ભગવાન બિરસા મુંડા, શા માટે દેશનો જનજાતીય સમુદાય તેઓને ભગવાન માની તેમની પૂજા કરે છે... તે અંગે વિશેષ મુખપૃષ્ઠ વાર્તા....

15 Nov 2025 16:15:03

all-about-birsa-munda-in-gujarati
 
 
૧૫ નવેમ્બરના રોજ ભગવાન બિરસા મુંડાની જન્મજયંતી છે. આ વર્ષ જનજાતિ સમુદાયના ભગવાન બિરસા મુંડાનું ૧૫૦મું જન્મજયંતીનું વર્ષ પણ છે ત્યારે કોણ હતા ભગવાન બિરસા મુંડા, શા માટે દેશનો જનજાતીય સમુદાય તેઓને ભગવાન માની તેમની પૂજા કરે છે... તે અંગે વિશેષ  મુખપૃષ્ઠ વાર્તા....
 
 
જ્યારે આપણે ભારતના વિવિધ પ્રાંતોની ગૌરવશાળી ગાથાને યાદ કરીએ છીએ ત્યારે પ્રથમ પંક્તિના પ્રથમ ક્રમે એક સુવર્ણનામ ઊભરી આવે છે : ભગવાન બિરસા મુંડા. આદિવાસી સમાજના ઉત્થાન અને અધિકારો માટે લડનારા બિરસા મુંડાનો જન્મ ૧૫ નવેમ્બર, ૧૮૭૫ના રોજ ઝારખંડના ઉલીહાતુ ગામમાં થયો હતો. તેઓ મુંડા જાતિના હતા. તેમના પિતા, સુગના મુંડા અને માતા, કર્મી અત્યંત ગરીબ હતાં અને અન્ય ગામોમાં મજૂરી કરતાં હતાં, તેથી ભગવાન બિરસાનું મોટાભાગનું બાળપણ તેમનાં માતાપિતા સાથે અનેક ગામોમાં વિત્યું હતું. તેમને બે ભાઈઓ અને બે બહેનો પણ હતી. જ્યારે ભગવાન બિરસા મોટા થયા, ત્યારે તેમનાં ગરીબ માતાપિતાએ તેમને આયુભટુમાં તેમના મામા પાસે રહેવા મોકલ્યા. ત્યાં, ઘેટાં અને બકરાં ચરાવતા બિરસાએ મિશનરી શિક્ષક જયપાલ નાગ પાસેથી મૂળાક્ષરો અને ગાણિતિક કૌશલ્યમાં પ્રારંભિક શિક્ષણ મેળવ્યું. જયપાલ નાગના આગ્રહથી જ તેમના પરિવારે ખ્રિસ્તી પંથ અપનાવ્યો જેથી બિરસાને ચૈબાસાની જર્મન મિશન સ્કૂલમાં પ્રવેશ મળી શકે.
 
…અને ચિનગારી ભડકી ઊઠી
 
બિરસાને એક મિશનરી શાળામાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યારે તેમની શીખા સહિત વાળ કાપી નાખવામાં આવ્યા હતા, તેના કારણે તેમને ખૂબ જ આઘાત લાગ્યો હતો. આ અત્યાચાર તેમને પોતાની સંસ્કૃતિ માટે ખતરો લાગ્યો. એક મિશનરી પાદરીએ મુંડા સમુદાયનું વર્ણન કરવા માટે ‘ઠગ’, ‘અપ્રામાણિક’ અને ‘ચોર’ જેવા અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો ત્યારે તેમનામાં બળવાની ચિનગારી સળગી ઊઠી. મિશનરીએ ચર્ચ માટે મુંડાઓના ગામમાંથી જમીન માંગી હતી, જેનો મુંડા સમુદાયે વાંધો ઉઠાવ્યો. આનાથી પાદરીને ગુસ્સો આવ્યો, જેણે સમુદાય વિશે અપમાનજનક ટિપ્પણીઓ કરી પરંતુ જ્યારે તેમને ગો-માંસ ખવડાવવાનો પ્રયત્ન થયો ત્યારે બળવાની ચિનગારી આગ બની ગઈ. બિરસાની ઉંમર તે સમયે ૧૪ વર્ષની હતી. તેણે જાહેર કર્યું, “તમે જ મુંડા સમુદાય પર જુલમ કરનારા અને અમારી જમીન હડપ કરનારા છો. તમે જ ચોર અને અપ્રમાણિક લોકો છો. તમારામાં અને અત્યાચારી બ્રિટિશ સરકારમાં કોઈ ફરક નથી.” અને આમ પાદરી સામે ખુલ્લું બંડ પોકારીને બિરસાએ શાળા છોડી દીધી.
 
