સંસ્કૃતિસુધા । શિયાળામાં રાત લાંબી હોવાથી સપનાંઓ વિગતવાર જોઈ શકો

24 Nov 2025 15:14:24

Winter Chronicles: The King of All Seasons
 
 
સનસનાટી મચાવતો શિયાળો સર્વ ઋતુઓમાં શ્રેષ્ઠ છે. મનમાં રમતી અને તનને ગમતી ક્ષણો આ ઋતુના રજવાડામાં મળી જાય છે. ધોધમાર વરસાદમાં તમારું કામ અટકી પડે, ધોમધખતા તાપમાં તમે અટકી પડો, પણ શિયાળામાં તો હૈયામાં હૂંફ ભરી નીકળી પડો એટલે પત્યું ! હા, શરૂમાં હળવીક હામ ભરી અને પછી તેમાં થોડી હિમ્મત ઉમેરવી પડે. પથારી ત્યજી જનારને મળતી વિશ્વતણી વિશાળતા.... વાતાવરણ સતત ચેતનવંતાં હોય છે. મન પણ મોર્નિંગ વોક પર નીકળી જાય છે. આળસને આગળિયો દઈ, તમારી જાતમાંથી બહાર નીકળો એટલે આહ્‌લાદક અનુભવ તમારી આસપાસ ! શેરીઓ ષોડશી થઇ જાય છે અને મહોલ્લો મસ્ત...
 
સ્વેટર, મફલર, મોજાંનો યુગ પ્રારંભાય છે. માળિયેથી હૂંફાળાં વસ્ત્રો ઉતારવામાં આવે છે. આખું વર્ષ જે કબાટમાં જગ્યા રોકતાં હતાં એ હવે ગાલાવેલા થઈ તમારું નામ ગોખે છે. શિશિરની શેરીમાં ગરમ વસ્ત્રો અત્ર-તત્ર પોતાની જગ્યા બનાવી લે છે. ભારેખમ લાગતો ધાબળો ઓઢતાંની સાથે જ હળવો ફૂલ થઇ જાય છે. જીભ ‘અડદિયા’નો પોકાર કરવા લાગે. કસરત સાથે કાવો કદમ મિલાવે છે અને મલાઈસભર કેસરિયા દૂધનો દમામ જાણે દુબારા કહેવા મજબૂર કરે છે. જો કે એ પહેલા પેટોબાની મંજૂરી અનિવાર્ય બની જાય છે. નહીં તો એ બંડ પોકારી ઉપવાસ કરવા મજબૂર કરે. અતિની ગતિ ક્યાં! એલાર્મ દુશ્મન બની જાય છે અને રજાઈ નામની રમણી સાથે દોસ્તી ગાઢ બને છે. શિયાળાની સવારે તાપણાની ફરતે મંડાતી ગોઠડી અને સાથે લેવાતી ચાની ચુસ્કીની તોલે તો સ્વર્ગ પણ ન આવે !
 
મોડી રાતે અગાસી પર શાલ ઓઢીને ખવાતા ગરમાગરમ ફરસાણ સાથે વાતોનાં વડાં તળાતાં હોય એ ભાવવિશ્વ આ ફ્લેટ કલ્ચરને ક્યાંથી પલ્લે પડે! એમાં અલકમલકની વાતોથી સહજ વહી આવતો વાતમેળો જામતો જાય અને એ ભવભવનું ભાથું બંધાવતા અનુભવોની પોટલી ખૂલતી જાય. સૌના મનમાં એક ભાવવિશ્વની અનુભૂતિ આકાર લે અને જીવનના જીવંત પાઠો જીવ સોંસરવા ઉતરી જાય. વોટ્સએપ ગ્રૂપ્સના બોરિંગ ચેટિંગ કરતાં હજારગણી મજાની છતાં જીવનોપયોગી વાતો વાત-વાતમાં મળી જાય! અનુભવની એરણ પર ઘડાયેલી વડીલોની વાતોમાં ‘અમારો ય એક જમાનો હતો’ના ભવ્ય ભૂતકાળનું ભાગવતપુરાણ ચાલ્યા કરતું, કિશોરનાં કુમળા હૈયેથી ફૂટતાં ભાવવિશ્વમાં પરીઓનો પરિવેશ રચાતો અને બાળકોને તો મોકળું મેદાન મળતું એટલે પૂરું... ઠંડીબંડી મારી ફરે...
 
શિયાળામાં તો પથ્થર વઘારીને ખાઈએ તો પણ પચી જાય છે. ઉનાળામાં તીર જેમ વાગતો તડકો શિયાળામાં પીંછાનો સ્પર્શ જેવો લાગે. ઉનાળાની બપોર અને શિયાળાની રાત જરા અઘરી હોય છે. જો કે સહૃદયી સાથે હોય તો આ જ રાત રંગીન અને સંગીન બની જાય છે. વર્ષાઋતુનાં વધામણાં તો કવિઓએ એટલા બધાં કર્યા છે કે, એમાં બિચારો શિયાળો પોતે ઓજપાઈ અને ઓલવાઈ ગયો છે.
 
પશ્ચિમના શિયાળામાં તો શ્વાસમાં પણ જાણે બરફ જામી જાય છે, એટલે આ સમય દરમિયાન NRI ભીનાં સંસ્મરણો સાથે ભારતભ્રમણ કરવા આવે છે. આમ પણ ભારત તો વિશ્વનો વિસામો અને સંકટ સમયની સાંકળ છે. શિયાળાના સરનામે સુખના મુલાયમ સ્પર્શનો તાકો ખૂલે છે. પ્રવાસીઓ માટેની આ ઋતુ સર્વોત્તમ!
 
શિયાળામાં વિદેશી પક્ષીઓનું સ્થળાંતર રણકાંઠાના વિસ્તારોમાં થાય છે. એમને કોઈ વિઝાની ઝંઝટ રહેતી નથી. ભારતીય પક્ષીઓ પણ રાજ્યની સરહદ વળોટી હવાફેર અને હોવાફેર કરવા અનુકૂળ ઋતુમાં પ્રજનન હેતુ બીજા વિસ્તારમાં જાય છે. જાણે વેકેશન ભોગવવા... થોડા સમય પહેલા સાઈબીરિયાથી સીગલ સુરતમાં આવ્યાં હતાં. શિયાળાની ઋતુમાં એમનું આગમન થતું હોય છે. વિદેશી પક્ષી સીગલ એના અવાજ અને અંદાજ માટે જાણીતું છે. જે માછલી અને જીવડાં પર નભે છે, કેટલાક લોકો એને ગાંઠિયા ખવડાવે છે, એનાથી એનું મૃત્યુ પણ થઈ શકે છે. જૂના સમયમાં શિયાળામાં અખાડાઓનો નજારો જોવા જેવો હતો. સવારે કુસ્તી, બપોરે મલ્લદાવ તો સાંજે કબડ્ડી, ખો ખો જેવી રમતોની રંગત. શિયાળાના ચાર મહિના શરીરનું ધ્યાન આપો, બીજા આઠ મહિના શરીર તમારું ધ્યાન રાખશે. દુહાના પ્રલંબ લલકાર સાથે ડાયરાની હલકનો જાદુ કાનને ધરવ કરાવી ધન્ય કરે છે. વહેલાં ઉઠવાનો વિચાર અને વહેલી પડતી સાંજ જાણે સ્વાસ્થ્યની સમજણ આપી જાય છે. પ્રભાતિયાંના સ્વર જાણે આપણી અંદરના ઈશ્વરને જગાડે છે.
Powered By Sangraha 9.0