પુતિનનો ભારત પ્રવાસ: જેમ પુતિન માટે 'રશિયા ફર્સ્ટ' છે, તેમ નરેન્દ્ર મોદી માટે 'ઈન્ડિયા ફર્સ્ટ' છે
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના ભારત પ્રવસથી વૈશ્વિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. હાલ સમગ્ર વિશ્વની નજર વ્લાદિમીર પુતિન અને ભારત પર છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની આ મુલાકાતે પશ્ચિમી દેશોમાં ભારે ચર્ચા જગાવી છે. યુક્રેન યુદ્ધ અને પશ્ચિમી દેશોના પ્રતિબંધો વચ્ચે પુતિનનું ભારત આવવું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેમનું રેડ-કાર્પેટ સ્વાગત કરવું એ શું છે? એ બદલાતી વૈશ્વિક વ્યવસ્થાનો સ્પષ્ટ સંકેત છે. આ વિશે ચર્ચા કરીએ એ પહેલા આવો જાણીએ પુતિન કોણ છે? રશિયાના રાષ્ટ્રપતિની સંઘર્ષની કહાની પણ જાણવા જેવી છે!
કોણ છે વ્લાદિમીર પુતિન?
પશ્ચિમી જગત પુતિનને ભલે ગમે તે નજરે જોતું હોય, પરંતુ તેમનું વ્યક્તિત્વ અને જીવન સંઘર્ષની એક અનોખી હકાની છે. પુતિન, જેને તેમના નિકટના વર્તુળોમાં 'વલોદ્યા' તરીકે ઓળખવામાં આવે છે, તે બીજા વિશ્વયુદ્ધના યોદ્ધાના પુત્ર છે. લેનિનગ્રાડ (આજનું સેન્ટ પીટર્સબર્ગ)ના એક સાધારણ એપાર્ટમેન્ટથી ક્રેમલિનના પ્રમુખપદ સુધીની તેમની સફર અદભુત રહી છે. કાયદાનો અભ્યાસ કર્યા બાદ તેઓ રશિયાની જાસૂસી સંસ્થા KGBમાં જોડાયા હતા. તેઓ એક કટ્ટર રાષ્ટ્રવાદી છે, જેમના માટે દેશનું હિત જ સર્વોપરી છે.
જ્યારે સોવિયત સંઘનું પતન થયું ત્યારે પુતિનને સૌથી વધારે દુઃખ થયું હતું. ૧૯૯૯માં જ્યારે બોરિસ યેલ્તસિને સત્તા છોડી ત્યારે તેમણે પુતિનને કહ્યું હતું, "વલોદ્યા! રશિયાનું ધ્યાન રાખજે." તે સમયે રશિયા તૂટવાની અણી પર હતું, પરંતુ પુતિને ચેચન્યા અને દાગિસ્તાનમાં આતંકવાદને ડામીને દેશની અખંડિતતા જાળવી રાખી. પુતિન માને છે કે લોકશાહી કે વ્યક્તિગત સ્વતંત્રતા પછી આવે છે, પહેલા રાજ્ય આવે છે. આ જ માનસિકતાએ પુતિનને પશ્ચિમના દબાણ સામે અડીખમ રાખ્યા છે.
પુતિન ભારત આવે એ કોને ન ગમે!?
પુતિનની આ ભારત મુલાકાતથી યુરોપ અને પશ્ચિમી દેશો ખુશ નથી. નાખુશીનું કારણ યુક્રેન યુદ્ધ છે. યુરોપ માને છે કે ભારત જેવા લોકશાહી દેશે પુતિનનું આટલું ભવ્ય સ્વાગત ન કરવું જોઈએ, કારણ કે પુતિન પર યુદ્ધ કરાવવાનો આરોપ છે. જોકે, યુરોપની આ નારાજગી પાછળ એક ડર પણ દેખાઈ રહ્યો છે. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની સત્તામાં વાપસી અને તેમની અસ્થિર નીતિઓને કારણે યુરોપ આખું ચિતામાં છે. તેમને ડર છે કે ક્યાંક અમેરિકા યુક્રેનને મદદ કરવાનું બંધ ન કરી દે. આવા સમયે, ભારત અને રશિયા વચ્ચે વધતા ગાઢ સંબંધ પશ્ચિમી જૂથોની ચિંતામાં વધારો કરે છે. આ મુલાકાતથી પુતિનને પ્ણ એક મોટી રાજકીય જીત મળી છે, જીત કેમ? કેમ કે પુતિન પર પશ્ચિમી પ્રતિબંધો છતાં તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે એકલા નથી તેવું તેમની આ ભારત મુલાકાત સાબિત કરે છે. આ દેશોને તેમણે સંદેસ આપ્યો છે જે જુવો ભારત પણ અમારી સાથે છે!
