૧૬ ડિસેમ્બર-૧૯૭૧ : યુદ્ધ વિજય દિવસ | મેદાનમાં જીતેલું ૧૯૭૧નું યુદ્ધ ઈન્દિરા ગાંધી ટેબલ પર હારી ગયાં હતાં

16 Dec 2025 11:30:47


ઇસ્લામ પાકિસ્તાનને એક રાખી શક્યો નહિ

સ્વતંત્રતા પછી પાકિસ્તાન ધર્મના આધારે બે ભાગોમાં વહેંચાયું-પશ્ચિમ અને પૂર્વ. બંને વચ્ચે ૨૪૦૦ કિમીનું અંતર, ભાષા–સંસ્કૃતિનો મોટો ફરક અને રાજકીય અસંતુલન હોવાથી આમ તો શરૂઆતથી જ તિરાડ પડી ગઈ હતી. ૧૯૪૮માં ઉર્દૂને રાષ્ટ્રીય ભાષા બનાવતાં પૂર્વ પાકિસ્તાને (બાંગ્લાદેશે) વિરોધ કર્યો, કેમ કે ત્યાં બંગાળી ભાષાનું પ્રભુત્વ હતું. બીજું મોટું કારણ પાકિસ્તાનની મોટાભાગની કમાણી. મજૂરી અને ઉત્પાદન પૂર્વમાં થતું, છતાં આખી આવક પશ્ચિમના નેતાઓ ચૂસી લેતા. પરિણામે પૂર્વ વધુ ને વધુ ગરીબ બનતું ગયું અને ત્યાં પશ્ચિમ વિરુદ્ધ જનઅસંતોષ વધતો ગયો. પૂર્વમાં ‘બાંગ્લાદેશ’ તરીકે અલગ રાષ્ટ્ર બનાવવા આંદોલન શરૂ થયું અને તેના મુખ્ય નેતા બન્યા શેખ મુજીબૂર રહેમાન.
૧૯૭૧માં ચૂંટણીઓ થઈ. ચૂંટણીમાં મુજીબૂરની અવામી લીગને ૩૧૩ માથી ૧૬૦ બેઠકોની જીત સાથે સ્પષ્ટ બહુમતી મળી. શેખ મુજીબૂરનું વડાપ્રધાન બનવું નિશ્ચિત હતું, પરંતુ ભુટ્ટો, યાહ્યાખાન સહિત પશ્ચિમના શાસકો તે થવા દેવા તૈયાર ન હતા. આ જોતાં પૂર્વમાં પ્રજા ઉગ્ર થઈ રહી હતી, પૂર્વમાં ‘મુક્તિવાહિની’ નામનું એક પ્રતિરોધક સંગઠન પણ ઊભું થયું હતું.

રાજનીતિ અને લશ્કરનો બેવડો વિરોધ જોતાં પશ્ચિમ પાકિસ્તાનથી યાહ્યાખાન અને ભુટ્ટોને શેખ મુજીબૂર સાથે વાટાઘાટો માટે ઢાકા આવવું પડયું. તેમણે ૨૫ માર્ચ, ૧૯૭૧ સુધી વાટાઘાટોનું નાટક કરી સમય પસાર કર્યો અને તે સમયમાં પોતાનું લશ્કર પૂર્વમાં ગોઠવી દીધું. લશ્કર ગોઠવાઈ જતાં જ ટિક્કાખાનને પૂર્વના ગવર્નર બનાવી રાતોરાત યાહ્યાખાન અને ભુટ્ટો ઢાકા છોડીને પાકિસ્તાન પાછા ભાગી ગયા. પછી શરૂ થયું ભયંકર દમન. ‘બુચર ઓફ બાંગ્લાદેશ’ એવા ક્રૂર ટિક્કાખાનના લશ્કરે ૨૫ માર્ચની એક રાતમાં જ ઢાકામાં લગભગ ૭૦૦૦ લોકોની હત્યા કરી દીધી. મુજીબૂર રહેમાનની ધરપકડ કરી પશ્ચિમ પાકિસ્તાન મોકલી દેવામાં આવ્યા. ૪૫૦૦૦ જેટલા પૂર્વના પોલીસ જવાનોને બંદી બનાવી તેમનાં હથિયારો જપ્ત કરી લીધાં.

