દિલ્હી બ્લાસ્ટ - ભારતમાં બેઠેલા આતંકી 'સ્લીપર સેલ'ને ઓળખી તેને સમાપ્ત કરવાનો આ સમય છે!

એક તરફ રાષ્ટ્ર માટે સર્વોચ્ચ બલિદાન આપનારા લોકો છે, અને બીજી તરફ, દેશના જ કેટલાક ગદ્દારો છે જે દેશવિરોધી ઘૃણાસ્પદ કાવતરું રચી રહ્યા છે.

    ૧૧-નવેમ્બર-૨૦૨૫   
કુલ દૃશ્યો |

Delhi Blast Sleeper Cells
 
 
ભારત માટે આતંકવાદની સમસ્યા કોઈ નવી નથી. વર્ષોથી આપણે સરહદ પારથી થતા આતંકી હુમલાઓનો સામનો કરતા આવ્યા છીએ. કેંદ્રની મજબૂત સરકાર દ્વારા આતંકવાદને જડબાતોડ જવાબ પણ અપાઈ રહ્યા છે.  છતાં પાકિસ્તાન સુધરાવાનું નામ લેતું નથી.  પાકિસ્તાન પ્રેરિત આ આતંકવાદનો ઈરાદો દેશને અસ્થિર કરવાનો રહ્યો છે. આ લડાઈમાં આપણી સેનાએ અગણિત બલિદાનો આપ્યાં છે, અને આજે પણ દરેક નાગરિક શાંતિથી જીવી શકે તે માટે તેઓ સરહદો પર બહાદૂરીપૂર્વક ઊભા છે. પરંતુ, જ્યારે દેશની રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા પાસે એક ભીષણ વિસ્ફોટ થાય છે અને તપાસના તાર દેશના જ નાગરિકો તરફ દોરી જાય છે, ત્યારે વધારે આઘાત લાગે છે. આ ઘટના પછી લાગે કે આપણા દુશ્મનો દેશની બહાર નહીં, પણ અંદર બેઠેલા છે. એક તરફ રાષ્ટ્ર માટે સર્વોચ્ચ બલિદાન આપનારા લોકો છે, અને બીજી તરફ, દેશના જ કેટલાક ગદ્દારો છે જે દેશવિરોધી ઘૃણાસ્પદ કાવતરું રચી રહ્યા છે.
 
૧૦ નવેમ્બર ૨૦૨૫માં દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક થયેલો કાર બ્લાસ્ટ એક પૂર્વનિયોજિત આતંકવાદી હુમલો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. એવું લાગે છે કે આ હુમલાનો સમય અને સ્થળ બહુ વિચારપૂર્વક નક્કી કરવામાં આવ્યા હતા. લાલ કિલ્લા નજીકનો વિસ્તાર હંમેશા લોકોની અવરજવરથી ધમધમતો હોય છે. આ આતંકીઓનો મુખ્ય હેતુ વધુમાં વધુ જાનહાનિ પહોંચાડવાનો અને દેશમાં ભય તથા અંધાધૂંધી ફેલાવવાનો હતો. આ વિસ્ફોટ દેશના સાંસ્કૃતિક અને ઐતિહાસિક પ્રતીક લાલ કિલ્લાની નજીક કરવામાં આવ્યો છે. આતંકવાદીઓની મંશા ભારતના પ્રતીક પર હુમલો કરી ભારતીય લોકોનું મનોબળ તોડવાની હોય શકે. પણ ભારતના લોકો એટલા નબળા નથી જેટલા આ આતંકવાદીઓ સમજી રહ્યા છે. શરૂઆત રાહત કાર્યમાં સેવાભાવી લોકોની ભીડ જોઇ આ બાબતનો અંદાજો લગાવી શકાય. આ દેશની પ્રજા ડરનારી નથી પણ સામનો કરનારી છે. પછી દુશ્મન ભલેને દેશના જ કેટલાંક ગદ્દારો કેમ ન હોય?
 
