મુખ્યમંત્રીએ પોતાના પુત્રના લગ્ન સમૂહ લગ્નમાં યોજી સમરસતાનું ઉદાહરણ પૂરું પાડ્યું
આજના આધુનિક યુગમાં, જ્યારે સામાજિક વિભાજનો અને આર્થિક અસમાનતા લગ્ન જેવા પવિત્ર સંસ્કારમાં પણ દેખાડો અને વૈભવનું રૂપ ધારણ કરી રહ્યા છે, ત્યારે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવે આચરણ થેકી સામાજિક સમરસતા અને સાદગીનું ઉત્તમ ઉહારણ રજૂ કર્યુ છે. તેમણે પોતાના ઉચ્ચ શિક્ષિત પુત્ર ડૉ. અભિમન્યુના લગ્ન કોઈ રાજકીય કે ભવ્ય સમારોહમાં કરવાને બદલે, વિવિધ જ્ઞાતિના ૨૧ યુગલો સાથે સામૂહિક વિવાહ સંમેલનમાં કરાવીને સામાજિક સમરસતાનો એક જીવંત અને સશક્ત સંદેશ સમગ્ર દેશને આપ્યો છે.
૩૦ નવેમ્બરના રોજ ઉજ્જૈનના પવિત્ર શિપ્રા નદીના કિનારે યોજાયેલો આ સામૂહિક વિવાહની મૂળ ભાવના મુખ્યમંત્રીના પુત્રના લગ્ન કરતાં વધારે, સામાજિક સમાનતાના સિદ્ધાંતને મૂર્તિમંત કરવાની વધારે હતી. આ પ્રસંગે ૨૧ જોડાઓએ એક જ મંડપ નીચે, એક જ સમયે, પરસ્પર પ્રેમ અને સન્માન સાથે નવા જીવનની શરૂઆત કરી.
સામાજિક સમરસતાનું અનોખુ દ્રશ્ય
આ સામૂહિક વિવાહનો સૌથી મોટો સંદેશ ૨૧ યુગલોની વિવિધતામાં રહેલો છે. આ યુગલો મધ્ય પ્રદેશના જુદા જુદા વિસ્તારના છે, પરંતુ સૌથી અગત્યની વાત એ છે કે તેઓ સમાજના દરેક વર્ગનું પ્રતિનિધિત્વ કરતા હતા, જેમાં મુખ્યમંત્રીના પુત્રના લગ્ન પણ સામેલ હતા. સામાજિક સમરસતાનું આ દ્રશ્ય યુગલોની જ્ઞાતિવાર વિગત પરથી સ્પષ્ટ થાય છે, જેમાં અન્ય પછાત વર્ગ, સામાન્ય વર્ગ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વર-વધૂઓ એકસાથે જોડાયા હતા. જે દર્શાવે છે કે આ આયોજન કોઈ એક વર્ગ પૂરતું સીમિત નહોતું, પરંતુ સાચા અર્થમાં સર્વ સમાવેશક હતું.

સાદગી થકી સમાનતા
સામાન્ય રીતે, રાજકીય પરિવારોના લગ્નમાં લાખો રૂપિયાની કંકોત્રીઓ છપાય છે અને બિનજરૂરી ખર્ચ થાય છે. તેનાથી વિપરીત, આ સામૂહિક લગ્ન સમારોહમાં માત્ર ₹૧૨ના ખર્ચે છપાયેલું નિમંત્રણ પત્ર સાદગીનું પ્રતીક બન્યું. આ કાર્ડમાં તમામ ૨૧ યુગલોના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેણે દરેક યુગલને સમાન મહત્ત્વ આપ્યું.
આચરણ દ્વારા સમાજને સંદેશ
મધ્યપ્રદેશના મુખ્યમંત્રીનું આ આચરણ સાધુવાદને પાત્ર છે. તેમનો ભવ્યતાનો ત્યાગ કરીને સાદગી અપનાવવાનો આ ર્નિણય અનેક લોકો માટે પ્રેરણારૂપ છે. આ એવા સમાજ માટે સંદેશરૂપ છે જેઓ મોંઘા લગ્ન કરાવી શકતા નથી પણ મોભો જાળાવવા ભવ્યતાથી લગ્ન કરતા હોય છે. આ સમૂહ લગ્ન સમાજને શીખવે છે કે લગ્નનો મહિમા ધન કે વૈભવમાં નથી, પણ સંબંધોની પવિત્રતા અને સામાજિક જવાબદારીમાં છે. મુખ્યમંત્રીએ આ સાદગી અપનાવીને એ સ્થાપિત કર્યું કે ‘જેમનો રાજા સાદો હોય, તેમની પ્રજા પણ દેખાડાના દબાણથી મુક્ત રહી શકે છે.‘ રાજાના આચરણનો પ્રભાવ પ્રજા પર પડે છે. રાજા ખર્ચ ઓછો કરે તો તેની પ્રજા પણ ખોટો ખર્ચ કરતા અટકી જાય છે. લગ્નમાં મોટા ભાગે ખોટો ખર્ચ વધારે થયો હોય છે. આ ઉદાહરણથી જરૂર સમાજમાં પરિવર્તન આવશે.
