તંત્રીસ્થાનેથી । તને નાતાલ ગમે? ... તાલ વધારે ગમે! ...

23 Dec 2025 18:49:42

Tribal Rhythm vs Religious Conversion
 
 
સત્ય અને કલ્પના વચ્ચે ક્યારેક પરસ્પર સ્પર્ધા થતી હોય છે. ગુજરાતના એક અગ્રગણ્ય સમાચારપત્રમાં એક સ્તંભલેખકશ્રીએ થોડાં વર્ષ પહેલાં ડિસેમ્બર મહિનાના ‘નાતાલ’ની આસપાસના દિવસોમાં એક કાલ્પનિક સંવાદ (કાલ્પનિક) લખેલો. એમાં પુરુષ સ્ત્રીને પૂછે છે કે, ‘તને નાતાલ ગમે?’ ત્યારે સ્ત્રી જવાબ આપે છે કે, ‘તાલ વધારે ગમે!’ આવી કલ્પના કેમ આવી હશે! કલ્પના કોરી નથી હોતી, મનનું સત્ય કલ્પના બની ઊભરે છે.
 
નાતાલમાર્ગીઓ એવું શું કરે છે જેના કારણે લેખકે કલ્પનાના બહાને નાતાલ કરતાં તાલ ઉપર પસંદગી ઉતારવી પડી હશે??? જે પ્રકારની ઘટના ગુજરાતના સુરતના અંતરિયાળ માંડવી તાલુકાના લાખ ગામે બની છે, તે જોતાં આજે જનજાતિ વિસ્તારોમાં નાતાલ ઉજવનારાઓના કારણે જનજાતિ સમાજનો તાલ (જીવનની અસ્મિતા સમો જીવનનો લય) ન ખોરવાય, ન બગડે તે જોવાનું દાયિત્વ કોણ ઉઠાવશે? શાસન, સરકાર, તંત્ર, સમાજ અને છાપાં, આ બધાં જ્યારે.. દોષનો ટોપલો અન્ય ઉપર નાખીને હાથ ઊંચા કરી દેતાં હતાં તે સમય બદલાયો છે ત્યારે.. આવાં પાપ બહાર આવી રહ્યાં છે. (છાપરે ચઢીને પોકારી રહ્યાં છે.) હા, પણ જે અક્ષમ્ય વિલંબ થયો છે તે ચોક્કસ ગુજરાતની ગરિમાને ઝાંખપ લગાડી રહ્યો છે. બિમારીના કારણે પોતાના પતિના નાની ઉંમરે નીપજેલા મૃત્યુની સ્થિતિએ એક યુવતીને; પતિની સારવાર કરનારો ડૉક્ટર જ્યારે ધર્માંતરણ માટે શારીરિક શોષણ કરે, સતત બળાત્કાર કરે, અને તે યુવતી પોતાના દર્દની ઘટના પોલીસ ખાતામાં દર્જ કરે તે પછી પણ છેક છ-સાત મહિના પછી પોલીસ ધર્માંતરણના આવડા વ્યાપક વિષચક્રનો પર્દાફાશ કરે, આ ગતિથી તો ગોકળગાય પણ શરમ અનુભવે!
 
પદ્મશ્રી બજાજના રિપોર્ટ મુજબ અનુસૂચિત જનજાતિના ૮૦%થી વધુ લાભ કન્વર્ઝનથી ખ્રિસ્તી કે મુસ્લિમ બની ગયેલાં લોકો તફડાવી રહ્યાં છે, અને તે પણ મારિચ રાક્ષસની જેમ.. પોતે હવે વટલાઈ જઈને ક્રિશ્ચયન બની ગયાં છે તેવું પણ જાહેર કરતાં નથી. હાલમાં આવા લોકો માટે શબ્દ પ્રચલિત થયો છે- ‘ક્રિપ્ટો ક્રિશ્ચયન.’ આ બધું થવાથી અંતે તો મૂળ જનજાતિઓને હળાહળ અન્યાય થઈ રહ્યો છે. દિવસે દિવસે હાલત બદથીય બદતર બની રહી છે.
 