ટિક્કાખાનનું લગભગ એક લાખ સૈનિકોનું લશ્કર બુદ્ધિજીવી વર્ગને ખાસ ટાર્ગેટ બનાવતું ગયું. પ્રોફેસર, લેખક, પત્રકાર, અધિકારીઓ અને રાજકીય આગેવાનોને શોધી–શોધી મારી નાંખ્યા.

ટિક્કાખાનની ભયાનક કત્લેઆમ બાદ પૂર્વ પાકિસ્તાની જનતા ભયથી ફફડી ઊઠી. જેને જ્યાં માર્ગ મળ્યો ત્યાં લોકો ભાગ્યા. સૌથી સુરક્ષિત સ્થળ તેમને ભારત લાગ્યું. પરિણામે પૂર્વ ભારતનાં રાજ્યોમાં લગભગ એક કરોડ શરણાર્થીઓ આવી પહોંચ્યા. ભારતે તેમના ખોરાક, રહેવાની અને રાહત શિબિરની વ્યવસ્થા કરી. ઇન્દિરા ગાંધીએ વિશ્વ સમક્ષ પૂર્વ પાકિસ્તાનની સ્થિતિ મૂકી, UNOથી લઈને અમેરિકા સુધી મદદની અપીલ કરી. આરબ દેશોને પણ પત્રો લખ્યા, છતાં કોઈએ મદદ ન કરી. ઊલટું ભારતને જ પાકિસ્તાનના આંતરિક મામલામાં દખલ ન કરવાની સલાહ આપી.

છેવટે ભારતને યુદ્ધ કરવા મજબૂર થવું પડ્યું. ભારતને તેમને એ પણ ખ્યાલ હતો કે યુદ્ધ શરૂ થાય તો અમેરિકા અને ચીન જેવા દેશો પાકિસ્તાનની તરફદારી કરશે. ખુશ્કીદળના વડા ફિલ્ડ માર્શલ સામ માણેકશાએ યુદ્ધ પહેલાં આઠ લાખ સૈનિકોને છ કમાન્ડમાં ગોઠવી લેફ્ટનન્ટ જનરલોની નિમણૂક કરી.

ભારતે પાકિસ્તાન પર આક્રમણ કરવાની તારીખ ૬ ડિસેમ્બર નક્કી કરી જ લીધી હતી, પરંતુ ૩ ડીસેમ્બરની સાંજે ૫:૪૦ વાગે પાકિસ્તાની વાયુસેનાએ ભારતના અમ્બાલા, શ્રીનગર, અવન્તીપુર, પઠાણકોટ, આગ્રા, ઉત્તરલાઈ અને જોધપુર એમ કુલ ૭ હવાઈમથકો પર એકસામટો બોમ્બમારો શરૂ કર્યો. તેનો જડબાતોડ જવાબ આપવા આ બાજુ ભારતે વળતો હવાઈ હુમલો કર્યો અને નૌકાદળે ‘ઓપરેશન ટ્રાઈટેન્ડ’ શરૂ કર્યું. ભારતીય નૌકાદળની મિસાઈલબોટોએ કરાંચીના દરિયામાં પાકિસ્તાની જહાજોને સપાટામાં લીધાં અને ભારતનાં કેનબરા વિમાનોએ કરાંચીના એરબેઝ પર હલ્લો બોલાવ્યો. જોતજોતામાં ભારતે કરાંચી બંદરનો કચ્ચરઘાણ વાળી દીધો. પૂર્વ મોરચે પાકિસ્તાની સેનાપતિ જનરલ નિયાઝી સામે ભારત તરફથી જનરલ જગજીતસિંહ અરોડા યુદ્ધનું નેતૃત્વ કરી રહ્યા હતા. મૂળ ૧૮ દિવસનો પ્લાન, અમેરિકાની દખલઅંદાજીની શક્યતાને કારણે, ૧૨ દિવસમાં સમેટવાનો હતો. તેથી ત્રણેય દિશાઓથી લગભગ બે લાખ ભારતીય સૈનિકો, ટેન્કો અને તોપોની સહાયથી, પૂર્વ પાકિસ્તાનમાં ઝડપથી આગળ વધ્યા. વાયુસેનાએ રોજના અંદાજે ૧૨૦ હવાઈ હુમલાઓ કર્યા. શહેર-ગામ એક પછી એક ઢળી પડ્યાં અને છેવટે આપણા લશ્કરે ઢાકાને ઘેરી લીધું.

