છેલ્લા ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે, દક્ષિણ ગુજરાતના ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી પટ્ટામાં ખાસ કરીને ડાંગ, ધરમપાડા જેવા વિસ્તારોમાં મોટા પાયે ધર્માંતરણ ચાલી રહ્યું છે. થોડા સમય પહેલાં જ ધર્માંતરણ સાથે બળાત્કાર અને ઉત્પીડનની એક મોટી ઘટના સુરતના માંડવીમાં બની છે, આ ઘટનાએ ફરીવાર ખ્રિસ્તીઓ દ્વારા થઈ રહેલા ધર્માંતરણના ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે. આ ઘટના બાદ ફરીવાર આ મુદ્દો આખા ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે. આજે 'સાધના'માં સુરતની ઘટના અને ગુજરાતના દક્ષિણ પટ્ટામાં ફેલાયેલા ખ્રિસ્તી મિશનરીઓની ધર્માંતરણની જાળ અંગે છણાવટ પ્રસ્તુત છે. સૌથી પહેલાં જાણીએ સુરતની હૃદયદ્રાવક વીતકકથા.
ભાગ ૧: માંડવીની હચમચાવી દેતી ઘટના….
ઘટના છે સુરત પાસે આવેલા માંડવીની. આ કેસમાં એક અનુસૂચિત જનજાતિની યુવાન વિધવા યુવતીને ખ્રિસ્તીઓ દ્વારા ષડયંત્રપૂર્વક નિશાન બનાવવામાં આવી. માંડવી તાલુકાના લાખ ગામમાં બનેલી આ ઘટનાની વિગતો તપાસતાં રૂવાડાં ઊભાં થઈ જાય તેવું ચિત્ર સામે આવ્યું.
આ કેસમાં એક અનુસૂચિત જનજાતિની રિંકલ નામની એક વિધવા યુવતીને પ્રેમજાળમાં ફસાવી, તેની લાચારીનો લાભ લઈ, બે વર્ષ સુધી તેનું શારીરિક શોષણ કરવામાં આવ્યું હતું. આ ગુનામાં મુખ્ય આરોપી તરીકે ડોક્ટર અંકિત રામજી ચૌધરી ફરાર થઈ ગયો છે, જે વ્યવસાયે BHMS ડોક્ટર છે અને માંડવીમાં ‘ન્યૂ લાઇફ ક્લિનિક’ ચલાવતો હતો.
પીડિતા પોતાના બીમાર પતિની સારવાર માટે આ ક્લિનિકમાં જતી હતી, જ્યાં સારવાર વખતે તેના પતિનું મૃત્યુ થયું હતું. ત્યારબાદ અંકિતે તેને લગ્નની અને તેની દીકરીને દત્તક લેવાની ખોટી લાલચ આપી શારીરિક સંબંધો બાંધ્યા હતા.
ભાગ ૨: પાપ પાછળનો અસલી ખેલ – ધર્માંતરણ…
પરંતુ આ પાપની પાછળ અસલી ખેલ ધર્માંતરણનો હતો. બે વર્ષ સુધી ડોક્ટર અંકિતના બળાત્કારનો ભોગ બનેલી યુવતીએ જ્યારે લગ્ન માટે દબાણ કર્યું ત્યારે ડૉક્ટરે સ્પષ્ટ પણે કહ્યું હતું કે, "મારા પિતા એક પાસ્ટર છે. તું આદિવાસી છે. તારે તારા આદિવાસી રૂઢી-રીત-રિવાજો અને પરાંપરાઓ છોડીને ખ્રિસ્તી ધર્મ સ્વીકારવો પડશે. તો જ મારા પિતા તને વહુ તરીકે સ્વીકારશે." આમ ડોક્ટર અંકિત અને તેના પરિવારે યુવતી પર ખ્રિસ્તી ધર્મ સ્વીકારવા માટે સતત દબાણ કર્યું હતું.
પીડિતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, આરોપી અંકિતે તેને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, તે આદિવાસી હોવાથી તેનાં માતા-પિતા તેને અપનાવશે નહીં, માટે તેણે ખ્રિસ્તી બનવું જ પડશે. અંતે તેને ક્રિશ્ચયન થવાની ફરજ પડી પણ તે પછી ડૉ. અંકિતે તેના આખાય પરિવારને ક્રિશ્ચયન બનાવવા માટે ફરજ પાડી ત્યારે આ આધ્યાત્મિક રૂપે એકદમ દૃઢ નિશ્ચયી મોક્ષમાર્ગી રિંકલનો હિન્દુ આત્મા કકળી ઉઠ્યો અને તેણે પોલીસ સમક્ષ રજૂઆત કરીને પોતાની વીતકકથા વર્ણવી.
ભાગ ૩: માસ્ટરમાઈન્ડ - એક સરકારી આચાર્ય…
આ સમગ્ર કાવતરાનો સૌથી ચોંકાવનારો અને કલંકિત ભાગ એ છે કે ડોક્ટર અંકિતનો પિતા, રામજી દુબલભાઈ ચૌધરી, પોતે એક સરકારી કર્મચારી છે. રામજી ચૌધરી માંડવી તાલુકાની પીપલવાડા સરકારી પ્રાથમિક શાળાના આચાર્ય તરીકે ફરજ બજાવે છે. એક આચાર્ય જેની જવાબદારી બાળકોને સંસ્કાર આપવાની હોય છે, તે પોતે જ આ ધર્માંતરણના ષડયંત્રનો મુખ્ય સૂત્રધાર નીકળ્યો.
રામજી ચૌધરી ગુપ્ત રીતે ખ્રિસ્તી ‘પાસ્ટર’ તરીકે કામ કરતો હતો અને ‘ધી પ્રે ફોર એવરલાસ્ટિંગ લાઇફ ચેરિટેબલ ટ્રસ્ટ’ નામે સંસ્થા ચલાવી વિદેશી ફંડિંગના જોરે વટાળપ્રવૃત્તિ કરતો હતો.