શાળા છોડ્યા પછી, બિરસાએ પોતાના સમુદાયને નિરક્ષરતા, ગરીબી અને અજ્ઞાનતામાંથી બહાર કાઢવાનું નક્કી કર્યું. તેથી, તેમણે મુંડા સમુદાયને સંગઠિત કરવાનું શરૂ કર્યું. તેમણે મુંડા યુવાનોનું એક સંગઠન બનાવ્યું અને સામાજિક સુધારાઓની હિમાયત કરી અને રાજકીય શોષણ સામે જાગૃતિ ફેલાવી. આ સમય દરમિયાન, તેઓ આનંદ પાંડાના સંપર્કમાં આવ્યા, જે એક ધાર્મિક વ્યક્તિ હતા અને બાંદગાંવના જમીનદાર જગમોહન સિંહના કારકુન તરીકે સેવા આપતા હતા. બિરસાએ તેમની સાથે રામાયણ અને મહાભારત જેવા ગ્રંથોનો અભ્યાસ કર્યો, જેનો તેમના પર ઊંડો પ્રભાવ પડ્યો. ધર્મ સાથે જોડાયા પછી, તેમણે ખ્રિસ્તી પંથનો તેના પર પ્રભાવ શોધી કાઢ્યો. તેથી, બ્રિટિશ વસાહતી શાસકો અને મિશનરીઓ દ્વારા આદિવાસી સમુદાયોને ખ્રિસ્તી પંથમાં રૂપાંતરિત કરવાના પ્રયાસોથી વાકેફ થયા પછી, બિરસાએ પોતાનું આધ્યાત્મિક સંગઠન ‘બિરસાઈયત’ શરૂ કર્યું . તેઓ કહેતા હતા, ‘સાહેબ-સાહેબ એક ટોપી’, જેનો અર્થ થાય છે કે બ્રિટિશ સરકાર અને ખ્રિસ્તી મિશનરીઓ એક જ છે, સમાન ટોપીઓ પહેરે છે અને સમાન ધ્યેયો ધરાવે છે. તેઓ આપણા દેશને ગુલામ બનાવવા અને ભ્રષ્ટ કરવા માંગે છે. તેથી, બ્રિટિશ સરકાર અને મિશનરીઓ, અને તેમને ટેકો આપનારા જમીનદારો, બિરસા મુંડાના સૌથી મોટા દુશ્મન બન્યા.
 
બિરસાએ સ્વતંત્રતા માટે ‘અબુ દિશોમ અબુ રાજ કા’ સૂત્ર આપ્યું. ‘આપણો દેશ, આપત્રણેય શાસન’ના આ આહ્વાનથી આદિવાસી યુવાનો જાગૃત થયા. ચલકડ ગામમાં એક આશ્રમ અને એક સેનેટોરિયમ ક્રાંતિનો ગઢ બની ગયા, દરમિયાનમાં બ્રિટિશ સરકારે આ ક્રાંતિને કચડી નાખવા માટે દરેક શક્ય પ્રયાસો હાથ ધર્યા.
 
