યુવા સંવાદ ।   અયોધ્યાથી ગુંજ્યો નવો નારો: ૨૦૩૫ સુધીમાં ભારતમાંથી ‘મેકોલે વાયરસ’ કેવી રીતે નાબૂદ થશે?

08 Dec 2025 19:09:05




મેકોલે-માનસિકતાથી મુક્તિ...

‘નમસ્તે, મહોદય..’

‘નમસ્તે…’

‘આજે તો બહુ જ મજા આવી. ભગવાન શ્રીરામની જન્મભૂમિ અયોધ્યામાં ભવ્ય રામમંદિર પર ધ્વજારોહણનો જે કાર્યક્રમ હતો એ ઓનલાઇન જોયો…’

‘બહુ સરસ કહેવાય. આપણા દેશમાં હવે ટેકનોલોજીની મદદથી આપણે દેશના અગત્યના બધા પ્રસંગોમાં હાજર રહી શકીએ છીએ. આ ટેકનોલોજી આપણને હિન્દુ સમાજના સંગઠનને મજબૂત કરવા માટે ઉપયોગી થઈ શકે એમ છે.’

‘એ કેવી રીતે?’

‘તમે જ વિચારો.. અયોધ્યા નગરમાં પહોંચવાની અને ત્યાં પરિસરમાં બેસવાની સંખ્યા હંમેશા મર્યાદિત જ રહેવાની… !! આવા ખૂબ જ અગત્યના રાષ્ટ્રીય મહત્વના કાર્યક્રમનું જીવંત પ્રસારણ થાય તો ગામડે ગામડે એટલે કે દેશના ખૂણે ખૂણે નાગરિકો આવા કાર્યક્રમને માણી શકે. આવા કાર્યક્રમોનું પ્રતીકાત્મક મૂલ્ય ખૂબ હોય છે. એનો એક સંદેશ હોય છે, એની એક ધાર્મિક મહત્તા પણ હોય છે.’

‘સાચી વાત છે, ટેકનોલોજીને કારણે જાણે કે આપણે અયોધ્યામાં જોઈએ એ રીતે આ ધ્વજારોહણ કાર્યક્રમ જોયો.’

‘આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને વ્હોટસએપ જૂથોની રચના કરીને આપણે આપણો સંદેશ કેવી રીતે પહોંચાડવો એના માટે મહેનત કરવી જોઈએ…’

‘મહોદય, આ કાર્યક્રમમાં માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એવું કહ્યું કે હવેનાં દશ વર્ષમાં એટલે કે ૨૦૩૫ સુધીમાં ‘મેકોલેનાં મૂળિયાં’ આ દેશમાંથી આપણે કાઢવા જોઈએ.’

‘આનો અર્થ શું કરીશું?’

‘જુઓ, થોમસ મેકોલે અંગ્રેજોના ઉચ્ચ પદાધિકારી હતા અને એમણે અહીં અંગ્રેજોના શાસનમાં કેવી રીતે ભારતને લાંબા સમય સુધી ગુલામ રાખી શકાય એની યોજના બનાવી હતી. એમનું પ્રખ્યાત વાક્ય છે કે ‘ભલે દેખાવે ભારતીય લાગે પણ મનથી અને વિચારોથી એ અંગ્રેજી માનસિકતા ધરાવતા હોય એવા લોકોને તૈયાર કરવા માટે શિક્ષણ આપવું જોઈએ.’ આ શિક્ષણ એટલે કે આપણી કેટલીક શિક્ષણ પદ્ધતિની ખામીઓ છે તે આ મેકોલે નીતિનું પરિણામ છે…’

‘પરંતુ હવે તો નવી એટલે કે રાષ્ટ્રીય શિક્ષણનીતિ આવેલી છે..’

‘હા, એ વાત સાચી છે પણ એનો અમલ કરવા માટે દરેક રાજ્ય અને દરેક શાળા અને દરેક યુનિવર્સિટીએ ખૂબ મહેનત કરવી જોઈએ.’
‘વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ એક સરસ વાત કરી. અમે અંગ્રેજીના વિરોધમાં નથી પણ ભારતીય ભાષાઓના સમર્થનમાં છીએ. આ વાત સમજીએ તો પણ બહુ ફાયદો થઈ શકે એમ છે.’

