તંત્રીસ્થાનેથી । ક્રિશ્ચિયન-મુસ્લિમ સંઘર્ષ ભભૂકતો જ્વાળામુખી છે તો..‘ભારતપણું’ એ નિર્મળ જળનો અનંત પ્રવાહ!

15 Nov 2025 15:58:15

Indianness: A Timeless Ethos Countering Civilizational Clashes
 
 
ભારતમાં તો તમામ જાતિઓ (અનુ. જાતિ અને અનુ. જનજાતિ સહિત..)નો સંપૂર્ણ ભારતનો પુત્રરૂપ સમાજ પ્રકૃતિમૈયા (ભારતભૂમિ)ને માતા ગણે છે અને તેથી જ ૧૯૦૬માં આખો ય દેશ ‘वंदे मातरम्’ના ઉદ્ઘોષના એક સ્વરે ગુંજી ઉઠેલો અને ગાજી ઉઠેલો. અંતે (‘લોર્ડ’વાળું ગુલામીજન્ય વળગણ છોડીને કહેવું હોય તો) કર્ઝન જેવા કર્ઝનની ય યોજના પર પાણી ફરી વળ્યું અને બંગ-ભંગ અટકી ગયેલું.
 
સ્વાતંત્ર્ય પૂર્વે તુષ્ટિકરણરૂપી વિકૃતિકરણના કળણમાં ખૂંપી ગયેલા નેતૃત્વએ જો ‘वंदे मातरम्’ના ટુકડા ન કર્યા હોત તો દેશ અખંડ હોત.. ૧૦ લાખ લોકો કમોતે ન મર્યાં હોત.. કરોડથી ય વધુ લોકો રાતોરાત પોતાની ધમધમતી દુકાનો-પેઢીઓ, પોતાનાં ખેતરો-કલકારખાનાં, ઘર-આંગણને એમનાં એમ છોડીને રસ્તા પર ન આવી ગયાં હોત.. તેમના માટે પોતાની પ્રિય માતૃભૂમિ એક જ પળમાં પરાઈ ન બની હોત..
 
આપણી પુણ્યભૂમિ પર ૧૫૦ વર્ષ પહેલાં ‘वंदे मातरम्’ના જન્મને પુત્રરૂપ સમાજે વધાવી દીધેલો. આ એક માત્ર એવો સમાજ છે, જેના માટે પરમ શક્તિનાં તમામ સ્વરૂપો પૂજ્ય છે. ઉપર ઉપરથી બાહ્ય સ્વરૂપોમાં દેખાતી વિવિધતા, આ સમાજના કર્મયોગથી અનુપ્રાણિત છે અને તેથી આ પુત્રવત્ સમગ્ર સમાજ પુનર્જન્મમાં સમાન આસ્થા ધરાવે છે. કોઈ એક વ્યક્તિનાં હાથ, પગ, છાતી, પેટ, કાન, નાક, આંખો, મોં, આ બધાં ઉપર ઉપરથી તો અલગ જ લાગે, પરંતુ અંતે તો તે બધાંની માત્ર ને માત્ર એક જ સાચી ઓળખ એટલે- પેલો વ્યક્તિ! બસ આ જ રીતે સંપૂર્ણ ભારત ભાવાત્મક વિરાસત સાથે.. સૂર્ય-ચંદ્ર-તારા, તુલસી-પિપળો-વડ, શિવ-રામ-કૃષ્ણ, ૐ-સ્વસ્તિક-ત્રિશૂળ આવાં અનેકવિધ શ્રદ્ધાસ્વરૂપોને અને તેમાંથી ઉત્પન્ન બહુમુખી ધરોહરને ધારણ કરે છે. સમગ્ર ભારતની ગ્રામ-નગર-વન-સાગર-પર્વત-હિમગિરિ-મરુભૂમિ જેવાં વિવિધ સ્વરૂપો ધારણ કરતી ભૂમિ એટલે એકાત્મ એવી આપણી અનન્ય ભારતભૂમિ - આપણી પુણ્યદાયિની માતૃભૂમિ! ઉચ્ચ સાંસ્કૃતિક ઐક્યનું વિવિધ ઉત્સવોમાં, મેળાઓમાં, યાત્રાઓમાં, બોલીઓમાં, ગીતોમાં, પહેરવેશમાં, ખાન-પાનમાં, વિધિવિધાનોમાં, પરંપરાઓમાં વ્યક્ત થવું; એ આપણી વિશ્વમાન્ય ઓળખ હજારો હજારો વર્ષથી વિકસિત થયેલી આપણી જીવનશૈલીની પરિચાયક છે. આ ‘ભારતપણું’, ઈશ્વરનાં ભૂત, ભવિષ્ય અને વર્તમાનનાં તમામ રૂપોની અનુભૂતિ કરે છે. આવું જ એક ભવ્ય-દિવ્ય રૂપ છે- ભગવાન બિરસા મુંડાનું, જેઓએ વિદેશી અંગ્રેજો-મિશનરીઓ સામે સંઘર્ષ કરીને ભારતના ‘સ્વ’ના સંરક્ષણ કાજે સર્વસ્વનું બલિદાન આપી દીધેલું. સમગ્ર દેશ આજે વર્ષો પછી પણ તેમનાથી પ્રેરિત થઈ તેઓને ભક્તિભાવથી વંદી રહ્યો છે.
 
