રામ મંદિરથી લઈને રશિયા સાથેની ડીલ સુધી: USCIRF રીપોર્ટ – આ છે ભારત વિરોધી પ્રોપેગન્ડા ?

20 Nov 2025 15:54:43


uscirf-report-a-propaganda-war-on-india
 

USCIRF રીપોર્ટ : માનવાધિકારનું મહોરું અને ભારત વિરોધી રાજકીય ષડયંત્ર

દર વર્ષે યુનાઈટેડ સ્ટેટ્સ કમિશન ઓન ઈન્ટરનેશનલ રિલીજીયસ ફ્રીડમ (USCIRF) એક રિપોર્ટ બહાર પાડે છે. આ રિપોર્ટનું શીર્ષક ભલે "ધાર્મિક સ્વતંત્રતા" હોય, પરંતુ તેના પાનાઓ વચ્ચે છુપાયેલો ઈરાદો હંમેશા રાજકીય હોય છે. ખાસ કરીને ભારત જેવા લોકશાહી અને સાર્વભૌમ દેશ માટે આ રિપોર્ટ છેલ્લા કેટલાક વર્ષોથી એક "પ્રોપેગન્ડા ટૂલ" (પ્રચારનું હથિયાર) બની ગયો છે. તાજેતરમાં આવેલો USCIRF 2025 નો રિપોર્ટ પણ આ જ કડીનો એક ભાગ છે, જેમાં તથ્યોને તોડી-મરોડીને ભારતની છબી ખરડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ માત્ર એક અહેવાલ નથી, પરંતુ અમેરિકાના ભૌગોલિક-રાજકીય (Geopolitical) હિતો સાચવવા માટે ભારત પર દબાણ લાવવાનું એક કાવતરું છે. કાવતરું કઈ રીતે તે જાણવું હોય તો પહેલા USCIRF વિશે જાણવું પડે...આવો જાણીએ…
 
USCIRF શું છે અને તેની પાછળ કોણ છે?
 
USCIRF એ કોઈ નિષ્પક્ષ આંતરરાષ્ટ્રીય સંસ્થા કે એનજીઓ નથી. તે અમેરિકન સરકારની એક ફેડરલ કમિશન છે, જેની રચના ૧૯૯૮ના 'ઇન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમ એક્ટ' દ્વારા કરવામાં આવી હતી. આ કમિશનમાં જે કમિશનરો હોય છે, તેમની નિમણૂક અમેરિકાના રાષ્ટ્રપતિ અને ત્યાંની સંસદના નેતાઓ દ્વારા થાય છે. એટલે કે, આ કમિશન સીધેસીધું અમેરિકન રાજકારણથી પ્રભાવિત હોય છે. આ કમિશનનો ઉપયોગ અમેરિકા એવા દેશોને ટાર્ગેટ કરવા માટે કરે છે જે અમેરિકાની વાત માનતા નથી અથવા જે અમેરિકાના વ્યૂહાત્મક હિતોની આડે આવે છે. આ કમિશન અમેરિકાના મિત્ર દેશો (જેમ કે અમુક કટ્ટરપંથી મધ્ય-પૂર્વના દેશો) માં થતા માનવાધિકાર ભંગ પ્રત્યે ઘણીવાર આંખ આડા કાન કરે છે, પણ ભારત જેવા લોકશાહી દેશોને બદનામ કરવાવી કોશિશ કરે છે.
 
ભારત તેના ટાર્ગેટ પર કેમ છે?
 
USCIRF ના ૨૦૨૫ના રિપોર્ટમાં ભારતને ફરીથી 'Countries of Particular Concern (CPC)' એટલે કે 'ચિંતાજનક દેશો'ની યાદીમાં મુકવાની ભલામણ કરવામાં આવી છે. કેમ ખબર છે? તો આની પાછળ કેટલાંક સ્પષ્ટ કારણો છે:
 
૧. રશિયા સાથેના સંબંધો:
 
યુક્રેન યુદ્ધ બાદ ભારતે રશિયા પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખ્યું અને અમેરિકાના દબાણમાં ન આવ્યું. ભારતની આ "સ્વતંત્ર વિદેશ નીતિ" અમેરિકાને ખૂંચે છે. મજાની વાત એ છે કે અમેરિકા પોતે રશિયા સાથે વેપાર કરે છે, પણ ભારત કરે તો તેને વાંધો છે.
 