ભાગ ૪: અત્યાચારની પરાકાષ્ઠા…
ઉલ્લેખનીય છે કે, આ લાચાર આદિવાસી યુવતી પર બે વર્ષ બળાત્કાર કર્યા પછી અને તેની સાથે લગ્ન કરીને, તેની દીકરીને સાચવી લેવાના ખોટા વચનો આપ્યા પછી આ નરાધમ બાપ-બેટાએ તેને ખ્રિસ્તી ધર્મ સ્વીકારવા માટે મજબૂર કરી. આ યુવતી આ બધુ એટલા માટે સહન કરતી હતી કારણ કે, તે તેની દીકરીનું સારું ભવિષ્ય ઇચ્છતી હતી. પોતાની દીકરીના ભવિષ્યની ચિંતામાં યુવતીએ આ બધું પોતાના હૃદય પર પથ્થર મુકીને મંજૂર રાખ્યું.
યુવતીનું ધર્માંતરણ કર્યા બાદ યુવતીને માંસ-મચ્છી ખાવા મજબૂર કરી. તેની પાસે ભગવાનની મૂર્તિ અને ફોટા પર પગ મુકાવડાવીને તેને અપવિત્ર કરવાની ફરજ પણ પાડવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, આ યુવતી મોક્ષમાર્ગી આદિવાસી સમાજમાંથી આવે છે છતાં, આ ખ્રિસ્તીપણાના નશામાં આ નરાધમોએ તેની પાસે જબરજસ્તી આ બધું કરાવ્યું.
આ પછી આરોપીએ તેને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. આ પછી જ યુવતીએ હિંમતપૂર્વક આ લોકો વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી.
ભાગ ૫: પોલીસ કાર્યવાહી અને તપાસનો દોર…
આમ, આ મામલે માંડવી પોલીસ સ્ટેશનમાં ૧૬ મે, ૨૦૨૫ના રોજ ગુનો નોંધાયો હતો ત્યારબાદ ૪-૬-૨૦૨૫ના રોજ આદિવાસીઓના હિતો માટે કામ કરતી દેવ બિરસા સેના દ્વારા માંડવી પ્રાંત સાહેબને ડૉ. અંકિત ચૌધરીની જલદીથી ધરપકડ કરવા માટે આવેદનપત્ર અપાયું હતું. પરંતુ, સાત જૂન બે હજાર પચ્ચીસના રોજ આરોપી આગોતરા જામીન લીધા બાદ ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ પણ ખાસો સમય પસાર થયા યુવતીનું બાપ્ટિસ્મા કરી ખ્રિસ્તી ધર્મમાં પલટાવવાની ફરિયાદ તીસ જૂન બે હજાર પચ્ચીસના રોજ માંડવી પોલીસ સ્ટેશનમાં અપાઈ હતી.
પણ તેમ છતાં આ અંગે કાંઈ પગલાં ભરવામાં ન આવતાં આખરે તીસ જૂન બે હજાર પચ્ચીસના રોજ દેવ બિરસા સેનાએ સંખ્યાબંધ સ્ત્રી-પુરુષોની રેલી કાઢીને યુવતીનું ધર્માંતરણ કરનારાઓ સામે જલદી FIR કરીને ધરપકડ કરવામાં આવે તે અંગે આવેદન પત્ર આપ્યું હતું. પરંતુ શરૂઆતનાં લાંબા સમય સુધી સ્થાનિક પોલીસ તંત્ર આ બાબતે સાવ નિષ્ક્રિય રહ્યું. લાંબા સમય સુધી આરોપીઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી જ ન કરી. સરકારી અધિકારીઓએ પણ કદાચ આંખે પટ્ટી બાંધી રાખી હતી અને સરકારના કાને કદાચ આ અવાજ પહોંચ્યો જ નહીં હોય, એટલે જ એક ગરીબ લાચાર આદિવાસી યુવતી પર બળાત્કાર અને તેનું ધર્મપરિવર્તન થયા બાદ સાત સાત મહિનાઓ સુધી આરોપીઓ સામે કોઈ કડક પગલાં ન લેવાયાં.
આ કેસમાં અકલ્પ્ય વિલંબ થયો અને છેક અગિયાર ડિસેમ્બર બે હજાર પચ્ચીસના રોજ આરોપી રામજી ચૌધરી પાસ્ટરની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ સુરત ગ્રામ્ય પોલીસના D.Y.S.P. બી.કે. વનાર અને માંડવી સી.બી. ચૌહાણે આ મામલે ઊંડી તપાસ હાથ ધરી હતી અને પિતા-પુત્ર ઉપરાંત ‘ધી પ્રે ફોર એવરલાસ્ટિંગ લાઇફ ચેરિટેબલ ટ્રસ્ટ’ સાથે સંકળાયેલા બીજા બે આરોપીઓ ગુરજી વસાવા અને નવીન ચૌધરી આ બંને પાસ્ટરોની પણ ધરપકડ કરી છે. ગુરજી વસાવા સરકારી શાળામાં શિક્ષક છે અને નવીન ચૌધરી ખેડૂત છે. બંને પાસ્ટર તરીકે કામ કરે છે.
ભાગ ૬: મોટા રેકેટની આશંકા…
એટલું જ નહીં આ ગુનામાં હાલ તો બીજા તેર આરોપીઓનાં નામ છે, તપાસ ચાલી રહી છે. જેમાં મોટું રેકેટ હોવાની સંભાવના પોલીસ સેવી રહી છે, જે ધર્માંતરણના આ ભયંકર ષડયંત્રની મજબૂતી દર્શાવે છે. ઉલ્લેખનીય છે કે, તપાસમાં આરોપીઓના મોબાઇલ ફોન કબજે લેવા સાથે બેંક ડેટાની પણ વિગતો મેળવાઇ હતી. જેમાં ધર્મપરિવર્તનને સાબિત કરતા વિડીયો વગેરે પુરાવા મળી આવ્યા છે. આરોપીઓના ઘર અને ટ્રસ્ટમાં પણ સર્ચ કરાયું હતું. અહીંથી પણ નોંધપાત્ર પુરાવા પોલીસને હાથ લાગ્યા છે.
એટલું જ નહિ, ધર્માંતરણના આ કૌભાંડમાં આ આચાર્ય સાથે હજુ વધારે મોટી સંખ્યામાં શિક્ષકો પણ સામેલ હોવાની આશંકા છે. અને તેની તપાસ માટે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા એક ખાસ તપાસ ટીમની રચના કરવામાં આવી છે. સૌથી અગત્યની વાત એ છે કે આ કેસ હેઠળ પ્રાથમિક દૃષ્ટિએ આ જ વ્યક્તિઓ દ્વારા અન્ય ૨૦થી ૨૫ જેટલા આદિવાસીઓના સમૂહ ધર્માંતરણનો મામલો પણ હાલ પોલીસની ઝીણવટભરી તપાસ હેઠળ છે.