ભારત માટે આ મુલાકાત મહત્વની છે….
ભારત માટે પણ પુતિનની આ મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ છે. છેલ્લા ૨૫ વર્ષથી ભારતની વિદેશ નીતિ સ્થિર કહી શકાય તેવી હતી, પરંતુ હવે ટ્રમ્પ અને તેની નીતિઓના કારણે અમેરિકા સાથેના સંબંધોમાં થોડી અનિશ્ચિતતા આવી છે. ટ્રમ્પ શાસનમાં ભારત પર આર્થિક ટેરિફનો બોજ વધવાની શક્યતા છે. આવા સમયે રશિયા સાથેના સંબંધો ભારતને એક મજબૂત વિકલ્પ પૂરો પાડે છે. આ મુલાકાત દરમિયાન ભારત અને રશિયા વચ્ચે ભવિષ્ય માટે મહત્વની સમજૂતીઓ થઈ છે: જે આ રહી…
૧. આર્થિક વિઝન ૨૦૩૦:
બંને દેશોએ વર્ષ ૨૦૩૦ સુધીમાં ૧૦૦ અબજ ડોલરના દ્વિપક્ષીય વ્યાપારનો લક્ષ્યાંક રાખ્યો છે.
૨. પરમાણુ ઉર્જા:
રશિયાએ ભારતમાં નાના મોડ્યુલર રિએક્ટર (SMR) અને ફ્લોટિંગ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ્સ સ્થાપવા માટે સહયોગની તૈયારી દર્શાવી છે.
૩. સંરક્ષણ:
ભારત હજુ પણ રશિયન શસ્ત્રો અને S-400 જેવી સિસ્ટમ પર નિર્ભર છે. રશિયા એકમાત્ર એવો દેશ છે જે પરમાણુ સબમરીન જેવી સંવેદનશીલ ટેકનોલોજી ભારત સાથે શેર કરે છે.
ચીનની પ્રતિક્રિયા
ચીન આ મુલાકાતને મિશ્ર પ્રતિભાવથી જુએ છે. એક તરફ, ચીનના વિશ્લેષકો માને છે કે ભારત-રશિયાની ભાગીદારી ચીનના હિતોને નુકસાન પહોંચાડી શકે છે કારણ કે તેનાથી ભારતીય સેના વધુ મજબૂત થશે. બીજી તરફ, ચીનને એ વાતનો સંતોષ પણ હોઈ શકે છે કે જો ભારત રશિયાની નજીક જશે, તો તે અમેરિકાના પ્રભાવથી દૂર રહેશે અને અમેરિકાની 'ચીન વિરોધી ઘેરાબંધી' નબળી પડશે. જોકે, ભારતે સ્પષ્ટ રહેવું પડશે! ચીન પર ભરોશો કરવો ભારત માટે યોગ્ય નથી!
અને છેલ્લે…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મુલાકાત દ્વારા વિશ્વને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે દુનિયા બદલાઈ રહી છે અને હવે કોઈ એક દેશનું વર્ચસ્વ નહીં ચાલે. ભારતે સાબિત કર્યું છે કે તે કોઈ જૂથમાં બંધાયેલું નથી. ભારત યુક્રેન મુદ્દે પણ શાંતિના પક્ષમાં છે. પુતિનની આ મુલાકાતે સાબિત કર્યું છે કે ભારત પોતાની શરતો પર, પોતાના રાષ્ટ્રીય હિતોને ધ્યાનમાં રાખીને આગળ વધશે. જેમ પુતિન માટે 'રશિયા ફર્સ્ટ' છે, તેમ નરેન્દ્ર મોદી માટે 'ઈન્ડિયા ફર્સ્ટ' છે, અને આ જ સમાનતા બંને નેતાઓને એકબીજા સાથે જોડે છે.