૨. ભારતનું વધતું કદ
 
ભારત આજે વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અને પોતાની શરતો પર દુનિયા સાથે ડીલ કરે છે. અમેરિકાને એક 'આજ્ઞાંકિત ભારત' જોઈએ છે, 'આત્મનિર્ભર ભારત' નહીં. સ્વાભિક છે તે ભારતને આવા રિપોર્ટ દ્વારા દબાવવા માંગે છે. પણ આ નવું ભારત છે..દબાવાનું નથી.
 
૩. હથિયારોની ડીલ
 
રિપોર્ટમાં અમેરિકાને સલાહ આપવામાં આવી છે કે ભારત સાથેના હથિયારોના સોદાની સમીક્ષા કરવી જોઈએ. આ સીધો પુરાવો છે કે આ રિપોર્ટ ધર્મ વિશે ઓછો અને બિઝનેસ અને રાજનીતિ વિશે વધારે છે. અમેરિકાને હથિયાર વેચવા છે અને ભારતને તે ખરીદવા નથી. ભારત પોતે આ બાબતે આત્મનિર્ભર છે તો શું કામ અમેરિકા પાસેથી હથિયારો ખરીદે…!
 
રિપોર્ટના જુઠ્ઠાણા
 
આ રિપોર્ટમાં ભારત વિશે જે દાવાઓ કરવામાં આવ્યા છે, તે પાયાવિહોણા અને પૂર્વગ્રહથી પીડિત છે. ચાલો મુખ્ય મુદ્દાઓ જોઈએ:
 
(૧) રામ મંદિર અને સુપ્રીમ કોર્ટનું અપમાન
 
રિપોર્ટમાં અયોધ્યાના રામ મંદિર પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવને નકારાત્મક રીતે રજૂ કરવામાં આવ્યો છે. તેઓ લખે છે કે વડાપ્રધાને "બાબરીના ખંડેરો પર બનેલા મંદિર" નું ઉદ્ઘાટન કર્યું.
 
સત્ય: ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) ના વૈજ્ઞાનિક પુરાવા અને સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદા બાદ આ મંદિર બન્યું છે. ત્યાં નીચે એક પ્રાચીન મંદિર હતું તે સાબિત થયું છે. USCIRF ભારતની સર્વોચ્ચ અદાલતના ચુકાદાને અવગણીને પોતાની મનઘડત કહાની ચલાવી રહ્યું છે, જે ભારતની ન્યાયિક પ્રક્રિયાનું અપમાન છે.
 
(૨) દિલ્હી રમખાણો અને આતંકીઓનું મહિમામંડન
 
રિપોર્ટમાં ૨૦૨૦ના દિલ્હી રમખાણોના આરોપીઓ ઉમર ખાલિદ, શરજીલ ઇમામ વગેરેને "શાંતિપૂર્ણ પ્રદર્શનકારી" ગણાવ્યા છે.
 
સત્ય: ચાર્જશીટ અને કોર્ટમાં રજૂ કરાયેલા પુરાવા મુજબ, આ લોકોએ ભારતને તોડવાની (ચિકન નેક કોરિડોર બંધ કરવાની) વાતો કરી હતી. વિદેશી મહેમાનો (ટ્રમ્પ) ભારત આવ્યા ત્યારે ભારતને બદનામ કરવા માટે પૂર્વનિયોજિત ષડયંત્ર હેઠળ રમખાણો થયા હતા. ૫૦થી વધુ લોકોના મોત માટે જવાબદાર ષડયંત્રકારીઓને USCIRF "પીડિત" તરીકે ચિતરે છે.
 
(૩) 'બુલડોઝર' અંગે ભ્રામક પ્રચાર
 
રિપોર્ટમાં દાવો છે કે મુસ્લિમોની સંપત્તિ તોડવા માટે બુલડોઝર ફેરવવામાં આવે છે.
 
સત્ય: ભારતમાં જે પણ તોડફોડ થઈ છે તે ગેરકાયદેસર દબાણો પર થઈ છે. તે સરકારી જમીન પર હોય, ફૂટપાથ પર હોય કે નદી કિનારે. આમાં અનેક મંદિરો પણ તૂટ્યા છે, પણ USCIRF માત્ર એક જ પક્ષ રજૂ કરે છે. તેનો હેતુ કાયદાના પાલનને "કોમી અત્યાચાર" તરીકે ખપાવવાનો છે.
 
(૪) ધર્માંતરણ અને મિશનરી એજન્ડા ભારતના ધર્માંતરણ વિરોધી કાયદાઓને રિપોર્ટમાં વખોડવામાં આવ્યા છે.
 