ઉલ્લેખનીય છે કે રામજી ચૌધરીનું નામ ભલે ચોપડે હિન્દુ તરીકે નોંધાયેલું હોય પણ આ લોકો કટ્ટર ખ્રિસ્તી છે. એટલે કે આ લોકો ક્રિપ્ટો ક્રિશ્ચયન છે. ક્રિપ્ટો ક્રિશ્ચયન લોકો પોતાનું ધર્માંતરણ થઈ ગયેલું હોવાની અધિકૃત જાહેરાત નથી કરતાં, પરંતુ સંપૂર્ણપણે વટલાઈ ગયા હોય છે અને પોતાના હિન્દુ નામો ચાલુ રાખીને ભલાભોળા હિન્દુ આદિવાસીઓને છેતરતા હોય છે. એટલે આ ક્રિપ્ટો ક્રિશ્ચયનો ક્રિપ્ટો કરન્સી જેવાં હોય છે. ક્રિશ્ચયન મિશનરીઓનું આ મિશન હવે ખુલ્લું પડી રહ્યું છે.
ભાગ ૭: અમે ઉલગુલાન કરીશું…
બાપ્ટિસ્માના આરોપીઓ વિરુદ્ધ FIR દાખલ કરવાની માગ કરતા દેવ બિરસા સેનાના અધ્યક્ષે કહ્યું હતું કે, "આ લોકો આદિવાસીઓને ખ્રિસ્તી ધર્મમાં વટલાવવાનું કામ કરે છે આના લીધે અમારી પરંપરા અને સંસ્કૃતિ નષ્ટ થાય છે. આ લોકો અમારા દેવમાં માનતા નથી, અમારી કુળદેવીમાં માનતા નથી. આથી અમે સરકારશ્રીને અપીલ કરીએ છીએ કે, બાપ્ટિસ્માના આરોપીઓ વિરુદ્ધ ઝડપથી FIR દાખલ કરવામાં આવે. જો અમારી માંગ નહિ સંતોષાય તો અમે ભગવાન બિરસા મુંડાની રાહ પર ઉલગુલાન કરીશું... ઉગ્ર આંદોલન કરીશું..."
ભાગ ૮: આ એક આયોજનબદ્ધ ષડયંત્ર છે…
માંડવીની આ ઘટના છેલ્લાં ઘણા વર્ષોથી દક્ષિણ ગુજરાતમાં મોટાપાયે ચાલતા એક સંગઠિત યોજનાબદ્ધ ધર્માંતરણના ષડયંત્રનું માત્ર એક નાનું ઉદાહરણ છે. ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા આદિવાસી વિસ્તારોમાં અત્યંત વ્યવસ્થિત, આયોજનબદ્ધ અને બહુસ્તરીય રીતે ધર્માંતરણની પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે. આ ષડયંત્રનાં વિવિધ પાસાંઓ સમજવાં ખૂબ જ જરૂરી છે.
મિશનરીઓ પ્રથમ તબક્કે સામાજિક સેવાના ઓઠા હેઠળ આદિવાસી વિસ્તારોમાં પ્રવેશ કરે છે. શિક્ષણ અને આરોગ્ય જેવી પાયાની અને અનિવાર્ય જરૂરિયાતોની અછતનો લાભ લઈને તેઓ વિવિધ ટ્રસ્ટો અને એનજીઓ દ્વારા ગ્રામ્ય સ્તરે પોતાની પકડ જમાવે છે. માંડવીના કેસમાં પણ આ ક્લિનિકમાં આવતા અજ્ઞાની દર્દીઓને ‘ચમત્કારિક પાણી’ આપીને ઈસુના ચમત્કારનો ખોટો દાવો કરવામાં આવતો હતો. ખરેખર તો એ પાણીમાં સ્ટેરોઈડ અને પેઈનકિલર જેવી એલોપેથિક દવાઓ ભેળવવામાં આવતી હતી. પણ આ લોકો ચમત્કારિક પાણી કહીને, ભગવાન ઈસુના ચમત્કારના નામે લોકોનું માઈન્ડ વોશ કરતા હતા.
આ ઉપરાંત, ગરીબ આદિવાસીઓને નાણાકીય સહાય, બાળકોને મફત શિક્ષણ, વિદેશ પ્રવાસનાં સપનાંઓ અને કાયમી રોજગારીની લાલચ આપીને ભોળવવામાં આવે છે. અનેક કિસ્સાઓમાં તો એવું પણ જોવામાં આવ્યું છે કે, ધર્માંતરણ પછી વ્યક્તિને નાતાલના કાર્યક્રમોમાં હાજરી આપવા માટે રોકડ નાણાં ચૂકવવામાં આવતાં હોય. મધ્યપ્રદેશના દેવાસ જિલ્લામાં પકડાયેલા રેકેટમાં પણ એ વિગત સામે આવી હતી કે, મિશનરીઓ આદિવાસીઓને પચાસ હજાર રૂપિયા અને શહેરની નામાંક્તિ સ્કૂલોમાં એડમિશનની લાલચ આપતા હતા.
મિશનરી પ્રવૃત્તિઓનો એક સૌથી નકારાત્મક ભાગ હિન્દુ ધર્મના દેવી-દેવતાઓનું અપમાન કરવાનો છે. આદિવાસીઓને એવું સમજાવવામાં આવે છે કે તેમના વર્ષો જૂના પરંપરાગત દેવતાઓ તેમને મુસીબતમાંથી બચાવી શક્તા નથી અને માત્ર ઈસુ જ તેમનો એકમાત્ર ઉદ્ધાર કરી શકે છે. તાજેતરમાં જ અલ્હાબાદ હાઈકોર્ટમાં રજૂ થયેલા જિતેન્દ્ર સાહનીના કેસમાં પણ સાક્ષીઓએ જુબાની આપી હતી કે, આરોપી હિન્દુ દેવી-દેવતાઓ માટે અત્યંત અપશબ્દો બોલતો હતો અને આદિવાસીઓને તેમની પવિત્ર મૂર્તિઓ ફેંકી દેવા માટે દબાણ કરતો હતો.
