માડવી હિડમાનો ખાતમો : નક્સલવાદના અંતનો આરંભ - ‘લાલ કોરિડોર’ હવે ભૂતકાળ બની રહ્યો છે

19 Nov 2025 13:20:37

madvi-hidma-dead-is-this-the-end-of-the-red-corridor
 
 
ભારતના આંતરિક સુરક્ષાના ઇતિહાસમાં ૧૮ નવેમ્બર, ૨૦૨૫નો દિવસ સુવર્ણ અક્ષરે લખવામાં આવશે. દાયકાઓથી બસ્તરના જંગલોમાં ભય ફેલાવનાર અને ૨૬૦થી વધુ જવાનો તથા નાગરિકોના લોહીથી જેના હાથ ખરડાયેલા હતા, તેવો કુખ્યાત માઓવાદી કમાન્ડર માડવી હિડમા આખરે આંધ્ર પ્રદેશ પોલીસ એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે. હિડમાનો અંત એ માત્ર એક નક્સલી કમાન્ડરનું મૃત્યુ નથી, પરંતુ તે ભારતમાં ડાબેરી ઉગ્રવાદ (Left Wing Extremism) ના કોફિનમાં છેલ્લો ખીલો સાબિત થઈ શકે છે.
 
આ ઘટનાના સંદર્ભમાં, આપણે હિડમાના ઉદય, તેના આતંક, સુરક્ષા દળોની બદલાયેલી રણનીતિ અને ભારત સરકારના ‘નક્સલમુક્ત ભારત’ અભિયાનનું વિશ્લેષણ કરીશું.
 
૧. માડવી હિડમા: એક નક્સલવાદી
 
દક્ષિણ બસ્તરના જંગલોમાં જન્મેલો માડવી હિડમા કોઈ સામાન્ય ગુનેગાર નહોતો. તે સીપીઆઈ (માઓવાદી)ની ‘બટાલિયન ૧’ નો કર્તાહર્તા હતો. પોલીસ રેકોર્ડ મુજબ, હિડમાનું નામ પહેલીવાર ૨૦૦૭માં ચર્ચામાં આવ્યું હતું, જ્યારે દંતેવાડાના ઉરપાલમેટામાં ૨૩ જવાનોની હત્યા કરવામાં આવી હતી. તેની નિર્દયતા અને ગેરિલા યુદ્ધની આવડતને કારણે માઓવાદી નેતૃત્વએ તેને અનેક પાવર આપ્યા હતા અને એક મોટી બટાલિયનનો નેતા બનાવ્યો હતો.
 
હિડમાની ટૂકડી (બટાલિયન ૧)નો આતંક: 
 
હિડમાના નેતૃત્વમાં બટાલિયન ૧ સુરક્ષા દળો માટે એક દુસ્વપ્ન બની ગઈ હતી. ૨૦૧૦માં દંતેવાડાના ચિંતલનાર ગામમાં થયેલો હુમલો ભારત ક્યારેય ભૂલી શકશે નહીં, જેમાં ૭૬ જવાનો શહીદ થયા હતા. આ હુમલાએ હિડમાને સુરક્ષા દળોની ‘મોસ્ટ વોન્ટેડ’ યાદીમાં ટોચ પર મૂકી દીધો હતો. ૨૦૨૪ સુધીમાં, હિડમા અને તેની ટુકડી ૧૫૫થી વધુ જવાનોની હત્યા માટે જવાબદાર હતી. ૨૦૨૧માં ટેકુલગુડેમમાં તેણે જાળ બિછાવીને ૨૨ જવાનોનો ભોગ લીધો હતો. તે ગ્રામજનોમાં તેનો ડર પણ હતો અને તેના માટે આદર પણ હતો. સ્થાનિક વિસ્તારોથી તે સંપૂર્ણ પણે જાણકાર હતો આથી તે તેનો ફાયદો પણ ઉઠાવતો હતો.
 
