રાહુલ ગાંધી અને વિદેશી મુલાકાતોનો વિવાદ: રાહુલ ગાંધીને વિદેશી નેતાઓ સાથે મળવા દેવાતા નથી કે પછી વિદેશી નેતાઓ પોતે જ તેમને મળવા માંગતા નથી?

05 Dec 2025 14:44:55

Rahul Gandhi Foreign Visit Row
 
 
ભારતીય રાજકારણમાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ તાજેતરમાં કેન્દ્ર સરકાર પર ગંભીર આરોપ મૂક્યો છે કે મોદી સરકાર તેમની અસુરક્ષાના કારણે વિદેશી મહાનુભાવોને તેમને મળવા દેતી નથી. તેમણે દાવો કર્યો કે અગાઉ અટલ બિહારી વાજપેયી અને મનમોહન સિંહના સમયમાં વિદેશી નેતાઓને વિપક્ષના નેતા સાથે પણ મુલાકાત કરાવવામાં આવતી હતી. જોકે, ભારતીય જનતા પાર્ટી (BJP) અને સરકારી સૂત્રોએ આ આરોપને તથ્યોથી વિપરીત અને પાયાવિહોણો ગણાવીને રાહુલ ગાંધીના દાવાને ફગાવી દીધો છે.
 
રાહુલ ગાંધી આ વિદેશી નેતાઓને મળ્યા છે!
 
સરકારનું કહેવું છે કે છેલ્લા દોઢ વર્ષમાં રાહુલ ગાંધીએ ઓછામાં ઓછા પાંચ વિદેશી નેતાઓ સાથે મુલાકાત કરી છે, જેમાં ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સન, મલેશિયાના પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહિમ, મોરેશિયસના પ્રધાનમંત્રી નવીનચંદ્ર રામગુલામ, બાંગ્લાદેશના પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીના, અને વિયેતનામના પ્રધાનમંત્રીનો સમાવેશ થાય છે. આમાંથી ઘણી મુલાકાતોમાં સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ હાજર રહ્યાં હતાં. આ તથ્યો સ્પષ્ટ કરે છે કે સરકાર તરફથી તેમને વિદેશી મહાનુભાવોને મળવા દેવામાં ન આવતા હોય તેવો આરોપ સાચો નથી. વિદેશી નેતાઓનો કાર્યક્રમ અને વિપક્ષ સાથે મુલાકાત કરવાનો નિર્ણય તેમનો વ્યક્તિગત હોય છે, તેમાં સરકાર કોઈ સૂચના આપતી નથી.
 

Rahul Gandhi Foreign Visit Row 
 
રાહુલ ગાંધી અહીં કેમ હાજર રહેતા નથી?!
 
રાહુલ ગાંધી પર ઉલટો સવાલ એ ઊભો થાય છે કે જે વ્યક્તિ દેશના સર્વોચ્ચ બંધારણીય આયોજનોનું સન્માન નથી કરતી, તે સરકાર પર પોતાની ફરજ ન નિભાવવાનો આરોપ કેવી રીતે લગાવી શકે? કેંદ્ર સરકારના પ્રવક્તાનું કહેવું છે કે એક જવાબદાર વિપક્ષના નેતા તરીકે, રાહુલ ગાંધીની રાષ્ટ્રીય મહત્વના અને બંધારણ સંબંધિત આયોજનોમાં હાજરી અપેક્ષિત હોય છે, પરંતુ તેઓ અનેક મહત્વપૂર્ણ સમારોહમાં ગેરહાજર રહ્યા છે.
 
# તેઓ આ વર્ષે સ્વતંત્રતા દિવસ સમારોહમાં લાલ કિલ્લા પર હાજર રહ્યા નહોતા.
 
# નવા ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણનના શપથ ગ્રહણ સમારોહમાં પણ તેઓ ગેરહાજર રહ્યા હતા.
 
# તાજેતરમાં દેશના નવા પ્રધાન ન્યાયમૂર્તિ (CJI) સૂર્યકાન્તના શપથ ગ્રહણ સમારોહમાં પણ તેમની અનુપસ્થિતિ જોવા મળી હતી.
 
સંસદમાં વિપક્ષના નેતા જેવું મહત્વપૂર્ણ પદ જવાબદારી, પરિપક્વતા અને બંધારણીય પરંપરાઓના પાલનની અપેક્ષા રાખે છે. જોકે, રાહુલ ગાંધીના કાર્ય-વ્યવહારમાં અનિયમિતતા અને જવાબદારીથી દૂર રહેવાનું વલણ જોવા મળે છે. દેશના મહત્વના કાર્યક્રમોમાં રાહુલ ગાંધીની ગેરહાજરી એ સવાલ ઊભો કરે છે કે શું તેઓ ખરેખર તેમની ભૂમિકાને ગંભીરતાથી નિભાવી રહ્યા છે કે માત્ર રાજકીય નિવેદનો કરીને ધ્યાન આકર્ષિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે?
 
વિદેશી નેતાઓની જ મળવા માંગતા નથી!?
 
સરકારી સૂત્રો અને મીડિયા અહેવાલોના મતે, ઘણા વિદેશી નેતાઓ, ખાસ કરીને રશિયા જેવા દેશોના નેતાઓ, રાહુલ ગાંધીને મળવા માટે ઉત્સુક નથી. સૂત્રોનું કહેવું છે કે રશિયા હાલ નાજુક તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે, અને કદાચ તેના નેતાઓ એટલા માટે રાહુલ ગાંધીને મળવા માંગતા નથી કેમ કે તેમણે અનેક વખત બિન-જવાબદાર ટિપ્પણીઓ કરી છે.
 
આનાથી પણ વધુ ગંભીર બાબત એ છે કે રાહુલ ગાંધીએ ઘણીવાર વિદેશી ધરતી પર ભારતની અર્થવ્યવસ્થા અને લોકશાહી વિશે નકારાત્મક વાતો કરી છે. આવા નિવેદનોથી વૈશ્વિક મંચ પર તેમની વિશ્વસનીયતા નબળી પડી છે. જ્યારે ભારત વિશ્વ રાજકારણમાં પોતાની ભૂમિકા વધારી રહ્યું છે, ત્યારે વિપક્ષના નેતાની જવાબદારી વધી જાય છે કે તેઓ વિદેશ નીતિ પર દેશની એકતા અને પરિપક્વતાનો સંદેશ આપે, નહી કે પોતાની જ વાતોથી વિશ્વમાં ભ્રમ ફેલાવે. રાહુલ ગાંધીનો એવો દાવો કે સરકાર વિદેશી મહાનુભાવોને તેમને મળવા દેતી નથી, તે હકીકતમાં સાવ ખોટ્ટો દાવો છે. વિદેશી મહાનુભાવો રાહુલ ગાંધીની છબી અને તેમના બિન-જવાબદાર નિવેદનોના કારણે જ તેમને મળવાનું ટાળી રહ્યા હોય તેવું પણ હોય શકે!?. એક જવાબદાર વિપક્ષી નેતા તરીકે, તેમણે પદની ગરિમા જાળવીને રાષ્ટ્રીય અને બંધારણીય ફરજો નિભાવવી જોઈએ.
Powered By Sangraha 9.0