આરએસએસ દરેકનું સ્વાગત કરે છે અને તેથી જ હું આરએસએસમાં છું : કેરળના પૂર્વ ડીજીપી જેકબ થોમસ

03 Oct 2025 12:03:54

Kerala
 
 
કેરળના પૂર્વ પોલીસ મહાનિર્દેશક (DGP) જેકબ થોમસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પૂર્ણ-સમયના ‘પ્રચારક’ તરીકે જોડાય ગયા છે. થોમસ ઇસાઈ સમુદાયના હોવા છતાં સંઘના મિશનમાં સંપૂર્ણપણે સમર્પિત થવાના તેમના નિર્ણયે કેરળના રાજકીય અને સામાજિક વર્તુળમાં એક નવું વાતાવરણ ઊભું થયું છે. તેઓ સંઘમાં એવા સમયે જોડાયા છે જ્યારે આરએસએસ તેની સ્થાપનાના ૧૦૦મા વર્ષ (શતાબ્દી વર્ષ)માં પ્રવેશ કરી રહ્યું છે. સંઘ સર્વગ્રાહી અને સમાવેશી રહ્યો છે તેનું આ એક ઉદાહરણ છે.
 
પૂર્ણ ગણવેશ સાથે ઉપસ્થિત
 
જૅકબ થોમસે મહાનવમી/વિજયાદશમી (૧ ઓક્ટોબર)ના શુભ અવસરે કોચીના પલ્લિકારા ખાતે આયોજિત સંઘના વિજયાદશમી કાર્યક્રમમાં પૂર્ણ ગણવેશ પહેરીને ભાગ લીધો હતો. આ કાર્યક્રમ દરમિયાન તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આરએસએસનો મુખ્ય ઉદ્દેશ્ય સાંસ્કૃતિક રીતે સશક્ત વ્યક્તિઓનું નિર્માણ કરવાનો છે. તમના મતે, સમાજમાં આવા વધુ સશક્ત વ્યક્તિઓનું આગમન રાષ્ટ્રને મજબૂત બનાવશે. તેમણે કહ્યું કે, "રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) આ દેશને એકજુટ કરનારી એક શક્તિ છે. સંઘ દ્વારા નિર્મિત મજબૂત વ્યક્તિઓ થકી જ એક મજબૂત રાષ્ટ્રનું નિર્માણ કરવું એ જ સંઘનો હેતુ છે."
 
સંઘ માટે ‘દેશ પ્રથમ’ છે…
 
જૅકબ થોમસે કેરળમાં સતર્કતા અને ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (VACB)ના વડા તરીકે પણ સેવા આપી હતી, તેમણે ૨૦૨૧માં ભારતીય જનતા પાર્ટી સાથે પણ જોડાયા હતા. જો કે, આરએસએસ (RSS)માં પૂર્ણ-સમયના પ્રચારક બનવાનો તેમનો નિર્ણય એક સામાન્ય રાજકીય જોડાણ કરતાં ઘણો ઊંડો છે. તેમણે સંઘની મૂળભૂત વિચારધારાની પ્રશંસા કરતાં કહ્યું કે આરએસએસમાં કોઈ પણ પ્રકારની જૂથબંધી નથી. જાતિ, ધર્મ, ભાષા કે પ્રદેશના નામે અહીં કોઈ ભેદભાવ નથી. સંઘ માટે ‘દેશ પ્રથમ’ છે, અને સંઘનો એકમાત્ર ઉદ્દેશ્ય દેશની સમૃદ્ધિ અને વિકાસ માટે કામ કરવાનો છે.
 
તેમણે કહ્યું કે સંઘના કાર્યકરોમાં રહેલા અનુશાસન, નિઃસ્વાર્થ સેવા અને રાષ્ટ્ર પ્રત્યેના અસાધારણ સમર્પણે તેમને ખૂબ જ પ્રેરિત કર્યા છે. તેમણે કહ્યું કે, તેમણે ક્યારેય કોઈ એવા સંઘના સ્વયંસેવકને મળ્યા નથી જે અંગત લાભ માટે વિચારતા હોય.
 
ટીકાકારોને જવાબ
 
જૅકબ થોમસનું સંઘમાં જોડાણ એટલા માટે પણ ખાસ છે કારણ કે તેઓ પોતે ખ્રિસ્તી ધર્મનું પાલન કરે છે. આ બાબતનો ઉપયોગ કરીને કેટલાક ટીકાકારો આરએસએસ (RSS)ને માત્ર એક ધાર્મિક સંગઠન તરીકે રજૂ કરવાનો પ્રયાસ કરતા હોય છે, ત્યારે થોમસે પોતાના ઉદાહરણથી આ ટીકાઓનો જડબાતોડ જવાબ આપ્યો છે.
 
કોઈ કેવી રીતે કહી શકે કે સંહ એક હિંદુ ધાર્મિક સંગઠન છે?
 
પૂર્વ ડીજીપીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું: "મેં સેન્ટ મેરી સ્કૂલ અને પછી સેન્ટ જ્યોર્જ કોલેજમાં અભ્યાસ કર્યો, અને હું ખ્રિસ્તી ધર્મનું પાલન કરું છું. આજે હું આરએસએસની ૧૦૦મી વર્ષગાંઠ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમની અધ્યક્ષતા કરી રહ્યો છું. કેરળમાં કોઈ કેવી રીતે કહી શકે કે આરએસએસ (RSS) એક હિંદુ ધાર્મિક સંગઠન છે? આરએસએસ દરેકનું સ્વાગત કરે છે અને તેથી જ હું આરએસએસમાં છું." તેમણે કહ્યું કે સંઘનો એકમાત્ર હેતુ દેશની સમૃદ્ધિ માટે કામ કરવાનો છે, જે કેરળના સામાન્ય લોકોના મનમાં પણ છે.
 
કેરળના અન્ય અધિકારીઓ પણ સંઘમાં જોડાયા છે…
 
જૅકબ થોમસ પહેલાં, કેરળ કેડરના અન્ય બે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પણ સંઘ પરિવાર સાથે જોડાઈ ચૂક્યા છે. પૂર્વ ડીજીપી ટી.પી. સેનકુમાર અને કેરળ કેડરના પ્રથમ મહિલા આઈપીએસ અધિકારી અને પૂર્વ ડીજીપી આર. શ્રીલેખા પણ નિવૃત્તિ પછી સંઘ પરિવાર સાથે સક્રિયપણે કાર્ય કરી રહ્યા છે. જેકબ થોમસનું પ્રચારક તરીકેનું જોડાણ એ સંકેત આપે છે કે દક્ષિણ ભારતના આ રાજ્યમાં સંઘ પરિવારનો વિસ્તાર થઈ રહ્યો છે.
 
 
Powered By Sangraha 9.0