તપાસ એજન્સીઓના જણાવ્યા મુજબ, વિસ્ફોટમાં હાઈ-ઇન્ટેન્સિટી IED (Improvised Explosive Device) નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ કાવતરાનો પર્દાફાશ ઘટનાના માત્ર ૧૮ કલાક પહેલાં જ થઈ ગયો હતો, જ્યારે જમ્મુ-કાશ્મીર અને ફરીદાબાદમાંથી સાત આતંકીઓની ધરપકડ કરવામાં આવી હતી. પકડાયેલા આતંકીઓ પાસેથી ૨૯૦૦ કિલોગ્રામ એમોનિયમ નાઈટ્રેટ (જે IED બનાવવાનો મુખ્ય કેમિકલ છે), AK-56 રાઇફલ, ચાઈનીઝ પિસ્તોલ અને હજારો કારતૂસ જપ્ત થયા હતા. આટલા મોટા પાયે વિસ્ફોટક સામગ્રી ભેગી કરવી એ દર્શાવે છે કે તેમનો ઈરાદો માત્ર દિલ્હીમાં નહીં, પણ દેશના અન્ય શહેરોમાં પણ ભયંકર શ્રેણીબદ્ધ હુમલાઓ કરવાનો હતો. વિસ્ફોટકો બનાવવા અને તેને સુરક્ષિત રીતે ઠેકાણે પહોંચાડવા માટે એક સંગઠિત નેટવર્કની મદદ લેવામાં આવી હતી, જેનું મૂળ દેશની અંદર જ હતું. દેશની સરહદો તો સુરક્ષિત છે. વિસ્ફોટક સામગ્રી બહારના દેશમાંથી ન આવી શકી એટલે દેશના આવા ગદ્દારોએ દેશમાં જ આવા વિસ્ફોટકો ભેગા કરી વિસ્ફોટ કરવાનું ષડયંત્ર રચ્યુ. પણ હવે તેઓ પકડાઈ ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કહ્યું છે કે તપાસ થઈ રહી છે. કોઇને છોડવામાં નહી આવે.
 
તપાસમાં સૌથી વધુ ચિંતાજનક અને હચમચાવી દેનારો ખુલાસો એ છે કે આ આતંકી મોડ્યુલમાં આપણા જ દેશના  ડોક્ટરોની સંડોવણી બહાર આવી છે. ફરીદાબાદના ડૉ. મુઝમ્મિલ શકીલ અને લખનઉની એક મહિલા ડૉક્ટર શાહીના શાહિદની ધરપકડ કરવામાં આવી હતી. સામાન્ય રીતે આતંકવાદને માત્ર સરહદ પારની સમસ્યા તરીકે જોવામાં આવે છે, પરંતુ જ્યારે સમાજના પ્રતિષ્ઠિત અને ભણેલા-ગણેલા વર્ગના લોકો, જેમણે જીવન બચાવવાની શપથ લીધી છે, તે જ લોકો વિનાશના કાવતરામાં સામેલ થાય છે. જે દેશ અને સમાજ માટે ચિંતાજનક ગણી શકાય! આ ઘટના એ વાતનો સંકેત છે કે દેશની અંદર જ એવા તત્ત્વો સક્રિય છે જે આતંકવાદને પોષી રહ્યા છે. લાગે છે કે તેમનો ઉદ્દેશ્ય માત્ર બ્લાસ્ટ કરવાનો નહોતો, પરંતુ દેશમાં આંતરિક અરાજકતા ફેલાવવાનો હતો.
 