૨ ‘હિડમાની શોધ’
 
વર્ષો સુધી હિડમા પોલીસ અને અર્ધલશ્કરી દળોની પકડથી દૂર રહ્યો. પોલીસ અધિકારીઓના મતે, ભૌગોલિક પડકારો અને ‘સુરક્ષા શૂન્યાવકાશ’ (Security Vacuum) તેને બચાવતા હતા. ચોમાસામાં કાદવકીચડ અને ઉનાળામાં પાણીની અછત વચ્ચે ગાઢ જંગલોમાં ઓપરેશન કરવું મુશ્કેલ હતું. વળી, તેની પાસે મજબૂત નેટવર્ક હતું; પોલીસ ગામમાં પ્રવેશે તે પહેલાં જ ફટાકડા ફોડીને હિડમાને ચેતવણી આપી દેવામાં આવતી હતી. પરંતુ, છેલ્લા પાંચ વર્ષમાં (૨૦૨૦-૨૦૨૫) ભારતીય સુરક્ષા દળોએ પોતાની રણનીતિમાં ધરમૂળથી ફેરફાર કર્યો:
 
- ડીપ પેનિટ્રેશન (ઊંડાણપૂર્વક ઘૂસણખોરી):
 
૨૦૧૭ પછી સરકારે હાઈવે પર કેમ્પ બનાવવાને બદલે જંગલની વચ્ચે માઓવાદીઓના ગઢમાં સુરક્ષા કેમ્પ સ્થાપવાનું શરૂ કર્યું.
 
- સુરક્ષા શૂન્યાવકાશનો અંત:
 
બીજાપુર અને સુકમા જેવા કોર વિસ્તારોમાં ૮૭થી વધુ નવા કેમ્પ ખોલવામાં આવ્યા. પહેલા જે બે કેમ્પ વચ્ચે ૪૫ કિમીનું અંતર હતું, તે ઘટીને ૧૦-૨૦ કિમી થઈ ગયું. આનાથી દળોને ઓપરેશન માટે લાંબો સમય મુસાફરી કરવી પડતી ન હતી અને હિડમાની હિલચાલ સીમિત થઈ ગઈ
.
- સ્થાનિકોનો સાથ :
 
ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (DRG) ની રચના ગેમ-ચેન્જર સાબિત થઈ. આ દળમાં સ્થાનિક આદિવાસીઓનો સમાવેશ કરવામાં આવ્યો, જેઓ જંગલને, ભાષાને અને માઓવાદીઓની કાર્યપદ્ધતિને સારી રીતે જાણે છે.
 
- સંયુક્ત ઓપરેશન:
 
છત્તીસગઢ, તેલંગાણા, આંધ્ર પ્રદેશ અને મહારાષ્ટ્ર પોલીસે સંકલન સાધીને રિયલ-ટાઈમ ઇન્ટેલિજન્સ શેર કરવાનું શરૂ કર્યું, જેનાથી માઓવાદીઓને રાજ્યની સરહદો પાર કરીને છુપાવવું મુશ્કેલ બન્યું.
 
ઇન્સ્પેક્ટર જનરલ સુંદરરાજ પી.ના શબ્દોમાં કહીએ તો, “સુરક્ષા દળોના સતત દબાણે હિડમાને પાણી વિનાની માછલી જેવો બનાવી દીધો હતો,” જેના પરિણામે તે બસ્તર છોડીને ભાગવા મજબૂર થયો અને આખરે આંધ્ર પ્રદેશમાં માર્યો ગયો.
 