સત્ય: આ કાયદા "સ્વૈચ્છિક ધર્માંતરણ" રોકતા નથી, પરંતુ "બળજબરીપૂર્વક, લાલચ આપીને કે છેતરીને" થતા ધર્માંતરણને રોકે છે. આદિવાસી અને ગરીબ વિસ્તારોમાં મિશનરી પ્રવૃત્તિઓ દ્વારા ભોળી પ્રજાનું શોષણ થાય છે, તેને રોકવા આ કાયદા જરૂરી છે. USCIRF આ વાસ્તવિકતા સ્વીકારવા તૈયાર નથી કારણ કે તે પોતે એક પશ્ચિમી/ખ્રિસ્તી લેન્સથી દુનિયાને જુએ છે.
 
(૫) ગૌરક્ષા અને સાંસ્કૃતિક અજ્ઞાનતા રિપોર્ટમાં ગૌરક્ષા કાયદાને લઘુમતી વિરોધી ગણાવ્યો છે.
 
સત્ય: ભારતના બંધારણ (કલમ ૪૮) માં ગૌવંશના રક્ષણની વાત છે. ગાય ભારતીય સંસ્કૃતિ અને કૃષિ અર્થતંત્રનો આધાર છે. USCIRF ભારતની સાંસ્કૃતિક સંવેદનાઓને સમજવાને બદલે તેને "બહુમતીવાદ" નું લેબલ આપે છે.
 
USCIRF રીપોર્ટ અને ભારતનો જવાબ
 
જોકે આવું પહેલીવાર થયું હોય તેવું નથી. ૨૦૨૩ અને ૨૦૨૪ USCIRFના રિપોર્ટમાં પણ આવી જ ભારત વિરોધી વાત હતી.
૨૦૨૩-૨૪: તેમણે મણિપુર હિંસા અને CAA ને પણ ખોટી રીતે રજૂ કર્યા હતા.
 
ભારતનો જવાબ: ભારતીય વિદેશ મંત્રાલયે આ રિપોર્ટને સદંતર ફગાવી દીધો છે. ભારતે સ્પષ્ટ કહ્યું છે કે USCIRF "પક્ષપાતી" છે અને તેની પાસે ભારતની જમીની હકીકતની કોઈ સમજ નથી.
 
અમેરિકામાં ભેદભાવ: ભારતે વળતો પ્રહાર કરતા એ પણ યાદ અપાવ્યું છે કે અમેરિકામાં મંદિરો પર હુમલા થાય છે, ભારતીય વિદ્યાર્થીઓના મોત થાય છે અને ત્યાં પણ હેટ ક્રાઈમ વધ્યા છે. પરંતુ USCIRF તેના પર ક્યારેય રિપોર્ટ નથી બનાવતું.
 
અને છેલ્લે : આ રીપોર્ટ એક સુનિયોજિત ષડયંત્ર છે
 
USCIRF ના રિપોર્ટનો સાર એ છે કે તે "હકીકત આધારિત નથી, પણ એજન્ડા આધારિત છે." આ રિપોર્ટ એવા "એક્ટિવિસ્ટો" અને એનજીઓ દ્વારા તૈયાર કરવામાં આવે છે જે પહેલેથી જ ભારત વિરોધી માનસિકતા ધરાવે છે. તેનો હેતુ ભારતીય લોકશાહી, ન્યાયતંત્ર અને ચૂંટાયેલી સરકારને નબળી પાડવાનો છે. આ એક પ્રકારનું "ઈન્ફોર્મેશન વોરફેર" (માહિતી યુદ્ધ) છે, જેમાં માનવાધિકારના બહાને ભારતની પ્રગતિને અવરોધવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
 
એક ભારતીય તરીકે આપણે સમજવું પડશે કે USCIRF એ કોઈ ન્યાયની દેવી નથી, પણ અમેરિકાની સામ્રાજ્યવાદી વિચારસરણીનું એક મહોરું છે. જ્યા સુધી ભારત પોતાના હિતો અને સાર્વભૌમત્વ માટે મક્કમ રહેશે, ત્યાં સુધી આવા રિપોર્ટ્સ આવતા રહેશે. આ રિપોર્ટ્સને કચરાપેટીમાં નાખવા સિવાય તેનું બીજું કોઈ મહત્વ નથી. ભારતનું બંધારણ અને ભારતની જનતા પોતાની લોકશાહીનું રક્ષણ કરવા માટે સમર્થ છે, તેને કોઈ વિદેશી સંસ્થાના પ્રમાણપત્રની જરૂર નથી.

Powered By Sangraha 9.0