ભારતનો વિજય પણ મેળવ્યું શું?

૧૬ ડિસેમ્બરે ઢાકાના રેસકોર્સ મેદાનમાં, જનરલ નિયાઝીએ શરણાગતિ સ્વીકારી. કુલ ૯૩,૦૦૦ પાકિસ્તાની સૈનિકોએ હથિયાર મૂકી દીધાં. આ સાથે જ બાંગ્લાદેશ નામનું નવું રાષ્ટ્ર જન્મ્યું.

આ બાજુ ઇસ્લામાબાદે શેખ મુજીબૂર રહેમાનને મુક્ત કરવા પડ્યા. પાકિસ્તાને ભારત સાથે શિમલા કરાર કર્યા. એ કરારથી પાકિસ્તાન પોતાના ૯૩૦૦૦ કેદીઓ છોડાવી ગયું પણ ભારત?? ભારતના કેદીઓનું શું? ૩૮૪૩ સૈનિકો ભારત તરફથી શહીદ થયા તે તો પાછા લાવી શકાય એમ નહોતા. પરંતુ ભારતના ગુમ થયેલા જવાનોની સંખ્યા કુલ મળીને ૨૨૨૮ હતી. આ પૈકી ઘણાખરા સૈનિકોને પાક ફૌજે પકડ્યા હોય તે બનવાજોગ હતું પરંતુ પાકિસ્તાને પકડેલા કેદીઓનો આંકડો ૬૧૬ જાહેર કર્યો. આપણે ૯૩૦૦૦ કેદીઓને છોડી મૂક્યા અને સાટામાં ૬૧૬ કેદી સ્વીકારી લીધા.. ૬૧૬ સિવાયના ગુમ થયેલા બીજા ૫૪ યુદ્ધકેદીઓ કાયમી માટે પાકિસ્તાની જેલોમાં સબડ્યા અને ત્યાં તેમની સાથે શું થયું તે આપણે ક્યારેય જાણી શક્યા નહિ. આપણે યુદ્ધ તો જીત્યા પણ ગુમ થયેલા કેદીઓને સાવ ભૂલી શાંતિપ્રિયતાની ઘેલછામાં અને યુદ્ધ જીતવાની વાહવાહીમાં ખરા સમયે સિમલા કરાર સમયે જીતેલું યુદ્ધ પણ ટેબલ પર હારી ગયા.

... જો લૌટ કે ઘર ના આયે...!

મેદાનમાં જીતેલું ૧૯૭૧નું યુદ્ધ ઈન્દિરા ગાંધી ટેબલ પર હારી ગયાં હતાં. સંધિ કરીને ઈન્દિરા ગાંધીએ હારેલા દુશ્મન દેશના ૯૩,૦૦૦ સૈનિકો છોડી મુક્યા પણ ભારતના તમામ સૈનિકોને પાછા ના માંગ્યા, ના માંગી શક્યા. ૯૩,૦૦૦ પાકિસ્તાની યુદ્ધ કેદીઓને છોડ્યા છતાંય પાકિસ્તાને ત્યાંની જેલમાં બંદ આપણા ૫૪ વીર જવાનોને ના છોડ્યા અને ઈન્દિરા ગાંધીએ એની તસ્દી ય ના લીધી.

પાકિસ્તાનના જનરલ ઝિયા-ઉલ-હકે ૧૯૭૭માં લશ્કરી બળવા દ્વારા પ્રમુખ ઝુલ્ફિકાર અલી ભુટ્ટોને પદભ્રષ્ટ કરી જેલમાં ધકેલી દીધા હતા અને પછી મોતની સજા પણ આપેલી. ભુટ્ટોની ફાંસી બાદ એક બ્રિટિશ લેખિકા વિક્ટોરિયા સ્કોફિલ્ડે Bhutto Trial & Execution નામનું પુસ્તક લખેલું. જે ૧૯૭૯માં પ્રકાશિત થયેલું. તેમાં તેમણે લખ્યું હતું કે, ‘કોટ લખપતમાં ભુટ્ટોને ત્રણ મહિના સુધી વિચિત્ર પ્રકારની તકલીફ અપાતી હતી, જે ભુટ્ટોની કોટડી અને બેરેક એરિઆ વચ્ચે ૧૦ ફીટ ઊંચી દીવાલ હતી, પરંતુ તેની પેલી તરફથી રાત્રિના સમયે આવતા હૃદયદ્રાવક બરાડાના તથા ચીસોના અવાજોને રોકી શકતી ન હતી. ભુટ્ટોના એક વકીલે જેલના સ્ટાફને પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું કે, એ અવાજો ભારતીય યુદ્ધકેદીઓના હતા, જેઓ યુદ્ધ પછીની યાતનાઓ અને ગુમનામીના કારણે માનસિક સંતુલન ગુમાવી પાગલ બની ચૂક્યા હતા.’ આ ૫૪ કેદીઓ હતા જે આજદિન સુધી પરત ફર્યા નથી તેમને તેમનાં પર જે અમાનુષી અત્યાચારો થયાં એ ઘટનાઓ હચમચાવી દે તે છે.

