૧૦ નવેમ્બર, ૨૦૨૫ના રોજ દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે થયેલા વિસ્ફોટ બાદ, સુરક્ષા એજન્સીઓએ એક શબ્દનો ઉલ્લેખ કર્યો છે: 'વાઈટ કોલર જેહાદ' (White Collar Jihad – WCJ). આ શબ્દ અત્યાર સુધી ચાલતી આવતી આતંકવાદી પ્રવૃતિથી તદ્દન અલગ એક નવા જોખમ તરફ ઈશારો કરે છે. હવે આતંકવાદીઓ અભણ યુવાનોને બદલે, એવા લોકોને નિશાન બનાવી રહ્યા છે જેમની પાસે ઉચ્ચ શિક્ષણ, નોકરી અને સમાજમાં પ્રતિષ્ઠા હોય.
આપણે જેને એન્જિનિયર, આઈટી પ્રોફેશનલ, ફાઇનાન્સ એક્સપર્ટ કે ડૉક્ટર કહીએ છીએ તેવા 'વાઈટ કોલર' લોકોનો ઉપયોગ હવે આતંકવાદી સંગઠનો કરી રહ્યા છે. ઇસ્લામિક સ્ટેટ (IS) કે લશ્કર-એ-તૈયબા (LeT), આ કામ પહેલાથી કરતુ રહ્યું છે. આ આતંકવાદી સંગઠનોના અનેક આતંકી શિક્ષિત અને હાઈ પ્રોફેશનલ રહ્યા છે. લાગે છે કે આનાથી આતંકવાદનું સ્વરૂપ સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. હવે આતંકવાદ સામે માત્ર શક્તિથી નહી પણ બુદ્ધિથી પણ લડવું પડશે!
આતંકવાદ સાથે ભણેલા-ગણેલા યુવાનો શા માટે જોડાય છે?
વાઈટ કોલર જેહાદ બતાવે છે કે આ આતંકવાદીઓ માત્ર બોમ્બ ધડાકા કરવા માટે કે આવા પ્રકારની પ્રવૃતિઓ કરવા જ આતંકી સંગઠનો સાથે જોડાયા નથી. તેઓ સંગઠન માટે બેન્કિંગ, સંદેશાવ્યવહાર, રિફાઇનરીઓ અને લોજિસ્ટિક્સ જેવા મહત્ત્વના કાર્યનું નેતૃત્વ કરે છે. તેને આગળ ચલાવે છે. અબ્દુલ સુભાન કુરેશી નામના એક સોફ્ટવેર એન્જિનિયરે IM કોષો બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેવી જ રીતે, સરફરાઝ નવાઝ, જેની પાસે કમ્પ્યુટર નેટવર્કિંગની ડિગ્રી હતી, તેણે લશ્કર-એ-તૈયબા માટે નેટવર્ક ઊભું કરવામાં મદદ કરી હતી.
જો કે ભારત માટે આ કોઈ નવી વાત નથી. દાયકાઓ પહેલા, સ્ટુડન્ટ્સ ઇસ્લામિક મૂવમેન્ટ ઓફ ઇન્ડિયા (SIMI) અને ભારતીય મુજાહિદ્દીન (IM) સાથે જોડાયેલા ઘણા મુખ્ય લોકો ઉચ્ચ શિક્ષિત હતા. આ સંગઠનોના આકાઓ શિક્ષિત હતા. ભારતે આવા આતંકી સામે પણ લડાઈ લડી છે. તેમનો સફાયો કર્યો છે.
શું આ આધુનિક આતંકવાદ છે?
'વાઈટ કોલર જેહાદ'નું સૌથી મોટું શસ્ત્ર હવે ડિજિટલ જગત છે. આ માટે કેટલાંક મુદ્દા સમજવા જોઇએ.
૧. ઝડપી ઓનલાઈન બ્રેઈનવોશઃ એક સમય હતો જ્યારે કોઈ વ્યક્તિને કટ્ટરવાદી બનાવવામાં મહિનાઓ કે વર્ષો લાગતા, પરંતુ હવે સોશિયલ મીડિયા અને એન્ક્રિપ્ટેડ એપ્સ (ટેલિગ્રામ, સિગ્નલ) ના કારણે આ પ્રક્રિયા દિવસો કે કલાકોમાં થઈ શકે છે. આ પ્લેટફોર્મ પર યુવાનોનું બ્રેઈનવોશ થાય છે. તેમની ભરતી થાય છે. તેમને કામ સોંપાય છે.
૨. AIનો દુરુપયોગ: આતંકવાદી સંગઠનો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) જેવી અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ખોટા સંદેશાઓ બનાવે છે. તેને વાઈરલ કરે છે અને યુવાનો તેમા ફસાઈ જાય છે. AI ડીપફેક્સ જેવી ટેકનોલોજીથી તૈયાર થયેલા કન્ટેંટ યુવાનોને ભ્રમિત કરે છે. ભણેલા-ગણેલા યુવાનોને ગમે તેવા, તેમનું બ્રેઈનવોશ કરી શકાય તેવા વીડિઓ બનાવી ટાર્ગેટે પ્રમાણેના યુવાનો પાસે તે મોકલવામાં આવે છે. અને યુવાનો તેમાં ફસાઈ જાય છે.
'વાઈટ કોલર જેહાદ' સ્પષ્ટ કરે છે કે સુરક્ષાનો સંઘર્ષ હવે માત્ર સરહદો પર કે શેરીઓમાં નથી, પરંતુ તે કમ્પ્યુટર - મોબાઇલ સ્ક્રીનથી આપણા ઘર સુધી પહોંચી ગયો છે, જેને હરાવવા માટે દેશની બૌદ્ધિક તાકાતને જાગૃત કરવી અનિવાર્ય છે. દેશના નાગરિકે પણ ચેતવા જેવું છે!