ભાગ ૯: દક્ષિણ ગુજરાત - ધર્માંતરણનો ગઢ…
માંડવીમાં બનેલી આ ઘટનાનાં મૂળ બહું ઊંડાં છે અને આવી અનેક ઘટનાઓ વરસોથી દક્ષિણ ગુજરાતમાં બનતી આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતનો આદિવાસી પટ્ટો ધર્માંતરણનો ગઢ બની ગયો છે. દક્ષિણ ગુજરાતના તાપી, ડાંગ, સુરત અને નર્મદા જિલ્લાઓમાં હાલમાં આ પ્રકારની વટાળ પ્રવૃત્તિઓ ખૂબ મોટા પાયે થાય છે.
આ વિસ્તારોમાં મિશનરીઓએ પોતાની એક સમાંતર શાસન વ્યવસ્થા ઉભી કરી હોય તેવી ભયાનક સ્થિતિ જોવા મળે છે. ખાસ કરીને તાપી જિલ્લો તેની આદિવાસી વસ્તી અને ભૌગોલિક સ્થિતિને કારણે ધર્માંતરણનું મુખ્ય કેન્દ્ર બન્યો છે. અહીં એટલી હદે વ્યાપક ધર્માંતરણ થયું છે કે આખા જિલ્લાને હવે જાણકારો દ્વારા ‘રેડ ઝોન’ તરીકે ઓળખવામાં આવે છે. જિલ્લાના અનેક ગામોમાં ચર્ચોની સંખ્યામાં છેલ્લા કેટલાક વર્ષોમાં અચાનક મોટો વધારો થયો છે.
એક અંદાજ મુજબ એકલા તાપી જિલ્લામાં જ ૧૫૦૦થી વધુ નાનાં-મોટાં ચર્ચો કોઈપણ મંજૂરી વિના ગેરકાયદેસર રીતે કાર્યરત છે. ઉકાઈના પાથરડા કોલોની અને તેની આસપાસના અંતરિયાળ વિસ્તારોમાં ખ્રિસ્તી મિશનરીઓ ખુલ્લેઆમ ધાર્મિક પ્રચાર કરે છે. તેઓ ગામેગામ જઈને ઉશ્કેરણીજનક પોસ્ટર અને પેમ્ફલેટ વહેંચે છે અને સ્થાનિક લોકોના ફોન નંબર મેળવીને તેમને ખ્રિસ્તી ધર્મની જાળમાં ફસાવવા માટે સતત ફોલોઅપ લે છે.
ભાગ ૧૦: સેંકડોની સંખ્યામાં ચર્ચ, મંદિરોમાં ક્રોસ…
દક્ષિણ ગુજરાતમાં ધર્માંતરણનો મુદ્દો છેલ્લા ઘણા સમયથી સળગતો રહ્યો છે. અનેક કિસ્સાઓમાં ગરીબ હિન્દુ આદિવાસીઓને લોભ લાલચ આપીને ગેરકાયદેસર ધર્માંતરણ કરાવવામાં આવતું હોવાનું બહાર આવી રહ્યું છે. ત્યારે હવે તાપીમાં બે દાયકાથી ધર્માંતરણ ચાલતું હોવા છતાં અને હજારો લોકો ખ્રિસ્તી બની ગયા હોવા છતાં સરકારી ચોપડે એક પણ વ્યક્તિએ ધર્મ બદલ્યો ન હોવાનું અને સેંકડોની સંખ્યામાં ચર્ચ બની ગયાં હોવાનું સામે આવ્યું છે.
થોડા સમય પહેલાં દિવ્ય ભાસ્કર દ્વારા પ્રકાશિત એક વિસ્તૃત રિપોર્ટમાં આ બાબતની ઝીણવટભરી જાણકારી આપવામાં આવી છે. જે અનુસાર, તાપીમાં નેવુંના દાયકાથી ધર્માંતરણ પ્રવૃત્તિ શરૂ થઇ ગઈ હતી અને આજ સુધી અનેક હિન્દુ આદિવાસીઓ તેનો ભોગ બની ચૂક્યા છે. ઉપરાંત, સુરતના માંડવીથી લઈને તાપીના સોનગઢ અને વ્યારા વિસ્તારોમાં સેંકડોની સંખ્યામાં ચર્ચ બન્યાં હોવાનું તેમજ ક્યાંક મંદિરોમાં જ ધજાની જગ્યાએ ક્રોસ લગાવી દેવામાં આવ્યાં હોવાનું પણ જણાવવામાં આવ્યું છે.
રિપોર્ટમાં એક દેવલી માડી મંદિરના પૂજારીને ટાંકીને જણાવવામાં આવ્યું કે, આ મંદિર એક સમયે આદિવાસીઓની આસ્થાનું કેન્દ્ર હતું, પરંતુ હવે લોકો મંદિરમાં પૂજા કરવા આવતા બંધ થઈ ગયાં છે. પહેલાં ભીડ થઈ જતી અને હવે કોઈ આવતું નથી. તેમણે ધર્માંતરણને કારણભૂત ગણાવતાં કહ્યું કે, આદિવાસીઓ ભોળા હોય છે અને તેમને લોભ-લાલચ આપીને ધર્માંતરણ કરાવી દેવામાં આવે છે.
અન્ય એક સ્થાનિકે અખબારને જણાવ્યું હતું કે, તેમના વિસ્તારોમાં ખ્રિસ્તી પાસ્ટરો આવીને આદિવાસીઓને કુળદેવીની પૂજા કરવાને બદલે તેમની પ્રેયર કરાવવા માટે લઈ જાય છે અને લોકો પણ તેમની વાતમાં આવી જાય છે. તેમણે ઉમેર્યું કે, તેમના મગજમાં એવું ઠસાવવામાં આવે છે કે, કુળદેવી જેવું કશું હોતું જ નથી અને મરિયમ માતાની પ્રાર્થના કરવી જોઈએ.