જાણવા જેવું છે કે યુદ્ધકેદીઓનાં આપ્તજનોએ તેમના પિતા, ભાઈ કે પુત્રની વાપસી માટે જાહેરમાં માગણી કરી ત્યારે સરકારી વલણ શું હતું?
ઇન્દિરા ગાંધીના શાસનકાળ દરમ્યાન વડા પ્રધાનના સચિવાલયમાં ફરજ બજાવતા મિસ્ટર ધર નામના અધિકારીએ યુદ્ધકેદીઓનાં પરિવાર-જનોને ટેલિફોન કરી તેમને વધુ પડતી બુમરાણ ન મચાવવાની સલાહ આપી. (કહેવું મુશ્કેલ છે કે અધિકારી પી. એન. ધર હતા કે પછી ડી. પી. ધર હતા. બન્ને જણા ઇન્દિરા ગાંધીના અંગત મદદનીશો હતા). ધરે જણાવ્યું કે ઝાઝો ઊહાપોહ મચાવશો તો પાકિસ્તાન આપણા યુદ્ધકેદીઓને મારી નાખશે. હકીકતમાં ધર ઇન્દિરા સરકારની બદનામી રોકવા યુદ્ધકેદીઓનાં કુટુંબીજનોને પરોક્ષ રીતે દમદાટી આપી રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે ઈન્દિરા ગાંધી બાદ રાજીવ ગાંધી પણ આપણા યુદ્ધ કેદીઓને પાછા લાવવા અને તેમના માતાએ કરેલી ઐતિહાસિક ભૂલને સુધારવામાં નિષ્ફળ રહ્યા હતા.

રાજકોટના ઍડવોકેટ એમ. કે. પૉલ, જેમણે ૧૯૭૧ના બંદીવાન સપૂતોની વાપસી માટે કેંદ્ર સરકારને કોર્ટમાં પડકારી છે. રાજકોટ નિવાસી ઍડવોકેટ એમ. કે. પૉલ યુદ્ધકેદીઓની વાપસી માટે અદાલતી રાહે અથાક લડત ચલાવી રહ્યા હતા. લડતમાં તેમના વકીલ પુત્ર કિશોર પૉલ પણ સામેલ હતા. બધું મળીને ૧૧૧ વખત સુનવણી થઈ, જે દરમ્યાન ગુજરાત હાઈકોર્ટે નોટિસ બજાવ્યા છતાં સમયસર પ્રત્યુત્તર ન આપવા બદલ હાઈકોર્ટે કેન્દ્ર સરકારને બે વખત દંડ ફટકાર્યો. હાઈકોર્ટે અંતે ડિસેમ્બર ૨૩, ૨૦૧૧ના રોજ કેન્દ્ર સરકારને ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં કેસ દાખલ કરવાનું અને ૫૪ યુદ્ધકેદીઓનો તમામ આગલો પગાર તેમના પરિવારજનોને ચૂકવવાનું ફરમાવ્યું. પણ ખરાબ દાનતની તત્કાલીન કેન્દ્ર સરકારે ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને તેણે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો અને પોતાનું બચાવનામું તૈયાર કરવાના બહાને સ્ટે ઓર્ડર મેળવી લીધો. અહીં દુઃખ એ વાતનું છે કે આપણા ૫૪ કેદીઓ ઈન્દિરા ગાંધીની અસંવેદનશીલતાના કારણે અને છેલ્લે રાજરમતના કારણે પાકિસ્તાનની જેલોમાં સબડતા રહ્યા.

- જગતસિંહ રાજપૂત


Powered By Sangraha 9.0