‘અમેરિકા’, એ નામ જ ઈટાલીયન પ્રવાસી એમેરિગો વાસ્પુસીના નામ પરથી છે. જુદા જુદા પશ્ચિમી દેશના આક્રાંતાઓના અત્યાચારોને લીધે ત્યાંના મૂળનિવાસીઓની મૂળ ઓળખ નેસ્તનાબૂદ છે. આવી ક્રૂરતા ‘ભારતપણા’ના અભાવમાં જ સંભવ છે. પરિણામે ત્યાં સ્વાર્થની ઉઠાપટકમાં હમણાં એક બાજુ સૌથી લાંબા શટડાઉનના ડર-દબાણમાં અબજો ડોલરોનું નુકસાન, હજારો ફ્લાઈટ્સ બંધ, રોકડની ભારે અછત, ક્રિપ્ટોમાં ય પડતી છે તો બીજી તરફ ચુંટણીઓમાં ટ્રમ્પનો રિપબ્લિકન પક્ષ ઉંધે માથે પટકાયો છે.
 
૧.૩ ટ્રિલિયન ડોલર GDP સાથે વિશ્વનું આર્થિક કેન્દ્ર ગણાતા ન્યુયોર્કમાં મેયરપદે ઝોહરાન મામદાનીનું (જ્યારે સ્વયં ટ્રમ્પ સીધી લીટીમાં સામે હોય તો પણ) ચૂંટાવું એ રિપબ્લિકનની સામે ડેમોક્રેટિક પક્ષની જીત માત્ર નથી, અરે! એ શ્વેતની સામે અશ્વેતની જીત માત્ર પણ નથી, વાસ્તવમાં એ લોકતંત્રના જંગમાં કિશ્ચિયાનીટી વિરુદ્ધ ઈસ્લામિક તાકાતનો હુંકાર છે. ૯/૧૧ પછી નવા સ્વરૂપે ૪૦થી નીચેના ઓમર ફતેહ, મુસાબ અલી અને મામદાનીના ઝનૂની ધ્રુવીકરણથી અમેરિકા Clash of Civilizations તરફ ધસડાઈ રહ્યું છે. કરો તેવું પામો.
 
ત્યાંના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેંસે થોડા દિવસ પહેલાં એક રેલીમાં જાહેરમાં ક્રિશ્ચિયાનીટીની તરફેણમાં ઈશારાભરી ચીમકી આપી. તો વળી નાઈજીરિયામાં થતા હુમલાઓ અંગે ટ્રમ્પે લશ્કરી કાર્યવાહીની ધમકી આપી. જ્યાં રોજે રોજ હિન્દુઓ ઉપર હુમલાઓ થાય છે તેવા પાકિસ્તાન-બાંગ્લાદેશને કેમ ટ્રમ્પની કોઈ ધમકી ક્યારેય નથી મળતી? ઇસ્લામિક નાઈજીરિયામાં થતા હુમલાઓ ક્રિશ્ચિયનો ઉપર કેમ કરવામાં આવી રહ્યા છે? જો કે વિશ્વને એ પ્રતિત થઈ રહ્યું છે કે, જો.. ક્રિશ્ચિયન-મુસ્લિમ સંઘર્ષ ભભૂકતો જ્વાળામુખી છે તો.. ‘ભારતપણું’ એ નિર્મળ જળનો અનંત પ્રવાહ છે. આ ‘ભારતપણું’ એટલે રાષ્ટ્રીયત્વ!
Powered By Sangraha 9.0