મુંડા અને ઓરાઓં સમુદાયના લોકો ટૂંક સમયમાં મોટી સંખ્યામાં ભગવાન બિરસાનું અનુસરણ કરવા લાગ્યા. આ વલણ બ્રિટિશ મતાંતરણના પ્રયાસો માટે પડકાર બની ગયું. ધીમે ધીમે, સમાજમાં ભગવાન બિરસાનું સ્થાન એક આધ્યાત્મિક મહાપુરુષ તરીકે સ્થાપિત થવા લાગ્યું. લોકો તેમને ભગવાન માનવા લાગ્યા. મુંડા, ઓરાઓં અને અન્ય ઘણા સમુદાયોના હજારો લોકો તેમની સાથે જોડાયા. તેમના ઉપદેશોમાં સામેલ થવા લાગ્યા: દારૂ ન પીવો, ચોરી ન કરો, ગાયોની કતલ ન કરો, પવિત્ર દોરો પહેરો અને તુલસીનો છોડ વાવો. આવી નાની નાની બાબતોથી લોકોમાં આધ્યાત્મિક ચેતના જાગૃત થવા લાગી. ભગવાન બિરસાના પ્રયાસોથી સમાજમાં આત્મસન્માન જાગૃત થયું, લોકોએ જમીનદારો સમક્ષ નમવાનો ઇનકાર કર્યો અને ચર્ચમાં જવાનું બંધ કરી દીધું અને ભગવાન બિરસા સાથે ભજન ગાવાનું શરૂ કર્યું.
 
ભગવાન બિરસાની વધતી શક્તિ જોઈને, બ્રિટિશ સરકાર ગભરાઈ ગઈ અને કપટ દ્વારા તેમની ધરપકડ કરી અને હજારીબાગમાં કેદ કર્યા. જોકે, સરકાર તેમને લાંબા સમય સુધી જેલમાં રાખી શકી નહીં. ૨૫ ઓગસ્ટ, ૧૮૯૫ના રોજ તેમની ધરપકડ કરવામાં આવી અને ૩૦ નવેમ્બર, ૧૮૯૭ના રોજ તેમને મુક્ત કરવામાં આવ્યા. બે વર્ષ પછી જ્યારે તેઓ જેલમાંથી બહાર આવ્યા, ત્યારે હજારો લોકો તેમનું સ્વાગત કરવા માટે એકઠા થયા. તેમની મુક્તિ પછી, ભગવાન બિરસાએ બ્રિટિશ સરકારને ઉથલાવી પાડવાનો નિર્ણય લીધો.
 
આદિવાસી ઓળખના મહાનાયક
 
ભગવાન બિરસા મુંડા ભારતીય ઇતિહાસના એક એવા નાયક છે જેમણે ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં ઝારખંડમાં આદિવાસી સમાજની દશા અને દિશા બદલી નાખી, એક નવા સામાજિક અને રાજકીય યુગની શરૂઆત કરી. તેઓએ હિંમતની શાહીથી પ્રયત્નોનાં પાનાં પર શૌર્યનો શિલાલેખ લખ્યો.
 
તેમને ખ્યાલ આવ્યો કે, આચારની દૃષ્ટિએ, આદિવાસી સમાજ અંધશ્રદ્ધાના તોફાનમાં તણખાની જેમ ઊડી રહ્યો છે અને શ્રદ્ધાની બાબતોમાં ખોવાઈ રહ્યો છે. તેમને એ પણ ખ્યાલ આવ્યો કે, સામાજિક દૂષણોના ધુમ્મસે સમાજને જ્ઞાનના પ્રકાશથી વંચિત રાખ્યો છે. આદિવાસી સમાજ જમીનદારો, ખ્રિસ્તી પાદરીઓ અને બ્રિટિશ શાસકો દ્વારા શોષણની ભઠ્ઠીમાં સળગી રહ્યો છે. ભગવાન બિરસા સમાજને શોષણના ત્રાસમાંથી મુક્ત કરવા માટે સંગઠિત કરવાનું શરૂ કર્યું.
 