અહીં ખ્રિસ્તી ધર્મ પાળનારા લોકોની સંખ્યા પ્રતિદિન વધતી હોવા છતાં સરકારી દફતરે એકેય વ્યક્તિ ન નોંધાયો હોવાનું કારણ એ છે કે ધર્માંતરણ કર્યા બાદ પણ આ લોકો સરકારી ચોપડે જરૂરી કાર્યવાહી કરતા નથી અને હિન્દુ આદિવાસી જ લખાવે છે. સરકારી લાભો મેળવવા માટે આમ કરવામાં આવી રહ્યું હોવાનું સ્થાનિકોએ કહ્યું હતું. આ કારસ્તાનનો પર્દાફાશ થવો જરૂરી છે. તેનો સર્વે થવો જરૂરી છે. ડેટા એકત્રિત કરીને આખું ષડયંત્ર ગુજરાતની પ્રજા સામે સ્પષ્ટ થવું એ લોકતાંત્રિક ગુજરાતની ફરજ છે.
રિપોર્ટ અનુસાર, તાપીના સોનગઢ અને આસપાસના વિસ્તારોમાં એક-એક ગામમાં એકથી બે ચર્ચ અને પ્રેયર માટેનાં સ્થળો ઊભાં કરી દેવામાં આવ્યાં છે. સોનગઢ તાલુકામાં પાંચસો કરતાં વધુ ચર્ચ જ્યારે વ્યારામાં બસ્સોથી વધારે અને ડોલવણ અને ઉચ્છલ તાલુકામાં સોથી વધારે ચર્ચ બનાવવામાં આવ્યાં હોવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે.
ભાગ ૧૧: સંગઠનોની સક્રિયતા અને આશાનું કિરણ…
તાજેતરમાં જ સુરતના ઉમરપાડા સ્થિત વહાર ગામેથી સામે એક મામલો આવ્યો છે. વહારમાં હિન્દુ વસ્તી બહુમતીમાં છે. હિન્દુમાંથી વટલાયેલા ખ્રિસ્તીઓની સંખ્યા નહિવત્ છે. તેમ છતાં ગામના પાદરે એક ખેતરમાં એક ચર્ચ બનાવવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી. ગામના હિન્દુઓને તેની જાણ થતાં તેમણે તપાસ કરી તો જાણવા મળ્યું કે બાંધકામ માટે પંચાયતની કોઈ પરવાનગી લેવામાં આવી ન હતી કે ન ગામલોકોને જાણ કરાઈ હતી.
ચર્ચના કારણે ધર્માંતરણ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળવાની સંભાવનાને જોતાં ગામના હિન્દુઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો અને ત્યારબાદ આદિવાસી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી સક્રિય દેવ બિરસા સેનાની પણ પ્રવેશી. દેવ બિરસા સેનાએ ગામના હિન્દુ અગ્રણીઓને સાથે રાખીને ઉમરપાડા મામલતદારને એક આવેદનપત્ર પાઠવીને ચર્ચના નિર્માણ સામે રજૂઆત કરીને તાત્કાલિક રોક લગાવવાની માગ કરી હતી.
દેવ બિરસા સેનાના ઉમરપાડાના અધ્યક્ષે તેમના નિવેદનમાં કહ્યું કે, ‘આદિવાસી સંસ્કૃતિ, રીતિરિવાજોનું અસ્તિત્વ બચાવવા માટે અમે સમગ્ર આદિવાસી પટ્ટા પર કામ કરતા રહીએ છીએ. તાજેતરમાં વહાર ગામના લોકો તરફથી ગામમાં ગેરકાયદેસર ચર્ચ બની રહ્યું હોવાનો વિષય અમારા ધ્યાને લાવવામાં આવ્યો હતો અને ત્યાં ભવિષ્યમાં ધર્માંતરણની પ્રવૃત્તિઓ થશે તેવી સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી હતી. મામલો અમારી પાસે આવતાં અમે ગામ લોકોના સહયોગથી જ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. ત્યારબાદ ગ્રામપંચાયતની બેઠકમાં બાંહેધરી આપવામાં આવી છે કે કોઈ ચર્ચનું નિર્માણ કરવામાં નહીં આવે. હવે પછી પણ જો આ પ્રકારની કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવામાં આવશે તો દેવ બિરસા સેના ઉગ્રતાથી મુદ્દો ઉપાડશે.’
ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે, જ્યાં ગામમાં પહેલાં ગેરકાયદેસર રીતે ચર્ચનું બાંધકામ કરવામાં આવે છે અને ત્યારબાદ ત્યાં ધીમે ધીમે વટાળ પ્રવૃત્તિઓ શરૂ કરી દેવાય છે. તાપી અને ડાંગમાં અનેક ગામડાંમાં ડેમોગ્રાફી આ જ રીતે બદલાઈ જતી જોવા મળી છે. હવે આ દૂષણ ઉત્તર તરફ પણ આગળ વધી રહ્યું છે, પરંતુ સ્થાનિક હિન્દુઓની અને સંગઠનોની સક્રિયતાના કારણે એક ગામ ધર્માંતરણની અડફેટે ચડતું હાલ પૂરતું બચી ગયું છે.
આ ઉપરાંત, પ્રચાર-પ્રસાર માટે આવતા પાસ્ટરો ગરીબ અને આદિવાસી મહિલાઓ પર નજર બગાડતા હોવાનો અને તેમની સાથે શારીરિક સબંધો બાંધતા હોવાના પણ આરોપ લાગ્યા છે. અહીં ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં તાપીના નાના બંધારપાડાના એક ગામમાં પ્રાચીન હિન્દુ સ્થાનકની જગ્યાએ મરિયમ માતાનું મંદિર નામે ચર્ચ બનાવી દેવામાં આવ્યું હોવાનો મામલો સામે આવ્યો હતો. હિન્દુઓ પૂજા કરવા જતાં ખ્રિસ્તી ટોળાએ તેમને રોક્યા હતા અને ઉપર જવા દીધા ન હતા. પછીથી મામલો ઉગ્ર બનતાં અંતે હિન્દુઓને પૂજાનો અધિકાર આપવામાં આવ્યો હતો પરંતુ પછી પણ ખ્રિસ્તીઓએ ધમકી આપવાની ચાલુ રાખી હતી. આ સમસ્યા આજે વકરી છે. અને ધર્માંતરણ સાથે બળાત્કાર સુધી પહોંચી છે ત્યારે સરકારની જવાબદારી વધી જાય છે.
