તંત્રીસ્થાનેથી । યુદ્ધ પહેલાં સતત પરસેવો પાડનારાઓનું યુદ્ધ વખતે લોહી રેડાતું બચી જાય છે

સક્ષમ-સમર્થ રાષ્ટ્રના નિર્માણ માટે એક સામાન્ય વ્યક્તિની અય્યાસી-આળસ-આડોડાઈ પણ નુકસાન પહોંચાડી દે છે, પણ અહીં તો..!

    ૦૧-ફેબ્રુઆરી-૨૦૨૫   
કુલ દૃશ્યો |

paramvir chakra
 
 
પોતાની પરિસ્થિતિ (પ્રકૃતિ, તાકાત અને તપશ્ચર્યા)નો વિચાર કર્યા વિના અન્ય દેશો સાથે સરખામણી કરવાના રવાડે ચઢવું, નીતિઓના નામે નરી નકામી-નિરર્થક ચર્ચાઓ કર્યે રાખવી. આવું કરવાથી કોઈ રાષ્ટ્રનું ક્યારેય ભલું થયું નથી.
 
ભાદરવાના ભારે વરસાદ પછી ચારેકોર સુંદર ઘાસ પથરાયેલું જોઈને જંગલી ગધેડાનું કહેવું હતું કે, `આ લીલુંછમ ઘાસ લાલ રંગનું છે.' ખાઉધરા વરુનું કહેવું હતું કે, `ના.. લીલુંછમ ઘાસ લીલા રંગનું છે.' બંને આમને-સામને આવી ગયાં. વરુએ કહ્યું, `હું ય અડધું-પડધુ તો કમ્યુનિષ્ટ્ર છું જ, પણ એનો મતલબ એવો થોડો થાય કે, ઘાસને પણ લાલ કહીં દઉં!' બંને જીદે ચઢી ગયાં. આખા જંગલમાં ચર્ચા ચગડોળે ચઢી. મામલો સિંહ સુધી પહોંચ્યો. સિંહે વરુને તડીપારનો હુકમ કર્યો. બધાં પ્રાણીઓએ દબાયેલા અવાજે કહ્યું, `આ તો ખોટો ન્યાય છે.' સિંહે કહ્યું, `આ જ સાચો ન્યાય છે. બુદ્ધિ વગરના ગધેડાની સાથે ચર્ચા કરવી એ જ સૌથી મોટો ગુનો બને છે. આવી સામાન્ય સમજણ ન હોય અને ગધેડા સાથે ચર્ચા કરવા બેસી જાય, પોતાનો સમય બગાડે અને છેલ્લે મારો ય સમય બગાડે તે બદલ સબક તો શિખવાડવો જ પડે. અને તેથી વરુને તડીપારનો હુકમ કર્યો છે.'
 
નરી નકામી-નિરર્થક ચર્ચાઓથી અને આડંબરોથી લદાયેલી વિદેશનીતિથી દેશનાં વર્ષોનાં વર્ષો બગાડનારાઓને એક હદ સુધી લોકો ચલાવે છે, પરંતુ તેમાં અતિ થતાં સિંહગર્જના સાથે જનતા રસ્તો દેખાડી દેતી હોય છે.
 
સ્વતંત્રતા રાષ્ટ્રને મળી છે. સ્વતંત્રતા મેળવનાર રાષ્ટ્ર છે, કોઈ વ્યક્તિ, પરિવાર-પેઢી કે પક્ષ નહીં. એનો અર્થ એ થાય કે, રાષ્ટ્રના ભોગે સ્વતંત્રતાના નામે મનમાનીને સ્થાન ન હોઈ શકે. જેમાં રાષ્ટીયતા નંદવાતી હોય; તેવી કોઈ પણ વ્યક્તિની કે કોઈ પરિવાર-પેઢીની કે કોઈ પક્ષની સ્વતંત્રતા; તે સ્વચ્છંદતા છે. આવી પ્રત્યેક સ્વચ્છંદતા રાષ્ટ્ર પ્રત્યેનો સોફ્ટ દ્રોહ છે.
 
