તંત્રીસ્થાનેથી | કોઈ દેશદ્રોહી નહીં, પાકા દેશભક્ત છીએ, SIR-પ્રક્રિયા પૂર્ણ કરી, સૌને પ્રેરિત કરીએ, સ્વયં મતદાર બની, સૌને પણ બનાવીએ

08 Dec 2025 18:45:51



એરપોર્ટમાં, વિમાનમાં એક પણ અજાણી વ્યક્તિ ઘૂસી જાય તો? મોટી હો-હા મચી જાય.‌ આવું કેમ? VIP સુરક્ષા! વાસ્તવમાં સમગ્ર દેશ આ સંવેદના સાથે સુરક્ષિત બનવો-હોવો જોઈએ.‌ આવી એક આગવી પહેલ એટલે ‘SIR’. આ ‘SIR’ નામક શુદ્ધિકરણ રંગ લાવી રહ્યું છે. ભૂતિયા મતદારોવાળી વગર ડાકલે ધૂણતી મતદારયાદીઓ હવે ભૂતમુક્ત થવા જઈ રહી છે. થોકબંધ રીતે અંકે કરાતા ભૂતિયા વૉટના કારોબારનો બારોબાર છેદ ઊડવા જઈ રહ્યો છે.‌ તેમ છતાં ‘SIR’ના અંધાધુંધ અને આંધળા વિરોધમાં હો-હા, રો-કકળને કાળો કકળાટ કરી મૂકવાવાળાં તત્વોની એક દેશવ્યાપી ગેંગ જબરજસ્ત રીતે સક્રિય છે.

ઉપરોક્ત તત્વોના પ્રકાર અનેક, કરતૂતો પણ અનેક છે, પરંતુ તેનું પરિણામ એક જ છે : દેશનું નબળું પડવું. આ તત્વોની યાદી બનાવીએ.. ૧) સરહદપારથી બાંગ્લાદેશી/રોહિંગ્યા મુસ્લિમ ઘૂસણખોરોની તરફદારી કરનારાં, પાળનાર-પોષનાર કટ્ટર તત્વો, ૨) પાકિસ્તાનતરફી ગદ્દાર તત્વો, ૩) અર્બન નક્સલ સહિતનાં નક્સલવાદી તત્વો, ૪) ચીનનાં એજન્ટ તત્વો, ૫) ‘भारत तेरे टूकडे होंगे’ નારો લગાવવાવાળાં તત્વો, ૬) ‘घर घर से (પહેલાં) अफ़ज़ल અને હવે हिडमा निकलेगा’ જેવાં સૂત્રો પોકારતાં તત્વો, ૭) લવજેહાદ/લેન્ડજેહાદ/થૂંકજેહાદ જેવાં બહુરૂપી જેહાદી તત્વો, ૮) પોતાની મઝહબી-રિલિજીયસ-સાંપ્રદાયિક મન-મરજીઓને સંવિધાનનાં મૂલ્યોથી ય ઉપર માનવાવાળાં તત્વો, ૯) સનાતન કાળથી ચાલી આવી રહેલ રાષ્ટ્રીય ગૌરવ-સ્વાભિમાન-સંસ્કાર-સભ્યતા-સંસ્કૃતિ-પરંપરાઓનાં ઘોર વિરોધી તત્વો, ૧૦) સર્વોચ્ચ ન્યાયાલયે બાબરી ઢાંચાના સ્થાને શ્રીરામમંદિર બનાવવાનો નિર્ણય કર્યા પછી પણ આક્રાંતા બાબરની યાદમાં બાબરી બનાવવાનાં સ્વપ્નો જોનારાં તત્વો, ૧૧) હલાલના બોગસ સર્ટિફિકેશનના નામે દેશમાં સમાંતર અર્થતંત્ર ઉભું કરવાવાળાં તત્વો, ૧૨) આપણા સંવિધાનમાં જેમના જીવનના પ્રેરક પ્રસંગોનાં ચિત્રોનો સમાવેશ છે, એવા શ્રીરામ-શ્રીકૃષ્ણનાં વિરોધી કટ્ટર તત્વો, ૧૩) આપણા પરમ દિવ્ય રાષ્ટ્ર ગાન ‘वंदे मातरम्’નાં કટ્ટર વિરોધી તત્વો, ૧૪) વગેરે વગેરે.. યાદી મોટી છે.