ભાગ ૧૨: નાતાલના કાર્યક્રમોના બહાને ધર્માંતરણ…
ગેરકાયદેસર ધર્માંતરણ અને વટાળ પ્રવૃત્તિઓના ગઢ બનતા જતા વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકાનાં અનેક ગામોમાંથી છેલ્લા થોડા દિવસોમાં મામલતદાર કચેરીએ આવેદનપત્રો પાઠવવામાં આવી રહ્યાં છે. આ ગામોના હિન્દુ સ્થાનિકોની માંગ છે કે, ૨૫ ડિસેમ્બરે આવતા નાતાલના તહેવારની ઉજવણીની પરવાનગી માત્ર એવા જ લોકોને આપવામાં આવે જેઓ સરકારી ચોપડે ખ્રિસ્તી તરીકે નોંધાયેલા હોય. આવા કાર્યક્રમોથી ગેરકાયદેસર ધર્માંતરણને વેગ મળી શકે તેવી આશંકાએ હિન્દુ સંગઠનોએ આ માંગ ઉઠાવી છે.
છેલ્લા થોડા દિવસોમાં દેવ બિરસા સેના, આદિવાસી સંસ્કૃતિ બચાવ સેના જેવાં વિવિધ સંગઠનોના માધ્યમથી ધરમપુર અને કપરાડા તાલુકાનાં લગભગ દસથી વધુ ગામોના હિન્દુ અગ્રણીઓએ મામલતદાર કચેરીએ આવેદનપત્રો રજૂ કર્યાં છે. આ આવેદનપત્રોમાં જણાવવામાં આવ્યું છે કે, ‘છેલ્લાં કેટલાંક વર્ષોથી આદિવાસી વિસ્તારોના અલગ-અલગ ગામોમાં ખ્રિસ્તી ધર્મના લોકો ધર્માંતરણ કરવાના ઈરાદે મોટી-મોટી સભાઓ, શાંતિ મહોત્સવ, સેમિનાર વરે કરી રહ્યાં છે. મિશનરીઓ, પાસ્ટરો ડિસેમ્બર મહિનામાં આવીને વિવિધ ગામોમાં નાતાલના કાર્યક્રમો પણ કરે છે.’
આગળ જણાવવામાં આવ્યું છે કે, ‘આ નાતાલના કાર્યક્રમો દ્વારા આદિવાસીઓનાં મૂળ સંસ્કૃતિ, મૂળ પરંપરાથી અલગ કરીને આદિવાસીઓને નષ્ટ કરવાનું, સમાપ્ત કરવાનું ષડયંત્ર ચાલે છે જે ગંભીર બાબત છે.’ જાણીતી વેબસાઈટ ઑપઇન્ડિયાએ જ્યારે ધરમપુરનાં અમુક ગામોની મુલાકાત લીધી ત્યારે વધુ વિગતો જાણવા મળી. ઉડીને આંખે વળગે તેવી બાબત એ છે કે જેમ-જેમ ધરમપુર છોડીને અંતરિયાળ વિસ્તારોમાં જઈએ તેમ ચર્ચની સંખ્યા વધતી જોવા મળે છે. અનેક ગામોમાં ચર્ચ ઊભાં કરી દેવામાં આવ્યાં છે. એ પણ અહીં નોંધવું જોઈએ કે ભૂતકાળમાં આ જ વિસ્તારોમાં સરકારી જમીનો પર કોઈ પણ પ્રકારની પરવાનગી વગર ગેરકાયદેસર ચર્ચ બનાવવામાં આવ્યાં હોવાના અનેક મામલા સામે આવી ચૂક્યા છે.
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર સરહદેથી માત્ર બે કિલોમીટર દૂર આવેલા ગામ ગડિના હિન્દુ આગેવાનોએ પણ ધરમપુર મામલતદાર કચેરીએ એક આવેદનપત્ર પાઠવ્યું છે. ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં ગામના અગ્રણીઓ જણાવે છે કે તેમના ગામની વસ્તી ૧૪૦૦ જેટલી છે, જેમાં સરકારી ચોપડે નોંધાયા હોય તેવા ખ્રિસ્તી એક પણ નથી. તેમ છતાં ગામમાં એક ચર્ચ બની ગયું છે. ત્યાં છાશવારે કાર્યક્રમો થતા રહે છે અને તેમાં ગામના હિન્દુઓને પણ સામેલ કરવામાં આવે છે.
ભાગ ૧૩: વૈશ્વિક સંદર્ભ અને વટાળના નુસખા…
અમેરિકામાં નીગ્રો કહેવામાં આવે છે તે આફ્રિકા મૂળના કરોડો લોકો ત્રણ-ત્રણ ચાર-ચાર સદીઓથી ઈસાઈ બનેલા, એટલું જ નહીં એમાંથી કેટલાક તો આફ્રિકાના તે ઉત્તરીય હિસ્સાના છે, જ્યાંના નિવાસીઓએ ઈસાઈ મતનો સ્વીકાર કર્યાને આજે દોઢ હજાર વર્ષોથી ય વધુ સમય વીતી ગયો હોવા છતાં પણ તેઓ આજે અમેરિકામાં સમાન સામાજિક સમિતા દરજ્જો પ્રાપ્ત કરી શક્યા નથી, અને એ પણ કાયદાની દ્રષ્ટિએ સમતા આવી ગઈ છે તો પણ!
કનવર્ઝને વટાળ પ્રવૃત્તિ કહેવામાં આવે છે. તેમાં સામેની વ્યક્તિને
૧) ધાકધમકી બળજબરાઈથી,
૨) છળ-કપટથી ભોળવીને
૩) લોભ-લાલચ અને લુખ્ખાં પ્રલોભન આપીને
૪) કે તેના ખોટા પ્રપંચ ઉભા કરી ધર્મની બદબોઈ કરીને ધર્મને નીચો બતાવીને વટલાવી દેવામાં આવે છે. આવા વટલાઈ ગયેલા લોકો બીજાને આવા નુસખા અપનાવીને વટલાવે છે, અને તેઓને સમદુઃખીયા બનાવીને આનંદ લે છે.
ભાગ ૧૪: એક પણ ક્રિશ્ચયન નહીં છતાં મોટાં ચર્ચ?...