સર્વ સમાજના સુખ-દુ:ખમાં ભાગીદારી
સામાજિક સમરસતાનો સિદ્ધાંત માત્ર લગ્નની વિધિ પૂરતો સીમિત નહોતો, પરંતુ આર્થિક અને ભૌતિક સ્તરે પણ તેનું પ્રદર્શન કરવામાં આવ્યું. મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવના પરિવારે આ સમગ્ર સામૂહિક વિવાહ સમારોહનો સમગ્ર ખર્ચ પોતે ઉઠાવ્યો હતો, જેથી અન્ય યુગલોના પરિવારો પર કોઈ આર્થિક બોજ ન આવે. આ પહેલથી એ સંદેશો ગયો કે નેતૃત્વ માત્ર શાસન કરતું નથી, પણ પોતાના નાગરિકોના ખાનગી સુખ-દુ:ખ અને જવાબદારીઓમાં પણ સમાનપણે સહભાગી બને છે.
કન્યાદાનના રૂપમાં કરવામાં આવેલી ભેટવસ્તુઓ પણ આ સમરસતાની ભાવનાને દૃઢ કરે છે. મુખ્યમંત્રીના પરિવારે તમામ ૨૧ દીકરીઓને – જેમાં તેમની પોતાની પુત્રવધૂનો પણ સમાવેશ થાય છે – સોનાનું મંગળસૂત્ર, ચાંદીની પાયજેબ, ઘર-વ્યવહારનો જરૂરી સામાન જેમ કે પલંગ, સોફા, ગાદલાં, અલમારી, સેન્ટર ટેબલ, ૨૧ વાસણોનો સેટ, ડિનર સેટ, વર-વધૂના વસ્ત્રો અને દરેક વરને એક-એક બાઇક પણ ભેટ આપી. આ ઉદારતા બધા જ યુગલો માટે સમાન હતી, જેણે જ્ઞાતિ કે આર્થિક સ્થિતિના ભેદભાવ વગર દરેકને સન્માનપૂર્વક નવા જીવનની શરૂઆત કરવાનો અવસર પૂરો પાડ્યો.
સંતો અને મહાનુભાવો દ્વારા એકતાને આશીર્વાદ
આ સામાજિક એકતાના મહોત્સવમાં દેશના અગ્રણી સંતો અને રાજકીય નેતાઓની ઉપસ્થિતિએ આ સંદેશને વધુ વ્યાપક બનાવ્યો. યોગ ગુરુ બાબા રામદેવ, બાગેશ્વર ધામ પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી અને અખાડા પરિષદના અધ્યક્ષ મહંત રવિન્દ્રપુરી મહારાજે એક જ મંચ પરથી તમામ નવદંપતીઓને આશીર્વાદ આપ્યા. બાબા રામદેવ દ્વારા કરાયેલો મંત્રોચ્ચાર, સંતોની ઉદારતા અને દરેક યુગલને વ્યક્તિગત રીતે એક-એક લાખ રૂપિયા રોકડા આપવાની જાહેરાત — આ તમામ બાબતોએ આ સામાજિક આયોજનને ધાર્મિક અને આધ્યાત્મિક સ્તર પર પણ સમર્થન પૂરું પાડ્યું.
આ ઉપરાંત, રાજ્યપાલ મંગુભાઈ પટેલ, વિધાનસભા અધ્યક્ષ નરેન્દ્ર સિંહ તોમર, કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા સહિત અનેક મંત્રીઓ અને ધારાસભ્યોની હાજરીએ એ વાતની પુષ્ટિ કરી કે સમાજનું સમગ્ર રાજકીય અને ધાર્મિક નેતૃત્વ આ સમરસતાના સંદેશની સાથે છે. આ તમામ મહાનુભાવોએ મુખ્યમંત્રીના પુત્રને નહીં, પરંતુ સામૂહિક રીતે તમામ ૨૧ યુગલોને તેમના આશીર્વાદ આપ્યા, જે આ કાર્યક્રમની સાચી ભાવના દર્શાવે છે.
અને છેલ્લે….
મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવની પોતાના ડોક્ટર પુત્રના લગ્ન સામૂહિક વિવાહમાં કરાવવાની આ પહેલ માત્ર એક લગ્ન સમારોહ નથી, પરંતુ સમાજ સુધારણાની દિશામાં લેવાયેલું એક મહત્વપૂર્ણ અને આદર્શ કદમ છે. વર્તમાન સમયમાં જ્યારે દેખાડો અને ભૌતિકવાદ સર્વોપરી છે, ત્યારે એક રાજ્યના મુખ્યમંત્રીએ આવી સાદગી અપનાવીને ઉદાહરણ પૂરું પાડ્યું છે. આનાથી સામૂહિક વિવાહ જેવા આયોજનોને મોટું પ્રોત્સાહન મળશે, જે આર્થિક રીતે નબળા પરિવારોને તેમના સંતાનોના લગ્ન ભાર વિના કરાવવામાં મદદરૂપ થશે. ડૉ. યાદવે સિદ્ધ કર્યું છે કે નેતાનું કર્તવ્ય માત્ર રાજ્યનું સંચાલન કરવું નથી, પરંતુ સામાજિક મૂલ્યોને જાળવી રાખવા અને તેને પ્રોત્સાહન આપવાનું પણ છે. આ પગલું સામાજિક સમરસતા, સાદગી અને કર્તવ્યનિષ્ઠાની એક અવિસ્મરણીય ગાથા બની રહેશે.