સૌ પ્રથમ સામાજિક સ્તરે.. આદિવાસી સમાજને અંધશ્રદ્ધા અને છેતરપિંડીની ચુંગાલમાંથી મુક્ત કરવા માટે તેમણે આદિવાસીઓને સ્વચ્છતાનાં મૂલ્યો શીખવ્યાં, શિક્ષણનું મહત્ત્વ સમજાવ્યું અને તેમને સહકાર અને સરકારનો માર્ગ બતાવ્યો. વધુમાં, કઠોર કાયદાઓને પડકારીને, તેમણે શોષણ કરતાં ચર્ચને અને બર્બર બ્રિટિશ સામ્રાજ્યને મુશ્કેલીમાં મૂક્યું. સામાજિક સ્તરે, આદિવાસીઓની જાગૃતિએ માત્ર જમીનદારો અને તત્કાલીન બ્રિટિશ શાસનને જ હચમચાવી નાખ્યું નહીં, પરંતુ વળગાડમુક્તિનો ઢોંગ કરતા દંભીઓના વ્યવસાયને પણ ખોરવી નાખ્યો. તેથી, બધા બિરસા મુંડા વિરુદ્ધ થઈ ગયા. તેઓએ કાવતરું ઘડવાનું અને બિરસાને ફસાવવાનો પ્રયાસ કરવાનું શરૂ કર્યું.
 
બીજો આર્થિક સુધારો આદિવાસી સમાજને જમીનદારો અને જમીનદારોના આર્થિક શોષણથી મુક્ત કરવા માટેનો હતો. બિરસા મુંડાએ આદિવાસી સમુદાયોમાં સામાજિક જાગૃતિ ફેલાવ્યા પછી તેઓએ આર્થિક શોષણ સામે આદિવાસીઓને સંગઠિત કરવાનું શરૂ કર્યું. બિરસા મુંડાએ તેમનું નેતૃત્વ સંભાળ્યું. આદિવાસી સમુદાયોએ બળજબરીથી મજૂરી કરવાની પ્રથા સામે એક વિશાળ આંદોલન શરૂ કર્યું . પરિણામે, જમીનદારોનાં ઘરો, ખેતરો અને જંગલની જમીન પર કામ અટકી ગયું. ત્રીજું... આદિવાસીઓને રાજકીય રીતે સંગઠિત કરવાનું હતું. કારણ કે બિરસાએ સામાજિક અને આર્થિક સ્તરે આદિવાસી સમુદાયોમાં જાગૃતિની ચિનગારી પ્રગટાવી હતી, તેથી તેને રાજકીય આગ બનવામાં લાંબો સમય લાગ્યો નહીં.
 
આદિવાસીઓ તેમના રાજકીય અધિકારો પ્રત્યે જાગૃત થયા. બહાદુરી અને સામાજિક જાગૃતિની દૃષ્ટિએ બિરસા ખરેખર તે યુગના એકલવ્ય અને સ્વામી વિવેકાનંદ હતા. મહાન દેશભક્તોની પંક્તિમાં ધ્રુવ તારાની જેમ સદા ચમકતું નામ એટલે ભગવાન બિરસા મુંડા. ૧૮૮૬થી ૧૮૯૦ સુધી, ભગવાન બિરસા મુંડાએ સરદારોના આંદોલનના કેન્દ્રની નજીક ચૈબાસામાં નોંધપાત્ર સમય વિતાવ્યો. સરદારોની પ્રવૃત્તિઓનો યુવાન બિરસા પર ઊંડો પ્રભાવ પડ્યો, અને તેઓ ટૂંક સમયમાં મિશનરીવિરોધી અને અંગ્રેજ સરકારવિરોધી એજન્ડામાં સંખ્યાબંધ યુવાો સહભાગી બન્યા. ૧૮૯૦માં ચૈબાસા છોડ્યું ત્યાં સુધીમાં ભગવાન બિરસા આદિવાસી સમુદાયો પર બ્રિટિશ જુલમ સામેના આંદોલનમાં મજબૂત મોરચો માંડનાર તરીકે સ્થાપિત થઈ ચૂક્યા હતા.
 