સ્થાનિક હિન્દુઓનું કહેવું છે કે પહેલાં આ ભોળા આદિવાસી હિન્દુઓને આવા કાર્યક્રમોમાં સામેલ કરવામાં આવે છે. પછીથી મિશનરીઓ, પાસ્ટરો તેમને પ્રલોભનો આપીને, ચમત્કારથી બીમારી દૂર કરવાનું કહીને, પૈસા આપવાનું કહીને ખ્રિસ્તી પંથનો પ્રચાર-પ્રસાર કરવાનું કહે છે અને તેમના માધ્યમથી અન્યોને પણ જોડવાનું કહેવામાં આવે છે.
અગ્રણીઓ જણાવે છે કે અનેક ગામોમાં લોકોને લોભ-લાલચ આપીને તેમનું ધર્માંતરણ કરાવી દેવામાં આવે છે, પરંતુ સરકારી ચોપડે તેઓ હિન્દુ જ રહે છે અને સરકારી લાભો પણ મેળવતા રહે છે. એ જ કારણ છે કે ગામેગામ મોટાં-મોટાં ચર્ચ ઊભાં થઈ ગયાં હોવા છતાં સરકારી ચોપડે હજુ પણ ખ્રિસ્તી વસ્તી ખાસ જોવા મળતી નથી. આ કેવું? એક પણ ક્રિશ્ચયન નહીં છતાં મોટાં મોટા ચર્ચ ઊભા થઈ ગયાં છે.
અગાઉ ઉલ્લેખ કર્યો તેમ આ પ્રશ્ન ધરમપુર કે કપરાડાનાં અમુક ગામો પૂરતો સીમિત રહ્યો નથી. છેલ્લાં થોડાં વર્ષોમાં ધરમપુર, કપરાડાથી માંડીને ડાંગ, તાપી અને છેક સુરતના ઉત્તર છેડાના ઉમરપાડા-ડેડિયાપાડા સુધી ડેમોગ્રાફીમાં ઝડપથી પરિવર્તન જોવા મળ્યું છે. વટલાયેલાઓ કાયદેસર ધર્માંતરણ કરતા ન હોવાના કારણે સરકારી ચોપડે તેઓ કાયમ હિન્દુ જ રહે છે, પણ તેમના જીવનમાંથી હિન્દુ ધર્મ-સંસ્કૃતિ નામશેષ થતાં જાય છે. આ લોકો ઉધઈની જેમ આખા વિસ્તારનો ભરડો લઈ રહ્યાં છે.
તાજેતરમાં જ ઑપઇન્ડિયાએ ઉમરપાડામાં એક ગેરકાયદેસર ચર્ચના બાંધકામ મામલે એક વિશેષ અહેવાલ પ્રકાશિત કર્યો હતો. જે દર્શાવે છે કે આ દૂષણ હવે ધીમેધીમે દક્ષિણથી મધ્ય ગુજરાત તરફ આગળ વધતું જાય છે. ડેમોગ્રાફિક ચેન્જના કારણે પછીથી અન્ય અનેક સમસ્યાઓ શરૂ થઈ ગઈ છે. ડાંગ અને તાપીનાં અનેક ગામોની સ્થિતિ એવી છે કે, ત્યાં હિન્દુ ધર્મ પાળનારાઓ હવે લઘુમતીમાં આવી ગયા છે. ગામોમાંથી મંદિરો ઓછાં થઈ રહ્યાં છે, આદિવાસી સ્થાનકો કાં નષ્ટ થઈ રહ્યાં છે કાં તેમનાં સ્વરૂપ બદલવામાં આવી રહ્યાં છે.
જેમકે વર્ષ બે હજાર બાવીસમાં સોનગઢના એક ગામમાં પ્રાચીન સ્થાનક નષ્ટ કરીને ત્યાં મરિયમ માતાનું મંદિર બનાવવાનો એક મામલો સામે આવ્યો હતો. આ બધા કારણોસર જ નાતાલનાં કાર્યક્રમો અંગે હિન્દુઓ અવાજ ઊઠાવી રહ્યાં છે.
ભાગ ૧૫: ક્રિપ્ટો ક્રિશ્ચયનોનું ષડયંત્ર અને શિક્ષણ ક્ષેત્રે ભય…
દક્ષિણ ગુજરાતમાં ધર્માંતરણના આ ખેલમાં સૌથી આઘાતજનક એ છે કે, ધર્માંતરિત થઈ ગયેલાં લોકો અથવા તો અગાઉ વાત કરી તેમ ક્રિપ્ટો કરન્સી જેવા ક્રિપ્ટો ક્રિશ્ચયનો આર્થિક પ્રલોભનોને વશ થઈને આવા પ્રકારના ષડયંત્રો કરી રહ્યાં છે. તેઓ જ મિશનરીઓ બનીને ધર્માંતરણના સક્રિય એજન્ટ બની ગયા છે. માંડવીની પીપલવાડા સરકારી શાળાના આચાર્ય રામજી ચૌધરીનો કિસ્સો આનું જવલંત ઉદાહરણ છે. તેઓ ૧૧ વર્ષથી સરકારી તિજોરીમાંથી લાખો રૂપિયાનો પગાર લેતા હતા અને તેની સાથોસાથ ખ્રિસ્તી ધર્મનો પાયામાંથી પ્રસાર કરતા હતા. તેમણે સરકારની પૂર્વ પરવાનગી વિના જ ‘The Pray for Everlasting Life Charitable Trust’ બનાવ્યું હતું. તેઓ શાળામાં શું ભણાવતા હશે? કલ્પના કરી શકો છો?
સુરત જિલ્લા શિક્ષણ અધિકારી ડૉ. અરૂણભાઈ અગ્રવાલે આ મામલાને અત્યંત ગંભીર ગણીને રામજી ચૌધરીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાની અને તેમની સામે કડક ખાતાકીય તપાસ શરૂ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. આ એક અત્યંત વ્યવસ્થિત ષડયંત્ર છે જેમાં સરકારી કર્મચારીઓ અને લોભિયાઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યાં છે.