આ ઘટના અને પકડાયેલા આતંકવાદીઓ પરથી આપણે શું સમજવું? એજ કે દુશ્મનો હવે સરહદ પરથી માત્ર હથિયારો નથી મોકલતા, પરંતુ દેશની અંદર બેઠેલા અસંતુષ્ટ કે કટ્ટરપંથી વિચારધારાથી પ્રભાવિત લોકોને 'સ્લીપર સેલ' તરીકે તૈયાર કરી રહ્યા છે. તેઓ દેશના ભવિષ્યને અંદરથી પોલું કરવાના કાવતરા ઘડી રહ્યા છે. પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓનો સામનો કરવો સરળ છે, કારણ કે તેમની ઓળખ 'બહારના દુશ્મન' તરીકે સ્પષ્ટ છે. પરંતુ, આંતરિક ગદ્દારોની ઓળખ કરવી અત્યંત મુશ્કેલ છે, કારણ કે તેઓ આપણા જ દેશનો હિસ્સો છે; ભલે તેઓ ડોક્ટર હોય, એન્જિનિયર હોય કે અન્ય કોઈ પ્રતિષ્ઠિત વ્યવસાયમાં. તેઓ દેશના માળખાકીય સુવિધાઓનો ઉપયોગ કરીને અને 'આપણા લોકો'ના વિશ્વાસનો દુરુપયોગ કરીને આવા કાવતરાને અંજામ આપે છે.
 
દેશના વિવિધ ભાગોમાં આવા કેટલા 'સ્લીપર સેલ' કાર્યરત છે? શિક્ષિત યુવાનો અને પ્રોફેશનલ્સનું બ્રેઈનવોશિંગ કઈ રીતે થઈ રહ્યું છે? સોશિયલ મીડિયા અને ડાર્ક વેબની ભૂમિકા શું છે? અને હજારો કિલો એમોનિયમ નાઈટ્રેટ જેવો વિસ્ફોટક દેશમાં આટલી સરળતાથી કેવી રીતે પહોંચ્યો અને તેનો સંગ્રહ થયો? હાલ આ આપણી સામે ઉભા થયેલા પ્રશ્નો છે. જેના પર ચર્ચા-ચિંતન-મનન થવું આજે જરૂરી છે.
 
દિલ્હી બ્લાસ્ટ રાષ્ટ્ર માટે એક ચેતવણી છે. જ્યારે સરહદ પર જવાન લોહી રેડી રહ્યા છે, ત્યારે દેશની અંદર બેઠેલા ગદ્દારો તેમની પીઠમાં છરો ભોંકી રહ્યા છે. હવે આંતરિક સુરક્ષાની નીતિઓને વધુ સખ્ત બનાવવી પડશે, ગુપ્તચર માહિતીનું નેટવર્ક વધુ મજબૂત કરવું પડશે અને સોશિયલ મીડિયા પર ફેલાતા કટ્ટરપંથી વિચારધારાના પ્રચારને ડામવો પડશે.
 
પાકિસ્તાનની આતંકવાદી પ્રવૃત્તિઓ સામે લડવું જરૂરી છે, પરંતુ દેશની અંદર બેઠેલા દુશ્મનો વધુ ખતરનાક છે. તેમને જડમૂળથી ઉખાડી ફેંકવા માટે માત્ર સુરક્ષા દળોનું નહીં, પણ દરેક નાગરિકની જાગૃતિ, રાષ્ટ્રભક્તિ અને સતર્કતા જરૂરી છે. દેશની અખંડિતતા જાળવવા માટે હવે દરેક નાગરિકે તેના આંતરિક દુશ્મનોને ઓળખવા અને તેમનો પર્દાફાશ કરવા માટે સક્રિય થવું પડશે. આ જ તે નિર્દોષ પીડિતોને સાચી શ્રદ્ધાંજલિ હશે જેમણે દેશની અંદર બેઠેલા આ ગદ્દારોના ષડયંત્રમાં પોતાનો જીવ ગુમાવ્યો છે.

ટીમ સાધના

સાધનાની સંપાદકીય ટીમ દ્વારા લખાયેલા લેખ એટલે ટીમ સાધના...