શક્તિ અને હિંમતનું પ્રતીક
 
ભગવાન બિરસા મુંડાએ ભારતના સ્વતંત્રતા આંદોલનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી. તેમનાં કાર્યો અને સક્રિયતાને કારણે, બિહાર અને ઝારખંડના લોકો માટે તેઓ ભગવાન હતા. આજે સંપૂર્ણ દેશ માટે તેઓ ભગવાન છે. તેઓ બ્રિટિશ શાસન અને આદિવાસી સમુદાયો પર અત્યાચાર કરનારા દમનકારી જમીનદારો સામે લડ્યા. તેમના સુધારાવાદી અભિગમ દ્વારા, તેમણે સામાજિક જીવન માટે એક ઉદાહરણ સ્થાપિત કર્યું, નૈતિક આચરણની શુદ્ધતા, સ્વ-સુધારણાનો ઉપદેશ આપ્યો. તેમણે બ્રિટિશ શાસનના અસ્તિત્વને નકારી કાઢ્યું અને તેમના અનુયાયીઓને સરકારને કર ન ચૂકવવા આહ્વાન કર્યું.
 
૧૮૯૫ સુધીમાં, ભગવાન બિરસા મુંડા એક સફળ અને સશક્ત નેતા તરીકે ઉભર્યા. ૧૮૯૪ના દુષ્કાળ દરમિયાન, તેમણે મુંડા સમુદાય અને અન્ય લોકો માટે બ્રિટિશ કર માફ કરવાની માંગ કરતી ચળવળનું નેતૃત્વ કર્યું. ભગવાન બિરસા અને તેમના શિષ્યો પ્રદેશના દુષ્કાળગ્રસ્ત લોકોને મદદ કરવા માટે કટિબદ્ધ હતા, અને આનાથી તેમને તેમના જીવનકાળ દરમિયાન એક દંતકથાનો દરજ્જો મળ્યો. લોકો તેમને ‘ધરતી આબા’ કહેતા અને તેમની પૂજા કરતા. તેમના પ્રભાવના વિકાસ સાથે, સમગ્ર પ્રદેશમાં મુંડાઓ સંગઠિત થવા માટે સભાન બન્યા. ૧૮૯૭થી ૧૯૦૦ની વચ્ચે, મુંડા સમુદાય અને બ્રિટિશ સૈનિકો વચ્ચે અનેકવાર લડાઈઓ થઈ. બિરસા અને તેમના અનુયાયીઓએ અંગ્રેજોનું જીવવું મુશ્કેલ કરી દીધું હતું. ઓગસ્ટ ૧૮૯૭માં, ભગવાન બિરસા અને તેમના ૪૦૦ સૈનિકોએ ધનુષ્ય અને તીરથી સજ્જ થઈ ખૂંટી પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો. ૧૮૯૮માં મુંડા આંદોલનકારીઓ ટાંગા નદીના કિનારે બ્રિટિશ સેના સાથે અથડાયા. બ્રિટિશ સેનાનો પરાજય થયો, પરંતુ પાછળથી અંગ્રેજોએ બદલો લેવા માટે, તે વિસ્તારના ઘણા આદિવાસી નેતાઓની ધરપકડ કરી.
 
૧૮૯૯માં, તેમણે જળ, જમીન અને જંગલના અધિકારો માટે બ્રિટિશ સરકાર સામે ઉગ્ર આંદોલન શરૂ કર્યું. તે છોટા નાગપુરથી શરૂ થયું, અને તેમણે તેને ‘ઉલ્ગુલાન’ નામ આપ્યું, જેનો અર્થ ‘મહાન બળવો’ થાય છે. આ બળવો, જેને ‘મુંડા બળવો’ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેને સ્વતંત્રતા સંગ્રામમાં એક સીમાચિહ્નરૂપ માનવામાં આવે છે.
 