ખરેખર આવા લોકો ક્ષણિક લાભને કારણે સમાજનું અને રાષ્ટ્રનું ખૂબ મોટું અહિત કરી રહ્યાં છે. અત્યારે એ ક્ષણિક લાભોની વાતોમાં ફસાઈ જનાર લોકોને કોણીએ ચોંટાડેલો જે ગોળ દેખાઈ રહ્યો છે તે ક્યારેય તેમને મળવાનો નથી. આખા વિશ્વના ગરીબ લોકોનું જ્યારે ધર્માંતરણ કરવામાં આવે છે ત્યારે પણ અંતે તો તેમને દૂધમાંથી માખીને કાઢે એમ કાઢીને ફેંકી દેવામાં આવે છે. ધર્માંતરિત થઈ ગયેલાં અનેક આદિવાસીઓ આજે ચોધાર આંસુએ રડી રહ્યાં છે એ એમને ખબર નહીં હોય.
ભાગ ૧૬: ડીલિસ્ટિંગની માંગ અને હાઈકોર્ટનો ચુકાદો…
ધર્માંતરણો આ ખેલ બહું મોટો છે, અને સમજદાર આદિવાસીઓ વરસોથી એની સાથે સંઘર્ષ પણ કરી રહ્યાં છે. આ ષડયંત્રમાં ખ્રિસ્તિ મિશનરીઓ સાથે સાથે ધર્માંતરિત આદિવાસીઓનો પણ રોલ મોટો છે. એવા લોકો બીજા લોકોને ધર્મ બદલીને ખ્રિસ્તી બની જવા માટે પ્રોત્સાહન તો આપે જ છે પણ સાથે સાથે પોતે આદિવાસીઓના લાભ પણ લે છે. એટલે બની ગયાં હોય ખ્રિસ્તી પણ જાતિના પ્રમાણપત્રમાં આદિવાસી લખાવે. એટલે તેમને શિક્ષણથી માંડીને સરકારી નોકરી સહિતના બધા લાભો પ્રાપ્ત થાય.
આના જ કારણે પૂર્વોત્તરના રાજ્ય નાગાલેન્ડમાં ઓગણિસો અગિયારમાં જે ઈસાઈઓની વસ્તી માત્ર બે ટકા હતી તે બે હજાર અગિયારમાં માં અઠ્ઠાણું ટકા થઈ ગઈ હતી અને મિઝોરમમાં બે ટકામાંથી નેવું ટકા થઈ ગઈ હતી. અને આજે પણ ત્યાં ક્રિશ્ચયનોની સંખ્યા અત્યંત વધુ છે. આથી જાગ્રત આદિવાસી સમાજ ઘણા વરસોથી ડિ-લિસ્ટિંગની માંગ કરી રહ્યો છે. અર્થાત જે લોકો આદિવાસી પરંપરા છોડીને ખ્રિસ્તી મટી જાય એને એસટી તરીકેનો કોઈ જ લાભ ના મળે.
અને એ લડત હવે ધીમે ધીમે રંગ પણ લાવી રહી છે. તાજેતરમાં અલ્હાબાદ હાઈકોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે કે, જો કોઈ વ્યક્તિ હિન્દુ ધર્મ છોડીને ખ્રિસ્તી, ઈસ્લામ કે અન્ય કોઈ પંથ અપનાવે છે, તો તે પોતાની મૂળ જ્ઞાતિનો દરજ્જો ગુમાવી બેસે છે. અદાલતના મતે, ધર્મ પરિવર્તન કર્યા પછી પણ અનુસૂચિત જાતિ કે જનજાતિના નામે અનામતનો લાભ લેવો એ બંધારણ સાથેની છેતરપિંડી છે.
આ ચુકાદો જીતેન્દ્ર સાહની વિરુદ્ધ ઉત્તર પ્રદેશ રાજ્યના કેસમાં આવ્યો છે. ગુજરાત સરકારને આહ્વાન છે કે તે ન્યાયિક ધોરણે ન્યાયાલયના આ ચૂકાદાનો અમલ કરે! જેથી કરીને માંડવી જેવી ઘટનાઓમાં પણ જ્યાં કહેવાતા ધર્માંતરિતો આવા ખેલ કરીને ભલા-ભોળા-પરંપરા નિભાવતા આદિવાસીઓના જીવન બગાડતાં અટકે.
અને છેલ્લે - ‘સ્વ’ધર્મથી મોટો કોઈ ધર્મ નથી…
સુરતના માંડવીમાં જે બન્યું છે એ કોઈ સામાન્ય ઘટના નથી. પરંતુ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ચાલી રહેલું એક મોટું ષડયંત્ર છે. આ ષડયંત્ર આદિવાસીઓના મૂળ અસ્તિત્વ, અસ્મિતા અને તેમની હજારો વર્ષ જૂની સંસ્કૃતિ સામેનો ગંભીર ખતરો છે. દક્ષિણ ગુજરાતમાં ધર્માંતરણનો મુદ્દો હવે અત્યંત જટિલ અને બહુપરિમાણીય બની ગયો છે.
માંડવીની ઘટનાએ મિશનરીઓના ષડયંત્રનો ફરી એક વખત પર્દાફાશ કરી દીધો છે. અને હવે તો આમાં બળાત્કાર જેવો જધન્ય અપરાધ પણ ઉમેરાયો છે. આદિવાસી વિસ્તારોમાં ચાલી રહેલી ગેરકાયદેસર ધર્માંતરણની આ પદ્ધતિસરની પ્રવૃત્તિઓ રોકવા માટે હવે માત્ર કાગળ પરના કાયદાઓ પૂરતા નથી, પરંતુ જમીની સ્તરે લોકજાગૃતિ લાવવી અત્યંત આવશ્યક બની ગઈ છે. અન્યથા આવી અનેક દીકરીઓનું શોષણ થતું રહેશે.
આદિવાસી સમાજના માથેથી પાણી જઈ રહ્યું છે. તે સમય કદાચ દૂર નથી કે આખો આદિવાસી સમાજ ‘ઘર વાપસી’ આંદોલન ચલાવે એટલે કે સ્વધર્મમાં પરત લાવવાના કાર્યક્રમો હાથ ધરવામાં આવે. સમગ્ર સમાજે આ સમસ્યા માટે જાગ્રત થવાની જરૂર છે. ખાસ કરીને ગૃહવિભાગે આવા લેભાગુ - ષડયંત્રકારી મિશનરીઓને, ધર્માંતરણ કરાવનારા એજન્ટોને ખુલ્લા પાડીને તેમને કાયદાકીય રીતે પાઠ ભણાવવાની જરૂર છે.