‘જુઓ, સમાજ ઉપર દૃષ્ટિ ફેરવશો તો ખબર પડશે કે ભારતીય ભાષાઓની બહુ ઉપેક્ષા થઈ રહી છે. આજે ગુજરાતી માધ્યમની શાળાઓ બંધ થઈ રહી છે. ગુજરાતી એ ભારતીય ભાષાઓમાં બહુ અગત્યની ભાષા છે. આખા વિશ્વમાં ૮થી ૧૦ કરોડ લોકો આ ભાષા બોલે છે. પણ જો આપણે શિક્ષણ એ ભાષામાં નહીં આપીએ તો ધીરે ધીરે નવી પેઢી આ ભાષાથી દૂર થતી જશે. આ ભાષાથી નવી પેઢી દૂર થાય એટલે એનાં ગીતોથી દૂર થાય, એના રિવાજોથી દૂર થાય, એની બોલીઓથી દૂર થાય, એની કહેવતોથી દૂર થાય…’

‘સાચી વાત છે, ઘણી વખત તો આપણે ગુજરાતીમાં વાત કરતા હોઈએ અથવા ગુજરાતીમાં વહેવાર કરતા હોઈએ તો પછાત છીએ એવી લાગણી કેટલાક લોકો દર્શાવતા હોય છે…’

‘બિલકુલ સાચી વાત કરી. મેકોલે માનસિકતાનાં અનેક રૂપ છે, એ ભાષાના અણગમાથી શરૂ કરી અને વાણી વર્તનમાં બીજી વ્યક્તિને અથવા બીજા નાગરિકને ઊતરતા ગણવા એવો પણ એક દંભાચાર ચાલે છે…’

‘કોર્ટમાં પણ સ્થાનિક ભાષાનો ઉપયોગ કરવો જોઈએ…’

‘હા, ગાયકવાડ સરકારમાં ગાયકવાડે પોતે આગ્રહ રાખેલો કે, ન્યાયમંદિર વડોદરામાં થતા ન્યાયને ગુજરાતીમાં અભિવ્યક્ત કરવો, કારણ કે અસીલને ખબર પડવી જોઈએ કે, એના વકીલે કઈ દલીલો કરી છે, અને કોઈ પણ અરજદારને ખબર પડવી જોઈએ કે, એના વિવાદનો અંત કયા કારણોસર એની તરફેણમાં અથવા એની વિરુદ્ધમાં ગયો છે.’

‘આ ઉપરાંત આયુર્વેદ જેવા ભારતીય પદ્ધતિથી વિકસાવેલ આરોગ્ય અંગેના જ્ઞાનને પણ સ્વીકારવું જોઈએ…’

‘જેમ આખા વિશ્વમાં યોગની સ્વીકૃતિ થઈ છે, એવી જ રીતે આયુર્વેદની, આપણા શાસ્ત્રોમાં આવતા સ્થાપત્ય વિદ્યાના સિદ્ધાંતો, વ્યવસ્થાપનના સિદ્ધાંતો અને કૌટિલ્યના અર્થશાસ્ત્ર જેવા અનેક ગ્રંથો એનો અભ્યાસ યુવાનોને કરવા દેવો જોઈએ’

‘જો યુવાનોને આ બધા વિષયોમાં ભારતીયની કાબેલિયતનો ખ્યાલ આવે તો એમને ભારત માટે ગૌરવ વધે…’

‘આપણો હેતુ પણ એવો જ હોવો જોઈએ… ગૌરવ ખાતર ગૌરવ નહીં, પણ જે બાબતમાં ભારતનું જ્ઞાન અથવા પરંપરા શ્રેષ્ઠ હોય એનો સ્વીકાર કરવાનો અને વિશ્વ સમજે એ ભાષામાં એને રજૂ પણ કરવાનું… આપણે માત્ર ગૌરવ અનુભવવાનું એવું નહીં. મને લાગે છે કે, તમારા જેવા યુવાનોએ આ બધા વિષયમાં થોડું અનુસંધાન એટલે કે સંશોધન કરવું જોઈએ. મૂળ ગ્રંથો સુધી જવું જોઈએ. કોઈ કહે માટે આપણે માની લેવું અથવા આપણે કહેવું કે અમે આમાં સૌથી શ્રેષ્ઠ છીએ, એના બદલે આપણે જાતે જ અભ્યાસ કરી આપણી વાત મૂકવી જોઈએ. જો યુવાનો આવું કરશે તો મને વિશ્વાસ છે કે આ મેકોલે નામનો વાયરસ ધીરે ધીરે ભારતમાંથી સંપૂર્ણ નેસ્તનાબૂદ થઈ શકશે.’

‘જી…’

‘એક વાત નક્કી કરો કે અઠવાડિયામાં કશુંક તો એવું વાંચવું જ જેમાં મૂળ ભારતની વાત, ભારતીયની વાત થઈ હોય.. આટલું કરશો તો પણ ઘણું બધું કરી શકશો…..’





Powered By Sangraha 9.0