૩. વિભાજિત સંગઠન અને નેતૃત્વનું સંકટ
 
હિડમાનું એન્કાઉન્ટર માઓવાદી સંગઠન માટે એક મોટા ઝટકા સમાન છે. પહેલીવાર એવું લાગે છે કે માઇવાદીઓ ચિંતામાં, ભય હેઠળ છે. જો કે વર્ષ ૨૦૨૫માં નકસલવાદને આવા અનેક ઝટકાઓ મળ્યા છે. મે ૨૦૨૫માં પક્ષના જનરલ સેક્રેટરી બસવરાજુનું મૃત્યુ અને હવે હિડમાનો ખાતમો – આ ઘટનાઓએ માઓવાદની કમર તોડી નાખી છે. ગુપ્તચર અહેવાલો સૂચવે છે કે માઓવાદીઓ હવે ‘વૈચારિક મતભેદ’ અને ‘આંતરિક વિખવાદ’ નો સામનો કરી રહ્યા છે. જેમ કે, હમણા જ…વરિષ્ઠ નેતા સોનુએ લખેલા પત્રોમાં ‘સશસ્ત્ર સંઘર્ષ બંધ કરવા’ ની હિમાયત કરી હતી, જેના કારણે કટ્ટરપંથી નેતા દેવુજી સાથે તેમનો સંઘર્ષ થયો હતો. ગત વર્ષે સંગઠનમાં કોઈ નવી ભરતી થઈ નથી. યુવાનો હવે હિંસાને બદલે વિકાસ તરફ વળ્યા છે. નેતૃત્વના અભાવ અને પોલીસના દબાણને કારણે ચંદ્રન્ના અને રૂપેશ જેવા મોટા નેતાઓ સહિત હજારો કેડરોએ આત્મસમર્પણ કર્યું છે. એક અધિકારીએ યોગ્ય જ કહ્યું છે કે, “માઓવાદીઓ માટે બધું પૂરું થઈ ગયું છે. પાર્ટી હવે મુઠ્ઠીભર નેતાઓ અને વિખરાયેલા કેડર સુધી સીમિત થઈ ગઈ છે.”
 
૪. નક્સલવાદમુક્ત ભારત તરફ આગેકૂચ
 
ગૃહ મંત્રાલયે માર્ચ ૨૦૨૬ સુધીમાં ભારતમાંથી નક્સલવાદને સંપૂર્ણપણે નાબૂદ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. હિડમાનું મૃત્યુ આ દિશામાં એક નિર્ણાયક પગલું છે. સરકારની ‘ક્લિયર, હોલ્ડ અને બિલ્ડ’ (સાફ કરો, પકડી રાખો અને નિર્માણ કરો) ની નીતિ સફળ થઈ રહી છે.
 
ક્લિયર (Clear): સુરક્ષા દળોએ માઓવાદીઓના ગઢ ગણાતા અબુઝમાડ જેવા વિસ્તારોને સાફ કર્યા છે.
 
હોલ્ડ (Hold): ત્યાં સુરક્ષા કેમ્પ સ્થાપીને વર્ચસ્વ જાળવી રાખ્યું છે.
 
બિલ્ડ (Build): હવે ત્યાં રસ્તા, શાળાઓ, હોસ્પિટલો અને મોબાઇલ ટાવર્સ જેવી વિકાસલક્ષી પ્રવૃત્તિઓ ઝડપી બની છે.
 
છત્તીસગઢના એડીજી વિવેકાનંદ સિંહાના મતે, વિકાસ અને વિશ્વાસ નિર્માણએ સૌથી મોટું હથિયાર છે. જ્યારે સ્થાનિકોને સમજાયું કે સરકાર તેમના ભલા માટે છે, ત્યારે તેઓએ માઓવાદીઓનો સાથ છોડી દીધો.
 
૫. અને છેલ્લે…
 
માડવી હિડમાનો અંત એ માત્ર એક આતંકવાદીનો અંત નથી, પરંતુ તે ભયના એક યુગનો અંત છે. તે દર્શાવે છે કે લોકશાહીમાં હિંસાને કોઈ સ્થાન નથી. જે જંગલોમાં ક્યારેક ગોળીઓના અવાજ ગુંજતા હતા, ત્યાં હવે વિકાસની નવી સવાર પડી રહી છે.
જોકે, લડાઈ હજુ પૂરી નથી થઈ. દેવુજી અને સુનિર્મલ જેવા કેટલાક નેતાઓ હજુ પણ સક્રિય છે. વિચારધારાને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે સતત સતર્કતા અને આદિવાસી વિસ્તારોમાં સર્વાંગી વિકાસ અનિવાર્ય છે. પરંતુ, ૧૮ નવેમ્બર ૨૦૨૫ના રોજ આપણે વિશ્વાસ સાથે કહી શકીએ છીએ કે ‘લાલ કોરિડોર’ હવે ભૂતકાળ બની રહ્યો છે અને ‘નક્સલમુક્ત ભારત’ નું સપનું હવે માત્ર કલ્પના નથી, પણ નજીકના ભવિષ્યની વાસ્તવિકતા છે.
 
Powered By Sangraha 9.0