વિધર્મીઓ યેન-કેન-પ્રકારેણ કન્વર્ઝનની પોતાની મેલી મુરાદોને અંજામ આપી રહ્યા છે ત્યારે વિશ્વની આપણી સર્વશ્રેષ્ઠ સંસ્કૃતિના આદિ (આદ્ય) સ્વરૂપને બચાવવા ‘ડીલિસ્ટીંગ’ જેવો અન્ય કોઈ પ્રાથમિક પર્યાય હાલ તો નજરે ચઢી રહ્યો નથી. જનજાતિ સમાજ ભોળો હોય છે. તે ક્યારેય પડકાર નથી ફેંકતો. પણ માંડવીમાં જનજાતિ સમાજે ‘ભગવાન બિરસા મુંડા’ચિંધ્યા માર્ગે ‘ઉલગુલાન’ આંદોલન કરવાનો પડકાર ફેંક્યો છે. સરકાર જાણે કે, ‘ઉલગુલાન’ એટલે શું? અને સત્યની, સંયમની કસોટી ન કરે! બાકી ચૈતર વસાવા આ ઘટનાનો વિરોધ ક્યારેય નહીં જ કરે, તેવું નિશ્ચિત જ છે! આ જોતાં કદાચ સરકાર રાજકીય દૃષ્ટિએ નિશ્ચિંત તો રહી શકે, પરંતુ સરકાર પ્રત્યે સમાજે સેવેલી અપેક્ષાઓ અને આત્મવિશ્વાસ ભોંયભેગો થઈ જશે.
 
દિ. ૧૮/૪/૧૯૫૬ના રોજ પોતાનો અહેવાલ રજૂ કરનાર નિયોગી કમિટીએ પોતાની તપાસમાં ધ્યાન પર આવેલ ચોંકાવનારી ગંભીર બાબતો જણાવેલી, તે અનુસંધાને ચર્ચો દ્વારા જનજાતિ સંસ્કૃતિ-પરંપરાઓને નષ્ટ કરવા માટે ચાલતી ગતિવિધિઓ ઉપર સતત ચાંપતી નિગરાની રાખવાની અનિવાર્યતા જણાવ્યાની સાથે સાથે મહત્ત્વપૂર્ણ નિષ્કર્ષો આપ્યા હતા કે...
 
૧, મિશનરીઓ બળપૂર્વક, લોભ - લાલચથી ધર્માંતરણ કરાવે છે.
 
૨, ખ્રિસ્તીઓની શિક્ષણ અને સ્વાસ્થ્ય સંભાળતી સંસ્થાઓ જેને તેઓ સેવાકાર્ય કહે છે, તેનો મૂળ ઉદ્દેશ્ય ધર્માંતરણનો છે.
 
૩, ખ્રિસ્તી મિશનરી અલગાવવાદ ભડકાવીને પાકિસ્તાનની જેમ અલગ ખ્રિસ્તી હોમલેન્ડ બનાવવા માંગે છે.
 
૪, ધર્માંતરણ દ્વારા રાષ્ટ્રાંતરણ થાય છે, વ્યક્તિ દેશની સંસ્કૃતિથી, પરંપરાઓથી દૂર થઈ જાય છે.
 
સરકાર નિયોગી કમિશનનાં ઉપરોક્ત તારણો ધ્યાને લઇ જનજાતિ પરંપરાઓ-મૂલ્યોના જતન માટે ટૂંકા ગાળાની અને લાંબા ગાળાની દૃષ્ટિએ એક્શન-મોડમાં આવશે તો ઉમરગામથી અંબાજીનો આદિવાસી બેલ્ટ સાચી ‘સ્વ’તંત્રતાનો અનુભવ કરી શકશે. વિકાસ સરળ છે, વીરાસતનું જતન કપરું છે.
 
 
આ લેખને સાંભળો... 
 
 
View this post on Instagram

A post shared by Sadhana Saptahik (@sadhanasaptahik)

Powered By Sangraha 9.0