મુંડા સમુદાયના બળવાથી બ્રિટિશ સરકાર હચમચી ગઈ હતી. ૯ જાન્યુઆરી, ૧૯૦૦ના રોજ, બિરસાએ જોજોહાટુ નજીક ડોંબરી ટેકરી પર એક સભાનું આયોજન કર્યું, જ્યાં હજારો લોકો એકઠાં થયાં. જ્યારે કમિશનર સ્ટ્રીટફિલ્ડને આ સમાચાર મળ્યા, ત્યારે તેમણે આખી ટેકરીને ઘેરી લીધી. વિરોધીઓ પર આડેધડ ગોળીબાર કરવામાં આવ્યો. એક તરફ બંદૂકોનો ઉપયોગ કરવામાં આવ્યો, બીજી તરફ પથ્થરો અને ધનુષ્ય અને તીરનો ઉપયોગ કરવામાં આવ્યો. ટેકરી પર ભીષણ યુદ્ધ થયું, જેમાં ઘણી સ્ત્રીઓ અને બાળકો માર્યાં ગયાં.. ટેકરી લોહીથી લાલ થઈ ગઈ. આખરે, અંગ્રેજોનો વિજય થયો. અંગ્રેજોએ ડોંબરી ટેકરી પર કબજો કર્યો, પરંતુ તેઓ ક્યારેય સ્વતંત્રતા-સેનાની ભગવાન બિરસાને પકડી શક્યા નહિ. એવું કહેવાય છે કે આ એક ભયાનક અને સુનિયોજિત હત્યાકાંડ હતો, જે જલિયાંવાલા બાગ જેવો જ ક્રૂર અને ભિષણ હતો.
 
આ નિષ્ફળતાથી હતાશ થઈને, અંગ્રેજોએ બિરસાને પકડવાનો નિર્ણય કર્યો. તેમને ડર હતો કે જો તેઓ લાંબા સમય સુધી બહાર રહેશે તો તેઓ એક મોટો ખતરો બની જશે. તેથી, અંગ્રેજોએ ભગવાન બિરસાની ધરપકડ માટે ૫૦૦ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું. છતાં, બ્રિટિશ સરકાર તેમને પકડવામાં નિષ્ફળ ગઈ. કમનસીબે, બે દેશદ્રોહીઓ અંગ્રેજોમાં ભળી ગયા. જાસૂસો અને બાતમીદારોની મદદથી, તેમને ૩ ફેબ્રુઆરીના રોજ ચક્રધરપુરના બાંદગાંવમાં ધરપકડ કરવામાં આવી. તેમને હાથકડી પહેરાવીને રાંચી જેલમાં લાવવામાં આવ્યા, જ્યાં ૯ જૂન, ૧૯૦૦ના રોજ શંકાસ્પદ સંજોગોમાં તેમનું મૃત્યુ થયું. જોકે બ્રિટિશ સરકારે દાવો કર્યો હતો કે, તેમનું મૃત્યુ કૉલેરાથી થયું હતું. એવું કહેવાય છે કે બ્રિટિશ અધિકારીઓએ તેમને ઝેર આપીને મારી નાખ્યા હતા. ત્યારબાદ તેમના પાર્થિવ શરીરનો નાળાના કિનારે ચૂપચાપ અગ્નિસંસ્કાર કરી દેવામાં આવ્યો.
 
ભગવાન બિરસા મુંડાનું જીવન ૨૫ વર્ષની નાની ઉંમરે સમાપ્ત થઈ ગયું. જોકે, પોતાના ધર્મ, સંસ્કૃતિ અને માતૃભૂમિના રક્ષણ માટે તેમણે પ્રગટાવેલી જ્યોતથી સેંકડો ક્રાંતિકારીઓને ભારતની સ્વતંત્રતા માટે પોતાના જીવનનું બલિદાન આપવાની પ્રેરણા મળી. ભગવાન બિરસા મુંડાની પ્રેરણા આજે પણ આપણને આપણા ધર્મ અને સંસ્કૃતિ પ્રત્યે સતર્ક રહેવાની યાદ અપાવે છે.
 
 
Powered By Sangraha 9.0