ઉપરોક્ત તત્વોથી ઉભરાતી જે જમાત/ટોળકી/ગેંગ-લીગ-ઈકોસીસ્ટમ પહેલા જ દિવસથી ‘SIR’નો પૂરી કટ્ટરતાથી વિરોધ કરી રહી છે, પરંતુ ‘SIR’નો એક પણ વિરોધી એવો નહીં મળે, જેણે ‘SIR’ની કાર્યવાહી હાથ નહીં ધરી હોય. આ બધાં જ તત્વો ચૂપચાપ રીતે ખાનગીમાં ‘SIR’નાં ફોર્મ ભરવામાં પણ લાગી ગયાં છે, કથની ને કરણીમાં આ અંતર કેમ...??? બસ આ જ ખાસ સમજવા જેવું છે. એ તત્વો સતત વિરોધ દ્વારા ‘SIR’ને વગોવીને, તેની નકારાત્મક છાપ ઊભી કરીને ‘SIR’ની વિરુદ્ધ અરાજકતા ફેલાવીને લોકોને ઉશ્કેરી રહ્યાં છે, જેથી કેટલોક આપણો ભોળો સમાજ ‘SIR’ પ્રત્યે ધૃણા કરતો થઈ જાય. અંતે આપણા આવા સમાજનો એક હિસ્સો વૉટથી સાવ વંચિત થઈ જાય, એવી એ તત્વોની ગંદી ચાલ છે.‌ એ તત્વોના પોતાના તમામ વૉટ સલામત રહે અને આપણા વૉટ કપાય, જેથી એ તત્વોનો રાજકીય દબદબો જળવાઈ રહે. વસ્તીવધારાની જેમ વૉટવધારામાં ય સૌની આગળ રહેવાની ‘ઉધઈ-યોજના’ સમજાય છે ને?

આપણે વ્યક્તિ છીએ, કારણ કે વ્યક્ત થઈ શકીએ છીએ. લોકતંત્રમાં વ્યક્ત થવા માટે પોતાનો મત (વૉટ) આપવો પડે. અને વૉટ આપવા માટે ‘SIR’ હેઠળનાં લાગુ પડતાં ફોર્મ ભરીને મતદાતા રહેવું પડે.. થવું પડે.. આપણા સૌના વૉટ થકી ટકેલા લોકતંત્રથી જ ‘ઑપરેશન સિંદૂર’ શક્ય છે. આપણું લોકતંત્ર; દેશરક્ષા માટે ક્યારેય એમ નથી કહેવાનું કે, જાઓ તમે યુદ્ધના મોરચે સરહદ પર બલિદાન થઈ જાઓ. લોકતંત્ર તો એટલું જ કહે છે કે, સૌ વૉટ આપો. આ લઘુત્તમ ફરજ ન બજાવવી એ લોકતંત્ર સાથે ગદ્દારી છે, અપરાધ છે, દેશનો દ્રોહ છે. જુઓને ચૂંટણીઓમાં માત્ર એક જ વૉટના આધારે જીત હારમાં પલટાઈ ગઈ હોય તેવાં કેટલાં બધાં ઉદાહરણો છે!

માટે.. ચાલો.. રાષ્ટ્રકર્તવ્ય નીભાવીએ. ‘SIR’ માટે સંવેદના જગાવીએ. ચાલો ચકાસી લઈએ કે, આપણે પોતે, પોત-પોતાના પરિવારે, પોત-પોતાનાં પાડોશીઓએ, પોત-પોતાનાં મિત્રોએ-સગાંએ-વ્હાલાંએ-સંબંધીઓએ અને પોત-પોતાના નોકરી-ધંધાના ભાવ-પ્રભાવ ક્ષેત્રમાં આવતાં સૌએ ‘SIR’ હેઠળનાં લાગુ પડતાં ફોર્મ ભરી તો દીધાં છે ને...???

Powered By Sangraha 9.0