેલકરથી લઈને પ્રમીલાતાઈ મેઢે જેવાં માતૃવત્‌ વ્યક્તિત્વોની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ રહી છે.
 
સ્વયંસેવકોએ અગણિત કષ્ટોનો સામનો કર્યો....  
 
સંઘ દ્વારા સમય-સમય પર રાષ્ટ્રીય હિત માટેના અનેક વિષયો ઉઠાવવામાં આવ્યા. તે બધા વિષયોને સમાજના ભિન્ન ભિન્ન લોકોનું સમર્થન મળ્યું, જેમાં ઘણી વાર જાહેરમાં વિરોધી દેખાતા લોકો પણ તેમાં સામેલ રહ્યા. સંઘનો એ પણ પ્રયત્ન રહ્યો કે, વ્યાપક હિન્દુહિતના મુદ્દાઓ ઉપર સૌનો સહયોગ મળતો રહે. રાષ્ટ્રની એકતા, સુરક્ષા, સામાજિક સૌહાર્દ તથા લોકતંત્ર અને ધર્મ-સંસ્કૃતિની રક્ષાના કાર્યમાં અસંખ્ય સ્વયંસેવકોએ અગણિત કષ્ટોનો સામનો કર્યો અને સેંકડોનું બલિદાન પણ થયું. આ બધી વખતે સમાજનું સંબલ હંમેશા સાથે રહ્યું.
 
સંતોના આશીર્વાદ સંઘ સ્વયંસેવકોને હંમેશાં મળતા રહ્યા છે....
 
 ૧૯૮૧માં તમિલનાડુના મીનાક્ષીપુરમ્‌માં ભ્રમણાઓ ફેલાવીને કેટલાક હિંદુઓનું મતપરિવર્તન કરાવાયું. આ મહત્વપૂર્ણ વિષય પર શરૂ થયેલા હિંદુજાગરણના ક્રમમાં આયોજિત લગભગ પાંચ લાખની ઉપસ્થિતિવાળા સંમેલનની અધ્યક્ષતા કરવા માટે તે સમયના કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડૉ. કર્ણસિંહ ઉપસ્થિત રહ્યા હતા. ૧૯૬૪માં વિશ્વ હિંદુ પરિષદની સ્થાપનામાં સ્વામી ચિન્મયાનંદ, માસ્ટર તારાસિંહ, જૈન મુનિ સુશીલકુમારજી, બૌદ્ધ ભિક્ષુ કુશોક બકુલા અને નામધારી સિખ સદ્‌ગુરુ જગજીતસિંહ જેવા લોકોની મુખ્ય સહભાગિતા રહી. હિંદુ શાસ્ત્રોમાં અસ્પૃશ્યતાને કોઈ સ્થાન નથી, એ પુનઃસ્થાપિત કરવાના ઉદ્દેશ્યથી શ્રી ગુરુજી ગોળવલકરજીની પહેલ પર ઉડુપીમાં યોજાયેલા વિશ્વ હિંદુ સંમેલનમાં પૂજ્ય ધર્માચાર્યો સહિત તમામ
સંતો-મહંતોએ ઉપસ્થિત રહીને આશીર્વાદ આપેલા. જેમ પ્રયાગ સંમેલનમાં “न हिन्दु: पतितो भवेत् ।” (કોઈ હિંદુ પતિત ન હોઈ શકે)નો પ્રસ્તાવ સ્વીકારાયો, તેમ આ સંમેલનનો ઉદ્‌ઘોષ હતો - “हिन्दव: सोदरा: सर्वे” (અર્થાત્‌ સૌ હિંદુ ભારતમાતાનાં સંતાનો છે). આ બધાં કાર્યો હોય, ગૌહત્યાબંધીનો વિષય હોય કે રામજન્મભૂમિ અભિયાન હોય, આ તમામ માટે સંતોના આશીર્વાદ સંઘ સ્વયંસેવકોને હંમેશાં મળતા રહ્યા છે.
 
આ જ કારણથી આટલા અવરોધો પછી પણ સંઘકાર્ય અવિરતપણે સતત આગળ વધતું રહ્યું ... 
 
સ્વાધીનતા પછી તરત જ રાજકીય કારણોસર સંઘ પર સરકાર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો, ત્યારે સમાજના સામાન્ય લોકો સાથે અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓએ પણ વિપરીત પરિસ્થિતિમાં સંઘના પક્ષે ઊભા રહીને સંઘકાર્યને સંબલ આપ્યું. આ જ વાત કટોકટી (ઇમર્જન્સી) સમયના સંકટ વખતે પણ અનુભવમાં આવી. આ જ કારણથી આટલા અવરોધો પછી પણ સંઘકાર્ય અવિરતપણે સતત આગળ વધતું રહ્યું છે. આ બધી જ પરિસ્થિતિઓમાં સંઘકાર્ય અને સ્વયંસેવકોને સાચવવા-સંભાળવાની જવાબદારી અમારી માતા-ભગીનિઓએ અત્યંત કુશળતાથી નિભાવી. આ બધી બાબતો સંઘકાર્ય માટે હંમેશા પ્રેરણાસ્ત્રોત બની ગઈ છે.
 
સમાજના તમામ વર્ગો સુધી પહોંચવાનું મુખ્ય લક્ષ્ય... 
 
ભવિષ્યમાં રાષ્ટ્રસેવામાં સમાજના તમામ લોકોનાં સહયોગ અને સહભાગિતા પ્રાપ્ત થાય તે માટે સંઘ સ્વયંસેવકો શતાબ્દી વર્ષમાં ઘર-ઘર સંપર્ક દ્વારા વિશેષ પ્રયાસ કરશે. દેશભરનાં મોટાં શહેરોથી લઈને અંતરિયાળ ગામડાં સુધીનાં તમામ સ્થાનો પર સમાજના તમામ વર્ગો સુધી પહોંચવાનું મુખ્ય લક્ષ્ય રહેશે. સમગ્ર સજ્જનશક્તિના સમન્વિત પ્રયાસો દ્વારા રાષ્ટ્રના સર્વાંગી વિકાસની આગામી યાત્રા સુગમ અને સફળ હોવાની.
 
 
 
- દત્તાત્રેય હોસબાલે
( સરકાર્યવાહ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ )
Powered By Sangraha 9.0