સત્તાની ભૂગોળ પર નજર કરીએ છીએ તો વિશ્વ; યુદ્ધ વિનાનું- અયુદ્ધ બને તેવી કલ્પના સ્વપ્નમાં પણ ન આવે. ડ્રગ્સના દૂષણને ડામવાના બહાને અમેરિકાએ વેનેઝુએલા પર યુદ્ધ લાદવાનો રચેલો કારસો, વેનેઝુએલાના વિશાળ તેલ ભંડારોને હજમ કરી જવા માટેનો જ હોવાનો ને! સમગ્ર ભૂમંડલ પર બેફામ વર્તવા માટે એક અમેરિકા નામચીન છે અને તેવું જ બીજું નામચીન છે- ચીન. ચીનની સરહદ જ્યાં જ્યાં અડે ત્યાં ત્યાં તેની અવળચંડાઈ જગજાહેર છે. બસ આ જ કારણે ચીન અને જાપાન વચ્ચે તાઈવાનના મુદ્દે ખખડતાં ખાંડાં આગળ જતાં શું સ્વરૂપ લેશે તે શ્રીરામ જાણે!
૧) ઇઝરાયેલ અને પેલેસ્ટાઈન તથા ૨) રશિયા અને યુક્રેન વચ્ચેનાં બંને યુદ્ધો વિશે વિશ્વ સાવ સંવેદનશૂન્ય રહ્યું. દરમિયાનમાં ભારતે ‘ઑપરેશન સિંદૂર’ થકી પાકિસ્તાનને પાઠ ભણાવી દીધો, એમાં ભારતના ટકોરાબંધ મુદ્દાને વિશ્વએ પોંખ્યો. આનું કારણ માત્ર એક જ કે, પેલાં બંને યુદ્ધો, જે ક્રિયા/પ્રતિક્રિયામાંથી જન્મ્યાં હોઈ તેની પાછળ રહેલો કોઈકને કોઈક સ્વાર્થ છાપરે ચઢેલો દેખા દે છે, જ્યારે ભારતે ઉઠાવેલાં પગલાંની પાછળ ભારતને આતંકિત કરનાર આતંકવાદીઓનો સફાયો છે. આ તફાવત સૌના ધ્યાને આવી ગયો.
ભારત સામે ચાલીને પોતે યુદ્ધ શરૂ કરીને કોઈને છેડતું નથી, પરંતુ તેના પર જો કોઈ યુદ્ધ થોપે તો ભારત તેને છોડતું પણ નથી. આ ‘સ્વ’ભાવને આપણે ‘અયોધ્યા’ સ્વભાવ એવું નામ આપી શકીએ. ‘અયોધ્યા’ અને ‘અયુદ્ધ’ આ બંનેમાં એક જ ભાવ રહેલો છે.
હિન્દુસ્થાન પર લગાતાર ઈસ્લામિક આક્રમણો અને યુરોપનાં સત્તા-શોષણ-લૂંટક્રમણો, એમ બંનેનાં મળીને; મોટું મોટું કહીએ તો લગભગ ૧૦૦૦ વર્ષો સુધી ભારતે વચ્ચે વચ્ચે જય-વિજયોની સાથે મોટા પરાજયો ઝેલ્યા, પરંતુ આ સંપૂર્ણ કાળખંડ દરમિયાન ભારતે કદી હાર નહોતી માની.
તેથી વિપરીત.. સ્વાતંત્ર્ય મળ્યું તેમ છતાં સત્તાસ્તરેથી પરાજય સ્વીકારી લીધાના બે કટુ અપવાદો ભારતના કમભાગ્યે જોવાના આવ્યા. ૧૯૬૨માં ચીને છેડેલા યુદ્ધ વખતે પરાજિત નહેરુ સરકારે હાર માની લીધેલી, હા.. પણ સારી વાત એ છે કે, ભારતે ક્યારેય હાર નહોતી માની, જેની પ્રતિતિ ભારતે ડોકલામ અફડાતફડી વખતે કરી. બાંગ્લાદેશના ડિસેમ્બર-૧૯૭૧ના યુદ્ધ વખતે પણ એવું જ થયું. આપણા પરાક્રમી સૈન્યએ યુદ્ધ જીતી લીધેલું, પરંતુ ઈન્દિરા ગાંધીએ ટેબલ પર જીત ઉપર પાણી ફેરવી દીધું. જીતેલું યુદ્ધ ખૂબ ખરાબ રીતે ગુમાવ્યું, જેના કારણે યુદ્ધ વખતે પાકિસ્તાને યુદ્ધકેદી તરીકે પકડી દીધેલા; આપણી સેનાના સેંકડો વીર યોદ્ધાઓ (સૈનિકો અને સેના અધિકારીઓ) પાકિસ્તાનની જેલોમાં ક્રૂર યાતનાઓનો ભોગ બની પાગલ સ્થિતિમાં સબડ્યા. અંતે તે સૌનું શું થયું? તેનો કોઈ જ અતો-પતો ઈતિહાસનાં પાનાં પર નથી.
કુલ મળીને સ્વાતંત્ર્ય પછીના વિતેલા એ ૬-૭ દાયકાઓ સુધી આપણું ‘સ્વ’ કોરાણે ધકેલાયેલું રહ્યું. છેલ્લા દશકાથી ભારતનું ‘સ્વ’ જાગ્યું.. ગુલામીના કલંક એવા બાબરી ઢાંચાવાળા સ્થાને ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરમાં ભગવાન શ્રીરામજીની પૂર્ણ ભવ્યતા-દિવ્યતા સાથે પુનર્પ્રતિષ્ઠા થઈ અને હમણાં ૨૫ નવેમ્બર’ ૨૦૨૫ના રોજ શ્રીરામનો-અયોદ્ધાનો-હિન્દુત્વનો-ધર્મનો પવિત્ર ભગવદ્ ધ્વજ વિશ્વગગનમાં લહેરાતો થયો. પંથ-મઝહબ-રીલીજીયન-સંપ્રદાય, આ બધાંથી ધર્મ પર છે, તેવું આ પરમ સત્ય; સ્યુડો-સેક્યુલરિઝમે ફેલાવેલી ભ્રમણાઓનાં ભારેખમ અંધારાં ઉલેચીને સર્વ દિશાઓને પ્રકાશિત કરી રહ્યું છે. આ ધર્મધ્વજનું આરોહણ થતાં હવે વિશ્વ યુદ્ધ વિનાનું - અયુદ્ધ બને તેવા ભારતજન્ય વિશ્વાસનો પુનઃ સંચાર થયો છે. ‘યુદ્ધ નહીં બુદ્ધ’, આ વિચારનું શાશ્વત ગુરુત્વકેન્દ્ર અયોધ્યા હવે પુન: નવચૈતન્યદાયી બન્યું છે, સમર્થ પણ બની રહ્યું છે. ‘वसुधैव कुटुंबकम्’ હવે દૂર નથી લાગતું.
જે ભુક્ત નથી તે બદ્ધ નથી, તેને ગુલામી પણ બાંધી શકતી નથી, તે સદા મુક્ત છે. આવી મુક્તિ બુદ્ધ સીધે સીધી ન આપે, તેઓ તો પ્રેરણા આપે. મુક્ત તો સ્વયં જ થવું પડે!
“शैवा यमीशं शिव इत्यवोचन् यं वैष्णवा विष्णुरितिस्तुवन्ति ।
बुद्धस्तथाऽर्हन्निति बौद्धजैनाः सत् श्री अकालेति च सिक्ख संतः॥”