આજથી ૬૨ વર્ષ પહેલાંની વાત છે. ૨૭ જાન્યુ.-૧૯૬૩ના રોજ નવી દિલ્હીના નેશનલ સ્ટેડિયમમાં આયોજિત ત્યારના વડાપ્રધાન નહેરુની હાજરીમાં સુશ્રી લતા મંગેશકરે હૃદયદ્રાવક સ્વરોમાં- કવિ પ્રદીપનું લખેલું ગીત “ऐ मेरे वतन के लोगों..” ગાયું ત્યારે નહેરુજીની સામે ૧૯૬૨ના ભારત-ચીન યુદ્ધની એ ગમખ્વાર પળો તરવરી ઉઠી. આ એ પળો હતી જ્યારે મહાન ભારતે અસહ્ય હારની નાલેશીનો સામનો કરવો પડેલો. આ હાર ૧૯૫૮થી શરૂ થયેલી, જ્યારથી ચીને ભારતની ભૂમિ હડપવાનું શરૂ કરેલું, જેની જાણ આપણી સંસદને ય ત્યારે પણ હતી!
 
આ યુદ્ધ પહેલાંના ‘हिन्दी चीनी भाई-भाई’વાળો નહેરુનારો સાંભળીને અનેક ગણમાન્ય લોકોએ જવાહરલાલ નહેરુને ચીનથી ચેતવ્યા હતા, તેમાંના એક હતા રા. સ્વ. સંઘના પ. પૂ. સરસંઘચાલક શ્રી ગુરુજી. એટલું જ નહિ સરદાર પટેલે આ સંસારથી વિદાય લીધી તે પહેલાં પણ નહેરૂજીને ચેતવ્યા હતા. છતાં પોતાની મગરૂરીમાં રાચવાની, મનમાની કરવાની હઠને કારણે તેઓ ચીનને ઓળખવામાં થાપ ખાઈ ગયા હતા. ભારતે કારમી હાર વેઠવી પડેલી. કવિ પ્રદીપજીનું આ ગીત સાંભળીને, તેમની આંખોમાં આંસું વહ્યાં હતાં. જે નેતા પોતાના જવાનોના લોહીની કિંમત નથી સમજી શકતો તેના ભાગ્યમાં આંસુ સિવાય બીજું શું હોવાનું? સાથે સાથે આખું રાષ્ટ્ર પણ આંખ ઉંચી કરીને કોઈની સાથે નજર મિલાવી નહોતું શકતું.
 
સક્ષમ-સમર્થ રાષ્ટ્રના નિર્માણ માટે એક સામાન્ય વ્યક્તિની અય્યાસી-આળસ-આડોડાઈ પણ નુકસાન પહોંચાડી દે છે, પણ અહીં તો..! તેથી જ સક્ષમ-સમર્થ બનવા માગતા સૌ કોઇ માટે મંત્ર-સૂત્ર એ છે કે, `કઠોર પરિશ્રમનો કોઇ વિકલ્પ નથી.' રાષ્ટ્રને સક્ષમ-સમર્થ બનાવવા મથતા નેતૃત્વ માટે પણ મંત્ર-સૂત્ર છે કે, `યુદ્ધ પહેલાં સતત પરસેવો પાડનારાઓનું યુદ્ધ વખતે લોહી રેડાતું બચી જાય છે.' પરમવીર ચક્રથી સન્માનિત કરવાની પરંપરાનાં ૭૫ વર્ષ પૂર્ણ થવાના પડાવ પર એ ૨૧ સર્વોચ્ચ શૌર્યવીરોને શત શત નમન.
 

શ્રી ભાનુભાઈ ચૌહાણ

ભાનુભાઈ ચૌહાણ ‘સાધના’ સાપ્તાહિકના તંત્રીશ્રી તથા ટ્રસ્ટ્રીશ્રી છે. તેમણે "એલ.ડી. એન્જિનિયરિંગ" કોલેજમાંથી બી.ઈ.(સિવિલ) નો અભ્યાસ કર્યો છે તથા "સેપ્ટ યુનિવર્સિટી - અમદાવાદ"માંથી અર્બન એન્ડ રીજીયોનલ પ્લાનિંગમાં એમ. ટેક. કર્યુ છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ડાયરેક્ટર તરીકે પણ તેમણે જવાબદારી નિભાવી છે. રા.સ્વ.સંઘમાં તેઓ કર્ણાવતી મહાનગરના સહ કાર્યવાહ તથા ગુજરાત પ્રાંતના કાર્યકારીણી સદસ્ય છે. તેમણે કર્ણાવતી કો. ઓપ. બેંક તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડમાં ડિરેક્ટરનું દાયિત્વ સંભાળ્યું છે. તેઓ વિચારક અને લેખક છે. સાધનામાં "અવલોકન" અને "વિચારવિમર્શ" શીર્ષક હેઠળ વિવિધ વિચારપ્રેરક લેખો તેઓ નિયમિત લખે છે.